લ્યો, આ ચીંધી આંગળી : કયા ગુજરાતી ફોટો આર્ટિસ્ટને સુભાષબાબુ વિયેનામાં મળવા ગયેલા?

– રજનીકુમાર પંડ્યા

વિયેના શહેરની એક ઠંડી બરફ જેવી ગલી. સાલ ૧૯૩૫ની. મહિનો નવેમ્બર. હતી તો બપોર, પણ બાળી નાખે એવી નહીં, થિજાવી દે તેવી ઠંડી. જુનવાણી બાંધણીના મકાનની ત્રીજા માળની બારી પાસે જગન મહેતા નામના ગુજરાતી જુવાન દર્દીએ પોતાનું બિછાનું રાખ્યું છે. બહાર બરફ પડે છે અને જગન મહેતાના શરીરમાં ટેમ્પરેચર વધતું જાય છે. બ્લેન્કેટથી આખું શરીર ઢબૂરેલું છે. માત્ર આંખો ઉઘાડી રાખીને બારીની બહારનું દૃશ્ય તાવિયેલ આંખે મનના પડદા ઉપર ઉતાર્યા કરે છે. મિનિટો, કલાકો અને કલાકો અને કલાકો….            

એવામાં એકાએક એની આંખો ચમકે છે. સામે શેરીમાં કોઈ એકલો માણસ ઓવરકોટ અને બનાતની કાળી ટોપી પહેરીને ચાલ્યો આવે છે, એ કોણ ? લશ્કરી કદમ, ટટ્ટાર છાતી, ચશ્માં; પણ ચહેરા ઉપર લોહનું અદૃષ્ટ રસાયણ. કોણ ?  સુભાષબાબુ તો નહીં ?  હા. એ સુભાષબાબુ જ છે. દેશવટો પામીને ઑસ્ટ્રીઆ આવ્યા છે. અહીં વિયેનામાં જ હૉટેલ ડી. ફ્રાન્સમાં રહે છે. મહિનામાં બે વાર વિયેનામાં રહેતા ગુજરાતીઓ એમને ત્યાં ભેગા થાય છે. ડૉ. કત્યાલ, બનારસના ડૉ. ગેરઉલ્લા, ડૉ. મનુભાઈ ત્રિવેદી-ચોથા એમાં કલાકાર જગન મહેતા ભળ્યા છે. ગુજરાતીઓમાં તો આ બે જ. એ અહીં ફોટોગ્રાફી અને પ્રિન્ટિંગ ટેક્નોલૉજીનું શીખવા માટે ભાવનગર સ્ટેટની સ્કૉલરશિપ પર આવ્યા છે. સુભાષબાબુએ અહીં હિંદુસ્તાન એકેડેમીકલ ઍસોસિયેશનની સ્થાપના કરી છે. મળે છે ત્યારે રાજકરણની વાતો થતી નથી. હસવા-હસાવવાનું ચાલે છે, પણ વાતો કરતાં કરતાં સુભાષબાબુ ઘણીવાર એકદમ ગમગીન થઈ જાય છે. ક્યારેક એકદમ ઉગ્ર !  એમને શિસ્ત ગમે છે, સભ્યતા પણ..

એક વાર જગન મહેતા સુભાષબાબુની સાથે કમલા નહેરુને લેવા માટે સ્ટેશને ગયેલા. કમલા બીમાર હતાં. નહેરુએ એમને આખા યુરોપમાં વિખ્યાત એવા ડો. નોયમાનની ટી.બી. અંગેની સારવાર લેવા વિયેના મોકલેલાં. મતભેદો હોઈ શકે, પણ નહેરુ અને સુભાષના માર્ગો એક જ હતા. એટલે મિત્રતા હતી. એ મિત્રપત્નીને લેવા માટે સુભાષબાબુ સ્ટેશને ગયા. કમલા નહેરુને સ્ટ્રેચરમાં ઉતારવામાં આવ્યાં. સાથે પંદર-સોળનાં ઈંદિરા. કૃશકાય કમલાના સ્ટ્રેચર પર લંબાયેલા આજાર શરીર પર એક ડૉક્ટરે માન દર્શાવવા માટે ગુલછડી મૂકી અને તરત જ સુભાષનો પિત્તો ગયો. એટલું ય સમજતા નથી ? ગુલછડી તો હંમેશા મૃતદેહ પર મુકાય ! જ્યારે આ તો જીવતાં સન્નારી છે. છટ્‍ ! સુભાષબાબુ ગરમ થઈ ગયા. જગન મહેતાએ જરી ટાઢા પાડ્યા. કમલાના કૃશ હાથમાં ગુલાબનું ફૂલ મૂકીને  ‘વેલ્કમ’ કહ્યું. સુભાષબાબુ મરકી ગયા, ને પેલા ડૉક્ટરનો શ્વાસ હેઠો બેઠો.

આજે આ સુભાષબાબુ સામેથી એકલા ચાલ્યા આવતા બારીમાંથી દેખાઈ રહ્યા છે ? આ બરફના વરસાદમાં ! આશ્ચર્ય ! ધીરે ધીરે બે દાદરા ચડીને સુભાષબાબુ અંદર આવે છે. બરફના કણો છવાયેલી ટોપી ઉતારે છે. મોં લૂછે છે ને જગન મહેતાની નજીક આવે છે. એમનું કાંડું હાથમાં લે છે. ક્ષણ પછી બોલે છે : ‘ધી  બૉડી ઈઝ બર્નિંગ. હાવ ડુ યુ સર્વાઇવ ?’ (શરીરમાં તો ધાણીફૂટ તાવ છે ! કેવી રીતે જીવો છો ?)  જગન મહેતા આભારવશતાથી એમની સામે જોઈ રહે છે. કશું બોલતા નથી. થોડી વારે નબળાઈથી ડોક એક તરફ ઢાળી દે છે.           

‘બહુ અશક્તિ લાગે છે?.’ સુભાષબાબુ પૂછે છે અને પછી જવાબની રાહ જોયા વગર જ કહે છે : ‘એક સલાહ આપું છું.’ એ વળી જરા અટકીને બોલે છે : ‘તમે શુદ્ધ શાકાહારી ગુજરાતી બ્રાહ્મણ છો એની મને ખબર છે; પણ મારી એક વાત માનો, મિસ્તર મહેતા…. ઍટ લીસ્ટ, યુ મસ્ટ ટેઈક એગ્સ.’             

જગન મહેતા માંદું હસે છે. બોલે છે : ‘મને એનો નોશિયા (બકારી ) છે. એક વાર ચણાના લોટ સાથે કાંદા નાખીને ઈંડાની આમલેટ લેવા પ્રયત્ન કરેલો, પણ ઊલટી થઈ ગઈ.’            

‘પણ..’ સુભાષબાબુ બોલે છે : ‘તમારે ગમે તે ભોગે જીવવું જોઈએ. જરૂર જીવવું જોઈએ. અમારા જેવા મરી જશે તો ચાલશે. તમારે ન મરાય. કારણ કે તમે આર્ટિસ્ટ છો, આર્ટિસ્ટ.’           

જગન મહેતાએ ગયા ગુરુવારે મોર્ફિનનાં ઈંજેક્શનો લીધેલાં. એનું ઘેન હજુ પૂરું મોળાયું નથી. ચાદરો-ધાબળા વીંટાળેલા છે. એની કોઈ અસર નથી. વિયેના આવતાવેંત તરત જ કરોડરજ્જુમાં ટી.બી. થયો અને મોટી માંદગીને ખાટલે આ પારકા પરદેશમાં પડ્યા એની બદબખ્તીનો ઘા માનસિક રીતે તાજો છે. વતની તો સાણંદના, છતાં ભાવનગર સ્ટેટે આપેલી સ્કોલરશીપ એ કાણા પડિયામાં પીરસાયેલું અમૃત સાબિત થઈ, એના શોકથી મન સંતપ્ત છે. છતાં ‘આર્ટિસ્ટ છો, તમારે જીવવું પડશે’ એવા સુભાષચંદ્ર બોઝના શબ્દો બહુ કવતા ગૂમડાં ઉપર ઠંડી ફૂંકનું કામ કરે છે.           

‘મહેતા’ સુભાષબાબુએ પૂછ્યું : ‘તમારા પિતા શું કામ કરે છે ?’           

‘સાણંદ ગામમાં વૈદ્ય છે.’ એ બોલ્યા, ‘સૌ એમને વૈદ્યભાના નામથી ઓળખે છે. મારા દાદા એટલે કે એમના પિતા પણ વૈદ્ય હતા અને ઝંડુભટ્ટના શિષ્ય હતા. મારા મામા, માસા, ત્રણ બનેવી, સસરા, કાકા બધા વૈદ્ય છે. મારા મોટાભાઈ જયદેવભાઈ પણ વૈદ્ય છે. એક માત્ર હું જ નક્કામો પાક્યો. મેં તો દેશસેવા પણ કંઈ કરી નથી. મારા બાપા તો રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પડ્યા. ૧૯૨૦ની અસહકારની ચળવળમાં પડ્યા. પૈસો બચાવ્યો નહીં અને દેશસેવા કરે છે, પણ હું તો કોઈ કામનો ના રહ્યો.’           

 ‘પણ તમે તો આર્ટિસ્ટ છો.’ સુભાષબાબુ બોલ્યા : ‘તમારે જોઈએ શું ? જે તમારી પાસે છે એ બીજા પાસે નથી.’              

જગન્નાથ વાસુદેવ મહેતા ઉર્ફે જગન મહેતા કંઈ બોલ્યા નહીં. થોડીવારે વિવેક યાદ આવ્યો એટલે ભાવનગરથી આવેલી બદામની પૂરી ટિપૉઈ પર પડેલી તે માંદામાંદા હાથ લંબાવીને એમને ધરી. પહેલાં તો એમણે ના પાડી, પણ પછી ભાવી એટલે સ્મિત કરીને બીજી બે માગી લીધી. પછી બહુ ભાવી એટલે બીજી  બે માગી લીધી. કોના માટે ?

(જગન મહેતા જૈફ વયે)

‘વન આઈ શેલ ગીવ ટુ માય સેક્રેટરી મિસ…’ (જગન મહેતા નામ ભૂલી ગયા છે – પણ સુભાષબાબુનું સ્મિત નહીં. આખર સ્મિત જ ચિરંજીવી હોય છે, નામ ક્યાં ?)

થોડી પળો એમ મૌનમય વીતી. અંતે જગન મહેતાની મકાનમાલિકણ સુભાષબાબુને ચાનો કપ આપી ગઈ. સુભાષબાબુએ એ લીંબુ નાખીને પીધી ને પછી ‘બી કરેજિયસ, માય ફ્રેન્ડ’ કહીને દાદરો ઊતરી ગયા.           

(પુત્ર ઉપેન્‍દ્ર સાથે જગન મહેતા)

જગન મહેતા ફરી એમને સફેદ બરફના કંઈક હળવા પડેલા વરસાદમાં એ લાંબી શેરીના છેડા સુધી પહોંચીને વળી જતા જોઈ રહ્યા. એ તો ગયા, પણ મનમાં એક વારંવાર ડંખ્યા કરતો પ્રશ્ન મૂકતા ગયા. ‘તમારે જોઈએ શું? શું જોઈએ ? બોલો, શું જોઈએ ?’           

જગન મહેતા જાતને મશ્કરીમાં પૂછવા માંડ્યા. બોલ, બોલ, તારે શું જોઈએ ? બોલ ને ? જગન મહેતાના મોંમાં ‘એક ઉત્તમ રોલિફ્લેક્સ કે એવો કેમેરા’ એવા શબ્દો આવતા આવતા રહી ગયા. દેશ માટે દેશનિકાલ નેતાને મોઢે આવી સ્થૂળ  વાત શી રીતે કરવી ?   એટલે એ મૌન થઇ ગયા .

માંદગી અસહ્ય વધતી ગઈ. દેશમાંથી માતા-પિતાના ચિંતાપત્રો આવતા હતા. આગળ અભ્યાસ શક્ય નહોતો. હવાપાણી માફક નહોતાં. ભલે ભાવિ ધૂંધળું હતું, ભાવનગર સ્ટેટ દવાદારૂના પૈસા ચૂકવવા તૈયાર હતું, પણ એ મંજૂર નહોતું. એ ભીખ લાગતી હતી.         

(રજનીકુમાર પંડ્યા સાથે ખુશખુશાલ મુદ્રામાં જગન મહેતા)

અંતે જગન મહેતા ૧૯૩૬માં ભારત પાછા ફર્યા. હતાશ અને બીમાર. પણ આગળ જતાં એમણે ફોટોગ્રાફીના ક્ષેત્રે અનન્ય નામના મેળવી. સાહિત્યકારોથી માંડીને દેશનેતાઓની ચિરંજીવ તસ્વીરો લીધી.

એની વાત ફરી ક્યારેક……….

1909 ના માર્ચમાં જન્મેલા જગન મહેતા 94 વર્ષની વયે 2003 ના ફેબ્રુઆરીની 10 મીએ અવસાન પામ્યા. તેમના સમૃધ્ધ ચિત્રવારસા વિષે જાણવા માગનારા રસિકો તેમના પુત્ર ઉપેન્દ્ર મહેતાનો ફોન-+91 9428046657 અથવા +91 79-26630136 પર અથવા 17-એ ચંદ્રનગર સોસાયટી,નારાયણ નગર, પાલડી, અમદાવાદ -380007 પર સંપર્ક કરી શકે. ઇ મેલ-kunjbiharitravells@yahoo.com

જગન મહેતાએ ઝડપેલી કેટલીક ઐતિહાસિક તસવીરો:

(બિહાર શાંતિયાત્રા દરમિયાન ગાંધીજી)
(ગાંધીયાત્રા)
(કવિ નાનાલાલ)

લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: admin

1 thought on “લ્યો, આ ચીંધી આંગળી : કયા ગુજરાતી ફોટો આર્ટિસ્ટને સુભાષબાબુ વિયેનામાં મળવા ગયેલા?

  1. માન્યવર સ્વ.જગન મહેતા વિશે રસપ્રદ માહિતિ વેબગર્જરી પાર અપાવે બદલ સૌ પ્રથમતો શ્રી પંડ્યા સાહેબનો અને સંપાદકોનો આભાર. આ માહિતી અન્યત્ર ઉપલબ્ધ નથી. આ આંગળી ચીંદ્યાનું પુણ્ય અને એજ આંગળીઓથી લખી વાંચકોને પીરસવાનું પુણ્ય. અમે એટલા ભાગ્યશાળી કે જગુ દાદાએ અમારા લગ્ન પ્રસંગે બે દિવસ ભાવનગરમા હાજર રહી સમગ્ર પ્રસંગના 200 થી વધારે બ્લેક એન્ડ વાહિટ ફોટા પાડ્યા અને સુંદર આલ્બમ અમને ભેટ આપ્યુ. એ આમારે માટે અમૂલ્ય ખજાનો છે. લગ્ન વિધિ દરમ્ય।ન તેઓ ખુરશી પર ચડે અને ક્લીક કરે. કેવું પરફેકશન. તેમની યાદ તાજી થઈ.

Leave a Reply

Your email address will not be published.