ખેતીમાં “જૈવ જગત” નું અમૂલું યોગદાન

હીરજી ભીંગરાડિયા

મારે વાત કરવી છે 1950-60 ના સમયગાળા આસપાસની-મારી સાંભરણ્યની. તે વખતે ગામડું એ એક સ્વાવલંબી એકમ હતું. તેનો ખેતી જ મુખ્ય ઉદ્યોગ હતો. ખેતીની જ પેદાશમાંથી પાકો માલ બનાવનારા-કપાસ લોઢવાના ચરખા-જીન, કાપડ વણવાની હાથશાળો, કોલ્હુ, તેલઘાણી વગેરે ગ્રામોદ્યોગો પણ ખેતીની આસપાસ જ વણાએલા હતા. અને ગામની જરૂરિયાતો માટે લુહાર, સુથાર, ચમાર, કુંભાર, દરજી, વાળંદ, ગોર, ગોવાળ, પૂજારી વગેરે ગામડે વસતાં. અનાજથી માંડી મસાલા સુધીનું બધું ખેડૂતો પકવતા. નાણાં ચલણ ઓછું હતું. કામ કરનાર મજૂરને રોજેરોજ અને વહવાયાં બધાંને બાર મહિને ઉધડથી માલના રૂપમાં મહેનતાણું આથ-અપાતું.

    તે દિવસોના ગ્રામ્યજીવનની વાત કરું તો જરૂરિયાતો ઓછી હતી. જીવ સંતોષી હતો. બીજાના સુખદુ;ખમાં સૌ ભળતાં. સારા પ્રસંગે અગાઉ થયેલ મનદુ:ખના સમાધાન થતાં. ગરીબોની ચિંતા સૌ કરતા. પુજારી, બ્રાહ્મણ, ભંગી, જેવા બીન ધંધાર્થી માટે લગ્ન પ્રસંગમાં “ગામઝાંપો” લેવાતો. ઘરડાઘર અને વૃદ્ધાશ્રમની કલ્પના પણ નહોતી. સંબંધ,વેવિશાળ કે લગ્ન બાબતે વડિલોની આમન્યા રખાતી. લગ્ન એ ફારસ નહીં, પવિત્ર બંધન ગણાતું. જવલ્લે જ બનતો “છૂટાછેડા” નો પ્રસંગ દુ:ખદ ગણાતો.      

ખેતીમાં પશુઓની ભેર લેવાતી.=ગાય, બળદ, ભેંશ, ઘેટાં-બકરાં અને ઘોડી તો ખેતી અને ખેડૂતના બડકંમદાર ભેરુ ગણાતા. બધાંને ખેતીમાંથી નીકળતી ગૌણપેદાશ રૂપી ઘાસ-ખાણ ખવડાવીને તેમની પાસેથી શક્તિભર કામ લેવાતું. તેમાંયે “ગાય” એ તો માત્ર “પશુ” નહીં, પણ “માતા” ગાણાતી. એને કપાળે ચાંદલો કરી, પ્રદક્ષિણા ફરી, પૂજા એટલામાટે કરાતી કે તે હાંડો ભરીને “દૂધ” તો આપે, પણ વધારામાં ધરતીની ભૂખ ભાંગે એવું “ગોબર” આપે, ખેતીપાક અને માનવ આરોગ્યની ચિંતા કરનારું “ગોમૂત્ર” પણ આપે.એટલે તો સારા માઠા પ્રસંગોએ સ્થળ જંતુ રહિત કરવા ગોમૂત્રનો છંટકાવ અને ગોબરનું લીંપણ આજે પણ કરવામાં આવે છે.

       તે સામે ખેડૂતો તરફથી પાલતુ પશુઓ લાડ-પ્રેમ પણ કુટુંબના સભ્ય હોય તેટલો પામતાં.અત્યારે હાલ, આવો અમારી વાડીએ- દરવાજામાં દાખલ થઈએ ને અમારી ગાયો બોલીને આવકાર ન આપે તો અમારો પરસ્પરનો ભાવ ઓછો છે તેમ ગણજો.  સવાર-સાંજ દોહન ટાણે મારાં ગૃહિણી જ્યાં હાથમાં હાંડો અને શેલાયું લઈ ઓંશરીનાં પગથિયાં ઉતરતી હોય ત્યાંજ “શ્યામલી” [ગાયનું નામ] વગર વાછરુંએ પારહોઈ જાય છે અને શેલો વાળે વાળે ત્યાં દૂધની શેડ્યો ચાલુ થઈ જાય છે ! આજે પણ એવું હેત ગાયો પાસેથી અમે પામીએ છીએ.

      અરે, જેના કંધોલે આ દેશની ખેતીનો ભાર છે એવાં ધીંગાધોરી પણ ગાયમાતાનાં જ ફરજંદ છે ને ! છીછરી-ઊંડી ખેડ, વાવણી, આંતરખેડ, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જૂતી માલ વહન કરવો, ગામગામતરે જવું કે દીકરાની જાન જોડવા સુધીમાં ક્યાંય કશાયે ખર્ચ વિના તમામ કામો થતાં.ઉર્જા પાછળ ડીઝલનો ખર્ચ નહોતો. ધુમાડાથી બચાતું. પર્યાવરણની રક્ષા આપોઆપ થતી. બળદની સૌને મન કિંમત હતી. બાર બાર ને પંદર વીસ ધર [વરસ] હાલેલ બળદના ગઢપણ પળાતાં. આંગણે જ મૃત્યુ થતું. તમે માનશો ? મારા 20 ધર ચાલેલી વઢિયારા બળદની જોડી-એના મરી ગયા પછી 8 દિ’ ખાવું નહોતું ભાવ્યું. મેં એના મોકલી-શિંગડાંનો સેટ વરસો સુધી એની સ્મૃતિરૂપે ફરજામાં ટીંગાડી રાખેલો ! સ્વગત કુટંબીજનો માફક તેયે ભુલાતાં નથી.

     તે દિવસોમાં સારા ઘેર સાયકલ અને મોભાદારને ઘેર “ભટભટિયું” [બાઇક] નજરે ચડતું. અહુર-સવાર વાડીએ આંટો જવું કે ગામ ગામતરે જવામાં ઘોડી જ હોંકારો આપતી. તેને નહોતી ચાલવા માટે સડકની જરૂર કે ટાંકીમાં પુરાતા પેટ્રોલની જરૂર ! ઘોડાની માલિક પ્રત્યેની વફાદારીના  થોકબંધ સાચા પ્રસંગો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં વાંચવા મળે છે.

     અને કૂતરું ? કૂતરું તો માણસનો પ્રેમ પારખનારું પ્રાણી છે. એને એકવાર આપણો વિશ્વાસ બેસી ગયો ? ખલ્લાસ ! એના તરફના પ્રેમના બે બુચકારા અને રોટલાનો ટુકડો જ બસ થઈ પડે ! એ કૂતરું આપણા ઘર-વાડીનો વગર પગારનો વફાદાર રખોપિયો છે. તમે જુઓ ! તે વખતે દરેક ઘેર ગૃહિણીઓ પહેલી રોટલી ગાય માટેની અને છેલ્લી રોટલી કૂતરા માટેની કાયમ ઘડતી. અરે ! કૂતરાને ખાવા તો ખાસ “લાડવા” બનાવવાનો શિરસ્તો તમામ ગામડાંઓમાં આજે યે સચવાઈ રહ્યો છે. આજેય અમારી વાડીનો કૂતરો “મગળિયો” વાડીમાં નીલગાય, ભૂંડ કે શિયાળિયાંને દેખી ગયો ? તગડે પાર કરે ! અરે દરવાજે કોઇ રેઢિયાર ઢોરું નજરે ચડે કે અહુર-સવાર વેળાક વેળા કોઇ કાવરુ માણસની હલચલની ગંધ આવી જાય, પછી એને ભસતા ભસતા પાછળ પડી દૂર કર્યા વિના શાંત થઈ જાય તો એને પહેરેગીર કહેવો કેમ ? અને એને સમજણ પાછી પૂરતી કે વાડીમાં આંટા મારતા વાડીના મોર-ઢેલ, બિલ્લી કે પંખી સુદ્ધાંને વતાવે નહી. મફતમાં જ એના પ્રેમ-વફાદારી ખેતર વાડીને મળી રહ્યાં ગણાયને!

ખેતીમાં ઝીણાં જીવો થકી બહુ મોટું કામ થાય છે: ભગવાન શંકરે “સાપ” ને ગળાનો હાર ગણ્યો અને એના દિકરા ગણેશજીએ “ઉંદર” ને પોતાનું વાહન ગણ્યું ! એકબીજાને ઊભાએ ભડે નહીં, છતાં પ્રકૃતિને બન્નેની જરૂર જણાઇ હશે એટલે જ બન્નેનું મહત્વ આંક્યું હશેને ! સાપની તો બહુબધી જાતો છે. એ બધાનું કામ ખેતીપાકોને ખુબ નુકશાન કરતા ઉંદરડાંઓ અને અન્ય જીવડાંઓના ત્રાસને કાબુમાં રાખવાનું હોવાથી, તેની અગત્યતા પારખીને જ તો વડવાઓએ નાગપાંચમે તેની પૂજા કરવાનું ગોઠવ્યું હશેને ?

        “દેડકાં” ને જોતાં ચીતરી ચડે. કારણ કે પીઠ ખરબચડી ને ગંદી-ચીકણું પ્રવાહી ચેટેલું હોઇ ગમતા નથી. એનો સ્વભાવ કુદરતે એવો ઘડ્યો છે કે એને કાદવ ખુબ ગમે ! પણ એમાં એનો બિચારાનો શો વાંક ? જેના વખાણ કરતાં ધરાતા ન હોઇએ તેવી એક લાખ રોકડા આપી ખેરીદી લાવેલી અને નવારીને ચોખ્ખી કરેલી નવસુંદરી ભેંશ પણ ગંદુપાણી કે કાદવ ભાળી ભસ કરતી બેસી નથી પડતી ? દેડકાંઓ ખેતીપાકને નડતાં-રંજાડતાં અસંખ્ય જીવડાંઓને ઓહિયા કરી જનારા હોઇ, ફિલીપાઇંસમાં તો દેડકાંઓની વધુ હરફરવાળા વિસ્તારમાં રોડ પર રીતસર “વાહન ધીમે હાંકો-અહીં દેડકાં પસાર થાય છે”એવી સુચના લખેલ હોયછે.

      ખેતીપાકોમાં ભમતાં કીડી-મકોડા-કાચિંડા-ઘો-ગરોળી-ભોફિંડા જેવા બધાં જ જીવો માંસાહારી છે. જીવડું મળે ત્યાં સુધી બીજું એ ખાતા નથી. કહેવાય છે કે કીડીનું નાક અને ગરજની આંખ બહુ બળિયાવર ! ગાઉના ગાઉથી “ખાજ” ગરજાની નજરે ચડી જાય અને કીડીને એની વાસ આવી જાય ! કીડી માંસાહારી છે. તે પોતાના વજનથી પચાસગણો વજનદાર પદાર્થ ઢસડી શકે ! સડેલી વસ્તુની ગંધ કીડીને આવી જાય. મોટાભાગના મરેલા જીવોની અંતેષ્ઠી કીડીઓ કરે છે. કીડીઓ ન હોય તો ધરતી ગંધાઈ ઊઠે ! ખેતીપાકોમાં ઝીણી મોલો-મસી, મધિયો, ચીટકો અને તેના બચ્ચાંનો સફાયો કીડીઓ આસાનીથી કરી શકે છે. કીડીઓ ખેતીપાકને ક્યાંય સહેજ પણ નડતરરૂપ નથી. એટલે તો એને બચાવવા જ્યારે ખોરાકની ખૂબ ખેંચ હોય તેવા ચૈત્ર મહિનામાં લોટ-ગોળ-તેલ-ઘીના કીડિયારાં પૂરાતાં.

     “અળસિયું” તો ખેડૂતનું મિત્ર-ધરતીનું “હળ” ગણાય. જે માટી અને કચરો ખાઇ, હગારરૂપે વિવિધ તત્વોથી ભરપૂર એવો વનસ્પતિ માટે પોષક આહાર પૂરો પાડવા ઉપરાંત જમીનના નીચલા થરાના તત્વોને ઉપર ખેંચી લાવી, વધુકા પાણીને નીચે ઉતરી શકે અને ખેતીપાકના મૂળિયાંને હવા અવકાશની અનુકૂળતા થાય તે અર્થે તેની ઉપર-નીચે આવન-જાવન વખતના સ્થિર થઈ રહેલા દર- નાળો બનાવી જમીનને પોચારો બક્ષનાર અળસિયાં વગર ખર્ચે ખેતીપાકોને બહુ મોટું યોગદાન આપી રહેલ છે. ઉપરાંત જમીનના ગુણધર્મોની સાચવણ કરી જીવંતતા બક્ષનાર ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં સુક્ષ્મજીવો જમીનમાં વસતાં હોય છે.જે બધા જમીનમાં અલભ્ય સ્વરૂપે પડેલા પોષકદ્રવ્યોનું રાંધણું કરી પાકના મૂળિયાંને મિજબાની કરાવવામાં જ રત હોય છે

      ખેતીનો વ્યવસાય એટલે છોડવા અને ઝાડવાની ગોવાળી કરવાનો. વનસ્પતિ તેની નવી પેઢી માટે બાળક [બીજ] ના જન્મ માટે નર-માદા અંગોના મિલન માણસ કે પશુ-પંખીની જેમ નથી કરાવી શકતી. આ માટે અગત્યનું યોગદાન પ્રકૃતિદત પવનનું  અને એના પછીનું કામ મધમાખી અને કીટ-પતંગિયાનું જ હોય છે. એમાંયે “મધમાખી” તો માખી જગતનો સર્વશ્રેષ્ઠ જીવ છે. એક છોડથી બીજે છોડ પરાગરજ પહોંચાડવા ઉપરાંત માનવ તંદુરસ્તી માટે પોષક એવા મીઠામધની ઉત્પાદન ફેક્ટરીના સંચાલકો  ગણાય.ખલેલાં.રાય,જીરુ,ધાણા,અજમા,વરિયાળી જેવા પાકોમાંતો એમની હરફર થકી બીજના બંધારણના સંયોગો રચાતા હોય છે.  

   ઝાડવાના ઘેરામાં કે ઉંચા કપાસમાં આંટો મારતાં મોઢે ઝાળું ભટકાય એટલે સમજી જવાનું કે ઉડતી ઝીણી જીવાંત પકડવા પોતાની લાળથી બનાવેલ આ “પાહલો” કરોળિયાભાઇનો જ છે ! ગમે તેટલી વાર ઝાળું વિંખાઈ જાય, થાક્યા વિના ફરી બનાવ્યે પાર કરે. આ ઝાળાં-રચના પણ મધપૂડાની રચનાની જેમ એક આર્કિટેકને ગુંચવાડામાં નાખી દે તેવી ગજબની ગુંથણીવાળી હોય છે, હિંમત હાર્યા વિના પુરુષાર્થ કર્યે જવાનું ઉદાહરણ કરોળિયાનું અપાય છે.. “કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય” આપણા ખેતીકામને હું કરોળિયાના જાળા સાથે સરખાવું છું. કેટલીય તલ્લિનતા અને મહેનત પછી આ બન્નેના સર્જનો થાય છે. છતાં આવનારા પ્રતિકૂળ સંજોગો તેને હતાનહોતા કરી નાખે છે. છતાં ફરી એજ તલ્લિનતા અને મહેનતથી નવસર્જનમાં બન્ને જણા લાગી જાય છે.

       નિરખજો ક્યારેક નિરાંતવા થઈને ! ઢાલિયા, ક્રાયસોપા, ટ્રાઇકોગામા ભમરી-ફુદડી વગેરે પણ મોલાતોમાં ફરી એના ગજા પ્રમાણે કેટલીય નુકશાન કારક જીવાતોના ઇંડા અને બચ્ચાંને ખોરાક બનાવી ખેતીપાકનું સંરક્ષણ કરતી હોય છે.    

ખેતીમાં પંખીઓનું યોગદાન :કોઇ ગામનું પાદર પંખીઓને ચણ નાખવાના પંખીઘર વિનાનું નથી હોતું. કુટુંબના સારા-માઠા પ્રસંગે “કબુતરની જુવાર” ની રકમ જૂદી મૂકી દેવાય છે. આ પંખીઓ પ્રત્યેના આપણો પ્રેમ જ બતાવે છે ને ? અરે, સીતાહરણ પ્રસંગે રાવણ પાસેથી સીતાજીને છોડાવવા પોતાના દેહનું બલિદાન આપનાર જટાયુ એક પક્ષી ગીધ જ હતાને ? આ પ્રસંગ દ્વારા પંખી અને માનવ-સમાજ વચ્ચે આત્મીયતાભર્યા સંબંધની ઇતિહાસ પણ શાખ પૂરે છે.

      જ્યારે ખેતીપાકો પર ઇયળોનો ઉપદ્રવ ફાટી નીકળ્યો ત્યારે “વૈયા”ની ટુકડીઓ ઉતરી પડતી હોય, જમીન ઉલટસુલટ થાય તેવા કરાતા કોઇપણ ખેતીકામ વખતે “બગલાં”-”કાબર” જેવા કેટલાય પક્ષીઓ સાંતીની પાછળ દોડાદોડી કરી બસ જીવાતોને વિણી ખાવાનું કામ કરતી હોય છે. અરે ! મોલાતમાં પિયત થતું હોય કેગાય-બળદ જેવા ઢોરાં બેઠાં બેઠાં પોરો ખાતા હોય ત્યારે કાબર-બગલાં તો તેના શરીર ઉપરેથી લાણ- ઇતરડી-ગિંગોડા જેવાને શોધી શોધી પશુઓનો અસો દૂર કરવામાં રત હોય છે.

    ગાય-બળદના શિંગડે કે કોંટે બેસી સીસોટીયુ વગાડનાર “કાળિયોકોશી” ઉડતા જીવડાને પકડી ખાવાની અદકેરી આવડતવાળો છે તો “તેત્તર-બટાવરાં” અને “ટીટોડી” વળી જમીન ખોતરી અંદરથી ઉધઈ જેવી નુકશાન કરતી જીવાતોનો સફાયો કરવામાં રોકાયેલ હોય છે. અરે, “ઘુવડ અને ચીબરી” તો રાતના રખેવાળ ! ઘરચકલી, દેવચકલી, મામાનાઘોડા, કાગડિયો કુંભાર, કુકડાં, સુગરી જેવાં બધાં જ પક્ષીઓ માંસાહારી હોઇ, જીવાતો જ શોધ્યા કરતા હોય છે. શ્રાધ વખતે નખાતી “કાગવાસ” એ શું છે ? કાગડાના બચ્ચાં-કાગોલિયાંને ખોરાકપૂર્તિ માટેની એક રીત જ છે ભલા ! બીજે ભલે કાગડા ન દેખાતા હોય, આવો અમારી વાડીએ, સાંજે પોણોસો કાગડા ભેળા થયેલા દેખાડું ! અરે, અમારા પંચવટીબાગમાં તો 35-40 જેટલી મોર-ઢેલની સંખ્યા વાડીમાં ફર્યા કરી જીવાતો વિણવાનું જ કામ કર્યા કરતી કોય છે. બધાના રૂપ, રંગ,આકાર, બોલી, વર્તણુંક ભલે જુદા જુદા રહ્યા હોય,પણ મોટાભાગના પંખીઓ ખેતીમાં ભમતી-ફરતી-ઉડતી જીવાતો પર નભી તેમનું જીવન ગુજારતા હોય છે.

 વૃક્ષો ભજવે ભાગ પર્યાવરણરણ સમતૂલાનો : ”વૃક્ષો” ને આપણે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિક માન્યું છે.ખેતીનો વ્યવસાય વનસ્પતિના કંધોલે બેઠેલ વ્યવસાય છે. ખેતીમાંથી વૃક્ષોની-કહોને વનસ્પતિની બાદબાકી કરી દઈએ તો એકડા વગરના એકલા મીંડા જેવું જ ગણાય ! ફળો, ગુંદર, લાકડકૂકડ, છાંયો, ખાતર, રંગ, મીણ, મધ જેવી પેદાશો ઉપરાંત વાતાવરણમાં ઠંડક અને પ્રાણવાયુનું ઉમેરણ–વૃક્ષો દ્વારા પ્રાણીસૃષ્ટિને સહજ અને મફત મળતા લાભો છે.એનું મહત્વ સમજીને જ “વૃક્ષમાં વાસુદેવ”-”પીપળો એટલે સરવણાનું વૃક્ષ”-“આંકડો તો હનુમાનજીનું વહાલું વૃક્ષ”-“ખીજડો કાપીએ તો મામો વળગે” વગેરે ઉક્તિઓ વૃક્ષોને ધાર્મિક રક્ષણ આપવા કાજે જ પ્રચલીત થઈ હોવી જોઇએ એવું નથી લાગતું આપને ?.

સારનો સાર : સારનો સાર એટલો જ કે ઉપર વર્ણવ્યા એ બધા જ પશુ,પક્ષીઓ, ધરતી પર અને મોલાતમાં ફરતા ભમતા મધમાખી અને કીટપતંગિયા, જમીનની અંદર કાર્યરત અળસિયાં અને અગણિત સંખ્યામાં વસેલા સુક્ષ્મજીવો, વૃક્ષો સુદ્ધાંનું પર્યાવરણ રક્ષા અને જીવ સૃષ્ટિને ઉપયોગી થવામાં કોઇપણ જાતનો ચાર્જ લીધા વિના એમના યોગદાનો પોતપોતાની રીતે ચાલુ જ હોય છે.તમામ પશુ-પંખીઓ સાથે ખેતીને જેટલો સીધો સંબંધ છે તેવો બીજાકોઇ વ્યવસાયને નથી.એ દરેકની વિશિષ્ટ શક્તિ અને સદગુણ જો વ્યક્તિની દ્રષ્ટિ ગુણગ્રાહકની હોય તો જીવન ઘડતર માટેનો બહુ મોટો પ્રેરકપાઠ બની રહે છે.

પણ…….આજે ગાયોની થઈ રહેલી અવહેલના, તેનાં નરબચ્ચાં અને બળદોને રેઢિયાર બનાવી રખડતાં મેલી દઈ, જે ડીઝલ માગે, ઓઇલ માગે, ટ્યુબ-ટાયરનો ઘસારો માગે, ધુમાડો ઓકે, ભીની જમીનમાં ટૉર લગાડે અનેખર્ચ વધારવા ઉપરાંત પર્યાવરણ બગાડે એવા યંત્રો તરફની વિનાશી દોટ અને રા.ફર્ટિલાઇઝરોનું જમીનમાં આડેધડનું ઊમેરણ, પાકસંરક્ષણના બહાના હેઠળ ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝનાં ફુંકાતા ફુવારા, તથા ઊંડા તળના મોળાં-ભાંભળાં-ખારાં-ઉનાં ફળફળતાં પ્રવાહી પિયતમાં આપી, જમીનની અંદર વસેલા સુક્ષ્મજીવો, મોલમાં ફરતા મિત્રકીટકો, અને પંખીઓ-બધાંનો સોથ વાળી રહ્યા છીએ અને શેઢે-પાળેથી પણ વૃક્ષને મૂળ સમેત ઉખાડી સમૂળગો વંશ કાઢી નાખવાના જે વિધાતક કાર્યક્રમો આદર્યા છે તેને બંધ કરી શકીએ તો તો ભાયડા કહેવાઈએ ! પણ એ બાબતે વિવેક દાખવતા થઈ જઈએ તો પણ જૈવ વિવિધતાને ચિરંજીવ બનાવવામાં મદદગારી કરી કહેવાશે હો મિત્રો ! વિચારજો.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.