સત્યજિત રાયની સૃષ્ટિ – ૫: શતરંજ કે ખિલાડી

ભગવાન થાવરાણી

આપણે છેલ્લે ચર્ચી એ જન – અરણ્ય પછી તુર્ત જ આવી એમની પહેલી અને એક રીતે એકમાત્ર હિંદી ફીચર ફિલ્મ શતરંજ કે ખિલાડી. એમની અન્ય હિંદી ફિલ્મ સદ્ગતિ એક ટૂંકી ટેલિ-ફિલ્મ હતી. શતરંજ કે ખિલાડી ૧૯૭૭માં પ્રદર્શિત થઈ. આ બન્ને ફિલ્મોની વચ્ચે જોકે, રાય એક દસ્તાવેજી ફિલ્મ બાલા બનાવી ચુક્યા હતા જે સુવિખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના બાલા સરસ્વતીના જીવન પર આધારિત હતી. 

રાયની લગભગ બધી જ ફિલ્મો ઉત્કૃષ્ટ બંગાળી સાહિત્યિક કૃતિઓ ઉપર આધારિત હતી. જે થોડીક ફિલ્મો એમની પોતાની વાર્તાઓ ઉપરથી બની એ પણ ફિલ્મો બનાવ્યા પહેલાં જ ઉત્તમ વાર્તાઓ તરીકે બિરદાવાઈ ચુકી હતી. એમની બન્ને હિંદી ફિલ્મો પણ મહાન હિંદી સાહિત્યકાર મુનશી પ્રેમચંદની એ જ નામની વાર્તાઓ પર આધારિત છે. 

શતરંજ કે ખિલાડીના નિર્માતા સુરેશ જિંદાલની (હિંદી ફિલ્મ રજનીગંધા અને અંગ્રેજી ગાંધીના નિર્માતા) દિલી ખ્વાહેશ હતી કે રાય એમના માટે એક ફિલ્મ બનાવે, એમને ગમે તે ભાષામાં. ૧૯૭૫માં એ આ ઈચ્છા લઈને રાયને મળવા કલકત્તા ગયા ત્યારે એમના આશ્ચર્ય વચ્ચે રાય બોલ્યા હતા કે પ્રેમચંદની એક વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવાની મહેચ્છા એમના મનમાં પણ વર્ષોથી હતી. પોતે હિંદી અને ઉર્દૂ ભાષાથી સાવ અપરિચિત હોઈ એ વિચારને એમણે પ્રાધાન્ય આપ્યું નહોતું. બન્નેની સંમતિથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું એ પછીના બે વર્ષ ફિલ્મની પૂર્વ-તૈયારીમાં લાગી ગયા. દરેક ફિલ્મનું ગૃહકાર્ય એ કેવી ચીવટ અને ખંતથી કરતા એ આપણે અગાઉના હપતાઓમાં જોઈ ચુક્યા છીએ. વળી રાય દ્રઢપણે માનતા કે જે માણસે ફિલ્મ પાછળ પૈસા રોક્યા છે એને પૂરતું વળતર પણ મળવું જોઈએ. સંજીવ કુમાર, સઈદ જાફરી, અમજદ ખાન, શબાના આઝમી, રિચર્ડ એટનબરો, ફરીદા જલાલ, ફારૂખ શેખ, ટોમ ઓલ્ટર અને વિક્ટર બેનર્જી જેવા મોટા ગજાના અને આગા, ભૂદો અડવાણી, ડેવિડ, લીલા મિશ્રા, વીણા અને બેરી જોહ્નને નાની-નાની ભૂમિકાઓ માટે પસંદ કરવાનો રાયનો નિર્ણય એ કલાકારોની અભિનય ક્ષમતા સાથે સંકળાયેલો તો હતો જ, એક દ્રષ્ટિકોણ એ પણ કે નિર્માતાનું મૂડી-રોકાણ નિષ્ફળ ન જવું જોઈએ. ફિલ્મમાં સૂત્રધારના અવાજ માટે પણ અમિતાભ બચ્ચન કક્ષાના કલાકારનો અવાજ પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મની પટકથાને આખરી ઓપ આપ્યા પછી રાયે પોતે પણ શતરંજ, ૧૮૫૬નું ભારત, લખનૌનો નવાબી કાળ, રહેણી-કરણી, ધર્મ, સંસ્કૃતિ, રહન-સહન, ભાષા, ખોરાક સહિત એ સમય-ખંડની લાક્ષણિકતાઓનો ઊંડો અભ્યાસ કર્યો અને પોતાના અંતરંગ મિત્ર અને સ્થાયી કલા-નિર્દેશક બંસી ચંદ્રગુપ્ત જોડે લખનૌ, જયપૂર અને લંડન સુધીના પ્રવાસે પણ જઈ આવ્યા. એમની ચીવટ અને ચોકસાઈની એક મિસાલ એ કે ફિલ્મના અંતે માત્ર એક મિનિટ માટે દર્શાવાતી અંગ્રેજ પલટણની આગેકૂચના દ્રશ્યમાં વિશ્વસનીયતા લાવવા માટે એમણે દેશ-વિદેશના યુદ્ધ-નિષ્ણાંતોનો સંપર્ક કરેલો જેથી સૈન્ય આગળ વધે ત્યારે એમાંના રસાલાનો ક્રમ કયો હોય એ આધારભૂત રીતે જાણી શકાય ! 

ભૂમિકાની લંબાઇની વાત કરીએ તો શબાના આઝમી જેવી ધરખમ અભિનેત્રીનો ફિલ્મમાં રોલ માંડ દસેક મિનિટનો હશે. નિર્માતા જિંદાલે જ્યારે એમને ખેલદિલીપૂર્વક એમના આ સંક્ષિપ્ત રોલ વિષે અંગે આગાહ કર્યા ત્યારે એમણે તુરંત કહ્યું હતું, ‘ સત્યજિત રાયની ફિલ્મમાં હું ઝાડૂ વાળવા પણ તૈયાર છું ! ‘ . આવી જ દરિયાદિલી ફિલ્મમાં જનરલ ઓટ્રમનું પાત્ર ભજવતા સર રિચર્ડ એટનબરોએ દાખવેલી. રાય જ્યારે એમને આ ભૂમિકા ઓફર કરવા ગયા ત્યારે એમણે કહેલું કે તમારી ફિલ્મમાં મારે ટેલિફોન ડિરેક્ટરી માત્ર વાંચવાની હોય તો પણ એ પાત્ર હું ભજવીશ ! 

શતરંજ.. રાયની સૌથી લાંબી અને ખર્ચાળ ફિલ્મ છે. આ પહેલાં એ ૨૬ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. ફિલ્મની પટકથા અને સંવાદો અેમણે જ મૂળ અંગ્રેજીમાં લખ્યા હતા જેના હિંદી / ઉર્દૂ રૂપાંતરણ માટે શમા ઝૈદી નામના ખ્યાતનામ લેખિકાને રોકવામાં આવ્યા હતા. એવા જ એક ઉર્દૂ તજજ્ઞ જાવેદ સિદ્દીકી પણ સાથે રહ્યા. કેમેરા અને કલા-નિર્દેશન એ જ જૂના જોગીઓ સૌમેન્દુ રોય અને બંસી ચંદ્રગુપ્તનું. 

પ્રેમચંદની મૂળ વાર્તામાં ખાસ્સા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સ્વયં રાયના મતે, દરેક સાહિત્યિક કૃતિમાં ફિલ્મીકરણ માટે આવા ફેરફારો અનિવાર્ય હોય છે. ફિલ્મ સામાન્ય પ્રેક્ષકો દ્વારા સ્વીકારાય, એમના ગળે ઊતરે એટલા માટે જ નહીં, એટલા માટે પણ કે બન્ને માધ્યમો જ સાવ અલગ છે. સિનેમાની પોતાની ભાષા અને વ્યાકરણ છે જે લખાયેલી શબ્દથી ભિન્ન છે. રાયે આ સુધારા (અને વધારા પણ !) પૂરતી કુશળતા અને મૂળ વાર્તાના હાર્દને વફાદાર રહીને કર્યા છે. મૂળ હિંદી વાર્તા બહુ લાંબી નથી. જેમને રસ હોય એ અહીં વાંચી શકે છે :

http://premchand.co.in/story/s hatranj-ke-khiladi

ફિલ્મ પર આવીએ. મૂળભૂત રીતે એ બે લખનવી જાગીરદારો મિર્ઝા સજ્જાદ અલી (સંજીવ કુમાર) અને મીર રોશન અલી (સઈદ જાફરી) અને એમના ગાંડા શતરંજ પ્રેમની વાત છે. પણ એ તો ઉપરછલ્લી વાત. ફિલ્મમાં આ કપડાંના ચોરસ ટુકડા ઉપર રમકડા જેવા મહોરાં દ્વારા રમાતી સ્થૂળ બાજી ઉપરાંત પણ કેટલીક ઊંડી રમતો રમાય છે. બન્ને અભિનેતાઓ એમની અભિનય – ક્ષમતા માટે કોઈ પરિચયના મોહતાજ નથી. દરઅસલ, ઉપર આપણે બે ઉદાહરણો દ્વારા જોયું તેમ, રાયની કોઈ ફિલ્મ માટે પસંદગી પામવી એ જ કોઈ કલાકારની ક્ષમતાનું સૌથી મોટું પ્રમાણ-પત્ર છે. વાત સન ૧૮૫૬ની છે. મુગલ સલ્તનતનો અસ્ત થઈ ચૂક્યો છે. બાદશાહ બહાદુરશાહ માત્ર નામ પૂરતા ગાદીનશીન છે. ઈસ્ટ ઈંડીયા કંપનીનું બ્રિટિશ રાજ પુરબહારમાં છે અને હિંદુસ્તાનના મોટા ભાગના વિસ્તારને ભરડો લઈ ચૂક્યું છે. મુસ્લિમ તહઝીબનુ કેન્દ્ર હવે દિલ્હીની જગ્યાએ લખનૌ છે. અવધના નવાબ વાજિદ અલી શાહ (અમજદ ખાન) ને પણ અંગ્રેજોએ જ ગાદી પર બેસાડેલ છે, એમની પાસેથી મોટી રકમની વાર્ષિક ખંડણી અને એમના રાજ્યમાંથી એમના લશ્કર માટે અબાધિત ભરતી કરવાની સત્તાઓ મેળવ્યા પછી ! આટલું અપૂરતું હોય તેમ, એમને હવે અવધ આખું એમના સીધા અંકુશ હેઠળ લાવવાની તલપ છે કારણ કે એમના મતે, વાજિદ અલી એક નક્કામા અને ઐયાશ શાસક છે. લોર્ડ ડેલહાઉસીએ પોતાના વડા મથક કલકતાથી એમના અવધ ખાતેના મુખ્ય પ્રતિનિધિ જનરલ ઓટ્રમ ( રિચર્ડ એટનબરો ) ને ફરમાન છોડેલ છે કે ગમે તે રીતે નવાબને નવા કરારનામા પર દસ્તખત કરવા રાજી કે મજબૂર કરો અને પછી લખનૌથી તગેડી મૂકો ! 

ખરેખર તો સત્યજિત રાય ફિલ્મની તૈયારી માટે વાજિદ અલી શાહ વિષેનું ઉપલબ્ધ સાહિત્ય વાંચતા હતા અને જેમ જેમ એમની ઐયાશી અને રંગીનિયત વિષે વાંચતા ગયા તેમ તેમ એમના વિષેની આ ફિલ્મ બનાવવાનો એમનો વિચાર ટાઢો પડતો ગયો પરંતુ બે બાબતોએ એમને આ ફિલ્મ બનાવવા અને એમના ચરિત્રને મૂળ વાર્તા કરતાં ક્યાંય વધુ મહત્વ આપવા મજબૂર કર્યા. વાજિદ અલીનો સંગીત પ્રેમ અને એમના અને એમના વઝીર મદારુદૌલા વચ્ચેનો એક પ્રસંગ, જેની ચર્ચા આપણે આગળ કરીશું. 

ફિલ્મનો આગાઝ. બન્ને જાગીરદારોએ બિછાવેલી શતરંજની બિસાત. સૂત્રધાર ( અમિતાભ ) નેપથ્યેથી બન્નેના ચરિત્ર અને તત્કાલીન અવધનું વર્ણન કરે છે. ‘ આ યોદ્ધાઓએ ખરેખરું યુદ્ધ ક્યારેય ખેલ્યું નથી. એમનું યુદ્ધ અને સૈન્ય કેદ છે આ કપડાંના ચોરસ ખાનાઓમાં ‘. લખનૌની પ્રજા પણ આમ જ પતંગબાજી અને મુર્ગાઓ-ઘેટાઓને લડાવી એમની હારજીત પર હોડ બકવામાં ચકચૂર છે. 

નવાબ વાજિદઅલીનો દરબાર. નવાબ પોતે કૃષ્ણનાં સ્વાંગમાં દરબારી ગોપીઓ સંગ રાસ રમવામાં મત્ત છે. એમણે પોતે રચેલું ગીત ગવાઈ રહ્યું છે. એ કવિ, ગવૈયા અને નર્તક છે. ઠુમરીના ઉસ્તાદ. (ઠુમરી સંગીત પ્રકારની શોધ જ એમણે કરેલી. કુદનલાલ સહગલે ગાઈને અમર કરી દીધેલ ઠુમરી બાબુલ મોરા નૈહર છૂટો જાએ એમનું સર્જન છે). એ પગમાં ઘુંઘરૂ બાંધી નાચી રહ્યા છે. અજબ વાત કે એ ચુસ્ત મુસ્લિમ છે અને પાંચ વાર નમાઝ પઢે છે. શરાબને અડતા પણ નથી. કવિતા, સંગીત, નૃત્ય એમનો નશો છે ! શાસન એમની આખરી પ્રાથમિકતા છે. એ એમ માને છે કે એમની પ્રજા સુખી છે કારણ કે એ એમના રચેલા ગીતો શેરીઓમાં ગાય છે. એમની પાસે નામ પૂરતું લશ્કર છે છતાં એ છેવટ સુધી લડી લેવાની વાત કરી શકે છે ! અંગ્રેજ હાકેમ ડેલહાઉસીને એમના તરફ એટલો અણગમો હતો કે લંડનની એક પ્રદર્શનીમાં જ્યારે એમણે પોતાનો હીરાજડિત તાજ મોકલ્યો ત્યારે ડેલહાઉસીએ વ્યંગમાં કહેલું કે તાજની સાથે એ પોતાનું માથું પણ મોકલાવત તો એમની પ્રજાનું સાચું ભલું થાત ! વાજિદના દાદા અંગ્રેજ લશ્કર સામે બુરી રીતે હારેલા અને કંપની સરકાર સમક્ષ શરણાગતિ સ્વીકારેલી. 

જનરલ ઓટ્રમને એમના એ.ડી.સી વેસ્ટન ( ટોમ ઓલ્ટર ) વાજિદ અલીની દિનચર્યાથી વાકેફ કરે છે. વેસ્ટન પોતે શેરો-શાયરીના શોખીન છે અને અંદરખાનેથી વાજિદના પ્રશંસક. એ વાજિદે રચેલી પંક્તિઓ અને એનું અંગ્રેજી અર્થઘટન જનરલને સમજાવે છે :

सदमा न पहुँचे कोई मेरे जिस्मे – ज़ार पर
आहिस्ता फूल डालना मेरे मज़ार पर
हर चंद ख़ाक में था मगर ता-फलक गया
धोका है आसमान का मेरे ग़ुबार पर ..

 બાજુ મુનશી નંદલાલ ( ડેવિડ ) મિર્ઝાની કોઠી પર શુભેચ્છા મુલાકાતે આવે છે. બન્ને રસિયાઓને શતરંજમાં નિમગ્ન જોઈ પોકારે છે ‘ બાદશાહોની રમત અને રમતોનો બાદશાહ ! ‘ સાહેબો, આ રમત આપણા હિંદુસ્તાનમાં શોધાઈ છે, પણ અંગ્રેજો એ જરા જૂદી રીતે રમે છે. એમની રમતમાં પ્યાદું સામેના ખેલાડીના ઘર સુધી પહોંચે એટલે આપોઆપ વઝીર બની જાય છે ! મુનશીનો ઈશારોં અર્થગાંભીર્ય – સભર છે પણ બન્ને ઉમરાવો માત્ર એનો વાચ્યાર્થ જ ગ્ૃહણ કરે છે, કરી શકે છે ! નંદલાલ એ જાણી જતાં મૂળ વાત પર આવે છે. અંગ્રેજ ફોજ કાનપૂર લગી આવી પહોંચી છે. હવે લખનૌ દૂર નથી. લેખક પ્રેમચંદ, સર્જક રાય અને ફિલ્મનો મુખ્ય સંદેશ પણ એ જ છે કે જે લોકોએ કશુંક કરવાની જરૂર છે, કરી પણ શકે છે એ લોકો હવેલીની સલામત દીવાલો વચ્ચે અર્થહીન યુદ્ધો લડે છે અથવા ઐશો-આરામમાં ધુત્ત છે અને બીજી બાજૂ અવધને  ‘ ઓહિયાં ‘ કરી જવાની મોટી રમત રમાઈ રહી છે ! 

મિર્ઝાની બેગમ ખુરશીદ (શબાના આઝમી) આ રમત અને રમતવીરોથી તંગ આવી ગઈ છે. રમતના ઘેનમાં મિર્ઝા પોતાની પતિ તરીકેની ફરજો સાવ વિસરી ગયા છે. બેગમ અતૃપ્ત છે અને કહે છે પણ ખરાં કે આ કરતાં તો તવાયફોના કોઠા પર પડી રહેતા એ બેહતર હતું. એટલી તો જાણ રહેતી કે હવે સવારે જ આવશે ! માથાના દુખાવાનું બહાનું કરીને એ મિર્ઝાને શયનખંડમાં બોલાવે છે પણ ખરા પરંતુ મિર્ઝા કોઈ કામના પૂરવાર નથી થતા ! એ મિર્ઝાને મીરની પત્ની નફીસા (ફરીદા જલાલ) અને મીરના ભાણેજ અકીલ (ફારૂખ શેખ) વચ્ચેના છાનગપતિયાંનો ઈશારોં પણ કરે છે (એ કહીને એ બીજું કંઇક પણ કહેવા માંગે છે !). મિર્ઝા વાત હસી કાઢે છે. (પ્રેમચંદની મૂળ વાર્તામાં માત્ર એટલો ઉલ્લેખ છે કે બન્નેની પત્નીઓ અસંતુષ્ટ હતી અને મીરની બેગમને એના ખાવિંદ ઘરની બહાર રહે એ વધારે ગમતું ! બસ !)

બન્ને જમીનદારોને શતરંજનો બેફામ ચસકો તો છે જ પરંતુ એમને એકબીજા પર સ્હેજેય ભરોસો નથી. કોઈ રમતમાંથી આઘું-પાછું થાય તો બીજાને કહેતું જાય કે જોજો, મહોરાંને હેરફેર ન કરતા ! એવું થાય પણ ખરું. મીર સાહેબ આ બાબતે શાતિર છે. 

શતરંજના મહોરાં એક દિવસ ચોરાઈ જાય છે. ખરેખર તો એ મિર્ઝાની બેગમે ગુમ કર્યા હોય છે, શૌહરને પોતાના ભણી વાળવા માટે, પણ નશો જેનું નામ ! વિચારમગ્ન અને ચિંતિત મિર્ઝાને વકીલ ઈમતિયાઝ હુસૈન ( ભૂદો અડવાણી – ફિલ્મ  ‘બૂટ પોલિશ’ નું ગીત લપક ઝપક તૂ આ રે બદરવા યાદ આવે છે ? )ની હવેલી અને અને એના દીવાનખાનાના એક ખૂણે પડી રહેતી શતરંજ અને મહોરાં યાદ આવે છે. બન્ને તાબડતોબ ત્યાં જવા રવાના થાય છે. બદનસીબે વકીલ સાહેબ બીમાર અને મરણપથારીએ છે. એમના છેલ્લા શ્વાસના સાક્ષી બની બન્ને નિરાશ વદને પાછા ફરે છે. હિંદી ફિલ્મોમાં આવું રમૂજી મૃત્યુ કદાચ પહેલી વાર દર્શાવાયું છે !

મિર્ઝા હવેલીએ પહોંચી રસ્તો કાઢે છે. મહોરાંની જગ્યાએ ટમેટા, બટેટા, લીંબૂ, સોપારી વગેરે ગોઠવી પોતાનો શતરંજી કારોબાર ચાલુ રાખે છે. બેગમને એમણે શોધેલા ઉકેલની જાણ થતાં નાસીપાસ થઈ બધા મહોરા દીવાનખાનામાં ફેંકી જાય છે. અસલી ચોરની જાણ થતાં મિર્ઝા એલાન કરે છે  ‘ હવેથી શતરંજ મીરની હવેલીએ રમાશે ‘ 

જનરલ ઓટ્રમ વાજિદ અલીના વઝીર મદારુદૌલાને ( વિક્ટર બેનર્જી ) રેસીડંસીએ બોલાવી રાજકાજ કંપની સંભાળી રહી હોવાના નિર્ણયની જાણ કરે છે અને ભાવુક વઝીર દુખી-દુખી થઈ જાય છે. એ પરત મહેલ પર આ સમાચાર લઈને જાય છે ત્યારે નવાબ હંમેશ મૂજબ સંગીતની મહેફિલમાં રમમાણ હોય છે. એમની જ રચેલી ઠુમરી કાન્હા મૈં તો હારી નૃત્ય સંગે ગવાઈ રહી છે. જલસો સમાપ્ત થતાં વાજિદ અલી વઝીરને ભર મહેફિલે પધારવાનું કારણ પૂછે છે.(આ એ દ્રષ્ય છે જેનાથી અભિભૂત થઈ રાયે આ ફિલ્મ બનાવવાની તરફેણમાં નિર્ણય લીધો હતો !) વઝીર કંઈ કહેવાને બદલે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે. વાજિદ પૂછે છે કે આ શું ? ઓટ્રમ સાહેબે કોઈ ગમગીન ગઝલ સંભળાવી કે શું ? મર્દ માણસની આંખમાં ત્યારે જ આંસૂ આવે જ્યારે એ કોઈ ચોટદાર ગઝલ અથવા સંગીત સાંભળે ! વાત ભલે ઐયાશ બાદશાહના મુખે કહેવાઈ હોય, એમાં વજન છે. ખેર ! વઝીર એમને અંગ્રેજ સરકારના નિર્ણયની જાણ કરે છે. 

નવાબ દરબારીઓને બોલાવી અને ઠપકો આપી ઊધડા લે છે. વાત આટલી હદે વધી ગઈ તો તમે શું કર્યું ? એ કબૂલ પણ કરે છે કે પોતે ગાદી પર બેસવા લાયક જ નહોતા. અંગ્રેજોએ મારી જાંબાઝ ફોજ બરખાસ્ત કરી નાંખી નહીંતર આપણે બરાબરની લડત આપત ! એ પડકાર ફેંકે છે કે પૂછો અંગ્રેજોને કે એમના કેટલા બાદશાહોએ કે રાણી વિક્ટોરિયાએ સુદ્ધાં ક્યારેય ગીતો રચ્યાં જે એમની પ્રજા શેરીઓમાં ગાતી હોય ! ગમે તે થાય, આપણે લડીશું ! 

ફરીથી એક અગત્યનું દ્રષ્ય જે જનરલ ઓટ્રમના વિલન – સમા ચરિત્રમાં એક નવું પરિમાણ ઉમેરે છે. લખનૌના પોસ્ટ માસ્તર અને એમના મિત્ર (જોહ્ન બેરી) આગળ એ કબૂલે છે કે આમ અવધ પડાવી લેવાનો નિર્ણય અન્યાયી છે. આપણે વહીવટ હાથમાં લઈ શકીએ પણ નવાબને પદચ્યુત કરવા ગેરકાયદેસર કહેવાય ! એ આપણે જ અગાઉ કરેલા કરારની ખિલાફ છે. ધારો કે લોહી વહાવવાની નોબત આવે તો આપણી ફોજના મોટા ભાગના સૈનિકો અવધી છે. આપણે કયા મોઢે એમને એમના જ ભાઈઓ જોડે લડવાનું કહીશું ? 

એ આખરી સમજાવટ માટે વાજિદ અલીના માતા બેગમ સાહિબા (વીણા) ને મળવાનું નક્કી કરે છે. બેગમ સાહેબા મક્કમ અને પોતાના વિચારોમાં સ્પષ્ટ છે. વાજિદ તમારી સંમતિથી તખ્તનશીન થયા હતા. તમને એનું શાસન નિષ્ફળ લાગતું હોય તો તમે એ માટે શું કર્યું ? અમારે સાલિયાણું નહીં, ન્યાય જોઈએ. તમે નહીં આપો તો અમે રાણી વિક્ટોરિયા આગળ ધા નાંખીશું .

વઝીર વાજિદ અલીને બેગમ સાહિબા અને ઓટ્રમ વચ્ચેની નિષ્ફળ મુલાકાતનો અહેવાલ આપે છે. એ એમ પણ જણાવે છે કે જરુરત પડે તો (જેવી છે તેવી !) આપણી ફોજ લડત આપવા તૈયાર છે. વાજિદ ઊંડા વિચારમાં છે. એણે નિર્ણય લઈ લીધો છે. એ ગાય છે :

जब छोड चले लखनऊ नगरी
कहें हाल के हम पर क्या गुज़री

એ સર્વેને હથિયાર હેઠા મૂકવાનો આદેશ આપે છે. બીજા દિવસે જનરલને દરબારમાં બોલાવી તાજ ઉતારીને ધરે છે અને કહે છે  ‘ દસ્તાર (મુગટ) લઈ લ્યો. દસ્તખત નહીં આપું ‘ ! 

બન્ને જાગીરદારો હવે મીર સાહેબની હવેલી પર શતરંજ માંડે છે. ત્યાં અચાનક પોતાના સગા ભાણેજ અકીલને પોતાના શયનખંડમાં સંતાયેલો જોઈ મીર આશ્ચર્ય અને આઘાત પામે છે. એમની બેગમ અને અને અકીલ લૂલો બતાવ કરે છે કે બાદશાહના માણસો જુવાનિયાઓને પરાણે લશ્કરમાં ભરતી કરે છે એટલે એણે અહીં પનાહ લીધી છે ! 

ક્યાંક પોતાને પણ લશ્કરમાં ન જોડાવું પડે એ બીકથી બન્ને ઉમરાવો નક્કી કરે છે કે શહેરથી દૂર ગોમતી-પાર એક અવાવરુ મસ્જિદમાં જઈને રમીએ. દરરોજ સવારે સાજ-સરંજામ લઈને નીકળી જવાનું અને સાંજ ઢળ્યે પરત. મસ્જીદ તો નથી મળતી પણ સૂનસાન જગ્યા મળે છે. ત્યાંના લોકો ધસમસતી આવતી અંગ્રેજ પલટનથી ડરી નાસી છૂટ્યા છે. એક કિશોર કલ્લુ રોકાયો છે કારણ કે એને ફોજની આગેકૂચ જોવાનો શોખ છે. બન્ને બહાદુરોના તમંચા જોઈને એ નિર્દોષ ભાવે પૂછે છે ‘તમે પલટન સામે લડવાના છો ? ‘ બન્ને ચૂપ. 

બાજી પથરાય છે. મિર્ઝા હારમાં છે અને મીર મોજમાં. એ મિર્ઝા પર વ્યંગ પર વ્યંગ કસે છે. ઠેકડી ઉડાડવા એ વાજિદ અલીનો શેર કહે છે :

उलफत ने तेरी हमको तो रक्खा न कहीं का
दरिया का न जंगल का हवा का न ज़मीं का..

મિર્ઝા, માથે ઝળુંબતી હાર અને આ વ્યંગ – બાણ સહન કરી શકતા નથી. એ કહે છે  ‘ લાગે છે, ગઈકાલે બેગમે બરાબરની બદામ-તેલની માલિશ કરી છે. માલિશ ચાલતી હતી ત્યારે અકીલ મિયાં ક્યાં હતા ? તમારા પલંગ નીચે ? ‘ મીરનો પિત્તો જાય છે. આવી ભદ્દી મજાક !  ‘ હારી રહ્યા છો એટલે એલફેલ બોલો છો. બન્ને  ‘ મરું કાં મારું ‘ પર ઉતારુ થઈ જાય છે અને મીર તમંચો ઉપાડી ગોળી છોડે છે જે મિર્ઝાની શાલને છરકો કરી નીકળી જાય છે. 

બન્ને સ્તબ્ધ છે કે આ શું થઈ ગયું ! ( મૂળ વાર્તામાં બન્ને એકબીજાને મારી નાંખે છે ) બન્ને પશેમાન પણ છે,  પોતપોતાની ભૂલ સમજીને. 

અંગ્રેજ ફોજ વાજતે-ગાજતે પસાર થાય છે. એ લોકો સાચી શતરંજની બાજી જીતી ચૂક્યા છે. 

જાગીરદારો વિચારમગ્ન છે. અંગ્રેજ ફોજ લખનૌ કૂચ કરી ગઈ અને આપણે ત્યાંથી ભાગીને અહીં આવ્યા ! વસ્તુસ્થિતિનો સ્વીકાર કરી મીર કહે છે  ‘ શહેરમાં હોત તો પણ આપણે શું કરી લેત ? અને રમૂજી કારુણ્ય સાથે ઉમેરે છે  ‘ પોતાની પત્નીને ન સાચવી શક્યા એ અંગ્રેજોને શું કરી શકવાના ? ‘

ચલો, બાજી ગોઠવો. અંધારું થતાં પાછા જતા રહીશું. આમેય મોઢું છુપાવવા અંધારાની જરૂર પડશે. 

હવે મહોરાં વિલાયતી ઢબે ગોઠવાય છે. બાજી ઝડપથી પતાવવા અને કદાચ બદલાયેલા સમય સાથે તાલ મિલાવવા !

સ્થાનિક ફોજની પીછેહઠનું બ્યૂગલ. વાતાવરણમાં અને બન્ને નાયકોના મનમાં ઘેરા વિષાદનો માહોલ અને ફિલ્મની સમાપ્તિ. 

હિંદી ફિલ્મ-જગતના મોટા કલાકારો હોવા છતાં ફિલ્મ ટિકિટબારી પર ભવ્ય નિષ્ફળતાને વરેલી. એ અપેક્ષિત હતું જ. પણ ફિલ્મકળાના શોખીનો માટે એ એક અણમોલ નજરાણું છે. જેમને ભારતના તાજેતરના ઈતિહાસમાં તટસ્થ રસ છે એમના માટે તો ખાસ. રાયની દ્રષ્ટિ અને ચીવટ ડગલે ને પગલે દેખાઈ આવે છે. માની જ ન શકાય કે ફિલ્મ એવી વ્યક્તિએ બનાવી છે જેને હિંદી કે ઉર્દૂ આવડતું જ નથી !  એમની શાખનો એક પુરાવો નોંધનીય છે કે લખનૌ, જયપૂર અને દિલ્હીના મ્યુઝિયમોએ પોતાની કલાકૃતિઓ અને જયપૂરના મહારાણી ગાયત્રીદેવીએ એમની પાસેના શસ્ત્રો ફિલ્મ માટે નિ:સંકોચ વાપરવા આપેલા. કલકતાના જમીનદારોએ પોતાના કીંમતી વસ્ત્રો અને શાલો પણ એમ જ આપેલા. 

પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે ફિલ્મમાં બે અલગ-અલગ વાર્તાઓ – જાગીરદારોનો શતરંજ પ્રેમ અને નવાબ – અંગ્રેજો વચ્ચેનો ગજગ્રાહ – સમાંતરે ચાલે છે, પણ ફિલ્મનો અંત આવતાં આવતાં બન્નેના તંતુઓ અદ્ભુત કૌશલ્યથી જોડી દેવામાં આવ્યા છે. બન્ને જાગીરદારો, બાદશાહ અને અંગ્રેજો ઉપરાંત વધારાની એક શતરંજની બાજી બન્ને ઉમરાવો અને એમની બેગમો વચ્ચે પણ રમાય છે ! 

સત્યજીત રાય પર એવા આક્ષેપો પણ થયા કે ફિલ્મમાં એમણે અંગ્રેજ શાસન અને એની ધૂર્તતાને આડે હાથે ન લેતાં એમના પ્રત્યે સહાનૂભૂતિભર્યું વલણ રાખ્યું છે. ખરેખર તો આ અ-રાજનૈતિક Apolitical વલણ એ રાયનો સ્થાયી દ્રષ્ટિકોણ છે. એ એમની મોટા ભાગની ફિલ્મોમાં દ્રષ્ટિગોચર થાય છે. આ ફિલ્મમાં એ બે નકારાત્મક શક્તિઓ – સામ્રાજ્યવાદ અને સામંતશાહી – નું ચિત્રણ કરતા હતા અને બન્નેને વખોડી કાઢવા જરૂરી હતા. આ કામ એમણે માત્ર પરિસ્થિતિઓ અને ઘટનાઓ દર્શાવીને બખૂબી કર્યું છે. કોઈ ટિપ્પણી વિના ! અને બન્ને પક્ષોના કેટલાક સારા પાસાં પર પ્રકાશ ફેંકીને પણ ! પરંતુ એ જાણવા દર્શકે, ફિલ્મમાં જે ચુપચાપ કહેવાયું છે તે સાંભળવું પડે ! 

વિખ્યાત નોબેલ પારિતોષિક વિજેતા લેખક વી એસ નાઈપૌલ તો રાયની આ સમગ્ર ફિલ્મ પર વારી – વારી ગયેલા ! નાયપૌલનું આ ઓળઘોળ જવું એટલા માટે સાર્થક લાગે છે કે સ્વયં ફિલ્મ નિર્માતા જિંદાલ – જેમણે ખોટ વેઠી – કહે છે કે રાય બોધિસત્વ સમાન હતા. જાણે કોઈ પ્રાચીન ઋુષિ કચકડા પર સિનેમાનું શાસ્ત્ર લખી રહ્યા હોય ! 

અને એમની દરેક ફિલ્મમાં કોઈ નાયક નથી, કોઈ ખલનાયક નથી. બધા માનવો છે. મીર હોય, મિર્ઝા હોય, વાજિદ અલી હોય કે પછી ઓટ્રમ સુદ્ધાં ! મૂળ વાર્તાની ભાવુકતા, વ્યંગ અને ગુસ્સાની ભાષાને રાયે વિચારશીલતા, સંયમ અને અને વિનમ્રતાના વાઘા પહેરાવ્યા છે. ફિલ્મના દરેક દ્રષ્યમાં વાતાવરણ જ એવું રચવામાં આવ્યું છે કે ઉપરથી બધું શાંત લાગે, ભીતરેથી કોઈ આફત ઝળુંબતી હોય એવો ભાસ થાય ! વાજિદ અલીની વાત કરીએ તો આ પાત્ર, એમની અગાઉની ૧૯૫૮ની ફિલ્મ જલસા ઘરના નાયક વિશ્વંભર રોયના પૂર્વજ છે. આ ફિલ્મની ચર્ચા આપણે હવે પછીના લેખમાં કરવાના છીએ. 

છેલ્લે, ફિલ્મમાં નથી એ વાત. બન્ને જાગીરદારોના પાત્રો તો કાલ્પનિક છે. વાજિદ અલી શાહ તો ઐતિહાસિક હકીકત છે. લખનૌના તખ્ત પરથી બરખાસ્ત થયા બાદ એ પોતાના વિશાળ રસાલા સાથે કલકતામાં હુગલી કાંઠે મેટિયાબૂર્જ નામની વિશાળ વસાહતમાં જઈ વસેલા. અહીં એમણે એક નવું નાનકડું લખનૌ ઊભું કરેલું, દુકાનો, બજારો, ઇમામબારા અને મસ્જીદો સહિતનું. સંગીતકારો, કવિઓ, નર્તકીઓ, ગાયકોનું આશ્રય-સ્થાન . અહીં આવ્યા પછી પણ એ ખાસ્સા ત્રીસ વર્ષ જીવ્યા. હા, અહીં સ્થાયી થયાના બીજા જ વર્ષે ૧૮૫૭ નો વિખ્યાત બળવો થયો અને એ બળવાના શકમંદ પુરસ્કર્તા તરીકે એમને પૂરા બે વર્ષ કલકતાની ફોર્ટ વિલિયમ જેલમાં કેદ રાખવામાં આવ્યા હતા


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

7 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૫: શતરંજ કે ખિલાડી

  1. વાહ! અદ્‍ભુત રસદર્શન! દરેક હપતો વધુ ને વધુ રસપ્રદ બની રહે છે.

    1. મહાન શ્રી સત્યજિત રે ની ફિલ્મ શતરંજ કે ખિલાડી વિશે એક અદભુત છણાવટ કરતો લેખ.. હું પોતે સ્વીકારીશ કે આ લેખ વાંચ્યા પછી, આ ફિલ્મ વિશે ની ઘણી વાત, દૃશ્ય, હું સારી રીતે સમજ્યો !!! શ્રી ભગવાનભાઈ થાવરાણી જી ખૂબ ખૂબ અભિનંદન …

  2. Finished with one go. Presentation is so good as if one may feel seeing it frame by frame. “ફિલ્મના દરેક દ્રષ્યમાં વાતાવરણ જ એવું રચવામાં આવ્યું છે કે ઉપરથી બધું શાંત લાગે, ભીતરેથી કોઈ આફત ઝળુંબતી હોય એવો ભાસ થાય !”. You have also specifically mentioned /elaborated such senses while discussing film/original story. Compliments and Thanks.

Leave a Reply

Your email address will not be published.