ફિલ્મસંગીતના નકશીકારો : (૮) રામલાલ

પીયૂષ મ. પંડ્યા

આ લેખમાળાનો હેતુ આપણે વાદકો, એરેન્જર્સ અને સહાયક સંગીતકારો વિશે માહીતિ વહેંચવાનો છે. આવા કલાકારોએ પોતપોતાનો કસબ પાથરીને ફિલ્મી સંગીતને જાનદાર બનાવ્યું છે. મહદઅંશે એ પૈકીના મોટા ભાગના બિલકુલ અજાણ્યા જ રહ્યા છે. એ રીતે જોતાં અહીં રામલાલનો સમાવેશ થાય એ ઘણાને બહુ વાજબી ન પણ લાગે. રામલાલનું નામ એક સંગીતનિર્દેશક તરીકે એમની બે ફિલ્મો – ‘સેહરા’ અને ‘ગીત ગાયા પથ્થરોંને’ –નાં યાદગાર ગીતો થકી ખાસ્સું જાણીતું છે..પણ એમના સમગ્ર વ્યવસાયિક જીવનના સંઘર્ષને જાણતાં ખ્યાલ આવે કે જૂજ ફિલ્મોમાં સંગીતનિર્દેશન કર્યા સિવાય રામલાલજીએ મોટે ભાગે તો વાદકની અને ક્યારેક સહાયકની જ ભૂમિકા નિભાવી છે. અહીં તેમનો પરિચય એક વાદક લેખે આપવાનો ઉપક્રમ છે.

મૂળ બનારસના વતની રામલાલ ચૌધરી નાની ઉમરથી જ સંગીતના રસીયા હતા. સ્વાભાવિક રીતે જ બનારસના નિવાસી એવા ઉસ્તાદ બિસ્મીલાહખાનના કામ અને નામથી પ્રભાવિત થઈને એમણે શરણાઈ ઉપર પ્રભુત્વ મેળવવા માટે મહેનત કરી. તે ઉપરાંત પન્નાલાલ ઘોષની પણ ઘેરી અસરમાં આવી ચૂકેલા રામલાલ વાંસળીવાદન પણ શીખવા લાગ્યા. નાની વયે જ એમણે આ બન્ને વાદ્યો ઉપર સારી એવી કાબેલિયત કેળવી લીધી. એવામાં મૂળ બનારસના અને મુંબઈની ફિલ્મોમાં સંગીતનિર્દેશક તરીકે કાર્યરત એવા રામ ગાંગુલીની નજરે રામલાલ ચડ્યા. એમનું હીર પારખી ગયેલા ગાંગુલીએ એમને તાત્કાલિક મુંબઈ આવી, પોતાની સાથે કામ કરવાનું ઈજન આપ્યું. રામલાલે આ તક ઝડપી લીધી અને સને ૧૯૪૪માં મુંબઈ પહોંચી ગયા. ગાંગુલીએ એમને પૃથ્વીરાજ કપૂરની તે સમયની પ્રસિધ્ધ નાટ્યસંસ્થા પૃથ્વી થીયેટર્સમાં પ્રતિમાસ રૂ.૮૦/-ના દરમાયાથી વાદક તરીકે કામ અપાવ્યું. ૧૯૪૮માં રાજ કપૂરે ફિલ્મ ‘આગ’ બનાવવી શરૂ કરી ત્યારે એનું સંગીતનિર્દેશન રામ ગાંગુલીના હાથમાં સોંપ્યું. એમણે રામલાલને પોતાના સહાયક તરીકે કાર્યભાર સોંપ્યો. જો કે ફિલ્મનાં ટાઈટલ્સમાં એમને એ બાબતે શ્રેય આપવામાં ન આવ્યું. આ ફિલ્મનાં ગીતોમાં સહાયક તરીકેની કામગીરી કરવા સાથે રામલાલે વાંસળી તેમ જ શરણાઈના સૂર પણ છેડ્યા. ક્ષ્એમાં પણ વાંસળીના ટૂકડાઓ તો યાદગાર બની રહ્યા છે. એ ફિલ્મનું એક ‘દેખ ચાંદ કી ઓર મુસાફીર’ સાંભળીએ. શરૂઆતના પ્રિલ્યુડથી જ વાંસળીનો પ્રભાવ ઉડીને કાને વળગે છે.

અલબત્ત, આ ફિલ્મનું સૌથી વધુ લોકપ્રિય થયેલું ગીત તો ‘જીંદા હૂં ઈસ તરહ કિ ગમ એ જીંદગી નહીં’ છે. એમાં પણ રામલાલની સતત વાગી રહેલી વાંસળીની કમાલ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી.

આ બન્ને ગીતો ઉપરાંત ‘આગ’નાં ‘દિલ તૂટ ગયા’, ‘કાહે કોયલ શોર મચાયે રે’, ‘ના આંખોં મેં આંસૂ’, ‘રાત કોજી ચમકે તારે’ અને ‘સોલહ બરસ કી ભયી ઉમરિયા’ જેવાં ગીતોમાં રામલાલનું વાંસળીવાદન એકદમ પ્રભાવી રીતે સાંભળી શકાય છે. આમ, આ ફિલ્મના દરેક ગીતમાં રામલાલના વાદનનો ફાળો રહ્યો છે. એમના ખૂદના જણાવ્યા પ્રમાણે તે વેળાના વાદ્યવૃંદમાં એમની સાથે શંકર તબલાં વગાડતા હતા અને જયકિશન ઓર્ગન વગાડતા હતા. થોડાં જ વર્ષોમાં આ બે નામ એક જોડીના રૂપે હિન્દી ફિલ્મી સંગીતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવી સફળતાની ટોચ ઉપર જઈ બિરાજ્યાં.

સને ૧૯૫૦માં ત્યારના પ્રસિધ્ધ ફિલ્મસર્જક પ્યારેલાલ સંતોષી( રાજકુમાર સંતોષીના પિતા)એ એક મહત્વાકાંક્ષી યોજના ઘડી. રાજકપૂર અને વૈજયંતિમાલાને લઈને એમણે ‘ટાંગેવાલા’ નામક એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરી. એ ફિલ્મના સંગીતનિર્દેશનની જવાબદારી સંતોષીએ રામલાલને સોંપી. આ એક બહુ મહત્વની તક હતી. રામલાલે ભારે ઉત્સાહથી કામ શરૂ કર્યું. પણ થોડા જ સમયમાં નાણાકિય પ્રશ્નોને લઈને એ ફિલ્મ અધૂરી મૂકી દેવામાં આવી. જો કે ત્યાં સુધીમાં રામલાલે એને માટે ગીતો રેકોર્ડ પણ કરી લીધાં હતાં. એમાંનાં કેટલાંક ગીતો પછીથી ‘હૂશ્નબાનો’(૧૯૫૬) નામની એક ફિલ્મમાં લેવામાં આવ્યાં. પણ મૂળ ફિલ્મ સાથે તો મોટાં નામો સંકળાયેલાં હતાં, જ્યારે ‘હૂશ્નબાનો’ બિલકુલ સામાન્ય દરજ્જાની ફિલ્મ બનીને રહી ગઈ. પરિણામે રામલાલનું નામ જોઈએ એવું ગાજ્યું નહીં. એ પછી પણ રામલાલને સ્વતંત્ર કામ  મળતું રહેતું હતું, પણ એમાંની એકે ફિલ્મ કાં તો સફળ ન થઈ અથવા તો પરદા ઉપર આવી જ નહીં. એ ફિલ્મોનાં નામ જોઈએ તો ખ્યાલ આવે છે કે એ બધી સાવ નાનાં નિર્માણગૃહો દ્વારા નિર્મીત લૉ બજેટ ફિલ્મો હતી. જેમ કે ‘નાગદમન’, ‘નાગલોક’, ‘નકાબપોશ’(૧૯૫૬), ‘માયા મછીન્દ્ર’(૧૯૬૦), વગેરે. એક રસપ્રદ બાબત એવી છે કે રામલાલ એક કાનમાં હીરો જડેલી અને બીજા કાનમાં પન્ના જડેલી બુટ્ટી પહેરતા હતા. આ કારણથી ફિલ્મી વર્તૂળોમાં એ ‘રામલાલ હીરાપન્ના’ તરીકે જાણીતા બનેલા. નીચેની તસવીરમાં જોઈ શકાય છે કે ફિલ્મ ‘માયા મછીન્દ્ર’નાં ટાઈટલ્સમાં રામલાલનો ઉલ્લેખ એ રીતે જ તરીકે થયો છે.

વળી આગળ જોતાં જાણવા મળે છે કે એ જ ફિલ્મમાં રામલાલના સહાયક સંગીતકારો તરીકે લક્ષ્મીકાંત-પ્યારેલાલનાં નામ છે!

આવી કેટલીક હિન્દી ફિલ્મો ઉપરાંત રામલાલે ત્રણ કન્નડ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. એ સમયે ‘સેહરા’નાં ગીતો ગાજવા લાગેલાં એની અસર રૂપે દક્ષીણ ભારતમાં એમનો ઉલ્લેખ ‘રામલાલ સેહરા’ તરીકે કરવામાં આવતો હતો. જો કે એ ફિલ્મોમાં પણ રામલાલને ધારી સફળતા ન મળી.

ખ્યાતનામ નિર્માતા-નિર્દેશક વી.(વનકુદ્રે) શાંતારામ રામલાલના વાદન અને કામથી શરૂઆતથી જ પ્રભાવિત હતા. એમણે ૧૯૪૮માં રામલાલને પોતાના નિર્માણગૃહ ‘રાજકમલ’ના સંગીત વિભાગમાં કરારબધ્ધ કર્યાં હતા. ત્યારથી લઈને છેક ૧૯૬૩ સુધીની શાંતારામની બનાવેલી બધી જ ફિલ્મોમાં રામલાલે અલગઅલગ સંગીતકારોના નિર્દેશનમાં વાદ્યકાર તરીકે ફાળો આપ્યો. એમની ક્ષમતા જાણનારા લોકો માનતા હતા કે રામલાલે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવું જ જોઈએ. સ્વાભાવિક છે કે રામલાલ પોતે પણ એમ ઈચ્છતા હતા. જ્યારે જ્યારે શાંતારામ નવી ફિલ્મની તૈયારી કરતા હોવાની જાણ થાય ત્યારે ત્યારે રામલાલ એક તક માટે રજૂઆત કરતા હતા. આખરે એક વાર શાંતારામે એમને મ્યુઝીક રૂમમાં પોતાની બનાવેલી તરજો સંભળાવવા માટે કહ્યું. રામલાલે શાંતારામને પોતાની બનાવેલી કેટલીક ચૂનંદી તરજો વગાડી સંભળાવી. એનાથી સંતુષ્ટ થયેલા શાંતારામે આખરે રામલાલને ફિલ્મ ‘સેહરા’ (૧૯૬૩)નું સંગીતનિર્દેશન સોંપ્યું. આ ફિલ્મનાં ગીતોએ ઈતિહાસ સર્જી દીધો. આગળ વધતાં પહેલાં એ પૈકીનાં બે ગીતો સાંભળીએ. પહેલાં લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું સોલો ગીત સાંભળીએ. એવા ઘણા ચાહકો હશે કે જેમને ફિલ્મ ‘સેહરા’નો ઉલ્લેખ થાય એ સાથે જ આ ગીત યાદ આવી જાય. આ ગીતમાં ગાયનને સમાંતરે રબાબ અને ઈન્ટરલ્યુડમાં જલતરંગનું વાદન અનોખી અસર ઉભી કરે છે.

https://www.youtube.com/watch?v=Qqr-eEY2pNM

હવેનું ગીત લતા મંગેશકર અને મહંમદ રફીના યુગલસ્વરોમાં છે.

આ ફિલ્મના સંગીતે અસાધારણ સફળતા મેળવી. આ જ ફિલ્મના અતિ વિખ્યાત ગીત ‘તકદીર કા ફસાના, જા કર કિસે સુનાયેં’માં ઉત્કૃષ્ટ શરણાઈવાદન છે. ઉલ્લેખનીય છે કે ‘સેહરા’ની સાથેસાથે જ નૌશાદના સંગીતવાળી ફિલ્મ ‘લીડર’ અને શંકર-જયકિશનનનું સંગીત ધરાવતી ફિલ્મ ‘સંગમ પણ પ્રદર્શીત થઈ હતી. રામલાલનું સંગીત એ બે ફિલ્મોના સંગીત જેટલું જ ગાજ્યું. જો કે એ બન્ને ફિલ્મોનાં પોસ્ટર્સમાં જે રીતે જે તે સંગીતકારોનાં નામને મહત્વ આપવામાં આવ્યું હતું એનાથી વિપરીત ‘સેહરા’ના પોસ્ટરમાં રામલાલનો કોઈ ઉલ્લેખ જ નહોતો. આ ફિલ્મના સંગીતની સફળતાને પગલે શાંતારામે ‘ગીત ગાયા પથ્થરોં ને’ (૧૯૬૫)નું સંગીતનિર્દેશન રામલાલને સોંપ્યું. એનાં ગીતો પણ અતિશય લોકપ્રિય થયાં. એમાં પણ ટાઈટલ ગીત તો સુખ્યાત શાસ્ત્રીય ગાયનવિદુષી કિશોરી આમોનકરના સ્વરમાં સાંભળવા મળે એ લ્હાવો ગણવો રહ્યો.

અન્ય એક ગીત આશા ભોંસલેના સ્વરમાં છે.

અંગ્રેજીમાં કહેવાય છે, ‘The rest is history’…. ‘બસ, પછી ઈતિહાસ સર્જાઈ ગયો.’ રાજકમલ જેવા તે સમયના અતિશય પ્રતિષ્ઠીત નિર્માણગૃહની સતત બે ફિલ્મોનું સંગીત અસાધારણ સફળતા પામે પછી એના સંગીતનિર્દેશક તો ઝીલ્યા ઝીલાય નહીં એવી હાલત થવી જોઈએ. પણ, રામલાલ માટે ત્યાં જ સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકીર્દિનો કોઈ અકળ રીતે અંત આવી ગયો. આમ, હિન્દી ફિલ્મી સંગીતના ઈતિહાસમાં રામલાલનો સમાવેશ ‘એક ઉત્તમ શરણાઈવાદક અને વાંસળીવાદક કે જેમણે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું અને થોડા સંગીતકારો સાથે સહાયકની ભૂમિકા પણ નિભાવી’ એ રીતે થતો રહેશે. ખેર, આપણે વાદક રામલાલ વિશે જ વાત કરીએ તો શરૂઆતમાં જણાવ્યું એમ ફિલ્મ ‘આગ’માં રામલાલનું વાંસળીવાદન યાદગાર બની રહ્યું છે. એ જ રીતે એમને બીજી એવી જ તક ફિલ્મ ‘ગુંજ ઉઠી શેહનાઈ’માં મળી. બહુ જાણીતી વાત છે કે નિર્માતા વિજય ભટ્ટે એમાં શરણાઈ વગાડવા માટે ઉસ્તાદ બિસ્મીલાહખાનને રાજી કર્યા હતા. જે બહુ ઓછા લોકો જાણે છે એ હકિકત એ છે કે ઉસ્તાદજીએ એવી શરત મૂકેલી કે પોતે એક પણ ગીતમાં સંગત નહીં કરે. એમણે માત્ર અને માત્ર જ્યાં નાયક શાસ્ત્રીય સૂરાવલીઓ છેડે છે એ હિસ્સાનું જ વાદન કરવાનું સ્વીકાર્યું. આથી ગીતોમાં, ટાઈટલ્સ દરમિયાન તેમ જ બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે એ સમગ્ર શરણાઈવાદન  રામલાલનું છે.

   આ ફિલ્મના અતિશય લોકપ્રિય થયેલા ગીત ‘તેરે સૂર ઔર મેરે ગીત’માં શરૂઆતથી જ શરણાઈનું ગૂંજન ચાલુ થઈ જાય છે અને સતત સંભળાયા કરે છે.

આટલા જ પ્રભાવક શરણાઈવાદન સાથેનું બીજું ગીત છે ‘તેરી શેહનાઈ બોલે’. એ પણ માણીએ.

આ જ ફિલ્મનું એક વધુ ગીત ‘જીવન મેં પિયા તેરા સાથ રહે’ વાંસળી અને ક્લેરીનેટના ટૂકડાઓથી ભરેલું છે. આ પણ રામલાલની જ કમાલ છે.

જો કે આ ફિલ્મના મધુર શરણાઈવાદન સાથે રામલાલની કટુ યાદ ભળેલી છે. નિર્માતાએ રામલાલને કહેલું કે ફિલ્મનાં ટાઈટલ્સમાં એમને પણ અલગથી શ્રેય આપવામાં આવશે. એમ થયું નહીં અને ખુબ જ હતાશ થયેલા રામલાલે એ ફિલ્મ ક્યારેય પરદા ઉપર જોઈ નહીં. ફિલ્મ ‘નવરંગ’(૧૯૬૫)ના યાદગાર ગીત ‘તુ છૂપી હૈ કહાં’નું યાદગાર શરણાઈવાદન પણ રામલાલનું છે. સાંભળીએ.

સી.રામચન્દ્રના નિર્દેશનમાં બનેલા આ ગીતમાં રામલાલનું શરણાઈવાદન તો પહેલા અંતરા અગાઉના ઈન્ટરલ્યુડમાં જ સાંભળવા મળે છે. થોડું વિષયાંતર કરીને કહેવું છે કે આ ગીતમાં રામલાલની શરણાઈ ઉપરાંત તાલવાદ્યોના વિવિધ પ્રયોગો તેમ જ વાયોલીન્સ, ક્લેરીનેટ અને ગીટારના પણ ખુબ જ કર્ણપ્રિય ટૂકડાઓ એક પછી એક કાને પડતા જ રહે છે. ઘંટારવનો પ્રયોગ પણ  ખાસ્સો પ્રભાવક છે. રામલાલની સાથેસાથે એ વાદ્યવૃંદના અનામી કલાકારોને પણ અહીં સ્મરી લઈએ.

આ ક્ષમતાવાન કલાકાર ૧૯૬૫ પછી ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતા ગયા. એમને કોઈને કોઈ સંગીતકારના વાદ્યવૃંદમાં અલપઝલપ કામ મળતું રહ્યું પણ ન તો કોઈ સંગીતકારે એમને પોતાના સહાયકની ભૂમિકા સોંપી, કે ન તો એમને કોઈ પ્રતિષ્ઠીત નિર્માણગૃહ તરફથી સ્વતંત્ર સંગીતનિર્દેશનનું કામ મળ્યું. રામલાલનાં છેવટનાં વર્ષોમાં એમને મળેલા ઉર્વીશ કોઠારી નોંધે છે એમ મુંબઈના ખેતવાડી વિસ્તારની એક ચાલીમાં સાવ જ દયનીય કહી શકાય એવી હાલતમાં એ રહેતા હતા. દેખીતું હતું કે એમની આર્થિક હાલત ખરાબ હતી. સંગીતની ઊંડી સમજણ અને વાદનની અસાધારણ આવડત હોવા છતાં રામલાલ એ માયાવી દુનીયામાં સફળ થઈ શક્યા નહીં એ નુકસાન રામલાલનું એટલું જ સંગીતપ્રેમીઓનું પણ ખરું.

યોગ્ય દસ્તાવેજીકરણના અભાવે રામલાલના ફિલ્મી ગીતોમાં વાદન વિશે બહુ વિગતે માહીતિ નથી મળતી. રેડીઓ વિવિધભારતી ઉપર ઉદઘોષક કમલ શર્મા દ્વારા લેવાયેલો એમનો ઈન્ટરવ્યુ યુ ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે એમાં રામલાલ પોતે પણ કોઈ ચોક્કસ યાદના અભાવે ‘બહોત ગાનોં મેં બજાયા’ જેવો જવાબ આપે છે. પણ આધારભૂત માહીતિ પ્રમાણે ફિલ્મ ‘મધુમતિ’ (૧૯૫૮)ના નૃત્યગીત ‘ડસ્યો રે પાપી બીછુઆ’માં સંભળાતી શરણાઈ  સલિલ ચૌધરીના નિર્દેશનમાં રામલાલે વગાડી છે. તે ઉપરાંત ફિલ્મ ‘રાની રૂપમતિ’ (૧૯૫૯)ના ગીત ‘આ લૌટ કે આજા મેરે મીત’માં પણ શરણાઈવાદન એમનું જ છે. હજી એક યાદગાર ગીત છે ફિલ્મ ‘જનમ જનમ કે ફેરે’ (૧૯૫૭)નું ટાઈટલગીત. માંરામલાલનું જ શરણાઈવાદન છે. આ બેય ફિલ્મોમાં સંગીતનિર્દેશન એસ.એન. ત્રીપાઠીનું હતું.

જ્યારે રામલાલ ‘રાજકમલ’ નિર્માણગૃહ સાથે કરારબધ્ધ હતા એ સમયગાળા દરમિયાન બનેલી ફિલ્મોની યાદી પ્રસ્તુત છે. એ ફિલ્મોનાં ગીતો સાંભળતાં જ્યાં પણ વાંસળી કે શરણાઈ કાને પડે એ રામલાલની ફૂંકનો કસબ હશે એવું ચોક્કસ માની શકાય.

દહેજ….(૧૯૫૦),

મરાઠી ફિલ્મ ‘અમર ભુપાલી’….(૧૯૫૧),

સુબહ કા તારા….(૧૯૫૨),

પરછાંઈ….(૧૯૫૨),

‘તીન બત્તી ચાર રસ્તા’….(૧૯૫૩),

મરાઠી ફિલ્મ ‘સુરંગ’….(૧૯૫૩)

 અને

 ‘નવરંગ’….(૧૯૫૯).

આ તમામ ફિલ્મોનાં ગીતો યુ ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. એ ઉપરાંત ‘સેહરા’ અને ‘ગીત ગાયા પથ્થરોં ને’નાં બધાં જ ગીતો કોઈ ને કોઈ રીતે યાદગાર છે એ પણ માણવા ખાસ અનુરોધ છે. 


નોંધ:

પૂરક માહિતિ …. બીરેન કોઠારી.

તસવીરો અને કેટલીક માહીતિ નેટ ઉપરથી સાભાર.

ગીતો એમાંના કોઈનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય એ બાહેંધરી સાથે યુ ટ્યુબ ઉપરથી સાભાર.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.