સમાજ દર્શનનો વિવેક : નાથજીના ચિંતનમાં રેશનાલિઝમ

કિશોરચંદ્ર ઠાકર

 મેં મારા એક લેખમાં ચમત્કાર અને અંધશ્રદ્ધાના વિરોધ બાબતે સ્વામી આનંદને ટાંક્યાં હતા. સ્વામીની  વાત એટલી બધી તર્કબદ્ધ હતી કે- કોઈ સાધુ આવી( રેશનલ) વાત કરી શકે- તે બાબતે એક રેશનાલિસ્ટ મિત્રે આશ્ચર્ય વ્યકત કરેલું.  હકીકત એ છે કે કેટલાક જેમને આપણે પ્રણાલિકાગત રીતે ધાર્મિક કહીએ છીએ તેમનું ચિંતન કેટલીક બાબતોમાં ઘણાંબધા જાણીતા રેશનાલિસ્ટો કરતા પણ ગહન અને તર્કસંગત હોય છે. પરંતુ તેમનાં સાધુ, ભક્ત, કે આધ્યાત્મિક પુરુષ તરીકેના લેબલ તથા ખાસ કરીને તેમની ઈશ્વરનિષ્ઠાને કારણે  રેશનાલિસ્ટોનું તેમનાં તરફ ધ્યાન ના ખેંચાય એ સમજી શકાય તેમ છે. પરંતુ જનસાધારણ પર આ પ્રકારની પ્રતિભાઓનો પ્રભાવ વધારે હોવાથી તેમના વિચારોની લોકસ્વીકૃતિની શક્યતા વિશેષ છે. આવા એક ચિંતક તરીકે નાથજીનાં નામે જાણીતા કેદારનાથજીનું નામ હું આગળ ધરું છું.

           નાથજીને આપણે જેનાથી વિશેષ જાણીએ છીએ એ ‘વિવેક અને સાધના’ નામના તેમના પુસ્તકમાં તેમણે ગાંધીઆશ્રમમાં રહીને જાણીતા ગાંધીવાદી શ્રી કિશોરલાલ મશરૂવાળાના સાધના અને ધ્યાન અંગેના ભ્રમનું નિરસન કર્યું હતું તેની વાત આવે છે.  પરંતુ બહોળા લોકસંપર્ક તથા પોતાના જાતઅનુભવ સાથેનું ચિંતન તો તેમનાં ‘વિચારદર્શન’ નામના પુસ્તકમાં જોવા મળે છે. નાથજીએ તેમાં ભક્તિ, ચમત્કાર કે મંત્રજાપ વગેરે કેટલા પોકળ છે તે તર્કબદ્ધ રીતે સમજાવ્યું છે. નાથજી પોતે કોઈ મોટા લેખક અથવા  પોતે જ કહે છે તેમ મોટા વિદ્વાન પણ ન હતા. પરંતુ તેમનું સ્વતંત્ર ચિંતન એ તેમની મોટી મૂડી છે. તેમના વિચારો ઉપરોક્ત પુસ્તકમાં કેટલાક જિજ્ઞાસુઓને તેમણે લખેલા પત્રો અને પ્રવચનોના સંગ્રહ સ્વરૂપે વાંચવા મળે છે. અહીં તેના ‘ચમત્કારોનો ભ્રમ’ નામનાં  પ્રકરણમાંથી કેટલાક અંશો નમૂના દખલ મૂકેલા છે. બને ત્યાં સુધી લખાણ જેમનું તેમ રાખવા પ્રયાસ કરેલો છે, છતાં પુસ્તકની ભાષાને કારણે કેટલાક મુદ્દા દરેક વાચકને બરાબર સ્પષ્ટ  નહિ થાય એમ લાગતા ક્યાંક ક્યાંક જૂજ ફેરફાર કરેલ છે.

         નાથજી કહે છે,

         “સૃષ્ટિમાંની અથવા આપણી અંદરની કોઈક અસાધારણ ઘટનાની પાછળનો કાર્યકારણભાવ જ્યારે આપણે જાણી શકતા નથી ત્યારે આપણે તેને ચમત્કાર કહીએ છીએ. કેટલીક અદ્ભૂત લાગતી આધુનિક વૈજ્ઞાનિક શોધના કાર્યકારણભાવને ભલે આપણે ન જાણતા હોઈએ પરંતુ તેના અભ્યાસીઓ જાણે છે તેનાથી આપણે વાકેફ હોઈએ છીએ. ઉપરાંત આ બાબતો ભૌતિક વિષયની હોવાથી તેમાં આપણે કશું દૈવીપણું સમજતા નથી. શરીર અને બુદ્ધિનું અસાધારણ સામર્થ્ય જોઈએ તો તેમાં આપણને ચમત્કાર જેવું લાગતું નથી. કઠણ સ્થિતિમાંયે સજ્જન માણસની શાંતિ ઢળતી નથી અથવા શીલ માટે કોઈ આકરી મુસીબતો તે સહન કરતો હોય, તો તે જોઈને આપણને કોઈ દૈવી ચમત્કાર લાગતો નથી. મદારી કે જાદુગરોના ખેલ કદાચ ચમત્કાર લાગે તો પણ એ દૈવી લાગતા નથી. પણ જ્યારે આપણાં ચિત્તમાં જેના પ્રત્યે  ભક્તિભાવ હોય તેની સાથેના બહારના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સબંધથી અથવા તેની કેવળ કલ્પનાને કારણે અસંભવિત લાગતી કોઈ ઘટનાને આપણે ચમત્કાર કહીએ છીએ. જે સમાજમાં દીનતા ઘણાં પ્રમાણમાં હોય અને જે સમાજ અજ્ઞાનથી ભરેલો હોય છે તે સમાજમાં દૈવી ચમત્કારનો પ્રતાપ મોટા પ્રમાણમાં જણાઈ આવે છે. તપાસ કરતા તે બધા ચમત્કારો ભ્રમ જ હોય છે. કોઈ દેવતા કે સત્પુરુષની સમાધિ કે મૂર્તિની આજુબાજુ ચમત્કારની સૃષ્ટિ નિર્માણ થયેલી હોય છે. આ બધાની પાછળ કામના, પુરુષાર્થહીનતા અને અજ્ઞાન જ મુખ્ય દેખાઈ આવે છે.

         વેદમંત્રોમાં ખરેખર સામર્થ્ય છે એવી માન્યતા કેવળ અંધ પરંપરાગતાથી જ ચાલુ રહી છે. મંત્રમાં દૈવી સામર્થ્ય છે એવી શ્રદ્ધાને લીધે દેવતાને નામે બેસાડેલી મૂર્તિ, સમાધિ અને પાદુકામાંયે મંત્ર દ્વારા ‘દિવ્ય સત્વ’  પ્રસ્થાપિત કરીને ત્યાં જ સ્થિર કરવામાં આવે છે. તે માટે વચમાં વચમાં વેદમંત્રની પુનરાવૃતિ માત્ર કરવાની હોય છે. શ્રદ્ધાને લીધે ગરજુ, દીન અને નિરાધાર લોકોને કંઈક માનસિક આધાર મળે છે, અને બીજા એક વર્ગને પૈસા અને પ્રતિષ્ઠા મળે છે. પરંપરાના પ્રવાહમાં એક શક્તિ હોવાની પ્રચલિત માન્યતામાં કશો દમ છે કે નહિ તે તપાસી જોવાની બુદ્ધિ કોઈને થતી નથી. આમાં માત્ર ગરજુ કે નિરાધાર લોકો જ હોતા નથી પરંતુ ધનિક અને વિદ્વાન લોકો પણ હોય છે, આફત આવતા ધનિક અને વિદ્વાનનીયે સુદ્ધાં અક્કલ મારી જાય છે. ગરીબ લોકોમાં શ્રદ્ધા જ મુખ્ય હોય છે જ્યારે ધનિકોમાં થોડો અંશ શ્રદ્ધાનો અને ઘણો ભાગ પોતાનાં ઐશ્વર્ય, વૈભવ અને મોટાઇ બતાવવાનો હોય છે.

         ભક્તિ માર્ગે જતી વ્યક્તિની પાછળ લોકો શ્રદ્ધાથી લાગે છે. નામસ્મરણ, ભક્તિ વગેરે દ્વારા તે વ્યક્તિમાં કંઇક સામર્થ્ય આવે છે અને તેનાથી શારીરિક પીડા અને રોગ દૂર થાય છે તેમજ કૌટુંબિક દુ:ખો, અડચણો અને સંકટો નાશ પામે છે એવી લોકમાન્યતા છે. ઈશ્વરભક્ત કે સાધુ તરફ ભક્તિ ભાવનાથી જતા ભાવિકોના દુ:ખ ગમે તે કારણથી દૂર થયા હોય તોપણ તે પેલા ઈશ્વરભક્તનાં દિવ્ય સામર્થ્યથી દૂર થયાં છે એમ ભાવિક માણસ સમજે છે. પછીથી જીવનમાં જે કાંઈ ઇષ્ટ થાય છે તેનું શ્રેય પેલા ઈશ્વરભક્તને જ આપીને પોતાની શ્રદ્ધા દૃઢ કરે છે. આમ કરવામાં તેને એક પ્રકારનો આનંદ પણ થાય છે. કામનિક, પુરુષાર્થહીન, અને ભોળા લોકોમાં આ વાત પ્રસરી જાય છે અને પછી તેઓ પણ આ ભક્તની પાછળ લાગી જાય છે. આ અદ્ભૂત શક્તિના ભ્રમ પર તે વ્યક્તિનું મહાત્મ્ય વધવા લાગે છે.  લોકો તેના મનગડત ચમત્કારો વર્ણવા લાગે છે. આથી તેના ભક્તો અને અનુયાયીઓની સંખ્યા વધવા લાગે છે. આ વ્યક્તિ ક્રમશ: સત્પુરૂષ, દિવ્ય સામર્થ્ય વાળો, ચમત્કારી અને  છેવટે ગુરુપદને પામે છે. જેમ જેમ લોકોમાં તેની કીર્તિ પ્રસરતી જાય છે તેમ તેમ તે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો કર્તા એટલે કે ભગવાન જ બની જાય છે. તેના ચમત્કારોની દિવ્ય કથાઓ રચવામાં આવે છે અને તે કથાઓ ખોટી છે તેમ તો પેલો પરમેશ્વર  કહેતો  નથી ઉલ્ટાનું આવી કથાઓ બધે પ્રસરી જાય તે માટે ઉત્તેજન આપે છે. ચમત્કાર એ જ સાધુની અને સત્પુરુષની ખરી શક્તિ અને લક્ષણ છે એમ સમજવામાં આવે છે. પરંતુ આ બધાના મૂળમાં ઈશ્વરભક્તિ કે કોઈનું દિવ્ય સામર્થ્ય નથી હોતું પરંતુ  લોકોની કામના, સ્વાર્થ, અતૃપ્તિ, પુરુષાર્થહીનતા, અજ્ઞાન, ભોળપણ, ભક્તિની ખોટી કલ્પના, સાધુ કહેવડાવનારનો દંભ, તેનો સત્યની ઉપાસનાનો અભાવ, ગુરુપણાને લઈને મળનારા ઐશ્વર્ય અને પ્રતિષ્ઠાનો લોભ વગેરે હોય છે. આવા દંભના દોષો પર જ કેટલાક સંપ્રદાયો નિર્માણ થઈને પ્રસાર પામે છે.

         આપણા સમાજમાં આજ સુધી ઈશ્વરના અનેક અવતારો થયા, છતાં આપણાં દૈન્ય, અજ્ઞાન અને દુર્ગુણો નાશ પામ્યા નથી. આપણામાં પુરુષાર્થ કે કર્તવ્ય આવ્યું નથી. આપણે એક બાજુ એમ કહીએ છીએ કે ઈશ્વરજ્ઞાન, સાધુતા અને સાત્વિકતાથી માણસનો અહંકાર નાશ પામે છે, માણસ પવિત્ર અને નિ:સ્વાર્થી થાય છે, તો બીજી તરફ પોતાને જ્ઞાની, સાધુ અને સાત્વિક કહેવડાવનારા પોતે જ ઈશ્વર બની બેસે છે. ઈશ્વરરૂપી તત્વ છે કે નહીં, એવી એક કરતાં એક જબરદસ્ત શંકાઓ ઈશ્વર વિશે કાયમ હોવા છતાં પોતાને જ ઈશ્વર કહેવડાવીને શ્રેષ્ઠતા મેળવતાં, લોકોને તેવો ભાસ કરાવતાં અને લોકો તરફથી પૂજા લેતાં માણસને કશી જ શંકા, સંકોચ અને ભય ન લાગે એ કેટલી નવાઈની વાત કહેવાય?

         ઈશ્વરભક્તિને માર્ગે પ્રામાણિકપણે લાગેલા અને ટકી રહેલાઓમાંથી કોઈને પણ દોષી ઠરાવવાનો આમાં હેતું નથી. કેટલાયે સાધુસંતો અને ઈશ્વરભક્તોએ પોતાનું જીવન અત્યંત પવિત્રતા અને નિષ્ઠાથી ગાળીને દુનિયામાં ધર્મ અને નીતિની વૃદ્ધિ કરી છે. શીલ અને ચારિત્ર્ય ટકાવી રાખવા માટે તેમણે ઘણુંય સહન કર્યું છે. તેમને લીધે જગતમાં કંઈક નીતિ અને ધર્મ ટકી રહેલાં છે. તેમને ભક્તિપૂર્વક પ્રણામ. પરંતુ આવા પુણ્યપુરુષોને છોડીને મોટભાગના સમાજનો, આપણી ભક્તિ, ઈશ્વરદર્શન, ચમત્કાર વગેરે કલ્પનાઓનો વિચાર કરીએ તો તે પરથી આપણને દેખાઈ આવશે કે આપણે નીતિ કરતા શક્તિને મહત્વ આપીએ છીએ. ગૂઢ જણાતી બાબતોનાં સંશોધન અને જ્ઞાન કરતા દિવ્ય કલ્પનામાં રમ્યા કરવું એ આપણને પ્રિય લાગે છે. સત્ય કરતા કાલ્પનિક વાતો આપણને વધુ આનંદપ્રદ લાગે છે. આપણામાં શોધકવૃતિ અને ચિક્ત્સાવૃતિ નથી, શુદ્ધ નીતિનિષ્ઠા નથી. એ બધાનું માઠું પરિણામ આપણા ભક્તિ અને જ્ઞાન માર્ગ પર આવ્યું છે.

         ચમત્કારની બાબતમાં આપણે કેવળ શ્રદ્ધાળુઓ ન રહેતાં ખરેખર શોધક બન્યા હોત તો તેનાં સત્યાસત્યનો નિર્ણય આજ સુધીમાં થઈ ચૂક્યો હોત અને ત્યાર પછી ભોળપણથી તેની પાછળ પડવાનું કોઈ કારણ રહ્યું ન હોત. ઈશ્વરનાં દર્શન અને તેના મનુષ્યરૂપે અવતરણની બાબતમાં આપણે વિવેક અને તાત્વિક દૃષ્ટિએ વિચારણા કરી હોત તો તે વિશેના ભ્રમો ક્યારનાયે ઊડી ગયા હોત. પછી નિર્વિકારતા અને અલિપ્તતાનાં ખોટા આદર્શો નિર્માણ થવાને જગા ન રહી હોત. આત્મા, બ્રહ્મ, મોક્ષ આ વિષયોની પરંપરાગત કલ્પનાને આપણે તપાસી હોત તો આજે તે બાબતમાં કશી ગૂઢતા જેવું રહ્યું ના હોત. માનવજીવનની સાર્થકતા શામાં છે એ મુખ્ય વાતને સમજીને, તે માટે જોઈતી ભૌતિક અને આધ્યાત્મિક પાત્રતા અને પુરુષાર્થ આપણે વધાર્યા હોત તો સમાજની આજની ભોળી માન્યતાઓ, આપણી દરરોજની જરૂરિયાતોને પૂરી કરવાની પંગુતા અને અસમર્થતા પણ આપણામાંથી ક્યારનીયે નાશ પામી ગઈ હોત”

         કેટલાક વાચકોને એવું લાગશે કે આમાં નાથજીએ કશું નવું નથી કહ્યું. પરંતુ આ વિચારો એવા પુરૂષના છે કે  જેણે આપણે આધ્યાત્મિક સાધનાનો કહીએ છીએ તે પથ પર  ઘણો પ્રવાસ કરેલો છે, પોતાની ઈશ્વરનિષ્ઠા તેમણે બરકરાર રાખી છે તથા અનેકાનેક સાધુઓ અને સંપ્રદાયોના પરિચયમાં આવેલ છે. આ જ કારણથી તેમના વિચારોનું ખાસ મહત્વ છે. જિજ્ઞાસુઓને  હું ‘વિચારદર્શન’ વાંચવાની ભલામણ કરું છું. અલબત્ત ‘વિવેક અને સાધના’ તો વાંચવું જ રહ્યું.  આ બન્ને પુસ્તકો વાંચવાથી જે લોકો પોતાને નાસ્તિક કહેવડાવે છે તેમને પોતાના વિચારોના સમર્થનમાં વધું પ્રતીતિકર દલીલો મળશે. સાથે સાથે જે લોકો ઈશ્વરમાં દૃઢ શ્રદ્ધા ધરાવે છે, તેઓ તેમને હંમેશા સતાવતા  -પોતાની શ્રદ્ધા ડગવાના ભય- વિના વાંચી શકશે. શક્ય છે કે તેમની શ્રદ્ધામાં થોડી શુદ્ધિ આવે.       


        શ્રી કિશોરચંદ્ર ઠાકરનાં સપર્ક સૂત્રો :- પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: admin

1 thought on “સમાજ દર્શનનો વિવેક : નાથજીના ચિંતનમાં રેશનાલિઝમ

Leave a Reply

Your email address will not be published.