સમયચક્ર : નાગરવેલનું પાન અને પાન ખાવાની ભારતીય પરંપરા

આમ તો દૈનિકજીવનમાં ભારતીય પ્રજા જુદી જુદી વનસ્પતિના પાંદડાંનો ખોરાક અથવા ઔષધ તરીકે ઉપયોગ કરે છે. તેમ છતાં નાગરવેલ એક એવી વંનસ્પતિ છે જેનું પાન ખોરાક તરીકે નહીં પણ શોખ અને ખોરાકને પચાવવાના સામાન્ય ઔષધ તરીકે ખવાતું હોવાં છતાં તેને કોઈ દવા ગણતું નથી. પાન સાથે બનારસ અદભૂત રીતે જોડાયેલું છે. બનારસ શાસ્ત્રીય સંગીત માટે પણ જાણીતું છે. આશ્ચર્યની વાત એ પણ છે કે ભારતના શાસ્ત્રીય સંગીત અને કવ્વાલીના ગાયકોનો પાનનો શોખ જાણીતો છે. કદાચ પાનમાં નાખવામાં આવતો કાથો ગાયકોના ગળાને સાફ રાખતો હશે. ભારતના ભાગલા પડ્યા બાદ પાન ખાવાનો શોખ ધરાવતા પાકિસ્તાનવાસીઓને પાનની આકરી કિંમત ચૂકવવી પડે છે. કેમ કે પાકિસ્તાનની આબોહવા  નાગરવેલની ખેતીને માફક આવતી નથી. 

માવજી મહેશ્વરી

હિન્દી ફિલ્મ તીસરી કસમનું પેલું ગીત યાદ આવે છે ? પાન ખાયે સૈયા હમારો, સાંવરી સુરતિયા હોઠ લાલ લાલ…. આ ગીતમાં મોઢું લાલ થવાની વાત આવે છે. આમ પાન લીલું હોવા છતાં મોં લાલ લાલ થઈ જાય છે. ગુજરાતી લોકસંગીતમાં પાનના બીડાંનો ઉલ્લેખ અનેક ગીતોમાં થયેલ છે. ગુજરાતી સાહિત્યકારોએ સ્ત્રીના સોંદર્યનું વર્ણન કરતી વખતે માટે નમણી નાગરવેલ જેવો શબ્દ વાપર્યો છે. જે  વંનસ્પતિને નાગરવેલ કહેવાય છે તેના ઉછેર કે તેની ખેતીમાં નાગરજ્ઞાતિનો કોઈ ફાળો નથી. તેમ છતાં નાગરો સાથે ‘ પાન, પાટિયું ( હિંચકો) અને પિતાંબરી ’  જોડાયેલાં છે એ પણ હકીકત છે. ભારતમાં ખાસ કરીને ઉતર ભારતમાં પાન ખાવાનું ચલણ વર્ષોથી છે. ઉત્તર ભારતમાં મોગલકાળમાં પાન ખાવું નવાબી શોખ ગણાતો. પાન મહેફીલની ચીજ પણ ગણાય છે. સંગીતના જલ્સા કે સામાજિક પ્રસંગોમાં બહુધા પાન ખવાતાં. હિન્દી ફિલ્મોમાં તવાયફના અડ્ડાની માલિક પ્રૌઢ સ્ત્રી પાન ખાતી બતાવવા આવે છે. ઉતર ભારતીય શાસ્ત્રીય સંગીતના મોટાભાગના ગાયકો પાન ખાતા. તેમ જાણીતા કવ્વાલીના ગાયકો પણ પાન ખાતાં. ઠુમરીના વિખ્યાત ગાયિકા ગિરીજાદેવી ગાતા ત્યારે પણ મોઢામાં પાન રહેતું. અમિતાભવાળો ડોન ભલે પાન ન ખાતો હોય તેમ છતાં રાજેશ ખન્નાનો પાનનો શોખ જાણીતો છે. સંગીતકાર એસ .ડી. તો પાનના એડીક્ટ હતા. ગુજરાત અને પશ્ચિમ ભારતમાં સામાન્ય સ્ત્રીઓએ પાન ખાવું કોઈ સમયે અશોભનીય ગણાતું. વાસ્તવમાં પાન પાચનક્રિયા સાથે જોડાયેલું એક મિશ્રણ છે. આહાર વિજ્ઞાનની રીતે પાન અનેક ઔષધિય ગુણો ધરાવે છે. જોકે પાન અને નાગરવેલનું પાન એ બે શબ્દો જુદાં છે. તાંબુલની હાટડી પર ચુનો, કાથો, સોપારી અને અન્ય પદાર્થો નાગરવેલના પાનમાં વીંટીને તૈયાર કરવામાં આવે છે તેને જ પાન કહેવાય છે.

મુખ્યત્વે મુખવાસ તરીકે ઉપયોગમાં લેવાતાં અને બહોળો વપરાશ ધરાવતાં નાગરવેલના પાનને અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. નાગરવેલ મૂળ જાપાની વનસ્પતિ હોવાનું મનાય છે. જોકે ભારત સિવાય તેના પાનનો આ રીતે ઉપયોગ થતો નથી એ અલગ મુદ્દો છે. આમ તો ભારતમાં દરેક ઠેકાણે નાગરવેલના પાન થાય છે પણ તે ઓછા વરસાદવાળા અને સુકા વાતાવરણવાળા વિસ્તારમાં પાંગરતી નથી. એટલે રાજસ્થાન, કચ્છ, ઉત્તર ગુજરાતમાં નાગરવેલનું વાવેતર થતું નથી. દક્ષિણ ભારતના મલબાર વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્ર અને તથા ગુજરાતના ચોરવાડ વિસ્તારમાં નાગરવેલના પાનનું ઉત્પાદન લેવામાં આવે છે. કેળની જેમ નાગરવેલનું બી હોતું નથી. તેનાં મૂળમાંથી ફૂટેલાં કોંટાને વાવવામાં આવે છે. તે વેલ હોવાથી તેને ટેકો મળી રહે તે માટે અન્ય વૃક્ષ નીચે વાવવામાં આવે છે. નાગરવેલના મૂળને સીધું પાણી માફક આવતું ન હોવાથી તેને ક્યારાની ધારે જ્યાં સતત ભીનાશ રહેતી હોય તેવી જગ્યાએ વવાય છે. નાગરવેલનો છોડ એક વર્ષ બાદ ઉત્પાદન આપે છે. આઠ વર્ષ સુધી સતત ઉત્પાદન આપ્યા બાદ ક્રમશ: તેની પાન ફૂટવાની ક્ષમતા ઘટતી જાય છે. નાગરવેલની અનેક જાત છે. પાનની ભીનાશ, કદ, તીખાશ અને રંગને આધારે તેની જાતો નક્કી થઈ છે. કપૂરી, બંગલો, માંડવો, મધઈ, મલબારી વગેરે પાનની જાતો છે. આ જાતોમાં બંગલો પાન મોટાં અને પાતળાં હોય છે. કપૂરી પાન કદમાં નાના હોય છે અને તે માંડવો કરતાં સુંવાળા અને ઘેરા લીલા રંગના હોય છે. જોકે નાગરવેલનું પાન પાકે છે ત્યારે તેની લીલાશ ઓછી થઈ જાય છે. એ પાન શરીર માટે ઉત્તમ ગણાય છે.

નાગરવેલના પાનમાં ‘ચાર્વકોલ’ નામનો પદાર્થ હોય છે તેને કારણે તેને સીધું ખાવાથી મોં બળવા લાગે છે. જોકે પાનમાં રહેલો આ પદાર્થ જ શરીરને ઉપયોગી છે. મોટાભાગે નાગરવેલનું પાન અન્ય પદાર્થો નાખીને જ  ખવાય છે. નાગરવેલના પાનમાં એક પ્રકારનો સુગંધી તૈલી પદાર્થ હોય છે. આ પદાર્થ મોઢાને શુધ્ધ કરે છે તથા હોજરીમાં રહેલા પાચકરસોને ઉતેજીત કરી ખોરાકના પાચનને ઝડપી બનાવે છે. નાગરવેલનું પાન  ખાવાથી મોંની દુર્ગંધ, બેસ્વાદપણુ, અરુચિ દૂર થાય છે. પાનને આયુર્વેદમાં કામોદીપક, રુચિકર અને મોંની કાતિ વધારનાર ગણાવાયો છે. વાયુ પેદા કરનારો ખોરાક ખાધા પછી પાન ખાવાથી વાયુ ઉપર ચડતો નથી. સામાન્ય રીતે જમ્યા પછી પાન ખાવાનો રીવાજ છે. જમ્યા પછી પાન ખાવાથી દાંતનો સડો અટકે છે તથા મોં સુગંધીત બને છે. પણ કેટલાક લોકો એમની ઈચ્છા મુજબ પાન ખાય છે. ઓફીસ કામ કરનારા લોકો પાન ખાઈને કામ કરતા જોવા મળે છે. પાન બનાવતા પહેલાં તેના ઉપર ચુનો અને કાથો લગાડવામાં આવે છે. તેમાં એલચી, વરિયાળી, સોપારી, લવિંગ વગેરે નાખવામાં આવે છે. કેટલાક લોકો પાનમાં જુદા જુદા પ્રકારની તંબાકુ પણ નાખે છે. આવા પાન ખાવાની ટેવ ન હોય ત્યારે ખાનારને ઉલ્ટી થાય છે.

જોકે પાનના ગુણો જાણનાર લોકો કહે છે કે, સવારે પાન ખાવું હોય તો તેમાં સોપારી વધારે નાખવી, બપોરે ખાવું હોય તો કાથો વધારે નાખવો, અને સાંજે ખાવું હોય તો ચૂનો વધારે નાખવો. પાનની અણી, મૂળ, અને મધ્યભાગ ખાવા નહીં. પાન ખાધા પછી પહેલી થૂંક વળે તે કદી પેટમાં ન ઉતારવી. બીજી થૂંક વળે તેને મોંમાં રાખી બહાર કાઢી નાખવી. ત્રીજી થૂંક વળે તે શરીર માટે અત્યંત ઉપયોગી હોવાથી તે ગળી જવી. નાગરવેલના પાનનો માત્ર ખાવામાં જ ઉપયોગ થાય એવું નથી. નાગરવેલના પાન ઉપર સહેજ એરંડિયું ચોપડી તેને જરા ગરમ કરી નાના બાળકની છાતી ઉપર મૂકી ગરમ કપડાંનો શેક કરવાથી છાતીમાં ભરાયેલો કફ જલ્દી છૂટો પડી જાય છે. વાયુ ભરાવાથી પેટ ફૂલી ગયું હોય ત્યારે નાગરવેલના પાનનો રસ મધમાં ચટાડવાથી આફરો બેસી જાય છે. પ્રસૂતિ બાદ સ્ત્રીના સ્તનમાં ધાવણ ભરાવાથી આવેલા સોજા પર ગરમ કરેલું પાન બાંધવાથી ધાવણ છૂટું પડે છે.

પાન પેટ અને દાંતને ઉપયોગી હોવાં છતાં તેનો વધારે પડતો ઉપયોગ પેટ અને દાંતને જ નુકશાન કરે છે. ગમે ત્યારે પાન ખાવાથી શરીરને કોઈ જ ફાયદો થતો નથી. ઉપરાંત પાન ખાઈ ને ગમે ત્યાં પીચકારી મારવાની કૂટેવ ધરાવતા લોકો ભારતમાં જ વધારે જોવા મળે  છે. જ્યારથી પાનની કેબીનો પર ગુટકાની પડીકીઓ વેચાતી થઈ ત્યારથી પાન ખાવાનું ઓછું થતું ચાલ્યું. તેમ છતાં પાન એ પાન છે. આજે પણ કેટલાક લોકો શોખથી પાન ખાય છે. જોકે હવે પાન મોંઘા થઈ ગયાં છે. એટલે પાન ખાવાનો શોખ સૌને પરવડે તેમ નથી. તેમ છતાં પાન એક ભારતીય પરંપરા પણ છે. લગ્ન સમારંભોમાં હવે મુખવાસ તરીકે પાન આપવાનો રીવાજ  જોવા મળે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.