શબ્દસંગ : જીવન એ જ સાધના

નિરુપમ છાયા

             સંભવામિ યુગે યુગે એ ગીતાવચનની જગતમાં પુષ્ટિ થતી જ રહી છે. વિવિધ યુગમાં જન્મ લેતાં આવાં દિવ્ય વ્યક્તિત્વનો પ્રભાવ સમસ્ત સૃષ્ટિને, માનવને જગતને પ્રભાવિત કરે છે એટલે એ યુગપુરુષ તરીકે પણ ઓળખાય છે. આ યુગ પુરુષો એકલા નથી આવતા, એમની સાથે એવા આત્માઓ પણ અવતરે છે કે જેઓ પોતે પણ એટલા જ ઓજસ્વી અને સમર્થ હોય છે, એમનો પ્રભાવ પણ સદીઓ સુધી પ્રસરતો રહે છે અને યુગપુરુષોને તેમની વિદાય પછી પણ યથાતથરૂપે માનવ જાત સમક્ષ પ્રગટ કરતા રહે છે. બહુ દૂરનું નહીં, સાવ હમણાંનું જ ઉદાહરણ જોઈએ. ૧૯મી સદીમાં થઇ ગયેલા રામકૃષ્ણ પરમહંસ અને ૨૦મી સદીમાં મહાત્મા ગાંધીજીએ, ઘણીવાર બને છે તેમ તરતની આ બે સદીમાં એ યુગપુરુષોએ પોતાનો પ્રકાશ પાથર્યો. આ બન્ને વ્યક્તિત્વો સાથે એવા આત્મા આવી મળ્યા કે એમણે પણ જગતને અજવાળ્યું. રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદ વગેરે અને ગાંધીજીને વિનોબા વગેરે મળ્યા.     

                                 ગાંધીજીના અંતરંગ એવા વિનોબાજીની સવા શતાબ્દી હમણાં જ પૂરી થઈ એ નિમિત્તે એમને પ્રણમાંજલિ અર્પતાં બે મઘમઘતાં પુષ્પો આપણાં જીવનને સુગંધિત બનાવવા, સૌન્દર્ય પ્રગટાવવા, કોમળતા પ્રસરાવવા પ્રસાદરૂપે આપણને મળ્યાં છે, ‘વિનોબા: જીવનપ્રસાદ’ અને ‘વિનોબા: ચિંતનપ્રસાદ’.

                       ‘બ્રહ્મવિદ્યા અને જીવનવિદ્યાની ક્ષિતિજના તેજરશ્મિઓ’ શિર્ષક હેઠળ પ્રસ્તાવનામાં સંપાદક શ્રી રમેશ સંઘવી કહે છે, “નિરાળી દુનિયાનો આ અવધૂત અંતરયાત્રી પોતાના તપયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, વાકયજ્ઞ અને કર્મયજ્ઞથી મબલખ આપી ગયો છે.” આમાં વિનોબા સમગ્ર રીતે સમજાઈ જાય છે અને બંને પુષ્પોમાં આ વાત વિશેષ સ્પષ્ટ થાય છે. પ્રથમ પુષ્પ જીવનપ્રસાદમાં  તપયજ્ઞ અને કર્મયજ્ઞ અને બીજાં પુષ્પ ‘ચિંતનપ્રસાદ’માં જ્ઞાનયજ્ઞ અને વાકયજ્ઞ વિનોબા માટે જીવન એ જ સાધનાની અનુભૂતિ કરાવે છે.

 પ્રથમ પુષ્પ જીવન પ્રસાદમાં વિનોબાજીનાં જીવનનો સાદ્યંત પરિચય મળે છે. આ પુસ્તકનાં કુલ્લ ૧૦ પ્રકરણ છે જેને આપણે  ત્રણ ભાગમાં વહેંચી શકીએ. પ્રથમ ભાગ એમની જીવનયાત્રા કહી શકાય. જેમાંનાં બે પ્રકરણમાંથી એકમાં “મારા વિષે” શીર્ષક હેઠળ  પોતા વિષે વાત કરે છે એમાં ‘મહાપુરુષસંશ્રય’ પ્રાપ્ત વિનોબાજીનું આંતરવિશ્વ જાણે પ્રગટ થાય છે. બીજાં કશાયમાં નહીં પણ શક્તિ ફક્ત અને ફક્ત પ્રેમ અને વિચારમાં જ છે એવી શ્રદ્ધા સાથે વિનોબાજી ધર્મથી નિરપેક્ષપણે મનુષ્યનું દુઃખ જાણી, તેની સેવા કરવાની ભાવના વ્યક્ત કરતાં કહે છે,”મારાં કાર્યોનાં મૂળમાં કરુણા છે, પ્રેમ છે અને વિચાર છે.” કાર્ય કરતાં કરતાં દરેકને સમસ્યા આવે ત્યારે સમસ્યા માનવીય જ છે અને તેનો ઉકેલ સમસ્યાથી મોટા બનીને માનવીય બુદ્ધિથી કાઢવાની સ્વાનુભવની વાત કહેતાં તેઓ ઉમેરે છે, “મારી શ્રદ્ધા ડગી જતી નથી, એ દીવાલની જેમ ટટ્ટાર રહે છે.” વળી પોતે જે કઈ કહે તેનું દબાણ કોઈ ઉપર આવે એવી ઈચ્છા વિના આગ્રહથી આદેશ પણ નથી આપતા. બીજા પ્રકરણમાં મીરાબહેને લખેલાં જીવનચરિત્રમાં, જ્ઞાન-ભક્તિના વારસાથી પ્રારંભાઈને, ભણતર ગૃહત્યાગ વગેરે સોપાનો ચઢતાં, હિમાલયમાં શાંતિની ખોજમાં નીકળેલા અને બાપુનાં ચરણોમાં પહોંચેલા વિનોબાનું  રચનાત્મક કાર્યો, સત્યાગ્રહો સાથે અધ્યયન. ચિંતન, શાસ્ત્રીય ગ્રંથોનાં લેખન  વગેરેથી એક લાક્ષણિક ચારિત્ર્ય  પ્રગટ થાય છે. આઝાદી બાદ પણ બ્રહ્મવિદ્યામંદિર, સર્વોદય સમાજની રચના, મૌલિક એવું ભૂદાન આંદોલન, ગોહત્યા સામે સત્યાગ્રહ વગેરે કાર્યોમાં પ્રવૃત્ત અને અંતે કર્મમુક્તિ અને અંતિમ આરોહણની વાત સાથે એ પૂર્ણ થાય છે. આમ  આ બંને પ્રકરણોમાંથી વિનોબાનો જીવન પ્રત્યેનો અભિગમ અને એમની જીવનયાત્રાના પડાવો વિષે  જાણી  શકાય છે.

એ જ રીતે ત્રીજા અને ચોથા  પ્રકરણને   સાંકળતા   બીજા  ભાગમાં  વિનોબાજી સ્થાપિત બ્રહ્મવિદ્યા મંદિરનાં સાધિકા ઉષાબહેન વોરાએ વિનોબાજીની જન્મશતાબ્દિ અવસરે એમનાં  સૂક્ષ્મ વ્યક્તિત્વનું  દર્શન કરાવતી  પ્રગટ કરેલી  ‘રામરસ બરસે’ નામની, સવાસોમી જયંતીએ   ‘આવા હતા વિનોબા’ નામે ફરી પ્રકાશિત પુસ્તિકામાંથી   અને અમૃતભાઈ મોદીએ વિનોબાજીના પ્રસંગોની ગુંથેલી મોતીમાળ ‘મહર્ષિ વિનોબા’માંથી મૂકેલી સામગ્રીમાં  વિનોબાજીનાં  સ્વચ્છ જીવન અને પારદર્શક, પારસમણિ જેવાં  વ્યક્તિત્વ સાથે સરળ ભાષામાં પ્રસ્તુત ગહન ચિંતન, સૂત્રાત્મક અર્થઘટન, અને સ્પષ્ટ જીવનકાર્ય અને દૃષ્ટિ, ‘વિનોબા કોણ?’ની જીજ્ઞાસા તૃપ્ત કરવા ઉપયોગી બને છે. બાકીનાં ૫ થી ૧૦ પ્રકરણોમાં વિનોબાજીના અંતેવાસી, સર્વોદય કાર્યકરો અને ચિંતકોના  વિનોબાજી વિષેના લેખોમાંથી પણ વિનોબાજીના પારસમણિ સમાં વ્યક્તિત્વનો પરિચય થાય છે.

બીજું  પુષ્પ, વિનોબાજીનાં વ્યાખ્યાનો, લેખોમાંની દૃષ્ટાંતકથાઓ ‘જીવન પાથેય’, અને તેમનાં સ્ફટિકસમાં વિષયને સર્વ પાસાંમાં સ્પર્શતા લેખો, વ્યાખ્યાનો વિષય અનુસાર વર્ગીકૃત કરી, ગોઠવીને, ‘જીવન દૃષ્ટિ’, સૃષ્ટિ સંબંધ’, ‘સર્વોદય દૃષ્ટિ અને કાર્યકર્તા પાથેય’, ‘શિક્ષણ અને સાહિત્ય’, ‘પ્રાર્થના, ધ્યાન, ધર્મ,અધ્યાત્મ વિભૂતિઓનું ‘ચરિત્ર સંકીર્તન’ એમ વૈવિધ્યસભર સાત મુખ્ય પાંખડીઓરૂપે ખૂલ્યું છે, ખીલ્યું છે. આ પ્રસાદીરૂપ પુષ્પ સાગર જેવાં વિનોબાજીનાં વિશાળ અને ગહન જીવન, કાર્ય, ચિંતન અને દૃષ્ટિનું  સર્વ રીતે પરિચાયક બની રહે છે એટલું જ નહીં, સાગરની સાહસભરી મુસાફરી ખેડવા પ્રેરિત કરતાં હામ પણ બંધાવે છે.

બીજાં પુષ્પની સામગ્રીમાં સાદ્યંત પસાર થતાં વિનોબાજીની લાક્ષણિકતાઓ અભિભૂત કરી દે છે. કોઈપણ વિષયનું પરિશીલન ચિંતનની સીમાનો વિસ્તાર કેવો અને કેટલો હોઈ શકે એ અદભૂત દૃષ્ટિ આપણે જોઈ શકીએ છીએ.કોઈપણ વિષય લઈએ, ઉદાહરણ તરીકે, ‘શ્રમની આર્થિક-સામાજિક-નૈતિક પ્રતિષ્ઠા સ્થપાય’ (પૃ. ૭૯). એના  પ્રારંભમાં  ‘પૃથ્વીનો ભાર શેષનાગ પર છે’ એ પુરાણકલ્પન મૂકીને પૃથ્વી એના પર ટકી છે તો આપણા સમાજનો શેષનાગ શ્રમિક છે એ મૌલિક અને ઉચિત  અર્થઘટન પછી એ પ્રતીકને  આધારે શ્રમિકોની પ્રતિષ્ઠાની વાત કેવી સહજતાથી સ્વીકાર્ય બની રહે! શ્રમની સંપત્તિ,  જરૂરી કાર્યોને પણ નીચાં ગણવાં, હિંસાની જડ  શોષણની નાબૂદી,  શરીરશ્રમનું  મૂલ્ય, સભ્યતા, અન્યાય, શ્રમની નૈતિક પ્રતિષ્ઠા, ઉપસનારૂપે શ્રમનું વ્યક્તિગત કાર્ય,શારીરિક અને બૌદ્ધિક શ્રમની સમાનતા, વગેરે અનેક મુદ્દાઓ સમાવીને સેવક માટે  વિનોબાજી  ઉત્પાદક શ્રમ પર જીવનનિર્વાહ નહીં પણ નારાયણ પરાયણતાનો વિચાર સ્પષ્ટ કરતાં કહે છે કે  પોતાનું બધું સમાજને અર્પણ કરી, વધુમાં વધુ સમાજને આપી, ઓછામાં ઓછું, જરૂર પૂરતું પ્રસાદરૂપે સમાજ પાસેથી લે એ સાચો સેવક છે.  આમ એકાંગી નહીં પણ સર્વાંગી ચિંતન વિકસે છે.

                      એજ રીતે ઉપનિષદ, ગીતા કે કોઈપણ ધર્મ હોય, વિનોબાજી એનાં તત્વોને કોઈ જ ક્લિષ્ટતા વિના  સરળતાથી આપણી પાસે મૂકે કે આપણને સરળતાથી સ્પષ્ટ થઇ જાય.આધ્યાત્મિકતા જેવી ગહન અને સામાન્ય વ્યક્તિ જેનાથી  દૂર રહેતો  હોય છે એને અનેક રીતે વિવિધ ચિંતનોમાં સરળ બનાવી છે. આ પુસ્તકમાં ‘પાંચ આધ્યાત્મિક નિષ્ઠા’ નામના લેખમાં નિરપેક્ષ નૈતિક મૂલ્યોમાં શ્રદ્ધા, મૃત્યુ પછી જીવનની અખંડતા, પ્રાણીમાત્રની એકતા, જીવનમાં પૂર્ણતાનો અનુભવ જેવી પાંચ બાબતો વડે આધ્યાત્મિકતાનો અર્થ, એનો વિસ્તાર સરળતાથી સમજાવી દીધો છે.

                         વિનોબાજીની એક વધુ વિશેષતા સુત્રાત્મકતા, લાઘવ છે. કોઈ દીર્ઘતા વિના બહુ જ ટૂંકમાં તેઓ વિચારને, વિષયને મૂકી આપીને આપણા માટે તો વિચારને વ્યાપક કરી દે છે. એનું ઉત્તમ ઉદાહરણ ગીતા પ્રવચનો છે. કેટલું નાનકડું પુસ્તક, પણ દરેક અધ્યાયને એનાં પૂર્ણ સ્વરૂપમાં સ્ફુટ કર્યો છે. ‘ચિંતન પ્રસાદ’માંથી આવા કેટલાંક સૂત્રોનો આસ્વાદ  લઈએ. ‘યોગ, ઉદ્યોગ, સહયોગ. આ છે ત્રીસુત્રી શિક્ષણ! યોગ એટલે ચિત્ત પર અંકુશ.’ ‘ધર્મગ્રંથો ….જીવનવિકાસમાં સીડી છે , પણ …..ગ્રંથોની પણ ગ્રંથિ બનતી હોય છે.’ ‘ખેતીપ્રધાન એટલે ઉદ્યોગવિરોધી નહીં’. ‘જે સમય મનમાં કોઈ વિકાર ન   ઉદભવ્યો તે સમય સાર્થ અને વિકાર ઉદભવ્યો છે તે વ્યર્થ.’ ‘જ્યાં ખુદ ખતમ થઇ જાય છે ત્યાં ખુદા  પ્રગટ થાય છે.’  ‘ આપણે ન પરાવલંબી, ન  સ્વાવલંબી, આપણે તો પરસ્પરાવલંબી.’

                                      વિનોબાજી શબ્દસ્વામી  છે. શબ્દોનું મધુર અર્થઘટન એમની શબ્દ સાધનાનો પરિચય કરાવે છે. દે તે દાનવ, રાખે તે રાક્ષસ, ઋષીકેશ એટલે હ્રષિક-ઈશ અર્થાત ઇન્દ્રિયો પર જેનો કાબુ છે તે, મોહનો ક્ષય તે મોક્ષ, સંધ્યા એટલે સમ્યક ધ્યાન-ઉત્તમ ધ્યાન, વગેરે અસંખ્ય ઉદાહરણો આપી શકાય. સહજપણે શબ્દ શોધી, જોડી તેના દ્વારા વિચારને સ્પષ્ટ કરી આપે. એક જ ઉદાહરણ જોઈએ. એક વખત  આકાશવાણીના પ્રતિનિધિને કહ્યું, “મને  બ્રોડકાસ્ટમાં નહિ, ડીપકાસ્ટમાં રસ છે.” નાનકડાં સૂત્રમાં કેટલો ગહન વિચાર સ્ફુટ થાય છે!

                    આ બંને પુસ્તકો વિષે કહીએ એટલું ઓછું એટલે ખરેખર તો એની સાથે રહીને આપણે  સાચા અર્થમાં સમૃદ્ધ થઈએ એ જ યોગ્ય કહેવાય.

[વિનોબા સવાશતી પ્રણામાંજલિ પુષ્પ :૧ વિનોબા : જીવનપ્રસાદ પુષ્પ:૨ વિનોબા ચિંતનપ્રસાદ

સંપાદન; રમેશ સંઘવી. પ્રકાશક: મીડિયા પબ્લીકેશન જુનાગઢ. પ્ર.આ. સપ્ટેમ્બર, ૨૦૨૦

બે પુસ્તકોના સંપુટની કિમત રૂ. ૨૦૦/- (પ્રકાશન પૂર્વે આગોતરા ગ્રાહક માટે સંપુટના રૂ. ૧૦૦/-)]             


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.