ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૮) હિંમતો

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક    અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.  

– પીયૂષ મ. પંડ્યા

            —————*—————-*——————-*——————-*——————*—————-

૧૯૭૪ના અરસામાં મારા બાપુજીની બદલી પાલિતાણા મુકામે થઈ. એ સમયના ત્યાંના વિકસિત, સમૃધ્ધ અને અતિશય રમણીય વિસ્તારમાં રહેવા માટેની સગવડ મળી. લગભગ ૬૦૦ વારના પ્લોટમાં મોટો બંગલો કહી શકાય એવું મકાન હતું. એ સમયે હું નડીયાદ રહીને ભણતો. દિવાળી વેકેશનમાં ત્યાં ગયો તો જોયું કે અમારા રહેણાકની પાછળ જ રહેલો શેત્રુંજો કોઈ પણ રૂમની બારીમાંથી દેખાતો રહેતો. મજા તો સાંજે પડી જતી. એ દિવસો દરમિયાન સૂર્ય એવી રીતે આથમે કે ડૂંગરની બે ટેકરીઓની બરાબર વચ્ચેની બાજુએથી ડૂબતો જણાય. તે સમયના આકાશના રંગોની સતત બદલાતી રહેતી છટા જોઈને શાળાઓના દિવસોમાં ચિત્રપોથીમાં અચૂક દોરાવવામાં આવતું ચિત્ર જાણે વાસ્તવિકતામાં ફેરવાઈ જતું હોય એવો ભાસ થતો. એવા સમયે હું બહાર ખુલ્લામાં ખુરશી નાખીને બેસીને આ દ્રષ્યો માણતો રહેતો.

હજી આ ઉપક્રમનો બીજો જ દિવસ હતો. હું જઈને બેઠો જ હતો ને વંડીની બહારથી એકદમ ઘોઘરો અવાજ આવ્યો, “કાં એલા! કોણ સો? હું જો સ?” મારા બાપાના ઘરમાં બેઠો હોઉં અને મારી ઓળખાણ અને હું શું જોતો હતો એમ પૂછનાર તે વળી કોણ ફૂટી નીકળ્યો એમ વિચારી મેં ઉભા થઈને પાચાલ જોયું તો જે બે ટેકરાઓ પાછળ સંધ્યાના એકદમ સુંદર રંગો દેખાઈ રહ્યા હતા એમાંનો એક સામે ઉભો હોય એવું પહેલી નજરે જણાયું! ધીમેધીમે ખ્યાલ આવ્યો કે શેત્રુંજાના ટેકરાઓ યથાસ્થાને જ હતા, આ તો પ્રચંડદેહી માનવાકૃત્તિ હતી! સાંજના આછા અજવાળામાં એનું મુખારવિંદ તો ભળાતું જ નહોતું પણ એવામાં તો એ વંડી ઠેકીને અંદર આવી ગયો. એ સીધો ઘરમાં ગયો અને અંદરથી માની ત્રાડ સંભળાઈ, “જો પાછો ગંદા પગે ઘરમાં ગરી ગ્યો! હવે અત્યારે કોણ સાફ કરશે?”  એ ખડખડાટ હસતો બહાર ભાગી આવ્યો અને એની પાછળ ને પાછળ હાથમાં સાવરણી લઈને મા બહાર આવી. એણે એ સાવરણી માના હાથમાંથી લઈ લીધી અને ઘરમાં પ્રયાણ આદર્યું. બેત્રણ મીનિટમાં ઘટી ગયેલ આ ઘટના મારા દિમાગમાં ઉતરે એ પહેલાં એણે અંદરના રૂમની માને સંતોષ થાય એવી સફાઈ કરી નાખી. પાછો મારી સામે આવીને  “હાલ્ય, હવે તારું નામ તો કે!” પૂછતો ઉભો રહ્યો. પરિચયવિધીનો દોર માએ સંભાળી લીધો. એનું નામ હિંમતસિંહ હતું પણ એ ‘હિંમતો’ તરીકે જાણીતો હતો. એ લગભગ સત્તર અઢાર વર્ષનો  હશે. એ અમારી સામેની બાજુએ રહેતો હતો. ત્યારે તો અંધારું થવા આવ્યું હોઈ એ જતો રહ્યો. બીજા દિવસથી અમારો પરિચય વધવા લાગ્યો અને થોડા વખતમાં અમે બેય ‘પાક્કા ભાઈબંદુ’ થઈ ગયા.

અમારા ઘરની બહાર પસાર થતા મુખ્ય રસ્તાને આરપાર જોઈએ તો સામેની બાજુએ એક વોંકળો હતો. લોકો કહેતા કે એક જમાનામાં ત્યાં નદી વહેતી હતી. જો કે ત્યારે તો ત્યાં ચાલીને અવરજવર થઈ શકે એવો રસ્તો બની ગયો હતો. એ જગ્યામાં થોડાં ઝાડ અને વધુ ઝાંખરાં ઉગેલાં હતાં. એ ઝાડી-ઝાંખરાંની વચ્ચે એક ઝૂંપડી હતી, જેમાં હિંમત એનાં મા-બાપ રૂડીબહેન અને કમાભાઈની સાથે રહેતો હતો. એ કુટુંબે જાતે જ ઉભી કરેલી એ ઝૂંપડીની ફરતે ઝાંખરાંની વાડ હતી. એના પાછળના ભાગે એક બાજુ એક ભેંશ બાંધેલી હતી અને બીજી બાજુએ થોડાં શાકભાજી ઉગાડેલાં જોઈ શકાતાં હતાં. હિંમતનાં માબાપ પણ એની જેવાં જ હાડેતાં હતાં. એ બન્ને સાહિંઠ વરસ તો વટાવી જ ગયાં હશે, પણ સહજતાથી ખાસ્સી મહેનત કરતાં હતાં. પરિચય વધતાં જાણ્યું કે એની કરતાં મોટી ચાર બહેનો પણ હતી. ક્યારેક ક્યારેક એમાંની કોઈ ને કોઈ નજરે ચડી જતી. એમને અને એમનાં સંતાનોને જોઈને ખ્યાલ આવતો કે અતિશય મજબૂત શારીરિક બાંધો સમગ્ર કુટુંબને વારસાઈમાં સુપેરે ઉતરી રહ્યો હતો. કમાભાઈ અને રુડીબહેન જ્યાં મળે ત્યાં મજૂરી કરીને પૂરું કરતાં હતાં. વળી બે ત્રણ  ઘરે દૂધ પણ વેચતાં. એ લોકો મોટા ભાગે કોઈના ને કોઈના ખેતરમાં મજૂરીએ જતાં. એના વળતરરૂપે એ કુટુંબને જરૂરીયાત મુજબનું અનાજ મળી રહેતું. શાક, દૂધ, ઘી અને દહીં માટે એ લોકો સ્વનિર્ભર હતાં. તો યે એ કુટુંબની આર્થિક સ્થિતિ એકદમ નબળી હતી.

એમ પણ હિંમતો મારા ઘરમાં કોઈ પણ સમયે ઘૂસી જતો હતો. હુ ગયો એટલે પછી મને મળવાને બહાને એની મુલાકાતોમાં વધારો થયો. ઘરમાં દાખલ થયા પછી એ કાંઈ પણ કરવામાં ક્ષોભ ન અનુભવતો. સોફામાં પલોંઠી વાળીને બેસીને કુદ્યા કરવું, શૉકેસમાં મૂકેલી કોઈ પણ ચીજ બહાર કાઢીને એનાથી રમ્યા કરવું, રસોડામાં જઈને નાસ્તાનો ડબ્બો ખોલીને એમાંથી જે મળે એ મોઢામાં ઓરી દેવું, નાનીબહેન ગોપીના દફતરમાંથી ચોપડી કાઢી, એમાંથી ચિત્રો જોવાં વગેરે પ્રવૃત્તિઓ એને માટે પસંદગીના ક્રમમાં પાછળ હતી. ટોચની અગ્રતાએ હતો ટેલીફોન. એ જમાનામાં અમારા માટે પણ ઘરમાં ફોનનું હોવું ખાસ્સું રોમાંચક હતું તો હિમતાને એ એક ચમત્કારનું જ સાધન લાગે એ સ્વાભાવિક હતું. ત્યારે કોઈને ય ફોન કરવો હોય તો એક્સ્ચેન્જમાં જોડવો પડે એવી વ્યવસ્થા હતી. ત્યાંના ઓપરેટર જોઈતી લાઈન લગાડી આપતા. હિંમતો ઘરમાં દાખલ થાય એટલે સીધો ફોન આગળ જ પહોંચે. એ ડાયલ ઉપાડે એટલે સામેથી નંબરની પૃચ્છા થાય. એનો કોઈ સગો ઓપરેટર હતો. જો સામે છેડે એ હોય તો તો એની સાથે જ વાતો કરે. જો કોઈ બીજું હોય તો બે આંકડાની કોઈ પણ સંખ્યા કહે. ફોન લાગે એટલે ‘જે ભગવાનની આરતી’, ‘આજે ચીકંગ(શીખંડ)ના હું(શું) ભાવ રાખ્યા સ?” ‘ચોલે (શોલે)જોઈ કાઢી?” જેવુ કાંઈ પણ બોલીને ફોન મૂકી દે. અલબત્ત, આવાં તોફાનો એ ત્યારે જ કરતો, જ્યારે મા પાછળ આવેલી કૂંડીએ કપડાં ધોતી હોય. એ ઘરમાં હોય તો તો ફોનને અડવાની એની મજાલ નહોતી. આ ખબર પડી એટલે બાપુજીએ એક્સ્ચેન્જમાં સૂચના આપી દીધી કે અમારા ઘરેથી ફોન જાય તો કોણ બોલે છે એ જાણ્યા પછી જ લાઈન જોડી આપવી. હા, એના સગા ઓપરેટર તરીકે હોય તો સામસામી વાતો કરે એનો વાંધો નહોતો.

આટલું જાણ્યા પછી એવી છાપ પડે કે હિંમતો સાવ મેલોઘેલો અને અસ્તવ્યસ્ત રહેતો હશે. પણ, હકિકતે એ અત્યંત ચોખ્ખો રહેતો. મેં ક્યારેય એને ન્હાયા વગરનો જોયો નથી. ઋતુ કોઈ પણ હોય, વહેલી સવારમાં એની ઝૂંપડીથી થોડા જ અંતરે આવેલા કુવે એ નહાવાનું અને કપડાં ધોવાનું કરી લેતો. કોઈ વાર ઈચ્છા થાય તો કુવાની અંદર પણ ધુબાકા મારી લેતો. એ કપડાં પણ સ્વચ્છ અને સુઘડ પહેરતો. માથું પણ વ્યવસ્થિત ઓળેલું હોય. હિંમત  જ્યાં મળે ત્યાં કામ કરી લેતો. એની એકમાત્ર લાયકાત એની અમાપ શારીરિક તાકાત હતી. એનામાં બુધ્ધિનો જથ્થો એની શારીરિક સંપત્તિને વ્યસ્ત પ્રમાણમાં હતો. વળી મસ્તીખોર પણ એટલો જ હતો. એ ઉપરાંત ક્યાં, કેટલું અને શું બોલવું એનું પણ ભાન એને નહોતું. છોગામાં, એના કામમાં ય ભલીવાર ઉતરશે એની કોઈ જ ખાત્રી ન રહેતી. આવાં કારણોથી એ ક્યાંય ઝાઝું ટકતો નહીં. નીશાળમાં પણ ન ટક્યો. એણે જ જણાવ્યું કે એનું ભણવાનું કેમ છૂટી ગયું. એનાં નિયમિત તોફાનોથી અને અનિયમિતતાથી તો નિશાળના સાહેબો ટેવાયેલા જ હતા. પણ એકવાર એણે એક પરાક્રમ એવું કર્યું કે એ આઠમા ધોરણમાં હતો ત્યારે સ્કૂલે હિંમતને ‘ગડગડીયો’ પકડાવી દીધો.

વાત એમ હતી કે એની નીશાળના એક સાહેબ બારેય મહિના છૂટોછવાયો ધંધો કરી લેતા હતા. હિંમત એમાં નાની મોટી મદદ કરીને થોડું કમાઈ લેતો. એ ધીમેધીમે કરતો આઠમા ધોરણમાં આવ્યો ત્યારે એના વર્ગશિક્ષક તરીકે એ જ સાહેબ હતા. અલગઅલગ ધંધા કરતેકરતે સાહેબે તે દીવાળીએ ફટાકડાનો વેપાર કરવાનું નક્કી કર્યું. તે સમયે દશેરા પછી પાલિતાણા ગામની બહાર એક ખુલ્લા મેદાનમાં હારબંધ હાટડીઓ મંડાતી. હિંમતાએ રોજેય સાંજે સાહેબના ઘરેથી ફટાકડા હાટડીએ લઈ જવાના અને મોડી રાતે એ પાછા એમને ઘરે પહોંચાડી દેવાના રહેતા. થોડા દિવસ વફાદારીપૂર્વક આ કામ કર્યા પછી એને થયું કે સાહેબને દનૈયું વધારી આપવા માટે કહેવું જોઈએ. આ દરખાસ્ત સાહેબે નિર્દયતાથી ઠુકરાવી દીધી. બીજે દિવસે એણે ફરીથી વિનંતિ કરી. એ જ પરિણામ આવ્યું  આવું પાંચેક વાર બન્યા પછી એણે આ વાત ઘરે કરી. એને રૂડીબહેને એ નોકરી છોડી દેવાની સલાહ આપી. એમણે એમ કહ્યું કે “મૂક, ઈ ફટાકડામાં પૂળો!” એ બિચારાં સૂચિતાર્થમાં બોલ્યાં અને આપણા ભભૂતગરે એને શબ્દશ: લીધું.  

એક ચોક્કસ દિવસ પછી સ્થાનિક વહીવટીતંત્ર તરફથી રાતના અગિયાર વાગ્યા સુધી દૂકાનો ખુલ્લી રાખવાની છૂટ મળી. તંત્ર તરફથી ત્યાં રાત માટે એક ચોકીદારની અને અગ્નિશમનદળના બંબાની પણ વ્યવસ્થા કરવામાં આવી. આમ થતાં સાહેબને ફટાકડાની હેરફેર કરવાની જરૂર ન રહી. એટલે એમણે હિંમતાને છૂટો કરી દીધો. એણે બક્ષીસ તરીકે થોડાક ફટાકડા માંગ્યા પણ સાહેબે એની ય ના પાડી દીધી. વળી એ જ દિવસે એમણે વર્ગમાં કોઈ કારણસર હિંમતાને ફટકાર્યો. આ બધું ભેગું થતાં એનો ગુસ્સો ભભૂક્યો. એ મોડી રાતે માબાપને ખબર ન પડે એમ ઘરેથી સરકીને જ્યાં ફટાકડાની હાટડીઓ હતી એ મેદાને પહોંચી ગયો. સાહેબની હાટમાં દાખલ થઈ, બેત્રણ અલગઅલગ ખોખાંમાં દિવાસળી ચાંપી દીધી અને ખેલ જોવા દૂર જઈને ઉભો રહ્યો. થોડી વારમાં તો એ હાટમાં ઝાકમઝોળ થઈ ગયું. દૂર એક ખાટલામાં સૂતેલો ત્યાંનો રખેવાળ દોડી આવે એ પહેલાં તો એ હાટમાં રાખેલાં રોકેટ અને હવાઈ સળગી સળગીને છૂટવા લાગ્યાં. આમ થતાં બાજુની દૂકાનોમાં પણ એ જ હાલત થઈ. થોડી વારમાં તો બધી જ હાટડીઓમાં આડેધડ ફટાકડા ફૂટવા લાગ્યા અને ત્યાંનાં કામચલાઉ માળખાં સળગવા લાગ્યાં. ધાર્યા કરતાં અલગ અને ભયંકર પરિણામ મળતાં હિંમતો ત્યાંથી ભાગ્યો. સંવત ૨૦૨૪/ સને ૧૯૬૮ની દિવાળી પહેલાંની એક મોડી રાતે પાલિતાણામાં જે જબરદસ્ત આતશબાજી થઈ, એ રાવણદહનના કાર્યક્રમ કરતાં કમ નહોતી. જો કે લાયબંબાના કર્મચારીઓ તરત કામે ચડી ગયા એટલે આગ ઝડપથી કાબુમાં આવી ગઈ. વળી મોડી રાતનો સુમાર હોવાથી મોટાં ટોળાં પણ ભેગાં ન થયાં આમ કોઈના દાઝી જવાની કે અન્ય કશી જ દુર્ઘટના બનવા ન પામી.

બીજી સવારે એ આગ હિંમતાએ લગાડી હતી એ વાત ત્યાંના ચોકીદારે જાહેર કરી દીધી. થોડી વારમાં જ  એના વર્ગશિક્ષક અને નીશાળના હેડમાસ્તર સાહેબ એને ઘરે આવી, એને તે જ દિવસથી કાયમ માટે નીશાળ સુધી લાંબા થવાનું કષ્ટ ન વેઠવા માટેનો વિનંતિપત્ર આપી ગયા  વિદાયમાન તરીકે એનાં માબાપની હાજરીમાં જ હિંમતાને સોટીએ ને સોટીએ ફટકાર્યો. એની બા રૂડીબહેને અને બાપા કમાભાઈએ સાહેબોને એમના પૂણ્યકાર્યમાં પૂરતો સહકાર આપેલો. તે ઉપરાંત આસપાસનાં રહેવાસીઓએ પણ વાચિક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

          —————*—————-*——————-*——————-*——————*—————-

બસ, આમ હિંમતની ‘આશાસ્પદ’ શૈક્ષણિક કારકીર્દિનો અંત આવી ગયો હતો. એ ઘટનાનાં છ વર્ષ પછી પણ એનામાં ઝાઝો સુધારો નહોતો થયો. જો કે ઉપર કહ્યું એમ એ કોઈ પણ કામ કરીને થોડુંઘણું કમાઈ લેતો હતો. ઉપરાંત ભેંશની સંભાળ પણ એ જ લેતો હતો. પણ નવરો પડે એ ભેગો કાંઈક અળવીતરું કર્યા વગર રહી ન શકતો. જો કે હાથનો એકદમ ચોખ્ખો અને સાવ ભોળો એટલે એને ઓળખતાં સૌ કોઈ હિંમતને સારી રીતે રાખતાં. હવેની વાત સને ૧૯૭૫ના જુન મહિનાની છે. વેકેશન પડી ગયું હોવાથી હું પાલિતાણામાં જ હતો. એવામાં એક દિવસ મારા કાકા આવ્યા. પાછા જતાં મને ય ભાવનગર લેતા ગયા. બે-ત્રણ દિવસ પછી અમને ખબર પડી કે પાલિતાણા માથે આભ ફાટ્યું હતું! મેં મારી આંખે તો નહોતું જોયું પણ પછીથી જે સાંભળ્યું એ ખાસ્સું કંપાવી દે એવું હતું. પૂરા ગામમાં પાણી ભરાઈ ગયાં અને એમાં સતત વધારો થતો જ રહ્યો. અમારા ઘરમાં પાણી ભરાવાનું શરૂ થતાં  મા અને ગોપી અગાશીમાં જતાં રહ્યાં. બાપુજી ગમે તેમ કરીને સવારે બેન્કે ગયા તો હતા પણ એમનાથી પાછા અવાય એવી કોઈ જ શક્યતા ન રહી. સારા નસીબે ફોન ચાલુ હતો અને એમને બેન્કે જ રોકાઈ રહેવું પડશે એટલો સંદેશો મળી ગયો.

  વરસાદ તો અનરાધાર ચાલુ જ હતો. એવામાં હિંમતની ઝૂંપડી હતી એ વોંકળામાં પાણી જબરા વેગથી ધસી આવ્યું. અગાશીમાંથી માએ બૂમ પાડીને હિંમતને અને એનાં મા-બાપને ઝડપથી અમારા ઘરમાં આવી જવા કહ્યું. પણ એ ત્રણેય તો   એમનો અસાબાબ બચાવવામાં પડ્યા હતાં. એમણે થોડું ઘણું લાવીને અમારી ઓશરીમાં નાખ્યુ અને પછી અગાશીમાં જતાં રહ્યાં. થોડી વાર પછી એમણે જોયું કે પાણીના પ્રચંડ વેગમાં એમની ઝૂંપડી પડવા લાગી. એ સાથે પાછળ બાંધેલી ભેંશ પણ તણાવા લાગી. આમ તો લાચારીથી જોયા સિવાય કોઈ રસ્તો જ નહોતો. પણ હિંમતથી રહેવાયું નહીં. કોઈ કાંઈ સમજે એ પહેલાં જ એ દાદરો ઉતરીને તણાઈ રહેલી ઝૂંપડી તરફ દોડ્યો. એ વખતે વરસાદ એટલો વધી ગયો હતો કે અગાશીમાંથી બહાર રસ્તા ઉપરનું પણ દેખાતું બંધ થઈ ગયું. ઉપર ઉભેઉભે ગોપી, મા અને હિંમતનાં મા-બાપ સૌ પોતપોતાની ચિંતાને લઈને વ્યગ્ર હતાં. એ બેયને પોતાની ઝૂંપડી તણાઈ જતાં આગળ શું થશે એની, ફરી પાછાં ક્યારે બેઠાં થવાશે એની અને ભેંશનું શું થયું હશે એની ચિંતા થતી હતી. એવામાં બહાર રાડારાડી થવા લાગી. એમાં “એ, હિંમતો તણાયો!’ સંભળાતાં એ બેય અવાચક થઈ ગયાં. મા કાંઈ પણ બોલે એ પહેલાં બન્ને જણાં નીચે ઉતરી ગયાં. ઉપરથી કશુંય દેખાતું નહોતું. એટલે મા એમની પાછળ નીચે ગઈ. અમારા દરવાજાની બહાર રુડીબહેન અને કમાભાઈ શૂન્યમંસ્ક અવસ્થામાં નીચે બેસી પડ્યાં હતાં અને થોડા સેવાભાવી યુવાનો એમને સાંત્વન આપી રહ્યા હતા. એમની પાસેથી જાણ થઈ કે હિંમત આ યુવાનોની મદદાથી થોડોઘણો સામાન તો બચાવી શકેલો પણ પછી તો ભેંશ તણાવા માંડી. આ યુવાનો એને વારે એ પહેલાં હિંમતે એ ભેંશને બચાવવા માટે વહેતા પાણીમાં ઝંપલાવ્યું. એ સાથે જ એ પણ પ્રવાહમાં ખેંચાઈ ગયો. હવે એ સમયે એને માટે પ્રાર્થના કરવા સિવાય કશુંય થઈ શકે એમ નહોતું. માએ રુડીબહેનને હિંમતો હેમખેમ પાછો આવી જ જશે એવી શ્રદ્ધા રાખી, એમને પાછાં અમારા ઘરમાં આવી જવા કહ્યું. એ સાવ ગ્રામીણ નારીનો જવાબ અદ્ ભૂત હતો. એ કહે, “ ના હો બહેન, હવે અમથી તમારા ઘરમાં નો અવાય. આ હિંમતાની ચંત્યામાં અમ બેય માણહ ઘડીયે ને ઘડીયે રોઈ પડીએ. જુઓ, તમારે ય સાહેબ હોફીસમાં ભરાઈ રહ્યા છે એમની ને દીકરો બા’રગામ સે ઈની ચંત્યા તો માથે બેઠી જ સે ને! એમાં અત્યારે સંધ્યાકાળ થવા આવ્યો છે ને તમારા ઘરમાં અમીં રોઈં તો ઈ કેવડો અપશકન થાય!”

જો કે એ વખતે આ દુર્ઘટનાની જાણ થતાં ત્યાં આવી પહોંચેલા કેટલાક ડાહ્યા માણસોએ એ દંપતિને સારી રીતે ધીરજ બંધાવીને પાછાં અમારી અગાશીમાં ચડી જવા સમજાવ્યાં. એ લોકો ખબર લાવ્યા કે વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું હતું અને જ્યાંજ્યાં ખાનાખરાબી થઈ હતી ત્યાં શક્ય એટલી ઝડપથી રાહત પહોંચાડવાના પ્રયત્નો પણ શરૂ થયા હતા. વરસાદનું અને સતત વહી રહેલા પાણીનું જોર ઓછું થતાં એ કાર્ય પણ વધુ વેગવંતું બનવાનું હતું. આ ગળે ઉતરતાં એ બેય પાછાં અમારી અગાશીમાં ચડી ગયાં. રુડીબહેન સતત એમના હિંમતાની વાતો કરતાં હતાં. કમાભાઈ સાવ મૂંગામૂંગા એક બાજુએ જઈ ઉભા હતા. થોડીથોડી વારે મા શક્ય એ રીતે એમને ધીરજ બંધાવ્યા કરતી હતી. મોડી સાંજ થઈ ત્યારે છેવટે વરસાદનું જોર થોડું ઘટ્યું. એમ થતાં ઘરમાં ભરાયેલાં પાણી ધીમેધીમે ઓસરવા લાગ્યાં. નસીબજોગે પાવર ચાલુ જ હતો. બહાર રોડ ઉપરની બત્તીઓ ચાલુ થઈ. માએ અગાશીમાંથી નીચે જઈ પહેલાં જોયું કે ફોન પણ ચાલુ હતો. એણે બેન્કમાં ફોન કરી, બાપુજીની સાથે વાત કરી. ત્યાં બધું સલામત હોવાનો સધીયારો મળતાં એણે ચા બનાવી. રુડીબહેન અને કમાભાઈ પણ માનવા લાગ્યાં હતાં કે પાણી ઓસરશે એટલે એમનો હિંમતો પાછો આવી જશે. એકાદ કલાક પછી માએ ખીચડી-શાકની તૈયારી કરી અને જૈફ દંપતિને સમજાવીને જમાડ્યાં. મોડી રાતે અમારા ઘર આગળ એક ખટારો આવી ઉભો. એમાંથી મારા બાપુજી ઉતર્યા. એમના જણાવ્યા પ્રમાણે વરસાદ ઓછો થયો હોવા છતાં ત્યારે આખ્ખે રસ્તે કેડસમાણાં પાણી હતાં. સ્થાનિક પ્રશાસને પાંચ ખટારાની મદદથી ફસાયેલા લોકોને ઠેકાણે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. મોડી રાતે જ એક કરતાં વધુ સ્થળોએ રાહત છાવણીઓ શરૂ થઈ ગઈ હતી. એ સમયમાં સંદેશાવ્યવહારની ટાંચી સગવડો વચ્ચે પણ પાલિતાણામાં વહીવટીતંત્ર, રાજકારણીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે થઈ રહ્યું હતું તે ઉદાહરણીય હતું.

બીજી સવારે વરસાદનું જોર ખાસ્સું ધીમું પડી ગયું અને ચારેય બાજુ ભરાયેલાં પાણી પણ ઓસરવાની શરૂઆત થઈ ગઈ. આમ થતાં રુડીબહેન અને કમાભાઈએ એક રાહત છાવણીમા જવાનું નક્કી કર્યું. મોડી રાત સુધી મારાં મા-બાપે એમને હિંમત પાછો આવી જ જશે એવો સધિયારો આપ્યો હતો એનાથી એ બન્ને પ્રમાણમાં સ્વસ્થ હતાં. જો કે એ ઘટનાના બે દિવસ પછી પણ હિંમતના કોઈ જ સગડ ન મળ્યા. બચાવકાર્ય માટેના જવાનોએ પણ પણ આશા છોડી દીધી. પછી તો એનાં મા-બાપની ધીરજનો બંધ સાવ તૂટી ગયો. એ ઉંમરે રહેઠાણ, જેવી પણ હતી એ ઘરવખરી અને ભેંશ ગુમાવ્યાનો આઘાત તો કાંઈ ન લાગે એવો આઘાત એમની ઉપર આવી પડ્યો હતો. અમારા વિસ્તારમાં પણ લોકો હતપ્રભ થઈ ગયા હતા. હિંમત  જેવો ભોળો, રમતિયાળ અને આનંદી છોકરો આમ ઓગળી જાય એ કેવી રીતે સહન થાય! બધાં છવણીમાં જઈને તૂટી ગયેલાં મા-બાપને સાંત્વન આપી આવતાં હતાં.

અમને ભાવનગરમાં રહ્યે પાલિતાણામાં ભારે વરસાદ અને પૂર થકી સર્જાયેલી તારાજીના ખબર મળતા રહેતા હતા, આમ હોવાથી હિંમતાના તણાઈ જવાની વાત મને પણ ખબર હતી. ત્યાં બધું થાળે પડવા લાગ્યું હોવાની જાણ થઈ એટલે કાકા અને હું પાલિતાણા જવા નીકળ્યા. સાંજે ઘરે પહોંચ્યા પછી મોડી રાત સુધી અમે સૌ વાતો કરતાં રહ્યાં એનો મુખ્ય વિષય હિંમતો જ હતો. લગભગ દોઢેક વાગ્યે લાગ્યું કે હવે સૂઈ જવું જોઈએ. સૂતે એકાદ કલાક વિત્યો હશે એવામાં અમારા ઘરની બહાર ભારે કોલાહલ થવા લાગ્યો. એ રીડીયા એટલા મોટા હતા કે અમે સૌ ઉંઘમાંથી સફાળાં બેઠાં થઈ ગયાં. એટલામાં તો અમારો દરવાજો ઠોકાવા લાગ્યો. ખોલીને જોયું તો રુડીબહેન અને કમાભાઈ ઉભાં હતાં. એ બેય જૈફ વયનાં માણસો પોતાનીથી વીશેક વર્ષે નાનાં હશે એવાં મારાં મા-બાપના પગમાં પડી ગયાં. એનું કારણ પછી હિંમતાના રૂપમાં પ્રગટ થયું! હા, હિંમતો સહિસલામત પાછો આવ્યો હતો. એના કહેવા પ્રમાણે એણે તે દિવસે તણાતી ભેંશનું પૂંછડું પકડી લીધું હતું. પછી તો વ્હેણ સાથે ભેંશ અને ભેંશ સાથે હિંમતો ક્યાં સુધી તણાયાં એનું એને કશું ય ભાન નહોતું. રાતના અંધારામાં છેવટે એ બેય તણાતાં એક ભેખડ પાસે અટક્યાં. બીજી સવારના અજવાળામાં એણે જોયું તો ભેંશ ન દેખાઈ. એટલે પછી એ એને શોધવા પાણી ખૂંદતો ભટકવા લાગ્યો. જ્યાં રાહતકાર્ય ચાલતું હોય ત્યાં જમીને ફરીથી ભેંશની તપાસમાં નીકળી જતો. જો કે બે દિવસ ભટક્યા પછી એને પોતાનાં મા-બાપની યાદ આવી. આમતેમ ભટકવાનું છોડી, એ ઘર ભણી ચાલ્યો આવ્યો. રાતના લગભગ સાડાબાર વાગ્યે એ પૂછતોપૂછતો એ છવણીમાં પોતાનાં મા-બાપ સુધી પહોંચ્યો. એ બેયના જીવનમાં આનાથી મોટી ખુશીની ક્ષણ ક્યારેય નહીં આવી હોય. અંદરોઅંદર એને વહેંચ્યા પછી એ લોકોએ હિંમતને કહ્યું કે એ મારાં મા-બાપના આશિર્વાદથી જ પાછો ફર્યો છે. માટે એને લઈને મોડી રાતે જ એ ત્રણેય અમારા ઘર ભણી ધસી આવ્યાં. અમારા વિસ્તારમાં એ સમયે પણ ‘હિંમતો જીવતો પાછો આવ્યો’ના ખબર પૂરના પાણી જેમ જ ફેલાઈ ગયા અને હલ્લાગુલ્લા સાથે હિંમતાનું ભવ્ય સ્વાગત થવા લાગ્યું. એ પછીથી મારાં મા-બાપની પ્રતિષ્ઠા કોઈ સાધુસંતની કક્ષાની  થઈ ગઈ. હજી તો એક ચમત્કાર બાકી હતો. એક દિવસ પછી હિંમતાની ભેંશ પણ પાછી આવી ગઈ. મૂળ જગ્યાએ ઝૂંપડી તો નહોતી પણ એ બાજુના કુવાની એંધાણીએ પોતાનું ઠેકાણું ઓળખી શકી હતી. આ પછી લાંબા સમય સુધી ત્યાંના લોકો બોલતા રહ્યા, “કમાભાઈની તો ભેંશેય પાછી આવી ને પાડો ય તે !”

એ પછી મને અમદાવાદમાં નોકરી મળી જતાં પાલિતાણા છૂટી ગયું. પરિણામે હિંમતાનો સાથ પણ છૂટી ગયો. આજે લગભગ પિસ્તાળીશ વરસ પછી પણ એ ભૂલાયો નથી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

3 thoughts on “ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૮) હિંમતો

  1. કોને દાદ આપું, હિંમતસિંહ અને પિયૂષદાન ગઢવી ને,વાહ વાહ

  2. જુના સ્મરણો સાથે આપે સરસ વાત લખી છે. હિંમત નું શબ્દચિત્ર હુબહુ જોતા હો તેવું આંક્યું છે. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.