ત્રણ કાવ્યો

શ્રી યોગેશ જોષી ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિ, ટૂંકી વાર્તા લખનાર, નવલકથાકાર અને સંપાદક છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના સંપાદક છે.તેમનું સાહિત્ય વિપુલ અને વૈવિધ્યસભર છે. એમનામાં સર્જકતાનો સતત વેગ અને સાતત્ય જોવા મળે છે. એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.

તેમની નોંધપાત્ર રચનાઓમાં અવાજનું અજવાળું (૧૯૮૪; કવિતાનો સંગ્રહ), સમૂડી (૧૯૮૪; નવલકથા), મોટીબા (૧૯૯૮; જીવનચરિત્ર) અને અધખુલી બારી (૨૦૦૧; ટૂંકી વાર્તાઓનો સંગ્રહ), બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો સામેલ છે. એમણે ૪૦ જેટલાં પુસ્તકો આજ સુધીમાં આપ્યાં છે. તેમની નવલકથા ‘મોટીબા’ માટે ૧૯૯૮ના વર્ષમાં નર્મદ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

અછાંદસ, ગીત અને ગઝલ એમ કવિતાનાં લગભગ તમામ સ્વરૂપોમાં ઘૂમી વળતા આ કવિનો સ્વભાવ એકાંત અને એકલતાનો હોવા છતાં, આજુબાજુના જગતમાં જે કંઈ બને છે એની સૂક્ષ્મ રીતે નોંધ પણ લેતા રહે છે. કવિની જગત સાથેની નિસબત જરા વિલક્ષણ પ્રકારની છે. ભરપૂર માણ્યું એ જગત હવે નથી. ઈચ્છ્યું હતું એ જગત નથી ને તોય એના પ્રત્યેની ચાહતમાં ઓછપ નથી આવી.

વે.ગુ. પદ્યવિભાગ- સંપાદન સમિતિ વતી -રક્ષા શુક્લ અને દેવિકા ધ્રુવ.


(૧) એક વડ નીચે

એક વડ નીચે

છાંયડાના ગાલીચા પર સૂતો હતો,

ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને
.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં

મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

[સંપાદકીય નોંધઃ કેટલું સુંદર પ્રણય કાવ્ય? વાંચતા, સમજતા કવિને વળગી રહેલા પણ વાચકને વિસરાઈ ગયેલા સંબંધો ખસૂસ યાદ આવે આવે ને આવે જ.]


(૨) મને સોળમું બેઠું

આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…


(૩) માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા

માને શ્રાદ્ધમાં ભેળવવાની
વિધિ શરૂ થઇ…

સ્થાપન, પિંડ વગેરે તૈયાર થયાં
પછી દેવોનું પૂજન થયું
ત્યારબાદ
જનોઇ અપસવ્ય કરી,
તર્પણવિધિ શરૂ થઇ…

કદાચ
યાદગીરી પૂરતા માળિયે રાખેલા
જૂના કોઇ તાંબા – પિત્તળના વાસણ પર
માનું નામ કોતરેલું
હોય તો હોય…

બસ,

બે-ત્રણ પેઢી પછી શું
મા પણ
ગંગા…જમના…સરસ્વતી…?!

માનું નામ દઇને
શુધ્ધ ઉચ્ચારો સાથે ગોરમહારાજે
સરસ તર્પણ કરાવ્યું;

પછી પિતાનું નામ દઇને,
પછી
દાદીમાનું નામ દઇને,
પછી દાદાનું નામ દઇને
કરાવ્યું તર્પણ…

પછી
ગોરમહારાજે દાદીમાનાં સાસુનું નામ પૂછ્યું
પણ
કોઇનેય યાદ ના’વ્યું એમનું નામ…

(પિતાજીને તો
સાતેક પેઢી સુધીનાં નામ
યાદ હતાં;
પણ અમને…)

નામ યાદ ના આવ્યું
આથી ગોરમહારાજે
નામના બદલે
‘ગંગા, જમુના, સરસ્વતી…’
બોલાવીને
તર્પણ કરાવ્યું…

વિધિ પત્યા પછી થયું-
બસ,
બે-ત્રણ પેઢી પછી
માનુંય નામ સુધ્ધાં
યાદ નહીં આવે
કોઇનેય…

યોગેશ જોષી


સંપર્કઃ Mob : +91 9427609825

Author: admin

Leave a Reply

Your email address will not be published.