સાયન્સ ફેર : વીસમી સદીના આ ખૂની કાતિલોને આપણે વિજ્ઞાનના જોરે કાબૂ કર્યા છે.

જ્વલંત નાયક

છેલ્લા મહિનાઓથી એક પ્રકારની નેગેટીવીટીએ આપણને સહુને બાનમાં લીધા છે. કોરોના જેવી વિશ્વવ્યાપી આફતમાં આવું વાતાવરણ સર્જાય એ સ્વાભાવિક છે. આફત સમયે અતિશય ડરી જવું-પેનિક થઇ જવું કે પછી સાવ બેફીકર થઈને આફતને અવગણતા રહેવું, એ બે ય વિરુદ્ધ દિશાના અંતિમો છે. અને એક્કેય અંતિમને ફોલો કરવા જેવું નથી. સોશિયલ મીડિયા દ્વારા લોકો જાતજાતના તુક્કા વહેતા મૂકે છે. એક વર્ગને લાગે છે કે કોરોના જેવું કશું છે જ નહિ! જ્યારે બીજા એક વર્ગને લાગે છે કે થોડા સમયમાં વિશ્વના એકેએક જીવિત વ્યક્તિને કોરોના સંક્રમણનો ભોગ બનવું જ પડશે. વિજ્ઞાનની નજરે આ બન્ને અંતિમો સ્વાભાવિક રીતે જ સ્વીકાર્ય નથી. આટઆટલા સેલિબ્રિટીઝ સહિતના લોકો જ્યારે સંક્રમિત થયા હોય, જીવ ગુમાવ્યા હોય ત્યારે કોરોના જેવું કશું ન હોવાનો સવાલ જ પેદા નથી થતો. બીજી તરફ વિશ્વમાં અગાઉ પણ આવી અનેક બીમારીઓ આવી ગઈ છે, જે જે-તે સમયે મહાવિનાશક લાગતી હોવા છતાં વૈજ્ઞાનિક શોધખોળને પરિણામે મેળવાયેલી વેક્સિનને સહારે આપણે એ બીમારીઓ પર કાબૂ મેળવ્યો. બહુ આઘે ન જતા વીસમી સદી દરમિયાન આપણે કાબૂ કરેલી કેટલીક બીમારીઓ-રોગો વિષે જાણીએ.

એક જમાનામાં ‘varicella-zoster’ વાઈરસને કારણે થતા ચિકનપોક્સ (અછબડા)ને કારણે એકલા અમેરિકામાં જ ડર વર્ષે ૧૧,૦૦૦ લોકોને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડતા, જે પૈકી બાળકોનું મોટું પ્રમાણ રહેતું. દર વર્ષે સરેરાશ ૧૦૦ જેટલા મૃત્યુ નોંધાતા. પણ વેક્સિનેશનને પ્રતાપે આ બિમારી પર ઘણા અંશે કાબૂ મેળવી શક્યો છે. તેમ છતાં હજી ઘણા દેશો એવા છે જ્યાં ચિકનપોક્સની રસી પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, ત્યાં હજીએ બીમારી જોર મારી જાય છે. ડિપ્થેરિયા પણ એક એવો જ રોગ છે જેને રસીકરણ દ્વારા કાબૂ કરી શકાયો છે. નાક અને ગળા પર હુમલો કરતી આ બીમારીને કારણે શરીરમાં એવું ટોકસીન પેદા થાય છે, જે નાક, શ્વાસનળી અને ગળામાં ઘેરા રંગનું જાડું કોટિંગ બનાવી લે છે. તે હાર્ટ અને નર્વ્ઝ સિસ્ટમને પણ અસર કરે છે. ડિપ્થેરિયાનો મૃત્યુદર ૧૦% જેટલો ઉંચો હતો. ૧૯૧૩માં એની રસી શોધાઈ, પછી મૃત્યુદરમાં ખાસ્સો ઘટાડો નોંધાયો. જે દેશોમાં યોગ્ય પ્રકારે રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં નથી આવતો, ત્યાં આજે પણ આ બીમારી જોર કરી જાય છે. પણ લોકોનું યોગ્ય રસીકરણ થતું હોય એવા દેશોમાં આ બિમારી લગભગ કાબૂમાં આવી ચૂકી છે. ભારતમાં ડિપ્થેરિયાનો મૃત્યુદર ૨%ની આજુબાજુ હોય છે, જે આગામી વર્ષોમાં હજી ઘટતો રહેવાની આશા છે.

આ બધા વચ્ચે પોલિયોને તો કેમ ભૂલાય? ભારત જેવા વિકાસશીલ દેશમાં કેટલાય બાળકોને અપંગ બનાવીને લાચારીની ગર્તામાં ધકેલી દેનાર આ રોગ એક સમયે આપણો સૌથી મોટો દુશ્મન હતો. કુલ ત્રણ પ્રકારના પોલિયો પૈકી પેરેલીટીક પોલિયો સૌથી ખતરનાક છે, જે ભોગ બનનાર માટે આજીવન પંગુતાનું કારણ બની જાય છે. ૧૯૫૫માં ડૉ જોનાસ દ્વારા ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન (IPV) વિકસાવવામાં આવી. ત્યાર બાદ ૧૯૬૧માં ડૉ આલ્બર્ટ સેબીને પોલિયો નિવારણ માટે મોઢા વાટે અપાતી રસી (OPV)ની ખોજ કરી. આજની તારીખે વિકસિત દેશોમાં પોલિયો નાબૂદ થયો છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ પોલિયો રસીકરણ અભિયાનને પગલે પોલિયો નાબૂદ થયો છે. છેલ્લો કેસ ૨૦૧૧માં ગુજરાત અને પ.બંગાળમાં નોંધાયેલો. ૨૭ માર્ચ, ૨૦૧૪ને દિવસે WHO દ્વારા ભારતને પોલિયોમુક્ત દેશ ઘોષિત કરવામાં આવ્યો. જો કે વિશ્વ હજી સંપૂર્ણપણે પોલીયોમુક્ત નથી.

આ લીસ્ટમાં છેલ્લે એક એવા રોગની વાત કરીએ જે સંપૂર્ણપણે નાબૂદ થઇ ચૂક્યો છે. અને આ રોગ એટલે સ્મોલ પોક્સ! આપણે એને ‘શીતળા’ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં તમે ચેર પર શીળીના ચાઠા ધરાવતા કેટલાય લોકોને જોયા હશે. જેમકે આપણા વિખ્યાત સ્વ. એક્ટર ઓમ પુરી. આજકાલ આવા લોકો ભાગ્યે જ દેખાય છે, કેમકે વર્ષોથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઇ ચૂક્યો છે. શીતળાનો વાઈરસ માત્ર મનુષ્યોમાં જ જોવા મળતો હતો. જેથી રસીકરણ કાર્યક્રમોને પગલે એ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાયો. અમેરિકાએ તો ઠેઠ ૧૯૭૨થી બાળકોને શીતળાની રસી આપવાનું બંધ કર્યું છે. વીસમી સદી દરમિયાન કરોડો લોકોને ભરખી જનાર શીતળાને ૧૯૭૯માં જ સમગ્ર વિશ્વમાંથી નાબુદ થયેલો જાહેર કરવામાં આવ્યો.

        અને છેલ્લે સમાપન કરીએ એ પહેલા એક આંકડાકીય હકીકત જાણી લઈએ. વીસમી સદીની શરૂઆતમાં માનવીનું સરેરાશ આયુષ્ય ૪૭.૩ વર્ષનું ગણાતું હતું. જ્યારે સો વર્ષ બાદ, એકવીસમી સદીમાં સરેરાશ આયુષ્ય ૭૭.૮૫ વર્ષનું ગણાય છે. ક્રેડિટ ગોઝ ટુ મેડિકલ સાયન્સ.

કોરોનામાં કાળજી રાખીએ, અને વેક્સિન શોધાય નહિ ત્યાં સુધી દિવ્યભાસ્કરના ‘માસ્ક જ વેક્સિન છે’ સૂત્રને અમલમાં મૂકીએ, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ તો કોરોના પણ હારશે જ.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: admin

Leave a Reply

Your email address will not be published.