લુત્ફ-એ-શેર : મણકો #૨૧

ભગવાન થાવરાણી

કોમેડિયન રાજેન્દ્રનાથ ફિલ્મોમાં એમની ઉટપટાંગ જોકર જેવી સ્થૂળ હરકતો માટે મશહૂર હતા. અજબ વાત એ કે પોતાની અંગત જિંદગીમાં એ બેહદ ગંભીર પ્રકૃતિના માણસ હતા. એમને જોવાવાળા કહે છે કે ફિલ્મોના સેટ પર ફુરસદના સમયમાં એ કોઈક શાંત ખૂણે બેસીને સારત્ર, નિત્શે અથવા કાફ્કાના પુસ્તકોમાં પરોવાયેલા જોવા મળતા, બિલકુલ એકલા !

અમીર કઝલબાશની એક ગઝલનો મત્લો છે :

મિરે જુનું કા નતીજા ઝરૂર નિકલેગા
ઈસી સિયાહ સમુંદર સે નૂર નિકલેગા

પરંતુ આ ગઝલનો જે શેર સત્યની બહુ નજીક અને ઉપર લખેલી વાતની પુષ્ટિ કરે છે તે છે આ :

યકીં ન આએ તો ઈક બાત પૂછ કર દેખો
જો હંસ રહા હૈ વો ઝખ્મોં સે ચૂર નિકલેગા

રમૂજીપણું બહુધા એક મુખવટો હોય છે. આવા લોકો એ અંચળા પાછળ કંઈક અલગ જ હોય છે. એમનો માંહ્યલો દર્દ અને કરુણાથી લથબથ હોય છે. જગતના મહાનતમ વિદૂષક ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટર માં એમણે નકલી હિટલરના સ્વાંગમાં આપેલું અસલી અને કરુણાસભર ગંભીર વક્તવ્ય સાંભળી જોજો ક્યારેક …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.