વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કરોશી

જગદીશ પટેલ

જાપાન,કોરીઆ, તાઇવાન અને હોંગકોંગમાં વધુ પડતા કામને કારણે કામદારોના આરોગ્ય – શારીરીક અને માનસિક – પર થતી અસરો “કરોશી” તરીકે ઓળખાય છે. આ દેશોમાં એ વ્યવસાયિક રોગ તરીકે સ્વિક્રુત થયો છે અને તે માટે પીડિતો વળતરનો દાવો કરી શકે છે. ભારતમાં કેટલા કામદારો વધુ પડતા કલાકો કામ કરે છે અને તે કારણે તેમના આરોગ્ય પર શી અસરો થાય છે તેની કોઇ માહિતી નથી. એને વ્યવ્સાયિક રોગ ગણવાની પણ કોઇ ચર્ચા કે માગણી નથી. જો કે એવી કોઇ સમસ્યા ભારતમાં છે જ નહી તેમ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી.

નોટબંધી સમયની વાત છે. સુરેન્દ્રનગરની સ્ટેટ બેન્કના કર્મચારી શીવલાલભાઇ પરમાર નોટબંધી દરમ્યાન રજાને દિવસે પણ હાજર રહ્યા હતા અને સતત ૧૨ કલાક કામ કર્યું હતું. તે પછી તબિયત લથડતાં ઘરે ગયા અને રાત્રે ઘરે તેમનું અવસાન થયું. (૧૫/૧૨/૧૬;ગુજરાત સમાચાર). વડોદરાની પંજાબ નેશનલ બેન્કના આસિ..મેનેજર રમેશભાઇ તડવીની આ જ સમયગાળા દરમિયાન બે દિવસ સતત આખો દિવસ અને રાત્રે મોડે સુધી કામ કર્યા બાદ તબિયત લથડી. સખત તાવ બાદ બ્રેઇન હેમરેજને કારણે તેમનું અવસાન થયું. સખત તાવ છતાં બેંકમાં ભારે ધસારાને કારણે કામ કરવું પડતું હતું. (૨૦/૧૧/૧૬; ગુજરાત સમાચાર). હાલોલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર રાજકુમાર અરોરાનું કામના ભારણથી હ્રદયરોગના હુમલાથી મોત (૬/૧૨/૧૬; દીવ્ય ભાસ્કર). આ બેન્ક અધિકારીઓ હતા એટલે કે મધ્યમવર્ગના હતા એટલે છાપા સુધી વાત પહોંચી. ગરીબવર્ગના લાખો કામદારો બારબાર કલાક કામ કાયમ કરતા હોય છે તેમના આરોગ્ય પર પડતી અસરો વિષે કોઇ માહિતી મળતી નથી.

દિલ્હીમાં ૨૦૧૫માં રામ મનોહર લોહિયા હોસ્પિટલના તબીબોએ હડતાલ પાડી હતી. આ હોસ્પિટલમાં વર્ષે ૨૦ લાખ દર્દીઓ ઓપીડીમાં બતાવવા આવે છે, ૫ લાખ ઇમરજન્સીમાં આવે છે. ત્યાં તબીબોને સતત લાંબા કલાક કામ કરવું પડે છે. એક તબીબ સવારે ૯ વાગે આવે અને સતત ૩૬ કલાક કામ કરે તે દરમિયાન તે ત્રણ પેકેટ બિસ્કીટના ખાય, ૮ કેળાં ખાય અને બે બોટલ પાણી પીએ, પતી ગયું. પણ હડતાલ પછી તેને સતત પાંચ કલાકની ઉંઘ મળી. ફરીથી, તબીબોની વાત હતી તો છાપા સુધી પહોંચી. જો મધ્યમવર્ગમાં આ સમસ્યા હોય તો ગરીબ વર્ગનું શું?

તાઇવાનઃ
તાઇવાનમાં આ સમસ્યાનો સ્વીકાર થવામાં તકલીફો છે. ત્યાં પુરવાર કરવાની જવાબદારી (બર્ડન ઓફ પ્રુફ) દાવેદાર પર એટલે કે કામદાર પર નાખવામાં આવી છે. ત્યાં આ ઓવરવર્ક અંગેની આંકડાકીય માહિતીનો અભાવ છે. ખાસ કરીને હંગામી અને કોન્ટ્રાકટ કામદારોની આ સમસ્યા છે. તબીબોનો સહકાર બહુ જરુરી છે. તબીબે  કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવો પડે તો જ પીડિતને ફાયદો મળે.

તાઇવાનમાં છેલ્લા થોડા વર્ષોમાં કરોશીના કિસ્સાઓ સામે આવવા માંડયા છે. બ્યુરો ઓફ લેબર સ્ટેટીસ્ટીકસના આંકડા મુજબ ૨૦૧૧થી ૨૦૧૮ દરમીયાન ૬૧૯ કામદારોને વધુ પડતા કામના બોજને કારણે હ્રદયરોગ (કાર્ડીઓવાસ્કયુલર) અથવા મગજની નસો (સેરીબ્રલ વાસ્કયુલર)નો રોગ હોવાનું નિદાન થયું. તે પૈકી ૨૨૧ના મૃત્યુ થયા અને ૧૫૩ને કાયમી અપંગતા આવી. હવે આ એક મહત્ત્વનો વ્યવસાયિક રોગ બની ગયો છે. દર અઠવાડિયે એક કામદાર તેનો ભોગ બને છે. પરંતુ આ ક્ષેત્રે કામ કરતા કર્મશીલોને લાગે છે કે આ આંકડા તો હીમશીલાની ટોચ માત્ર છે કારણ અનેક કિસ્સા છુપાયેલા હોય છે. અનેક કામદારો કામના કલાકોના પુરાવા રજુ કરી શકતા નથી અને તે કારણે વધુ કલાકો કામ કર્યાનું પુરવાર થઇ ન શકતાં તેને કામને કારણે થયેલી બિમારી તરીકે સ્વીકારાતી નથી અથવા કાયદા મુજબ એ કામદારને વીમાનું રક્ષણ અપાયું ન હોય તે કારણે પણ એ વંચિત રહે.

કરોશીને કારણે જેમને વળતર ચુકવાયું તેની વિગત નીચેના કોઠામાં જોઇ શકાય છેઃ

વર્ષહંગામી અપંગતાકાયમી અપંગતામૃત્યુકુલ
૨૦૧૧ ૩૧ ૦૯ ૪૮ ૮૮
૨૦૧૨ ૨૮ ૨૬ ૩૮ ૯૨
૨૦૧૩ ૨૦ ૧૬ ૩૨૬૮ 
૨૦૧૪ ૨૮ ૨૦ ૧૯ ૬૭
૨૦૧૫ ૩૬ ૨૧ ૨૬ ૮૩
૨૦૧૬ ૩૬ ૧૭ ૧૫ ૬૮
૨૦૧૭ ૨૯ ૨૫ ૩૦ ૮૪
૨૦૧૮ ૩૭ ૧૯ ૧૩ ૬૯
કુલ ૨૪૫ ૧૫૩ ૨૨૧ ૬૧૯

આ રોગ વધવાનું કારણ લાંબા કામના કલાકો. તાઇવાનના મજુર ખાતા દ્વારા પ્રકાશિત આંકડા મુજબ ગયા વર્ષે તાઇવાનના મજુરે સરેરાશ ૨૦૩૩ કલાક કામ કર્યું. વર્ષના ૫૨માંથી જો કોઇ ૫૦ અઠવાડીયા કામ કરે અને અઠવાડીયામાં ૪૮ (રોજના ૮ કલાક, ૬ દિવસ) કામ કરે તો ૨૪૦૦ કલાક કામ થાય. અઠવાડીયમાં ૫ દિવસ રોજ ૮ કલાક કામ કરતા હોય અને વર્ષે ૫૦ અઠવાડીયા કામ કરે તો વર્ષે ૨૦૦૦ કલાક કામ થયું. એન.એસ.એસ.ઓ (નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન)ના અહેવાલ મુજબ ભારતના શહેરોમાં કામદારો અઠવાડિયામાં ૬૦—૮૪ કલાક કામ કરતા હોય છે. શહેરોમાં ૬૮—૭૦% જેટલા કામદાર/કર્મચારી ૪૮ કલાકથી વધુ કામ કરતા હોય છે. વિશ્વમાં અઠવાડિયામાં સરેરાશ ૪૩ કલાક કામ કામદારો કરતા હોય છે પણ વિકસિત દેશોમાં આ આંકડો ઘણો નીચો છે.

તાઇવાનના કાયદા મુજબ મહિનામાં વધુમાં વધુ ૪૬ કલાક ઓવરટાઇમ કામ કરી શકાય છે. એટલે કે અઠવાડિયામાં સરેરાશ ૧૧.૫ કલાક ઓવરટાઇમ થઇ શકે. એટલે કે રોજના દોઢ કલાક કરી શકાય. ભારતમાં ફેકટરી એકટ મુજબ ૩ મહિનામાં વધુમાં વધુ ૯૦ કલાક કામ થઇ શકે. જો કે કુલ કામદારો પૈકી બહુ થોડા ફેકટરી એકટ લાગુ પડતો હોય એવા એકમોમાં કામ કરે છે અને જયાં આ કાયદો લાગુ પડે છે ત્યાં ભાગ્યે જ કાયદાનો અમલ થાય છે.

વધુ પડતા કામને કારણે હ્રદયરોગ અને મગજના રોગ ઉપરાંત માનસિક રોગ અને આત્મહત્યાઓ પણ નોંધાય છે. ૨૦૦૯માં  તાઇવાનમાં કામને કારણે થતા માનસિક રોગને ઓળખવા માટેની માર્ગદર્શિકા તૈયાર થઇ હતી જે મોટાભાગે જાપાનની આવી માર્ગદર્શિકાને આધારે તૈયાર થઇ હતી. કામને કારણે થતા માનસિક રોગો વળતરપાત્ર રોગ બન્યા હોવા છતાં આવો રોગ થયો હોવાનો સ્વીકાર બહુ ઓછો થાય છે તે કારણે બહુ ઓછા લોકોને લાભ મળે છે. છેલ્લા ૯ વર્ષમાં માત્ર ૨૮ પીડિતોને વળતર માટે સ્વિકૃત કરવામાં આવ્યા જેમાંથી મોટાભાગના તો પોસ્ટ—ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઓર્ડર હતા. કામને કારણે આત્મહત્યાઓ, તાણ, લૈંગીક કનડગત, કામને સ્થળે હિંસા, કામને સ્થળે ગુંડાગીરી (બુલીઇંગનો સમાનાર્થી ગુજરાતીમાં મળ્યો નથી પણ ઓનલાઇન શબ્દકોશ ગુંડાગીરી કહે છે), લાંબા કલાકો વગેરેને કારણે આરોગ્ય પર થતી અસરોનો હજુ સ્વીકાર થતો નથી. આત્મહત્યાના કેટલા બનાવમાં વળતર ચૂકવાયું તેના ચોકકસ આંકડા સરકારે જાહેર કર્યા નથી. વળતર માટેના માપદંડ પૂરા કરવાનું અઘરું હોવાની બાબત ટીકાપાત્ર બની હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૧૯માં ઇન્ટરનેશનલ કલાસીફીકેશન ઓફ ડીસીઝીસ (રોગોનું વર્ગીકરણ)ની ૧૧મી આવૃત્તિમાં “બર્નઆઉટ”ને વ્યવસાયને કારણે થતી હોવાનું સ્વીકારાયું છે.

૨૦૧૦થી ૨૦૧૮ દરમિયાન તાઇવાનમાં ૬ મૃત્યુ, ૧૫ હંગામી અપંગતા, ૭ કાયમી અપંગતાના થઇ કુલ ૨૮ બનાવ નોંધાયા છે. વધુ પડતા કામને કારણે થતા રોગો વળતરપાત્ર હોવા છતાં માત્ર હ્રદયરોગ, મગજના રોગ અને માનસિક રોગને જ સ્વીકારવામાં આવ્યા. લાંબા સમયથી તમે થાકેલા (ફટીગ) રહેતા હો તો ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. તે કારણે અકસ્માત કે ઇજા થઇ શકે. ૨૦૧૪માં ૨૩ જુલાઇએ ટ્રાન્સ એશીયા એરવેઇઝની ફ્લાઇટ નં.૨૨૨ તુટી પડતાં ૪૮ મુસાફરો માર્યા ગયા. તે બનાવની તપાસના અહેવાલમાં મજુર કાયદાનું ઉલ્લંઘન અને બર્નઆઉટનો મહત્ત્વનો ફાળો હોવાનું નોંધવામાં આવ્યું હતું. અનેક કામદારોને બિમાર કે થાકેલા હોવા છતાં કામે જવું પડે છે, અનેકને અઠવાડિક રજાનો લાભ પણ મળતો નથી. ભારતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ ઘણું ઉંચું છે તેમાં રાત્રે અકસ્માતો વધુ થાય છે. ડ્રાઇવરો ઝોકે ચડી જાય છે. કામના વધુ કલાકોને કારણે પૂરતી ઉંઘ મળતી નથી. વધુ પડતા થાકને કારણે કામ પર પૂરતું ધ્યાન આપી ન શકે અને તે કારણે અકસ્માત થાય.

વધુ કલાકો કામ કરવાને કારણે કામ અને કુટુંબ વચ્ચે સમતોલન જળવાય નહી, જન્મદર અને છુટાછેડાના દર પર અને આંતરસંબંધો પર પણ અસર પડે છે. આ મુદ્દે કામ કરતા કર્મશીલોએ “આઇલેન્ડ ઓફ ઓવરવર્ક” નામનું પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તકમાં વધુ પડતા કામને કારણે પીડિતોની વ્યથાકથાઓ છે. તેમણે પોતાના ચાલુ કામ સાથે ઓવરટાઇમ કામ કરી ચાર વર્ષમાં એ કામ પુરું કર્યું એવી આશા સાથે કે આ વિષય પરનું અંધારું દૂર થાય.

જાપાનઃ
જાપાનમાં કરોશીનો પહેલો બનાવ ૧૯૬૯માં નોંધાયો હતો. ૨૯ વર્ષના છાપાના એક પત્રકાર સ્ટ્રોક આવવાને કારણે મ્રુત્યુ પામ્યો. તે પછી ૧૯૮૦ના દાયકામાં મધ્યમ વયના વ્હાઇટ કોલ્રર કામદારોના બનાવ સામે આવવા માંડ્યા. હવે કરોશીના બનાવોમાંથી ૨૦ ટકા મહિલા કામદારો હોય છે. છેલ્લા થોડા વર્ષોમાં ૨૯ વર્ષ કરતાં નાની ઉંમરના કામદારોના કામને કારણે આત્મહત્યાના બનાવો વધવા માંડ્યા છે.

જાપાનમાં આ સમસ્યાને જાહેર ચર્ચામાં લાવવામાં સ્થાનિક કામદાર સંગઠનો અને માધ્યમોનો મોટો ફાળો રહ્યો. જાપાનમાં માત્ર  ૧૭% કામદારો જ યુનિયનમાં સંગઠીત થયા હોવાને કારણે કામદાર સંગઠનોનો અવાજ બહુ નબળો છે. એક જમાનામાં જાપાનમાં કાયમી નોકરીઓ હતી અને સિનીયોરીટી મુજબના ચડઉતર પગાર ધોરણો હતા. હવે જાપાની કંપનીઓ કાયમી કામદારોને બદલે અનિયમિત કામદારોને કામે રાખે છે જેને ઓછા પગાર આપવામાં આવે છે. ૧૯૮૫માં એક કાયદો પસાર કરવામાં આવ્યો જે મુજબ નકકી કરેલા ૧૩ ઉદ્યોગોમાં કામદારોને કાઢી મુકવાની પરવાનગી આપવામાં આવી. ૧૯૯૬માં તે યાદીમાં બીજા ૨૬ ક્ષેત્રો ઉમેરવામાં આવ્યા. ૧૯૯૯માં ઉદારીકરણ આવ્યું. ૨૦૦૩થી આ છૂટ દરેક ઉદ્યોગને આપવામાં આવી. જેમ જેમ અનિયમિત કહેતાં કોન્ટ્રાકટ કામદારોની સંખ્યા વધતી ગઇ તેમ તેમ કાયમી કર્મચારીઓની સંખ્યા સંકોચાતી ગઇ.આ અનિયમિત કે હંગામી કે કોન્ટ્રાકટ કામદારોને પ્રમોશન આપવાનું હોતું નથી. ઘણી કંપનીઓ તો આવા કામદારોને બોનસ, પેન્શન કે વીમાના લાભ પણ આપતી નથી.

જાપાનના કાયદા મુજબ વાજબી કારણ સિવાય કામદારને કાઢી શકાય નહી. હવે કંપનીઓ બરતરફીને બદલે નિવૃત્ત શબ્દ વાપરી કામદારને કાઢી મુકે છે. ઓવરટાઇમનો ખર્ચ બચાવવા એ કામદારને “મેનેજર” કે “એકઝીકયુટીવ”નું લેબલ મારે છે. અમુક કંપનીઓ ફિક્ષડ ઓવરટાઇમ જેવા શબ્દોનો ઉપયોગ કરી શોષણ કરે છે.

વધુ પડતા કામને કારણે થતા મોત અટકાવવા ત્યાં ઓવરવર્ક ડેથ પ્રિવેન્શન એકટ નામનો કાયદો બનાવવામાં આવ્યો છે. કાઝુયા નીશીગાકી નામનો કામદાર પોતાની માતા સાથે રહેતો હતો. પિતા ન હતા. કાઝુયા એકમાત્ર સંતાન. ફુજીત્સુ એસએસએલમાં એને નોકરી મળી પણ વધુ પડતા કામને કારણે એનું મોત થયું. માને બહુ આઘાત લાગ્યો. મારા જીવવાનો હવે કોઇ અર્થ નથી એમ તે કહેવા માંડી.

૨૬ વર્ષનો મોરીનામા એક પબમાં નોકરી કરતો હતો. એણે કહ્યું, મને લાગે છે કે હું બિમાર છું, બહુ અઘરું પડે છે. હું ઝડપથી કામ કરી શકતો નથી. મને કોઇક તો મદદ કરો. આખરે ૨૧ ફેબ્રુઆરી,૨૦૧૨ને રોજ એણે આત્મહત્યા કરી.

કયુશુના મીયાઝાકી પ્રાંતમાં કામ કરતા ૨૦ વર્ષના યુવકે માને જણાવ્યું કે મારાથી અહીં કામ થાય તેમ નથી, છોડી દઉં? માએ ના પાડી કે હમણાં છોડતો નહી કારણ વતનમાં કોઇ નોકરી નથી. યુવકે જીવન ટુંકાવી દીધું.

તાકાહાશી માત્સુરી એકલ મા સાથે ઉછરીને મોટી થઇ. ઘણી મહેનત કરી એ ટોકયોની યુનિવર્સીટીમાં ભણી. ૨૦૧૫માં ડેન્ટસુમાં એ નવા કર્મચારી તરીકે જોડાઇ. સતત ઓવરટાઇમ અને રજાને દિવસે પણ કામ કરવાને કારણે એ ડિપ્રેશનમાં સરી પડી. ક્રિસ્ટમસને દિવસે — ૨૫ ડિસેમ્બરે — એણે ચીઠ્ઠી લખીને ડોર્મીટરીના ચોથા માળે જઇ પડતું મુકયું અને જીવનનો અંત આણ્યો. એ ૨૪ વર્ષની હતી. એણે ચીઠ્ઠીમાં માને લખ્યું, “પ્રિય મા, હું હવે આ જીવન અને કામથી કંટાળી ગઇ છું, વધુ સહન કરી શકતી નથી. મારા મોત માટે તું તારી જાતને દોષિત માનીશ નહી.તું તો શ્રેષ્ઠ મા છે. તારો ખુબ ખુબ આભાર.”

૫ કરોડ ૨૦ લાખ લોકો દ્વારા અરજી થયા બાદ નેશનલ એસેમ્બ્લીએ આ કાયદો ઘડયો. જનારા તો પાછા આવતા નથી પણ કંપનીઓને કંઇ થતું નથી. હવે આ કાયદો ઘડાયો છે તેનો અમલ થવો જોઇએ.
મજૂર કાયદાઓમાં સુધારા સૂચવવા સરકારે બનાવેલી સમિતિએ સ્વીકારેલા અહેવાલની કરોશી પીડિત સંગઠને સખત ટીકા કરી. સંગઠને જણાવ્યું કે આ અહેવાલની ભલામણ સ્વીકારાય તો હવે મહિનામાં વધુમાં વધુ ૧૦૦ કલાક ઓવરટાઇમ કરી શકાય તેવો સુધારો કરવાનો અર્થ એ જ થયો કે કામના લાંબા કલાકોને સરકાર મંજૂરી આપશે. વડાપ્રધાન શીંઝો અબેના નેતૃત્વ હેઠળની આ સમિતિએ મહિને વધુમાં વધુ ૪૫ કલાક અને વર્ષે ૩૬૦ કલાક ઓવરટાઇમ કરી શકાય તેવી ભલામણ સ્વીકારી છે પરંતુ તહેવારો (દા.ત. દિવાળી કે ક્રીસ્ટમસ જેવા ભારે ખરીદી થતી હોય તેવા સમયગાળા) કે અન્ય પ્રસંગે કોઇ એક મહિનામાં ૧૦૦ કલાક ઓવરટાઇમ કરી શકાશે. ઓવરટાઇમ માટે દૈનિક કે અઠવાડિક કોઇ મર્યાદા ઠરાવવામાં આવી નથી. તે બહુ જોખમી છે તેમ કરોશી પીડિત સંગઠનના ૬૮ વર્ષીય આગેવાન એમીકો તેરાનીશીએ જણાવ્યું. ૨૪ વર્ષની માત્સુરી તાકાહાશીએ વધુ પડતા કામને કારણે ડિપ્રેશનનો ભોગ બની અને તે કારણે આત્મહત્યા કરી. તેની માતા યુકીમીએ જણાવ્યું, “મારી દીકરીએ લખ્યું, જો તમે ઓફિસમાં ૨૦ કલાક કાઢતા હો તો તમે જીવો છો શા સારુ તે જ સમજાતું નથી. હું નકકી કરી શકતી નથી કે હું જીવવા માટે કામ કરું છું કે કામ કરવા જીવું છું. કામના લાંબા કલાકોને મંજુરી આપતો કોઇ કાયદો આપણે પસાર કરવો ન જોઇએ.” આ ખરડામાં પાંચ વર્ષ માટે ડોકટરો, ડ્રાઇવરો અને બાંધકામ કામદારોને બાકાત રાખવાના નિર્ણયની પણ સંગઠને ટીકા કરી. તોશીરો નાકાહારા નામના બાળરોગ નિષ્ણાતે વધુ પડતા કામને કારણે આવેલા ડિપ્રેશનને કારણે હોસ્પિટલના મકાનની છત પરથી પડતું મુકી આત્મહત્યા કરી. તેની માતા નોરીકોએ કહ્યું, “શું સરકાર પાંચ વર્ષ સુધી વધુ કામદારોને મરવા દેવા માગે છે?”

૨૦૧૩માં સ્થાનિક ચૂંટણીઓને કવર કરવાનું કામ કરતી નેશનલ બ્રોડકાસ્ટર એનએચકેમાં કામ કરતી ૩૧ વર્ષની પત્રકાર મીવા સાદોનું મોત હ્રદયરોગના હુમલાને કારણે ચૂંટણીના ત્રણ દિવસ બાદ થયું. મીવાએ મહિનાના ૩૦ દિવસ દરમિયાન માત્ર ૨ રજા લીધી હતી. તેણે તે મહિના સુધીમાં કુલ ૧૫૯ કલાક ઓવરટઇમ કર્યો હતો. તે પછી મજૂર વિભાગને તપાસ સોંપાઇ હતી. જો કે તેના મરણ બાદ તેના પિતાએ મીવાના મોબાઇલ ફોનને આધારે ગણતરી માંડી જણાવ્યું હતું કે તેણે ૧૫૯ કલાક નહી પણ ૨૦૯ કલાક ઓવરટાઇમ કર્યો હતો. એટલે કે અઠવાડિક રજા સહિતના તમામ દિવસ દરમિયાન રોજના ૭ કલાક ઓવરટાઇમ થયો. ૨૦૧૭માં એ વાતનો સ્વીકાર થયો હતો કે તેનું મોત કરોશીને કારણે થયું. ૨૫ જુલાઇ ૨૦૧૩ને દિવસે તે ટોક્યોના પોતાના રહેઠાણમાં મોબાઇલ ફોન પકડેલી દશામાં મૃત મળી આવી હતી. એનું હ્રદય એટલું નબળું પડી ગયું હતું કે તે લોહીને પૂરતા દબાણથી શરીરમાં ધકેલી શકતું ન હતું. મજૂર વિભાગના અધિકારીએ તપાસ બાદ જણાવ્યું કે તે રોજ ખુબ જાગતી અને તેને કારણે એને પૂરતી ઉંઘ મળતી ન હતી.

૨૦૧૫માં એક એડવર્ટાઇઝીંગ એજન્સીના કર્મચારીએ મહીનામાં ૧૦૦ કલાક ઓવરટાઇમ કર્યો હતો અને તેનું મોત થયું હતું. તે પછી દેશમાં વર્કકલ્ચર બદલવાની ચર્ચાએ જોર પકડયું હતું. એક અંદાજ મુજબ જાપાનમાં ૨૦ ટકા કર્મચારીઓ પર કરોશીને કારણે મૃત્યુનું જોખમ રહેલું છે. આ લોકો મહિનામાં ૮૦ કલાક સુધી ઓવરટાઇમ કરી લે છે.

૨૦૧૫માં કરોશીને કારણે ૧૮૯ મ્રુત્યુ નોંધાયા હતા. જો કે અખબારી અહેવાલો મુજબ ૨૧૫૯ લોકોએ આત્મહત્યા કરી હતી. પોતાની છાપ ખરાબ ન થાય તે માટે ઘણા કામદારો ઓવરટાઇમના કલાકો પણ નોંધાવતા નથી.

કોરીઆઃ
કોરીઆમાં વધુ પડતા કામને કારણે મોત અને આત્મહત્યાઓ થાય છે. ૨૦૧૫માં ૫૫૯ કામદારોએ આત્મહત્યા કરી. દર વર્ષે લગભગ એટલા કામદારો આત્મહત્યા કરે છે. પરંતુ ત્યાંના કાયદા હજુ આવા મોત કે હત્યાઓને સ્વીકારતા નથી એટલે કે કંપનીઓ જવાબદાર ગણાતી નથી અને વળતર ચૂકવવું પડતું નથી. કુટુંબને માથે પુરવાર કરવાની જવાબદારી રહે છે કે મૃત્યુ કે આત્મહત્યા માટે  વધુ પડતું કામ જવાબદાર હતું. કુટુંબો એ કરી શકતા નથી.

મૃત્યુ અચાનક આવે છે. કુટુંબ હેબતાઇ જાય છે. એમનું રોજિંદુ જીવન ખોરવાઇ જાય છે. એ પોતાને જવાબદાર ગણવા લાગે છે અને વધુ પડતા કામને કારણે થયેલી ઘટના છે એ રીતે મુદ્દો ઉઠાવતા નથી. પોતાને અસહાય સમજે છે.

મૃત્યુ પછી કુટુંબ સામે સમાજ દ્વારા અણીયાળા સવાલો તકાયેલા રહેતા હોય છે— વાત આટલે પહોંચી ત્યાં સુધી તમે કર્યું શું? એટલું ય ધ્યાન રાખ્યું નહી? તારા પતિને ચાલુ નોકરી છોડીને બીજે નોકરી શોધવાનું કહેવાયું નહી? આવા સવાલોને કારણે કુટુંબો પોતાને જવાબદાર માને છે અને કુટુંબને લાંછન કે કલંક લાગ્યાની લાગણી અનુભવે છે. આમ સમગ્ર સામાજીક વાતાવરણ આ મુદ્દો ઉઠાવવા માટે પોષક હોતું નથી.

ધીમે ધીમે કોરીઅન સમાજમાં આ સમસ્યા અંગે જાગૃતિ આવી રહી છે. જુલાઇ, ૨૦૧૭થી પીડિતો મહિનામાં એક વાર મળે છે અને સમસ્યાની ચર્ચા કરે છે. ઓકટોબર, ૨૦૧૯ સુધીના ગાળામાં નિયમિત મળનારા પીડિત કુટુંબોની સંખ્યા ૧૮ થઇ જેમાં ૯ વધુ પડતા કામને કારણે થયેલી આત્મહત્યાના અને ૯ વધુ પડતા કામને કારણે થયેલા રોગના પીડિત છે. જાપાનમાં ૧૯૯૧થી પીડિતો આ રીતે ભેગા થતા તેમાંથી પ્રેરણા લઇ આ જુથની શરુઆત થઇ. પીડિતો પોતાની સમસ્યાની વાત કરે છે જેમાં વિધવાને પતિના સગાઓ તરફથી થતી હેરાનગતિ કે પાડોશીઓની ઠપકાભરી નજર કે પોતાના પર આવી પડેલ દુ:ખને કારણે ઉભો થતો અવસાદ વગેરે બાબતોની ચર્ચા થાય છે. અહીં આવ્યા પછી એમને ખાતરી થાય છે કે પોતે એકલા નથી. આ બેઠકમાં મુખ્યત્વે બે સત્રો હોય છે. પહેલા સત્રમાં મોજુદ સામાજીક માળખામાં વધુ પડતા કામને કારણે થતા મૃત્યુ અંગેની સમજ કેળવવામાં આવે છે, આવા બનાવોમાં ડોકટરો,વકીલો, કામદારો, નિષ્ણાતો વગેરે સાથે કામ કેવી રીતે પાર પાડવું, કેવી સમસ્યાઓ આવે અને તેના ઉકેલ માટે કેવી રણનીતિ તૈયાર કરવી તેની ચર્ચા કરવામાં આવે છે.  બીજા સત્રમાં સંગીત અને ચિત્ર જેવા માધ્યમોની મદદથી સાયકોલોજીકલ કાઉન્સેલર કાઉન્સેલીંગ આપે.  

આ જુથ એક એવી માર્ગદર્શિકા તૈયાર કરવાની નેમ ધરાવે છે જેમાં વહીવટી, સાયકોલોજીકલ અને વળતર અંગેની સમજ અપાઇ હોય જે પીડિત કુટુંબ, તેના મિત્રો અને સહકાર્યકરોને કામ લાગે.

હોંગકોંગઃ
હોંગકોંગમાં અઠવાડિયામાં ૪૦ કલાક કે તેથી ઓછા કલાક કામ કરતા હોય તેવા કામદારોની સંખ્યા  ૪,૧૫,૨૦૦ અને ૪૦થી ૪૪ કલાક કામ કરતા હોય તેવા કામદારોની સંખ્યા ૭,૫૯,૦૦૦ છે. પરંતુ ૧૬,૫૩,૦૦૦ કામદારો એવા છે જે ૪૪થી ૭૨ કરતાં વધુ કલાક કામ કરતા હોય.

આ પૈકી ૬,૬૫,૯૦૦ એવા છે જે ૭૨ કલાક કરતાં વધુ કામ કરે છે. રોજ ૧૨ કલાક કામ ૬ દિવસ કરે તો ૭૨ કલાક થાય એટલે કે અમુક લોકો અઠવાડિયામાં અમુક દિવસ ૧૨ કલાક કરતાં પણ વધુ કામ કરતા હશે. એસ્ટેટ મેનેજમેન્ટ, સિક્યુરીટીના ૩૭૮૦૦ કામદારો, રસ્તા પરના વાહનવ્યવહારમાં કામ કરતા ૫૭૦૦ કામદારો, છૂટક વેચાણ કરતા ૪૯૦૦, અન્ય વાહનવ્યવહાર,સ્ટોરેજ,પોસ્ટ અને કુરીઅરના ૪૪૦૦, રેસ્ટોરંટના ૪૨૦૦, બાંધકામના ૩૦૦૦, ઉત્પાદનના ૧૦૦૦ અને અન્ય ૩૨૦૦ કામદારોનો આ જુથમાં સમાવેશ થાય છે. કુલ કામદારોના ૨.૩% કામદારો આ જુથમાં છે.

હોંગકોંગમાં ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન કામને કારણે હ્રદયરોગ, મગજના રોગ અને અન્ય રોગોને કારણે કુલ ૫૬૧ કામદારો માર્યા ગયા. તેમાં હ્રદયરોગને કારણે ૩૬૨, મગજના રોગને કારણે ૧૨૦ અને અન્ય રોગોને કારણે ૧૫૩ કામદારોના મોત થયા.

પરંતુ આ વધુ પડતા કામને કારણે થયા કે કેમ તે હજુ નકકી થયું નથી. કોઇ તપાસ થઇ નથી અને કોઇ વળતર ચૂકવાયા નથી. એસોશિએશન ફોર ધ રાઇટસ ઓફ ઇન્ડીસ્ટ્રયલ એકસીડન્ટ વિકટીમ્સ નામની સંસ્થા આ મુદ્દે કામ કરે છે.

ચીનઃ

યુવાન કામદારો આત્મહત્યા કરતા હોવાના સમાચારો આવતા રહેતા હોય છે. ચીનમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ યુવાન વિદ્યાર્થીઓ પાસે કામદારનું કામ કરાવવા માગે છે. ઇલેકટ્રોનીકસ કારખાનાઓમાં યુવાન મહિલાઓને અકુશળ કામદાર તરીકે રાખે છે. તેઓ ટોઇલેટનો ઉપયોગ કરે તેનો હિસાબ રાખી અને તેટલા સમયનો પગાર કાપી લેવામાં આવે તેથી એ બહેનો ટોઇલેટનો ઉપયોગ ન કરે. આ બહેનો સાથે લૈંગિક હેરાનગતી પણ કરવામાં આવતી હોય છે. એ કારણે એક બહેને આત્મહત્યા કરી.

ભારતમાં ક્યારે અવાજ ઉઠશે? હાલ તો કાયદામાં થઇ રહેલા સુધારા કોઇ પ્રગતિ થાય તેવા લક્ષણ બતાવતા નથી.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

5 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કરોશી

  1. આપની વાત સાચી છે. પણ આગળ કેમ વધવું? ઘનીશ્ઠ કામ કરવું પડે.

  2. ભારતમાંથી રહીને યુરોપ, અમેરિકા કે જાપાન જેવા સમયનં મોટાં અંતરે આવેલા દેશો સાથે કામ કરતો એક આખો વર્ગ એવો છે જેમને ઑફિસના કલાકો ઉપરાંત મોડી રાતના કૉલ / વિડીયો મિટીંગ્સ પણ કરવાં પડે છે.

    આ આખા વર્ગનો કામનો દિવસ આમ બહુ લાંબો બની જાય છે.

    આ ઉપરાંત પણ એવા ઘણા વ્યવસાય છે જ્યાં હવે કામના કલાકોનો હિસાબ જ નથી મંડાતો.

    કામના અનિશ્ચિત કલાકો ઉપરાંત કામનું દબાણ અને તણાવ તો હોય જ !

  3. અશોકભાઇ, આપની વાત સાચી છે. સવાલ છે તે બધાને કારણે કામદાર/કર્મચારીના આરોગ્ય પર શી અસર પડે છે અને જે અસર પડે છે તે કારણે તેની કામ કરવાની ક્ષમતા અસર પામે છે? તેના જીવન પર કોઇ જોખમ છે? ભારતમાં આ સમસ્યાનો વ્યાપ કેટલો છે? કેટલા કુટુંબો દરવર્શે અસર પામતાં હશે? એના આંકડા શી રીતે મેળવીશું? લોકોને બોલતા કેમ કરીશું?

Leave a Reply

Your email address will not be published.