ફિર દેખો યારોં : ઔર દુઆ દે કે પરેશાન સી હો જાતી હૂં

બીરેન કોઠારી

કોવિડની અભૂતપૂર્વ અને વિશ્વવ્યાપી કટોકટીને લઈને ઘોષિત કરાયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની અનેકો પર વિપરીત અસર થઈ. અનેક કરુણાંતિકાઓ પ્રકાશમાં આવી. વિસ્થાપિત શ્રમિકોની સમસ્યા આ બધામાં સૌથી પ્રગટ અને અણધારી હતી એમ કહી શકાય. અલબત્ત, તાજેતરમાં અગ્રણી દૈનિક ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ દ્વારા પ્રકાશિત એક સંશોધન મુજબ, આ ગાળામાં બાળકોની કેટલીક સમસ્યાઓ અતિ ગંભીર કહી શકાય એવી છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની અધિકૃત એવી રાષ્ટ્રીય હેલ્પલાઈનના ફોન નંબર 1098 પર માર્ચથી ઑગષ્ટના સમયગાળા દરમિયાન 27 લાખ કૉલ આવ્યા. આગલા વરસે આ જ સમયગાળા દરમિયાન કુલ 36 લાખ કૉલ આવ્યા હતા. આ વરસે આ સમયગાળા દરમિયાન લૉકડાઉનનો અમલ ચાલુ હોવાથી કૉલની સંખ્યામાં તીવ્ર ઘટાડો થવાનો સંબંધિત અધિકારીઓનો અંદાજ હતો. કૉલની સંખ્યા આગલા વરસની સરખામણીએ ઓછી, પણ લૉકડાઉનને ધ્યાનમાં લેતાં ઘણી વધુ હતી.

હેલ્પલાઈન દ્વારા કુલ 1.92 લાખ કૉલને અનુસરીને તેમાં દરમિયાનગીરી કરવામાં આવી. આગલા વરસે આ આંકડો 1.70 લાખનો હતો. મતલબ કે આ ગાળામાં એવા બનાવોમાં અનેકગણો વધારો નોંધાયો કે જેમાં સંબંધિત વિભાગે માત્ર ફોન પર વાત કરીને સહાય આપવાને બદલે વાસ્તવિક રીતે દરમિયાનગીરી કરવી પડી.

એપ્રિલથી ઑગષ્ટ દરમિયાન બાળલગ્નોના દસ હજાર કિસ્સાઓ સંબંધિત અધિકારીઓના ધ્યાનમાં આવ્યા. સરકારની માર્ગદર્શિકા અનુસાર પ્રત્યેક રાજ્યમાં ઓછામાં ઓછા 50 ટકા પોલિસ ડિસ્ટ્રીક્ટ માનવ તસ્કરીને રોકવા માટે ફાળવાયેલા હોવા જોઈએ. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આ સંખ્યા સાવ ઓછી હતી.

ગૃહ મંત્રાલયે જુલાઈ માસમાં એક અપીલ દ્વારા જણાવવું પડ્યું કે બાળકો અને યુવાનોની ડગુમગુ માનસિક સ્થિતિ અને જરૂરી સહાયવ્યવસ્થાના અભાવનો ગેરલાભ અપરાધીઓ લઈ શકે છે. દેહવ્યાપાર, મજૂરી, ભીખ મગાવવી કે લગ્ન કરાવવા જેવાં કામોમાં તેમને બળજબરીપૂર્વક ધકેલી દેવામાં આવે છે.  લૉકડાઉનનાં નિયંત્રણો છતાં આ કિસ્સા બનતા રહ્યા છે, બલકે તેની સંખ્યા વધી છે એ સૂચવે છે કે કાનૂનને આ લોકો સાવ હળવાશથી લઈ રહ્યા છે.

હવે લૉકડાઉન પૂરું થયા પછી વિસ્થાપિત શ્રમિકો પાછા શહેર તરફ વળી રહ્યા છે. આવા સમયે સસ્તા મજૂરોની માંગમાં ઉછાળો આવવાનો, જેને લઈને બાળમજૂરોની સંખ્યા પણ વધશે એવી આશંકા છે. બાળકોને બળજબરીપૂર્વક લઈ જવામાં આવે કે સ્વેચ્છાએ, તેમની પરિસ્થિતિની મજબૂરીનો આ રીતે ગેરલાભ ઉઠાવવો અનૈતિક અને સજાપાત્ર ગુનો છે.

આ વર્ગ મોટે ભાગે ગરીબ, અસંગઠિત અને સગીર હોવાથી તેનો અવાજ સત્તાવાળાઓ કે પ્રસાર મધ્યમો સુધી ભાગ્યે જ પહોંચે છે. આ ઉપરાંત મતાધિકાર ધરાવતા ન હોવાથી તેમની સમસ્યા ઉકેલવામાં નેતાઓને શો રસ પડે? જો કે, ઘણી સંસ્થાઓ અને કર્મશીલો આ ક્ષેત્રે સક્રિય છે એ આશ્વાસનની વાત છે. માનવ તસ્કરીનો અર્થ કેવળ દેહવ્યાપાર પૂરતો સંકુચિત કરવાની જરૂર નથી. આ ઉપરાંત પણ અનેક હેતુઓ માટે માનવ તસ્કરી, ખાસ તો બાળકોની તસ્કરી થતી રહે છે. મધ્યમવર્ગીય કે સાધનસંપન્ન વર્ગને કદાચ આ સમસ્યાની ગંભીરતા ખ્યાલમાં ન આવે, કે તેમને કદાચ આ બાબત સમસ્યા જ ન લાગે એ સંભવ છે. ઘરકામથી લઈને કારખાનાંના સ્થળે, કોઈ પણ પ્રકારે બાળકો પાસેથી શ્રમનું કામ લેવું એટલો જ ગંભીર અપરાધ છે. 

આ અખબાર દ્વારા પ્રકાશમાં લાવવામાં આવેલા કિસ્સા હલબલાવી મૂકે એવા છે. તેની તીવ્રતા સમજવા માટે એકાદ બે કિસ્સા જોઈએ. પશ્ચિમ બંગાળના માનવતસ્કરી ક્ષેત્રના કર્મશીલ અને કૃષ્ણચંદ્રપુર હાઈસ્કૂલના આચાર્ય ચંદન મૈતીના ધ્યાનમાં એક કિસ્સો આવ્યો. નવમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીનું લગ્ન બળજબરીપૂર્વક તેના સહાધ્યાયી સાથે કદી દેવામાં આવ્યું. લૉકડાઉનના કારણે શાળાઓ બંધ હતી. છોકરાને 160 રૂપિયાના દૈનિક વેતન અને બે હિલ્સા માછલીના બદલામાં માછીમારીની બોટ પર કામે ધકેલી દેવાયો. બોટ પલટી ખાઈ ગઈ અને એ છોકરો ગુમ થઈ ગયો. આ ગામમાં એવો રિવાજ છે કે આવા કિસ્સામાં સાત વર્ષ સુધી છોકરીએ વિધવા તરીકે સફેદ વસ્ત્ર પહેરવું અને પતિના પાછા આવવા માટે પ્રાર્થના કરવી. મૈતીએ બન્ને પરિવારોને સમજાવ્યા અને આખરે છોકરીને શાળાએ મોકલવા માટે તેમને મનાવી શક્યા.

બીજા કિસ્સામાં પણ પંદર વર્ષની એક છોકરીનું લગ્ન કરી દેવામાં આવ્યું, કેમ કે, લૉકડાઉનને કારણે પરિવારની આવક બંધ થઈ ગઈ હતી. મૈતીને જાણ થતાં તે આ લગ્ન અટકાવવા માટે મથુરાપુર ગામે પહોંચી ગયા અને બન્ને પરિવાર સાથે વાટાઘાટ કરી. છોકરીને લગ્ન માટે તેના મામાને ત્યાં મોકલી દેવામાં આવી હતી. ત્યાં તેણે વિષપાન કરી લીધું. આથી તેને દવાખાને દાખલ કરવામાં આવી. તે બચી ગઈ.  પરિવારજનોએ આ વાત ગુપ્ત રાખી અને તેની એવી માનસિક સ્થિતિમાં પણ લગ્ન કરાવીને જંપ્યા.

આ કિસ્સા થકી ખ્યાલ આવે છે કે જરૂરી નથી કે બહારના લોકો જ બાળકો સાથે આમ કરતા હોય. આ કિસ્સામાં તેમનાં પરિવારજનો જવાબદાર હતાં. વિપરીત આર્થિક પરિસ્થિતિ અને જડ સામાજિક બંધનોના ડરથી તેઓ આમ કરવા પ્રેરાતા હોય છે. આવી તો કેટલીય કરુણાંતિકાઓ અણધાર્યા લદાયેલા લૉકડાઉનના પગલે સર્જાઈ હશે. આવી સમસ્યાઓ સર્જાય ત્યારે સરકાર પાસે વધુ અપેક્ષા શી રખાય! પણ વિવિધ સરકારી વિભાગો આ મુદ્દાની ગંભીરતા અને તીવ્રતાને સમજે, એ મુજબ પગલાં લે અને સંબંધિત અપરાધીઓને કડક સજા મળે એ માટેની પેરવી કરે એટલું તો અપેક્ષિત છે. આ વર્ગ કોઈ ચોક્કસ જાતિનો ન હોવાથી તે મતબૅન્ક નથી, આથી આ મુદ્દે રાજકારણ રમી શકાય એવી સંભાવના સાવ પાતળી છે. આથી જ ‘ઓછામાં ઓછી’ અપેક્ષા રાખવી વધુ પડતી નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૧૦-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.