ચેલેન્‍જ.edu : અલ્પજીવી સામાજિક સંસ્થાઓ

રણછોડ શાહ

આ તરંગી જિંદગાનીનો હતો એ પણ નશો;
ખુદ રહી તરસ્યા, હમેશાં અન્યને પાતા રહ્યા !
કોઈ સાચી પ્યાસ લઈ આવ્યું ન અમને ઢૂંઢતું,
જામની માફક અમે તો નિત્ય છલકાતા રહ્યા !

                                                                             શેખાદમ આબુવાલા

સનાતન સંસ્થાનું રહસ્ય

એવું તંત્ર ગોઠવો કે કોઈ એક વ્યકિતને આધારે નહીં, પણ વ્યવસ્થાને આધારે આપમેળે ચાલ્યા જ કરે, પછી ભલે કોઈ મરે કે જીવે. આપણાં ભારતવાસીઓમાંએક મોટી ઉણપ એ  છે કે આપણે કોઈ કાયમી સંસ્થા ઊભી કરી શકતા નથી.

અને એનું કારણ એ જ છે કે આપણે સત્તાના ઉપભોગમાં સાથીદાર સાંખી શકતા નથી.

આપણે હયાત નહીં હોઈએ ત્યારે સંસ્થાનું શું થશે એની પરવા કરતા નથી.

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદજીએ વર્ષો અગાઉ પ્રગટ કરેલ મંતવ્યમાં આજે કેટલો ફરક પડયો  છે? તે વિચારવા જેવી પરિસ્થિતિ છે. અનેકવિધ સંસ્થાઓ પ્રત્યેક વર્ષે શરૂ થતી હોય છે અને કેટલીક બંધ થઈ જાય છે અથવા સુષુપ્ત અવસ્થામાં આઈસીયુમાં દિવસો વિતાવતી પિડાતી પડી રહે છે. આ અત્યંત મહત્વની સામાજિક સમસ્યા બાબતે ન તો નાગરિકો જાગૃત છે, ન રાજકીય કે સામાજિક આગેવાનો રસ દાખવે છે. વિચારશીલ શિક્ષણપ્રેમીઓ અને સમાજસેવકો તો તે તરફ તદ્દન ઉદાસીનતા સેવે છે. શરૂઆત વેળાએ જરૂરિયાતમંદો જાગૃત હોય છે. પોતાની જરૂરિયાત પૂર્ણ થઈ જતાં તે સંસ્થા તરફ દૃષ્ટિપાત પણ કરતા નથી કારણ કે તેમનો સ્વાર્થ સધાઈ ગયો હોય છે. આ સંજોગોમાં  ઉત્તમ સમાજસેવી સંસ્થાઓ કેવી રીતે વિકસી શકે? તે અંગે પૂર્ણ ચર્ચા થાય તે જરૂરી છે. વર્ષો અગાઉ અનેક મહાન કેળવણીકારોએ તથા ગાંધીજી, વિનોબાજી કે અન્ય સમાજસેવકો દ્વારા સ્થપાયેલી સંસ્થાઓની પરિસ્થિતિનો અભ્યાસ કરવો જરૂરી છે.

સંસ્થાઓ દીર્ઘજીવી ન બનવામાં આપણે એટલે કે આપણો સમાજ અત્યંત જવાબદાર છે. છેલ્લા બેત્રણ દાયકામાં શરૂ થયેલી કેટલીક સામાજિક સંસ્થાઓ માત્ર આર્થિક સજ્જતાને કારણે વર્તમાન સમયમાં સારી કામગીરી કરી રહી હોય તેવું નજરે પડે છે. પરંતુ જે દિવસે આર્થિક સ્રોત સૂકાઈ જશે ત્યારે શું થશે, તે બાબતે વિચારવાનો કોઈને સમય નથી. તેવી સમજ પણ નથી. અત્યારે જે સંસ્થાઓ છે તેનું વર્ગીકરણ નીચે મુજબ થઈ શકે :–

(૧)       વ્યકિતવાદી સંસ્થાઓ :કેટલીક વ્યકિતઓ સેવાના ભેખ સાથે સંસ્થાઓ શરૂ કરે છે. તે પોતાની જાત સંસ્થાને સમર્પિત કરે છે. સમાજસેવા તેમની નસોમાં વહેતી હોવાથી નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે. તેમની પાસે તે બાબતે ઊંડુ ચિંતન અને મનન હોય છે. તેઓ દૂરંદેશી હોવાથી આગામી એક કે બે દશકામાં કઈ–કઈ બાબતો આકાર લેવાની છે તે નજર સમક્ષ રાખી સંસ્થાના વિકાસની દિશા નક્કી કરે છે. તેઓ માનવીય અભિગમ રાખી સૌને સાથે રાખવાનો પ્રયત્ન કરી આગળ વધે છે. તેઓ મહદઅંશે સફળ થાય છે. શરૂઆતના સાથીમિત્રોને સંસ્થાની ફીલસૂફી અને કામ કરવાની રીત સમજાવવામાં સફળ થતા હોવાથી કાર્ય સારું કરી શકે છે. પરંતુ તેમની ઉત્તરાવસ્થામાં અથવા તેમના મૃત્યુ બાદ તે સંસ્થા નિષ્પ્રાણ બની માંદગીના બિછાને પડી સંસ્થાના અને વ્યકિતના દિવસો પૂર્ણ થાય છે. આ સંસ્થાઓમાં કાર્ય કરતા વારસદારો એકસંપે રહી શકતા નથી. એકબીજા તરફ તેજોદ્વેષ અને તેજોવધથી વર્તતા હોવાથી બીનજરૂરી સ્પર્ધા ઊભી કરી છૂટા પડે છે. કેટલાક સમજૂ લોકો સંસ્થામાંથી અલગ પડી કયાંક બીજી સંસ્થામાં એક યા બીજા હોદ્દા ઉપર જોડાઈ જીંદગીના વર્ષો પૂર્ણ કરે છે. નવી સંસ્થામાં પોતાના વિચારોનો સ્વીકાર કરાવી શકતા નથી અને તેથી અગાઉની સંસ્થામાંથી અલગ થયાનો અસંતોષ રહે છે. પરંતુ બાણ તો તીરમાંથી છૂટી ગયું હોય છે. સંસ્થામાં કાર્ય કરતાં કર્મઠ કર્મચારીઓ પણ સ્થાપકની વિદાય બાદ દિશાશૂન્યતા અને નેતૃત્વના માર્ગદર્શન વિના ભટકી પડેલા જીવો બની જાય છે. માત્ર સારા દિવસોના ગુણગાન ગાઈ પોતાનો અહમ્‌  સંતોષી જીવનના પાછલા દિવસો ખેંચી કાઢે છે. વ્યકિતવાદી સંસ્થાઓમાં તો ટ્રસ્ટમાં પતિ, પત્ની, પુત્ર, પૂત્રવધુ, સાળા, બનેવી કે અન્ય નજીકના સગાં જ જોવા મળે છે. આમ તો આ ફેમિલી ટ્રસ્ટ ગણાય અને તેની મંજૂરી ચેરીટી કમિશ્નર તરફથી મળવી જોઈએ નહીં. પરંતુ યેનકેન પ્રકારે મંજૂરી મેળવી લેવામાં આવે છે અથવા આપી દેવામાં આવે છે. આવા ટ્રસ્ટોમાં સમયાંતરે કૌટુંબિક ઝઘડા થતા નજરે પડે છે. કોર્ટ–કચેરીઓના ધક્કા શરૂ થાય છે. વિખવાદ તેની ચરમ સીમાએ પહોંચે તો મારાકાપી થયાના ઉદાહરણો પણ મોજૂદ છે. સગાવાદી ટ્રસ્ટીઓ ભાગ્યે જ સમાજના વિકાસની વાત વિચારી શકે છે. મુખ્ય વ્યકિત નજીકના સગાઓને ઉપકૃત (Oblige) કરવા શરૂઆતમાં ટ્રસ્ટમાં સમાવેશ કરે પછી તે સંસ્થાના સંચાલનમાં પ્રવેશી પોતાનો અસલી ચહેરો અને સ્વભાવ બતાવતાં ટ્રસ્ટીઓ બનાવનારને ભારોભાર પસ્તાવો અને દુઃખ થાય છે. આવી સંસ્થામાં સ્થાપકોના સંતાનો જવાબદારી ઉઠાવવા આગળ આવે તો કયાં સમજના અભાવે અથવા તો નેતૃત્ત્વશકિતના અભાવે ભાગ્યે જ સફળ થાય છે. કયારેક તો બિનસંસ્કારી સંતાનો સંસ્થાને લાંછનરૂપ પરિસ્થિતિમાં મૂકે છે. સંતાનોને વારસો આપવાની આપણી જડમન્યતાને કારણે એક વખતની ઉત્તમ સામાજિક સંસ્થાઓ મૃત:પાય બની જાય છે. સંસ્થાનું નામ આપવાથી કોઈનું સ્વમાન હણાશે તે ભયે તે ટાળવું ઈચ્છનીય છે. પરંતુ સમાજસેવકો આવી સંસ્થાઓના ઈતિહાસ અને વર્તમાનથી પરિચિત છે.

(ર)        પૂંજીપતિઓની સંસ્થાઓ : આજે અને વર્ષો અગાઉ પણ જેમની પાસે જરૂરીયાત કરતાં વધારે ધન હતું તેને સેવા કરે છે તેવું બતાવવાના ખૂબ અભરખા રહેતા. તેઓ શૈક્ષણિક કે આરોગ્યની સામાજિક સંસ્થાઓ શરૂ કરતા. શરૂઆતમાં મૂડીરોકાણ કરવું પડે, પરંતુ પાછળથી તો અઢળક નફો રળી જ શકાશે તેવા આ ગણતરીબાજો સંસ્થાઓ શરૂ કરી ચોક્કસ જ ધનવાનો બન્યા છે. તેઓ સંસ્થાઓ અને શાખાઓ ખોલવામાં પાછું વળીને જોતા નથી. આવેલ મૂડીનું પુનઃરોકાણ કરી વ્યવસાયનો ઉર્ધ્વલક્ષી અને સમસ્તરીય (Vertical & Horizontal) વિકાસ ખૂબ કરે છે. જરૂર પડે બુદ્ધિશાળીઓને ઊંચા પગારની નોકરી આપી પોતાનું ધાર્યું કરાવી લે છે. આ બુદ્ધિજીવ વર્ગ પણ સ્વકેન્દ્રી હોવાથી સમાજના હિતોના ભોગે ધનપતિઓને કરોડપતિઓ બનાવવામાં તમામ પ્રકારનો સાથ અને સહકાર આપે છે. આ વર્ગ પાસે તમામ પ્રકારનું ખોટું સહન કરવાની અને કરાવવાની કળા હોય છે. કયારેક અયોગ્ય કરવાના રસ્તાઓ બાબતે તેઓ પોતાની કાર્યક્ષમતાનો ઉત્તમ ઉપયોગ કરતા પણ જોવા મળે છે. આ સંસ્થાઓનો ઉદ્દેશ માત્ર અને માત્ર આર્થિક રળતર હોવાથી જેવી આવક બંધ થાય છે કે તરત સંસ્થાઓ બંધ કરી દેવામાં આવે છે. સંસ્થાની જમીન વ્યકિતના અંગત નામ ઉપર હોવાથી તે વેચતાં વારસદારો કરોડપતિ, કયારેક તો અબજપતિ, બની ગયાના ઉદાહરણ પણ છે. પ્રામાણિક સંસ્થાઓ વેચાઈ ગયાના પણ અનેક દાખલાઓ મોજૂદ છે. પરંતુ આપણો કહેવાતો સુશિક્ષિત સમાજ તે તરફ સંપૂર્ણ દુર્લક્ષ સેવે છે.

કોના દિલમાં હજી નિરાશા ? કોણ હજી ફરિયાદ કરે ?
કોણ એવા બુઝદિલ, હજી અંધારી રાતો યાદ કરે ?
છોડો એને; ચાલો, સાથી ! ખુલ્લાં ખેતર સાદ કરે,
દિશે દિશામાં ગાજે નોબત પ્રજા તણા ઉત્થાનની.

– નાથાલાલ દવે

(૩)       પ્રતિષ્ઠાપ્રેમીઓની સંસ્થાઓ : કેટલીય સેવાકીય સંસ્થાઓ શરૂઆતથી જ વિશાળ પાયો બનાવવા ઈચ્છતી હોવાથી પોતાનું ટ્રસ્ટીમંડળ મોટું રાખે છે. કોઈ પ્રામાણિક સંચાલક અનુભવી, સમાજપ્રેમી, કંઈક કરવાની તમન્નાવાળા લોકોને ટ્રસ્ટમાં લે તો તેઓ પોતાની કામગીરીના ભોગે પણ સંસ્થામાં રસ લે છે. પરંતુ કેટલાક કહેવાતા સમાજસેવકો માત્ર ટ્રસ્ટની સભાઓમાં ઉપસ્થિતિ રહી હાજરી પૂરી/પૂરાવી જતા રહે છે. લેટરપેડ ઉપર કે સંસ્થાની ઓફિસના ટ્રસ્ટી મંડળના બોર્ડ ઉપર પોતાનું નામ હોવાથી સંતોષનો ઓડકાર લઈ લે છે. તેઓ માત્ર શોભાના ગાંઠિયા બને છે. સંસ્થામાં સારું કર્યું તો મેં કર્યું અને ખરાબ થયું તો મને ખબર નથી તેવું જણાવી હાથ ધોઈ નાંખે છે. આવા ટ્રસ્ટીઓથી સંસ્થાઓને અથવા સમાજને કોઈ લાભ થતો નથી. તો કેટલાક ટ્રસ્ટીઓ શરૂઆતમાં અત્યંત સહાયરૂપ બની મદદ કરવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ સમય જતાં પોતાની અગત્ય જળવાતી નથી, પોતાનું કહેલું કોઈ સાંભળતા નથી, પોતાનો અંગત સ્વાર્થ સધાતો નથી – માટે ટ્રસ્ટમાં બળવો પેદા કરે છે. ટ્રસ્ટ બે જૂથમાં વહેંચાઈ જાય છે. શરૂઆતમાં એકબીજા ઉપર આક્ષેપબાજી શરૂ કરે છે, પછી બૂમાબૂમ અને અંતે જાહેરમાં એકબીજા ઉપર અનઅપેક્ષિત આક્ષેપો કરે છે. આવા ખુરશીભૂખ્યા અને માત્ર પ્રતિષ્ઠાપ્રેમી ટ્રસ્ટીઓ પણ સંસ્થાને મદદરૂપ થતા નથી. આ પરિસ્થિતિ જોઈ અન્ય ટ્રસ્ટો ટ્રસ્ટીઓની સંખ્યા ખૂબ ઓછી રાખે છે પરંતુ તેમાં પણ લાંબા ગાળે વિઘાતક પરિસ્થિતિ ઊભી થાય છે.સંસ્થાનો પાયો વિશાળ બનવાને બદલે અત્યંત સાંકડો બને છે. નૂતન વિચારોનું આગમન થતું નથી. ટ્રસ્ટીઓ સગાંવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ કે વતનવાદના રવાડે ચડે ત્યારે તો સંસ્થાઓને અકલ્પ્ય નુકસાન થાય છે, જેનાં સેંકડો ઉદાહરણ છે. સંસ્થા ગાંધીવાદ, જે. કૃષ્ણમૂર્તિના કે ઓશોના વિચારો ઉપર શરૂ થઈ હોય ત્યાં પણ તેના અનુયાયીઓ પોતાનો અહમ્‌ છોડી સાથે રહી શકયા નથી. તેના ઉદાહરણો નજર સમક્ષ છે. એક સમયે જેના વિચારોના પાયામાં માત્ર અને માત્ર કેળવણી કે સમાજસેવા હતી ત્યાં સંચાલનમાં સંલગ્ન વ્યકિતઓ વિતંડાવાદ, ઈર્ષા, અદેખાઈ અને તેજોવેધમાં રચ્યાપચ્યા રહે ત્યારે આ સંસ્થાઓ નાશ ન પામે તો શું થાય?

(૪)       અણઘડ કાર્યકરોથી ચાલતી સંસ્થાઓ : કેટલીક સંસ્થાઓ શરૂઆતથી જ બીજી હરોળ તૈયાર કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. પોતાના સાથી કર્મચારીઓને ભવિષ્યમાં ઉત્તમ વહિવટ કરી શકે તેવી તાલીમ આપે છે. સાથી મિત્રોને પ્રત્યેક કાર્યમાં જોડી, તેમને પ્રોત્સાહિત કરી આગળ લાવવાના પ્રયાસો ખૂબ કાળજીપૂર્વક કરે છે. કયારેક સાથી કર્મચારીઓ આ બાબત સમજી શકતા નથી અને સ્થાપકોની ભાવના, લાગણી અને દૂરંદેશીપણું સમજી શકવામાં અસમર્થ હોય છે. વિધ્નસંતોષીઓની ચઢવણીના ભોગ બની સંસ્થા સામે બળવો કરી સંસ્થા છોડીને જતા રહે છે. કેટલાક તેવું કરતા નથી. પરંતુ પોતાની કાર્યક્ષમતામાં પણ વધારો કરતા નથી. નવું નવું શીખવાથી દૂર ભાગે છે. વધારે સમય ફાળવી નૂતન બાબતોથી માહિતગાર થવાને બદલે અનેક બહાનાં કાઢી જવાબદારી સ્વીકારવામાંથી છટકબારીઓ શોધે છે. લાંબા ગાળે આવા વરિષ્ઠ કર્મચારીઓ સંસ્થામાં પ્રવેશતા નૂતન વડા અથવા કર્મઠ સાથીઓને સ્વીકારવાને બદલે તેમની સામે બળવો કરે છે. જાતે તૈયાર થતા નથી અને અન્યોને પોતાના ઉપરી તરીકે આવકારતા કે સ્વીકારતા નથી. અંતે સંસ્થાને ન પૂરી શકાય તેવું નુકસાન થતાં સમયાંતરે સંસ્થા નબળી પડી નાશ પામે છે.

સ્વામી વિવેકાનંદજીની વાત અત્યંત સાચી છે. મહ્‌દઅંશે સામાજિક સંસ્થાના હોદ્દેદારો સત્તાના ઉપભોગમાં સાચા, યોગ્ય, કર્મઠ, નિષ્ઠાવાન અને વફાદાર સાથીઓને સાંખી શકતા નથી. જ્યાં સુધી હોદ્દેદારો વ્યકિત કરતાં સંસ્થાને વધારે વફાદાર બનશે નહીં  ત્યાં સુધી ચિરકાળ સંસ્થાઓ પ્રાપ્ત થશે નહીં. ‘વ્યકિત નાશવંત છે, સંસ્થા અવિનાશી છે’નું સૂત્ર અપનાવવામાં આવશે નહીં ત્યાં સુધી લાંબા આયુષ્યવાળી સંસ્થાઓ મળશે નહીં. ઓકસફર્ડ, કેમ્બ્રીજના લાંબા આયુષ્યના કદાચ આ કારણો હોઈ શકે. નિષ્ઠાવાન સંચાલકો જ સંસ્થાનો પ્રાણ છે. જ્યારે જ્યારે વિચારભેદ ઊભો થાય ત્યારે સૌ સાથે બેસીને સંસ્થાના હિતમાં જે નિર્ણય લે અને તેમાં સૌ સંમત થાય તે આવશ્યક છે. અંતીમ નિર્ણય ‘સૌનો છે, એકનો નહીં’ તેવું સૌ એકી અવાજે સ્વીકારે તે જરૂરી છે. પોતાનો વિચાર છોડી અન્યોના વિચારો ડંખપૂર્વક નહીં પરંતુ ખેલદીલીપૂર્વક સ્વીકારવાનું સાથીઓ શરૂ કરશે ત્યારથી ચોક્કસ જ અલ્પજીવી નહીં, પરંતુ ખૂબ લાંબાગાળાની શાશ્વત સંસ્થાઓ સમાજને પ્રાપ્ત થશે. પોતાના નાનકડા સ્વાર્થને છોડી સમાજલક્ષી નિર્ણયો લેનાર ટ્રસ્ટીઓ જ આ ધ્યેયને હાંસલ કરી શકશે.

આચમન :

અન્યાય નીચી મૂંડીએ ના લીધો સાંખી,
દુર્ગન્ધ પર મૂઠી ભરીને ધૂળ નાખી,
ઉકરડા વાળી–ઉલેચી સૃજનનું ખાતર રચ્યું;
અબોલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું;
કંઈક આમાંનું બને,
ગાંધીજયંતી તે દિને !

ઉમાશંકર જોશી


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Author: admin

1 thought on “ચેલેન્‍જ.edu : અલ્પજીવી સામાજિક સંસ્થાઓ

  1. બહુ જ મનનીય લેખ.

    જ્યારે વ્યક્તિ, કે સંસ્થાનાં ખરાંખોટાં ઉદ્દેશ્યોની સિદ્ધિ માટેની ઉંકા ગાળાની દૃષ્ટિ કે સંશ્થાનાં આંતરિક બાહ્ય સંદર્ભના પરિપ્રેક્ષ્ય્મમં સંસ્થાનો મુળ ઉદ્દેશ્ય (અને તે સિધ્ધ કરવની વ્યૂહરચના) તાલમેલ નથી રાખી શકતી ત્યારે સંસ્થાનું આયુષ્ય ટુંકાઈ જતું હોય છે.

    અહીં શ્રી રણછોડભઈએ જે જે પરિબળો ગણાવ્યં છે તે વ્યાવસાયિક સંસ્થાઓની બાબતે , અને કુટુંબોને પણ, એટલાં જ લાગુ પડે છે.

Leave a Reply

Your email address will not be published.