સમયચક્ર : ભારતમાં તમાકુનું આગમન અને ધુમ્રપાન

સ્ત્રીઓના પ્રમાણમાં પુરુષોને નશીલા પદાર્થોનું ખેંચાણ વધારે જોવા મળે છે. મગજના રસાયણોને ઉતેજિત કરતા અનેક વનસ્પતિજન્ય પદાર્થોમાં તમાકુના છોડનો ધુમાડો શ્વાસમાં ભવાની ટેવ જગતના મોટાભાગના દેશોમાં જોવા મળે છે. જોકે તમાકુના છોડમાં રહેલા માદક પદાર્થની શોધને ચાર થી પાંચ હજાર વર્ષો થયાં છે પણ ધુમ્રપાન પ્રચલિત થયાને પાંચસો વર્ષો માંડ થયા છે. જ્યારથી ધુમ્રપાનની શરુઆત થઈ ત્યારથી તેનો વિરોધ થતો રહ્યો છે. તેમ છતાં આજની તારીખે એક પણ દેશની રાજસત્તા પોતાના દેશને સંપૂર્ણ ધુમ્રપાન રહિત કરી શકી નથી. તેનું કારણ તમાકુના ઉત્પાદન અને તેના વેચાણમાંથી થતી આવક છે. ભારતમાં ધુમ્રપાનનો પહેલો વિરોધ કરનાર મોગલ રાજા જહાંગીર હતા.

માવજી મહેશ્વરી

અમુક બાબતોનો ક્રમબધ્ધ ઇતિહાસ હોતો નથી. વિવિધ જાતના કેફી પદાર્થોના ચલણનો ઈતિહાસ પણ કંઈક એવો જ છે. વર્તમાન તબીબી જગત જેની ચર્ચા વારંવાર કરી રહ્યું છે તે તમાકુના વિવિધ પ્રકારે થતા ઉપયોગ ક્યારે શરુ થયા, કોણે કર્યા તેની કોઈ આધારભૂત તવારીખ નથી. હોઈ પણ ન શકે. કેમ કે વ્યવ્સાયિક ધોરણે કોઈ ઉત્પાદન શરુ થાય તે પહેલા પ્રાયોગિક ધોરણે સામાન્ય માણસોમાં તેનો ઉપયોગ થતો રહ્યો હોય છે. તમાકુ એક એવી વનસ્પતિ છે જેનો નશા સિવાય કશો જ ઉપયોગ થતો નથી. જોકે તેના કેટલાક પ્રયોગો દવા તરીકે થયા છે પરંતુ સાર્વજનિક રીતે એ માન્ય નથી રહ્યા. જેમ કે તમાકુનો ઉપયોગ દાંત અને કાનના દર્દ નિવારવા થાયો છે. હજુય થતો હશે પરંતુ તે એક દવા તરીકે માન્ય નથી રહ્યો. કેટલિક આદિજાતિઓ સાપના ઝેરને ઉતારવા તમાકુના રસનો ઉપયોગ કરતી હોવાનું જાણવા મળે છે. તો કેટલાક વિસ્તારોમાં કૂતરુ કરડ્યુ હોય ત્યારે તમાકુનો ઉપયોગ કરે છે. પરંતુ સામાન્યતયા એ બધા અવૈજ્ઞાનિક તરીકા છે. વર્તમાન સમયમાં તમાકુની ખેતી ફક્ત અને ફક્ત મોઢા દ્વારા અને ફેફસા દ્વારા શરીરને નશાકારક રસાયણો પૂરા પાડવાના ઉત્પાદન માટે જ થાય છે. અહીં એ નોંધવું જોઈએ કે ભારતની સભ્યતા હંમેશા નશીલા પદાર્થોથી દૂર રહી છે. તેમ છતાં ભારત તમાકુની ખેતીમાં વિશ્વનો ત્રીજા ક્રમનો દેશ છે. ભારત જ નહીં વિશ્વના અનેક દેશોએ તમાકુના ઉત્પાદન અને તેના જાહેર ઉપયોગ સામે સતત દેખાવો કર્યા છે. તેમ છતાં માત્ર પાંચસો વર્ષોમાં તમાકુનો ધુમાડો દુનિયાના તમામ દેશોમાં ફેલાઈ ગયો છે. શરુઆતમાં માત્ર ધુમ્રપાન રુપે થતો તમાકુનો ઉપયોગ હવે વિવિધ રીતે થઈ રહ્યો છે. ધુમ્રપાન અથવા તમાકુ સામે શરુઆતના ગાળામાં વિરોધ અત્યંત તિવ્ર હતો. જરા વિચિત્ર લાગે તેવી સજાઓ પણ હતી.

ભારતમાં મોગલ રાજા અકબરના સમયમાં વર્નલ નામનો એક પોર્ટુગીઝ આવ્યો. તેણે અકબરને તમાકુ અને કલાત્મક ચલમની ભેટ આપી. અકબરને એ ચીજ પસંદ આવી. તેણે ચલમ પીવાની તાલીમ પણ એજ પોર્ટુગીઝ પાસેથી જ લીધી. અકબરને ધુમ્રપાન કરતો જોઈ તેના દરબારીઓને પહેલા આશ્ચર્ય થયું અને પછી તેમને પણ ધુમાડો ગળામાં ભરી બહાર ફેંકવાની ઈચ્છા થઈ. આ પ્રકારે સન ૧૬૦૯ની આસપાસ ભારતમાં ધુમ્રપાનની શરુઆત થઈ. જોકે કેટલાક સંશોધકો માને છે કે  અકબરનો એક ઉચ્ચ અધિકારી તમાકુ અને ચલમ બીજાપૂરથી લઈ આવ્યો હતો અને તેણે ભેટ તરીકે અકબરને આપ્યા હતા. ત્યારથી મધ્ય અને પશ્ચિમ ભારતના પુરુષોમાં તમાકુ પીવાનું ચલણ વધ્યું. હુક્કો પીવાની શરુઆત પણ અકબરના શસન દરમિયાન થઈ હતી. અબ્દુલ નામના એક કારીગરે હુક્કાની શોધ કરી હોવાનું કહેવાય છે. હુક્કો ખાસ કરીને હરિયાણા, રાજસ્થાન, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર્માં વધુ પ્રચલિત થયો હતો. ગુજરાતમાં હુક્કાનું ચલણ સૌરાષ્ટ્રમાં વિશેષ હતું. હુક્કા વિશે એવું કહેવાય છે કે તેનાથી ધુમાડો પાણીમાંથી ગળાઈને આવે છે તેથી શરીરને નુકશાન થતું નથી. વાસ્તવમાં એવું નથી. અહીં એક આશ્ચર્ય પમાડે તેવી હકીકત એ છે કે રાજાઓના સમયમાં ધુમ્રપાન માટે વપરાતો હૂક્કો પીવાનું ચલણ છેલ્લા દોઢેક દાયકાથી હુક્કા બારને નામે ભારતના મોટા શહેરોમાં ફરીથી શરુ થયું છે.

તમાકુના ઉપયોગનો વિરોધ શરુઆતથી રહ્યો છે. પ્રારંભિક કાળમાં ખ્રિસ્તી ધાર્મિક સંઘઠનોએ તેનો વિરોધ કર્યો હતો. એશિયામાં તમાકુના પ્રવેશ પછી પંદરમી સદીની આસપાસ તુર્કસ્તાનમાં ધુમ્રપાન કરનારના હોઠ કાપી નાખવા તથા તમાકુ સુંઘનારનું નાક કાપી નાખવાની સજા હતી. ભારતમાં તમાકુનો સૌ પ્રથમ વિરોધ કરનાર મોગલ રાજા જહાંગીર હતો. તેણે તમાકુનો ઉપયોગ કરનારનું મોં કાળું કરી ગધેડા ઉપર ઊંધો બેસાડી આખા નગરમાં ફેરવવાની સજા જાહેર કરી હતી. પરંતુ તમાકૂના ધુમાડાની ટેવ પાડનારા પશ્ચિમ અને ઉત્તર ભારતના રાજાઓ થકી આમ પ્રજામાં પણ હુક્કો પીવાનું ચલણ વધ્યું. ભારતમાં તમાકુ લાવનાર પોર્ટુગલના ફિરંગીઓ હતા. તેમણે જ ધુમ્રપાનની આદત ભારતીયોને પાડી એમ કહીએ તોય સાચું છે. તેમને આ વનસ્પતિની જાણકારી હતી. તેમણે ભારતમાં તમાકુની ખેતી કરી જેનો ભરપૂર લાભ પછીથી અંગ્રેજોએ લીધો. ભારતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે. જ્યારે ગુજરાતનો ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર એ ભારતમાં ત્રીજા ક્રમે છે.

તમાકુના છોડનું મૂળ વતન દક્ષિણી અમેરિકા ગણાય છે. નિકોશિયાના પ્રજાતિના આ છોડનું વાનસ્પતિક નામ નિકોશિયાના ટેબેકમ છે. તમાકુની આમ તો ૬૦ જેટલી પ્રજાતિ છે. પરંતુ સૌથી વધુ ખેતી નિકોશિયાના ટેબકમની થાય છે. તમાકુના છોડના પાનનો ભૂકો જે તમાકુ તરીકે ઓળખાય છે. જેનો ઉપયોગ તમાકુની જુદી જુદી બનાવટોમાં થાય છે. હિન્દી અને અન્ય ભારતીય ભાષામાં વપરાતો તમાકુ શબ્દ અંગ્રેજી ટોબેકો પરથી બનેલો છે. પશ્ચિમ ભારતમાં તમાકુને જર્દા પણ કહેવાય છે.   તમાકુના ધુમ્રપાનની શરુઆત આગ ઉપર તેના પાન નાખીને થઈ હતી. તે પછી અમુક જાતની વનસ્પતિઓના પાનમાં વીંટીને તમાકુનો ધુમાડો લેવાનું શરુ થયું. લાકડાની, હાથીદાંતની તેમજ માટીની ચલમ, હુક્કો વગેરે એશિયામાં તમાકુના પ્રવેશ પછી આસ્તિત્વમાં આવ્યા. ભારતમાં ખાસ કરીને મધ્યપ્રદેશમાં તમાકુને ટીમરુના પાનમાં વીંટીને ધુમ્રપાન કરવાની શરુઆત થઈ જેમાંથી બીડીનું સર્જન થયું. યંત્રવિદ્યાના વિકાસ પછી કાગળમાં વીંટાળેલી તમાકુનું ચલણ શરુ થયું. જે સીગારેટ નામે ઓળખાયું. આજે તમાકુ બનાવટોમાં સૌથી વધુ ઉત્પાદન સીગારેટનું થાય છે. તમાકુ બે રીતે ઉપયોગમાં લેવાય છે. ધુમાડાથી અને ધુમાડા વગર. ધુમાડા દ્વારા લેવાતા ઉપયોગમાં બીડી, સીગારેટ, ચીરુટથી સીધું સળગાવીને તથા ભૂંગળી, પાઈપ, હોકલી, હુક્કો જેવા સાધનોનો ઉપયોગ કરીને. જ્યારે ધુમાડા વગર તમાકુનો ઉપયોગ તમાકુવાળું પાન, પાનમસાલા, તમાકુને ચુના સાથે મેળવીને, સુગંધી તમાકુ ચાવીને, તમાકુની પેસ્ટ, સોપારી સાથે તમાકુ મેળવીને, ગડાકુ, તમાકુનું પાણી છીંકણી જેવા પદાર્થો દ્વારા થાય છે. છીંકણી સુંઘવાની અને મોમા રાખવાની પ્રથા પશ્ચિમ ભારતની સ્ત્રીઓમાં વધારે હતી. હવે છીંકણી સુંઘવાનું સ્ત્રીઓએ મૂકી દીધું છે. એ અર્થમાં સ્ત્રીઓ વ્યસનો જલ્દી મૂકી શકે છે એવું કહી શકાય. પણ આધુનિક સમાજમાં સ્ત્રીઓમાં જોવા મળતું ધુમ્રપાન ન માત્ર પશ્ચિમના દેશો હવે ભારતીય સમાજમાં પણ ચિંતાનો વિષય છે. 

તમાકુનું કોઈ પણ પ્રકારે સેવન કરવું એ સામે તબીબે જગત હંમેશા ચેતવતું રહ્યું છે. એટલું જ નહીં ધાર્મિક વડાઓ અને બૌધ્ધિક સંઘઠનો પણ તમાકુથી થતા નુકશાન વિશે સમાજને જાગૃત કરતા રહ્યા છે. તેમ છતાં આજ સુધી કોઈ દેશની પ્રજામાં એટલી હદે આક્રોશ નથી જાગ્યો કે તે પ્રજા પોતાની સરકારને તમાકુના વેચાણ, ઉત્પાદન અને ખેતી ન કરવા માટે નમાવી શકી હોય. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે ધુમ્રપાનની શરુઆત થવામાં તરુણાવસ્થા અત્યંત જોખમી વય ગણાય છે.

વિશ્વમાં તમાકુ અને કેન્સર સંબંધી ચર્ચા પહેલીવાર ૧૯૫૦માં થઇ હતી. ત્યારથી તમાકુ નામના ધીમા ઝેર વિશે દુનિયાભરમાં  ચર્ચા ચાલે છે. WHOનું કહેવું છે કે ૨૦૩૦ સુધી દુનિયામાં પ્રતિવર્ષ દસ કરોડ લોકો ધુમ્રપાન સંબંધી બિમારીઓથી પીડાતા હશે. ભારત સહિત વિશ્વના અનેક દેશોએ જાહેર સ્થળો ઉપર ધુમ્રપાન ઉપર પ્રતિબંધ નાખ્યો છે. ભારતમાં હવે ફિલ્મોમાં પણ ધુમ્રપાનનાં દશ્યો વખતે તેની હાનિકારક અસરની લાઈન મૂકવી ફરજિઆત બની છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *