સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : કલાનગરી વિએના

દર્શા કિકાણી

(૨૭ જૂન ૨૦૧૯)

પ્રાગથી વિએનાનું અંતર ૨૯૨ કી.મિ.નું છે અને આ અંતર કાપતા અહીં ૩.૩૦ કલાક થાય છે. વિએના શહેર ઓસ્ટ્રિયા (AUSTRIA)  દેશની રાજધાનીનું શહેર છે. રિપબ્લિક ઓફ ઓસ્ટ્રિયા અથવા ટૂંકમાં ઓસ્ટ્રિયા તરીકે જાણીતો આ દેશ આલ્પ્સની તળેટીમાં આવ્યો છે. તે મધ્ય-યુરોપના દક્ષિણ ભાગમાં આવેલ લેન્ડ-લોક્ડ દેશ છે. તેની ચારે બાજુ ઝેક, જર્મની, સ્લોવેનિયા, ઈટલી, સ્વિટ્ઝર્લેન્ડ, લિંચેસ્ટીન દેશો આવેલા છે. એક કરોડથી થોડી ઓછી વસ્તીવાળો આ દેશ ઔદ્યોગિક અને આર્થિક રીતે વિકસિત દેશ છે. યુરોપનું કલાધામ ગણાય છે. હોફબર્ગ રાજનો (HOFBURG EMPIRE)  ઐતિહાસિક ખજાનો અહીં ભર્યો પડ્યો છે.  ઓસ્ટ્રિયાની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ બંને પર જર્મનીની ઘેરી અસર કાયમની રહી  છે. બાળકોને શાળામાં જર્મન ભાષા શીખવાડાય છે. દેશના વેપાર-વાણિજ્યની ભાષા પણ જર્મન છે.  પ્રાથમિક શિક્ષણ સરકાર તરફથી ફ્રી છે. રોમન કેથોલિક ધર્મ દેશનો મુખ્ય ધર્મ છે.

કલાનગરી વિએના આખા યુરોપના ક્લાસિકલ સંગીતનું ધામ ગણાય છે. અહીંનું લોક-સંગીત અને રોક મ્યુઝિક પણ એટલું જ લોકપ્રિય છે. શહેરમાં સરસ મ્યુઝિક કૉલેજ પણ આવેલી છે. કળા અને સ્થાપત્યનું આ મુખ્ય નગર એડમિનિસ્ટ્રેશન માટે ૧૩ ભાગમાં વહેંચાયેલું છે. સંગીત અને બગીચાઓના શહેર તરીકે ઓળખાય છે. શહેરના ૫૧% એરિયામાં લીલોતરી છવાયેલી છે, અને એટલે તો યુરોપનું લીલામાં-લીલું રાજધાનીનું શહેર ગણાય છે. શહેરના દરેક ઘરની બહાર નાનું એવું ગ્રીન કોર્ટયાર્ડ છે. ડેન્યુબ (DENUBE) નદીને કિનારે આવેલું આ શહેર મહેલો અને મ્યુઝિયમ માટે પણ જાણીતું છે. શહેરની અંદરથી વહેતી નાની નદીને રીવર વિએના કહે છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની માનીતી સ્વપ્ન નગરી છે. મોઝાર્ટ, જર્મન સંગીતકાર  બિથોવન અને સિગમંડ ફ્રોઈડ જેવા મહાનુભાવો માટે શહેરને ગર્વ છે.

શહેરની બહાર જ બસ ઊભી રાખી અમે પેટપૂજા કરી લીધી જેથી સીધાં જ સીટી ટુરમાં ઊપડી જવાય. છેલ્લા ૧૦-૧૨ દિવસમાં અમે ૭-૮ દેશોમાં ફર્યાં છીએ પણ અમને કે અમારી બસને ક્યારેય પોલીસનો સારો-માઠો કોઈ અનુભવ થયો ન હતો. વિએના શહેરની બહાર જ અમારી બસને પોલીસે ઊભી રાખી. બસનું વજન ચેક કર્યું, લાઈસન્સ અને બીજા કાગળો ચેક કર્યા. અમારા ડ્રાઈવર કાબેલ હતા અને બધા કાગળો વ્યવસ્થિત હતા એટલે થોડી વારમાં બસ પાછી આગળ ચાલી. પણ ગભરાટની એક લહેર તો પ્રસરી જ ગઈ હતી!

વિએના શહેરની અંદર પહોંચતાં જ લોકલ ગાઈડ આવી ગયા. તેમણે બસમાંથી બેઠાં બેઠાં જ બતાવ્યું કે ડેન્યુબ  નદીને  પશ્ચિમથી પૂર્વ બાજુ જતી ત્રણ કેનાલમાં વહેંચી દીધી હતી. યુરોપની આ લાંબી કેનાલોમાંની એક છે. સુંદર લીલીછમ ટેકરીઓ અને વાઈનયાર્ડથી વાતાવરણ આમ પણ માદક જ લાગતું હતું!  કેનાલ પર જ વિએના શહેરની ઓળખ સમાન એક ટાપુ તેમણે બતાવ્યો જેનું નામ હતું ‘પ્રાહા’ ટાપુ. તેમના કહેવા પ્રમાણે  આખા દિવસની ડેન્યુબ રીવર ક્રુઝ લઈએ તો નાનાં નાનાં ગામો અને વિએના વુડઝ એટલે વિએનાનાં જંગલો જોવાનો લાભ મળે!

વાતો કરતાં કરતાં અને માહિતી  આપતાં આપતાં તેમણે સૌથી પહેલાં તો રોયલ રોડ પરથી બસ ધીમી ધીમી લીધી અને બસમાં બેસીને જ બધાં સ્મારકોની ઓળખાણ આપી દીધી અને તેમનું વિહંગાવલોકન પણ કરાવી દીધું. ઘણી બસો અને ઘણાં પ્રવાસીઓ હતાં અને કદાચ એટલે જ આ શહેર જોવાનો આ સારામાં સારો વિકલ્પ હશે તેવું લાગ્યું.  

સૌથી પહેલા દેખાય બંને બાજુ વૃક્ષોની હારમાળાથી શોભતા કુંજમાર્ગ પરના મહેલો જે બેલવેદર પેલેસ (BELVEDERE OR BOULEVARD PALACES) ના નામે ઓળખાય છે. આજે આ મહેલો બહારથી જ જોવાના હતા, અંદરથી જોવા માટે કાલે જવાનું હતું. આ મહેલો બહારથી પણ એટલા ભવ્ય અને નયનરમ્ય લાગે છે કે બહારથી અવલોકન કરવું ખરેખર જરૂરી છે. મહેલોની સાથે સાથે મહેલના બગીચા પણ ખાસ્સી એવી જહેમત લઈને સજાવવામાં આવે છે અને એટલી જ મહેનતથી એક બાળકની જેમ તેમની કાળજી પણ લેવામાં આવે છે.    

સ્લોસ સ્કોન્બ્રુન મહેલ (SCHLOSS SCHONBRUNN) જે રાજવીઓનો ગરમીમાં રહેવાનો (SUMMER PALACE) મહેલ હતો, બેરોક સ્ટાઈલમાં બનેલો આ રાજમહેલ ખૂબ સુંદર છે. SCHONBRUNN એટલે ‘સુંદર વસંત’. વાહ, જેના નામમાં જ વસંતની સુંદરતા હોય તે મહેલ તો અપ્રતિમ જ હોય ને ! કાલે અંદર જવા મળશે એમ મન મનાવી આગળ ઉપડ્યાં. મહેલની સાથે સાથે સરસ ઝૂ પણ છે એવું સાંભળ્યું છે.

કલાનાગરીનું ઉત્તમ કલાધામ એટલે કે સ્ટેટ ઓપેરા હાઉસ (STATE OPERA HOUSE) સામે જ દેખાતું હતું. આ  મહાન અને પ્રતિષ્ઠિત ઓપેરા હાઉસમાં પ્રોગ્રામ જોવો કે આપવો તે કોઈ પણ કલાકારનું સપનું હોય! 

જ્યાંથી હોફબર્ગ સામ્રાજ્યના રાજાઓએ રાજ કર્યું હતું તે મહાન પેલેસ એટલે કે હોફબર્ગ પેલેસ (THE HOFBURG PALACE) નજર સામે જ હતો, કેવો  વિશાળ અને ભવ્ય! પેલેસમાં જ સરસ મ્યુઝિયમ, જૂના સિક્કાઓનું સંગ્રહસ્થાન, લાઈબ્રેરી વગેરે પણ આવેલાં છે.

આગળ જતાં પાર્લિયામેન્ટ બિલ્ડીંગ  (PARLIAMENT BUILDINGS) અને સુંદર સેન્ટ સ્ટીફન્સ કેથેડ્રલ  (ST. STEPHEN’S CATHEDRAL) જોયાં. રસ્તા પર બીજાં પણ અનેક સુંદર દેવળો અને મનોરમ્ય કેથેડ્રલ આવેલાં હતાં. શહેરનો જૂનો અને ઐતિહાસિક ભાગ જોઈને અમે શહેરના સાંપ્રત વિસ્તારમાં આવ્યાં. કોર્પોરેટ વિસ્તારમાં UNની ઓફિસ અને આગળ જતાં સોશિઅલ ફ્લેટ્સ (SOCIAL FLATS) કદાચ નીચલા વર્ગ માટે બનેલાં રહેઠાણો જોયાં.

બહુ સુંદર અને સુરક્ષિત શહેર હોવાની લાગણી થાય તે સ્વાભાવિક છે. ગાઈડના કહેવા મુજબ  દેશના નાગરીકો બહુ ઊંચા દરે વેરાઓ ભરે છે. સામે બાળકોને પ્રાથમિક શિક્ષણ અને સૌને આરોગ્યને લગતી સેવાઓ, નવજાત બાળક અને માતાઓની સંભાળ વગેરે ફ્રી મળે છે. કર્મચારીઓને વર્ષે ૧૪ મહિનાનો પગાર મળે છે (બે મહિનાનું બોનસ કહેવાય!) અને ચાલુ દિવસોમાં પણ ઘણી રજાઓ મળે છે. નિવૃત્ત થનાર કર્મચારીનું ઓછામાં ઓછું પેન્શન મહિને ૯૦૦ € છે જે જીવન નિર્વાહ માટે પૂરતું છે! વિએના શહેરનાં નાગરીકોનો વિચાર કરતાં કરતાં અને  ફરવાનું બધું પતાવીને પાછાં ભારતીય રેસ્ટોરાંમાં દેશી ભોજન માટે ગયાં. રોજની જેમ જ આજે પણ ખૂબ સ્વાદિષ્ટ ભોજન કર્યું. હોટલ પર રાતવાસા માટે આવ્યાં. અહીં હીટ-વેવની અસર ઓછી લાગતી હતી.  હોટલ ઘણી સરસ હતી. પ્રાગની હોટલના અનુભવ પછી તો આ હોટલ ઘણી સારી લાગતી હતી!


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

6 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : કલાનગરી વિએના

 1. વિએના શહેર જેવા સૌંદર્યધામમાં આવેલા આકર્ષક મહેલો, ઑપેરા હાઉસ, મ્યુઝિયમ અને કલાત્મક દેવળો વિશેનું વર્ણન ખૂબ રસપ્રદ રહ્યું. આભાર.

 2. Dear Darsha,
  Vienna is one my favorite cities and you described it so well. Thank you for beautiful pictures!
  Looking forward to your next day and more…
  Amrish

  1. Thanks, Amrishbhai! Yes, it’s a beautiful city with lots of places to visit, enjoy and experience! Even a week will not suffice!

 3. Austria is a picture Post Card country. Excellent narrative took me back to Vienna. How I would like to go back:)

  1. Thanks, Raja! Yes, the whole country is so beautiful! 🤩🥰 For next one year, at least, there is no chance of getting out ! 😂

Leave a Reply

Your email address will not be published.