સંસ્કૃતિની શોધમાં : ૩૬ – ભમલાથી ધર્મરાજિકા તરફ : શાંતિની શોધમાં

પૂર્વી મોદી મલકાણ

ડ્રોન વ્યૂ ભમલા -ફોટોગ્રાફી સલમાન રશીદ ( પાકિસ્તાન -રાઇટર, ટ્રાવેલર )
ભમલા સ્તૂપ ઉપરથી કાબુલનું સૌંદર્ય

ભમલાથી નીકળી ફરી એજ આડીઅવળી, વાંકીચૂકી અને ઉબડખાબડ કેડીઓ પરથી પસાર થતાં અમે ધર્મરાજિકા તરફ નીકળી રહ્યાં હતાં તે સમયે અમારી સાથે કાબુલ પણ ચાલી રહી હતી…અમારી સફરમાં અમે તો કાબુલને પાછળ છોડી દેવાનાં હતાં, પણ કાબુલ જ જિદ્દ લઈને બેસેલી કે, જતાં પહેલાં એકવાર મારે કિનારે આવી જાવ….કારમાં બેસેલા યાત્રીઓ ના ના કરતાં રહ્યાં, પણ અંતે કાબુલનો શોરબકોર અમારા મનહૃદયમાં ગુંજી જ ગયો. જેને કારણે થોડીવાર માટે અમે કાબુલને કિનારે રમવા નીકળી પડ્યાં. 

બે ફાંટામાં વેરાતી કાબુલ
કાબુલનું રમતું પાણી
ઝમઝમનાં પાણીની યાદ અપાવતું કાબુલનું પાણી -અબ્બાસજી
કાબુલનાં પાણી સાથે રમતગમત -કારીબજી

કાબુલનાં પાણીમાં કારીબજી અને અમારી રમતગમત ક્યાય સુધી ચાલી. અંતે એવું લાગ્યું કે, આમ ને આમ જ રમતાં રહ્યાં તો સૂરજ ઢળવાને બહુવાર નહીં લાગે તેથી અમે અંતે છબ છબ કરતાં પાણીમાંથી બહાર નીકળ્યાં ત્યારે મસ્જિદ તરફ જતાં ઘણાં લોકો દેખાયાં.

રસ્તામાં વાતચીત દરમ્યાન ડ્રાઈવર કહે કે, આ કાબુલનું સૌંદર્ય આમ તો દર ઉનાળામાં ઘણાં પર્યટકોને આકર્ષે છે, પણ આ પર્યટકો કાબુલનું એટલું ધ્યાન નથી રાખતાં તેથી આજે કાબુલના દરિયા ઘણો જ સૂકાયેલ જોવા મળે છે. ડ્રાઈવરની આ વાત અમને અમુક હદે સાચી તો લાગી તો સામેથી આ પહાડી ઇલાકામાં કાબુલનો એક અલગ જ રૂખ પણ જોવા મળ્યો. 

કાબુલનું સૌંદર્ય, તેનો શૃંગાર ભલે અદ્ભુત હોય પણ અમે અહીં વધુ સમય રોકાઈ શકીએ તેમ ન હતાં, તેથી ત્રીજી સદીની અનેક યાદોને સાથે લઈ નીકળી પડ્યાં.

  ભમલાથી ધર્મરાજિકાની સફર દરમ્યાન પણ અમે ઘણાં જ પ્રકૃતિક દૃશ્યો અને ૧૯૪૫માં જીવતાં હોય તેવાં ગામડા જોવા મળતાં હતાં, પણ ભમલામાં અચાનક મળેલી મહેમાનગતિ, સ્તૂપા પર કરેલી દોડાદોડી અને કાબુલ સાથે ચાલેલી રમતગમત અમારા પર હવે ભારે પડી રહી હોઈ અમારી આંખો વારંવાર બંધ થઈ જતી હતી જેને અમે ખુલ્લી રાખવાનો અમારો નિરર્થક પ્રયાસ અમે ક્યાંય સુધી કરતાં રહ્યાં.  

    અમારી તંદ્રા ભરેલ આંખો વચ્ચે અમે ભમલાથી ધર્મરાજિકા ક્યારે પહોંચી ગયાં તેની અમને જાણ ન હતી, પણ જેવી અમારી કારે અંતિમ પડાવ સ્તૂપાની જગ્યા તરફ ટર્ન લીધો કે અમે અને અમારી આંખો ફરી એજ ઉત્સાહમાં આવી ગયાં જે ઉત્સાહને લઇને અમે અમારી ટૂર શરૂ કરી હતી.

ધર્મરાજિકાની શોધ:- 

ધર્મરાજિકાની આ જગ્યા પણ સિરકપ-તક્ષિલા -તક્ષશિલા સંસ્થાનનો જ એક ભાગ ગણાયો છે પણ અગર જગ્યાની વાત કરીએ તો સિરકપ આજે સારું એવું વિકસિત ટાઉન બની ગયું છે ત્યારે ધર્મરાજિકાની આ જગ્યાએ રાત-દિવસના બધા પ્રહર વાતો કરતાં જણાય છે. 

આ જગ્યાની શોધ પણ સર જૉન માર્શલ અને સર સુફિયાન મલિકે કરેલી. જેટલો સમય ભમલા સ્તૂપા પાછળ આ બંને મહાનુભાવોએ કાઢેલો તેનાંથી અડધાભાગનો સમય જ આ સ્તૂપ પાછળ મળેલો. તેથી પહેલી નજરે એવું લાગ્યું કે; જેટલો સમય કદાચ ભમલાનો સ્તૂપ અને તેની આસપાસનાં એરિયાનું ધ્યાન રખાયું હતું તેટલું ધ્યાન આ સ્તૂપા તરફ રખાયેલું નહીં હોય તેથી જ  અત્યાર સુધી અમે જેટલી બૌધ્ધ જગ્યાઓ જોયેલી તેમાં આ જગ્યા સૌથી વધુ ખંડિત લાગી.

પણ જ્યારે ફરવાનું શરૂ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે; ભમલા સાથે સરખામણી કરીએ તો આ સ્થળની જગ્યા ઘણી જ ચોખ્ખી કરવામાં આવેલી છે. બીજી રીતે કહું તો જેમ ભમલામાં ૨૩૦૦ વર્ષ પહેલાંનો અને હરપ્પામાં ૫૦૦૦ વર્ષ પહેલાંનો ઇતિહાસ બોલતો જણાયેલો તેવું અહીં ન હતું. અહીં તો ભૂમિ કરતાં વિશેષ અવશેષો બોલતા હતા.

સાદીયા કારીબ

ઇતિહાસ બોલે છે:-ધર્મરાજિકાના આ સ્તૂપનો પ્રાદુર્ભાવ સમ્રાટ અશોક દ્વારા કરાયેલ. આમ્રપાલીને પામવા માટે કલિંગનું યુધ્ધ થયેલું, તે યુધ્ધમાં અશોકને વિજય તો મળ્યો પણ તેણે આમ્રપાલીને ખોઈ દીધી. આ યુધ્ધ પછી આમ્રપાલી પોતાના પુત્ર જીવક સાથે બુધ્ધને શરણે ગઈ અને સંઘની ભિખ્ખુની બની. આમ્રપાલીની પાછળ અશોક ગયો. આમ્રપાલીએ તેનો અસ્વીકાર કર્યો. આમ્રપાલીનાં જીવનમાંથી ગયાં પછી અશોકનું જીવન શૂન્ય થયું. કલિંગનો મહાવિનાશ અને આમ્રપાલીનો વિરહ આ બંને અશોકનાં ચિત્ત, હૃદય અને આત્માને નિચોડતાં રહ્યાં. એક દિવસ એક બૌધ્ધ ભીખ્ખુ દ્વારા તે ભગવાન બુધ્ધનાં શરણમાં ગયો. તે વખતે બુધ્ધે તેને પશ્ચિમનાં પર્વતો તરફ જઈ થોડો સમય ત્યાં શાંતિથી રહેવા કહ્યું. આ કારણે અશોક આ ખૈબર પખ્તૂન્વાના પ્રાંતમાં આવ્યો. ભગવાન બુધ્ધનાં નિર્વાણ બાદ તેણે આ પ્રાંતમાં તેણે ત્રણ જગ્યાએ સ્તૂપ બનાવ્યા. એક તો તખ્ત -એ-બહીમાં, બીજો ભમલામાં અને ત્રીજો ધર્મરાજિકામાં. જોવાની વાત એ કે આપણે ત્યાં રહેલ સારનાથ સ્તૂપની જગ્યાને પણ ધર્મરાજિકા તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યા પણ અશોકે જ બનાવેલી. આ બંને ધર્મરાજિકામાં ભેદ એ છે કે; આપણે ત્યાં રહેલ ધર્મરાજિકા અને અશોક સ્તંભની ખૂબ કાળજી લેવામાં આવે છે તેથી સુરક્ષિત રીતે સમાજ વચ્ચે આજે ય જીવે છે પણ પાકિસ્તાનનું આ ધર્મરાજિકા આજે અતીતનાં સંસ્મરણોમાં એકલું અટુલું જીવે છે. 

તેથી અમે પણ અહીં પહોંચ્યાં ત્યારે પ્રવાસીને નામે મીંડું હતું, પણ હા અમુક વૃધ્ધ ગામવાસીઓ ચોક્કસ હતાં. જેમણે અમને જણાવ્યું કે અહીં અત્યારે બ્લોક્સ ખોદી સ્તૂપ બહાર કાઢી રહ્યાં છે. તેથી અમે ફરી એજ જગ્યાએ પહોંચી ગયાં જ્યાં ઇતિહાસ સમયનાં કાળચક્રમાં ફસાયેલો હતો. 

અનાજ સાચવવાની કૂંડીઓ

સમ્રાટ અશોક અને મહેન્દ્રએ બંધાવેલ સ્તૂપા સિવાય અહીંથી ભગવાન બુધ્ધ અને જૈન તીર્થંકરની મૂર્તિઓ, બૌધ્ધ શિષ્ય ભીખ્ખુઓને રહેવાની જગ્યા, તેમનાં ગૃહમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ, કાંસકાઓ, માટીનાં વાસણો, સીલવટા, જૈન સાધુઓને તપસ્યા કરવાની જગ્યા, બઝાર, વિશાળ આવાસ, રંગભવન, ખેલકૂપ વગેરે મળી આવેલ છે. આ જગ્યાએથી મળી આવેલ તમામ વસ્તુઓમાંથી જે વસ્તુઓ મળી આવી હતી તેમાંથી એક વસ્તુ મને બહુ પ્રભાવિત કરી ગઈ, અને તે હતી ભગવાન બુધ્ધનાં જીવનકવનને રજૂ કરતી ટેરાકોટાની નાની નાની મૂર્તિઓ. આ મૂર્તિઓને જોવામાં હું મગ્ન હતી ત્યારે એક ગ્રામવાસીએ આવીને જણાવ્યું કે અહીંથી જૈન ધર્મની યે નિશાનીઓ મળી આવી છે તે સાંભળી થોડીવાર માટે તો હું અવાચક બની ગઈ, પણ પછીની ક્ષણે ખ્યાલ આવ્યો કે અહીંનો અત્યારનો સમય અમને એકસાથે બે-બે મહાયુગમાં લઇ જવાનો છે.

બઝારનો ભાગ
ધ્યાન આવાસ

© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

Author: admin

2 thoughts on “સંસ્કૃતિની શોધમાં : ૩૬ – ભમલાથી ધર્મરાજિકા તરફ : શાંતિની શોધમાં

Leave a Reply

Your email address will not be published.