ટાઈટલ મ્યુઝીક (૪૫) – ઢોલક (૧૯૫૧)

બીરેન કોઠારી

એમ લાગે છે કે ટાઈટલ મ્યુઝીકનો પ્રકાર હિન્દી ફિલ્મોમાં ક્રમબદ્ધ રીતે અને સ્વતંત્રપણે વિકસતો ગયો છે. ઘણા બધા ટાઈટલ મ્યુઝીકમાં જે તે ફિલ્મનાં ગીતોની ધૂન આમેજ કરી લેવામાં આવી હોય, અને એ આખી ટ્રેક એક સ્વતંત્ર ‘થીમ મ્યુઝીક’ તરીકે ટાઈટલમાં વગાડાઈ હોય એવું પછી સામાન્ય બનેલું. 

જે તે સંગીતકારોની મુલાકાત લીધેલા લેખો વાંચવામાં આવે ત્યારે તેમાં ટાઈટલ મ્યુઝીક અંગે ભાગ્યે જ કશું જાણવા મળે છે. ટાઈટલ ટ્રેક સંગીતકારોને બદલે તેમના કાબેલ સહાયકો પણ તૈયાર કરતા હોય એ શક્યતા નકારી શકાય નહી. 

ચાલીસના દાયકામાં આવું એક નામ હતું એન્થની ગોન્સાલ્વીસનું. પોતે સંગીતના અચ્છા જાણકાર હોવા ઉપરાંત ઓરકેસ્ટ્રેશનના માસ્ટર હતા. તેઓ ફ્રી-લાન્સર તરીકે કામ કરતા હોવાથી સચીન દેવ (એસ.ડી.) બર્મન, માસ્ટર ગુલામ હૈદર, ખેમચંદ પ્રકાશ, જ્ઞાન દત્ત, હુસ્નલાલ-ભગતરામ, સી.રામચંદ્ર જેવા ધુરંધર સંગીતકારોએ તેમની સેવાનો લાભ લીધો. એન્થનીના દાવા મુજબ હિન્દી ફિલ્મોમાં મ્યુઝીકલ એરેન્જમેન્ટનો આરંભ તેમણે પોતે કર્યો હતો. અહીં વાત ટાઈટલ મ્યુઝીકમાં તેમણે કરેલી કમાલની કરવી છે. 

એન્થની પોતે માનતા કે સંગીતકાર શ્યામસુંદરની રચનાઓ ઘણી અટપટી અને તેથી જ પડકારજનક છે. ૧૯૫૧ માં રજૂઆત પામેલી ‘રૂપ કે. શોરી ફિલ્મ્સ’ નિર્મિત, રૂપ કે. શૌરી દિગ્દર્શીત,અજિત, મીના શૌરી, યશોધરા કાત્જૂ, મનમોહન કૃષ્ણ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘ઢોલક’નાં શ્યામસુંદરના ગીતો ચાહકોને આજે પણ યાદ હશે. ઢોલકના પંજાબી ઠેકાનો મોટા ભાગનાં ગીતોમાં બખૂબી ઉપયોગ થયો હતો, અને તેની સાથે પશ્ચિમી સંગીતનું સંયોજન અદભૂત હતું. આ ફિલ્મનાં ગીતો, પાર્શ્વસંગીત તેમજ શીર્ષકસંગીતનું ઓરકેસ્ટ્રેશન એન્થનીએ જ કરેલું. પડદા પર એન્થનીનું નામ ક્યાંય નથી એ કદાચ ફ્રીલાન્સરની નિયતિ છે. શ્યામસુંદરનું અવસાન થતાં તેમની સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘અલીફલૈલા’નાં બાકી રહેલાં બે ગીતો એન્‍થની ગોન્‍સાલ્વીસ અને એન. દત્તાએ રેકોર્ડ કરેલાં.

(‘ઢોલક’ની એલ.પી.રેકર્ડનું કવર)

અઝીઝ કશ્મીરી અને શ્યામલાલ શમ્સ દ્વારા લખાયેલાં કુલ નવ ગીતો આ ફિલ્મમાં હતાં. આ ફિલ્મનાં, ખાસ કરીને સુલોચના કદમ (અને પછી સુલોચના ચવ્હાણ) દ્વારા ગવાયેલાં ગીતો તેમની ઓળખ સમાં બની રહેલાં. તેમણે ગાયેલાં એકલગીતો ‘છલક રહા હૈ’ અને ‘ચોરી ચોરી આગ સી દિલ મેં લગાકર ચલ દિયે’ ઉપરાંત સતીશ બત્રા અને સાથીઓ સાથે ગાયેલું ‘મૌસમ આયા હૈ રંગીન’ તથા મ.રફી સાથે ગાયેલું ‘મગર એ હસીના-એ-બેખબર’ કંઈક જુદો જ જાદુ ધરાવે છે. આ ઉપરાંત ‘હલ્લાગુલ્લા લાઈ લા’ (શમશાદ બેગમ, મ.રફી,સતીશ બત્રા અને સાથીઓ), ‘ચાંદ કી સુંદર નગરી મેં’ (મ.રફી, ઉમાદેવી અને સાથીઓ), ‘કે એક પલ રુક જાના સરકાર’ (લતા મંગેશકર, મ.રફી), ‘મેરે દિલ મેં આઈયે’ (શમશાદ બેગમ) તેમ જ ‘ઐસે રસિયા કા ક્યા એતબાર’ (લતા, મ.રફી) જેવાં ગીતો પણ બહુ મધુર છે. નવ ગીતોમાંથી ફક્ત ‘ચોરી ચોરી આગ સી’ ગીત જ શ્યામલાલ ‘શમ્સ’ દ્વારા લખાયું છે. 

(‘ઢોલક’નો એક સ્ટીલ)

ટાઈટલ વાંચતાં ખ્યાલ આવે છે કે ફિલ્મની કથા અને સંવાદ આઈ.એસ.જોહર દ્વારા લખાયેલાં હતાં.

‘ઢોલક’નું આ અદભૂત ટાઈટલ મ્યુઝીક સાંભળવાથી શ્યામસુંદર અને એન્થનીની કમાલ સમજાશે. આ ટ્રેક સાંભળતાં પગ આપોઆપ ઠેકો આપવા માંડે એવી તેનામાં તાકાત છે. ટ્રેકમાં ‘ઢોલક’નાં ઘણા ગીતોની ધૂન સામેલ છે. પણ ફિલ્મના શીર્ષકને અનુરૂપ ‘ઢોલક’ જ પ્રધાન છે.

(‘ઢોલક’માં મીના શૌરી)

બીજી એક બાબત આ ફિલ્મનાં ગીતોના ચિત્રીકરણની છે. તેમાં જે ગીતો કોઈ હોટેલમાં મ્યુઝીકલ બૅન્ડ દ્વારા ગવાતાં બતાવાયાં છે એમાં મોટે ભાગે મહિલાવાદકો જ છે. સિનેપ્રેમીઓને યાદ હશે કે શૌરીની જ અગાઉ આવેલી ફિલ્મ ‘એક થી લડકી’ના ‘દિલ્હી સે આયા ભાઈ ટિંગૂ’માં પણ મહિલાવાદકોનું બૅન્ડ જ બતાવવામાં આવ્યું હતું.

અહીં આપેલી ટ્રેકમાં 1.54 સુધી ‘ઢોલક’નું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબ પરથી સાભાર)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.