સાયન્સ ફેર : અંધાપો દૂર કરવા આવી રહી છે ‘બાયોનિક આય’

જ્વલંત નાયક

બે-ત્રણ મહિના પહેલા મીડિયામાં રોજેરોજ પબ્લિશ થતા કોરોના કેસીસના વધતા આંકડા જોઈને આપણે પેનિક થઇ જતા હતા. આખો દિવસ એ વિષે ચર્ચાઓ કરતા. ત્યાર પછી ધીરે ધીરે ટેવાઈ ગયા. આજે પરિસ્થિતિ એ છે કે મીડિયામાં પબ્લિશ થતા કોરોના કેસીસના આંકડા કોઈ વાંચતું સુધ્ધાં નથી! આવું અનેક બીમારીઓ અને શારીરિક તકલીફો બાબતે બન્યું છે.

બીજું બધું છોડો, માત્ર અંધાપાનો જ દાખલો લો. શું તમે જાણો છો, કે એક અંદાજ મુજબ વિશ્વમાં ચાર કરોડ લોકો જીવનભરનો અંધાપો વેઠી રહ્યા છે! એ સિવાય અંશત: અંધાપો વેઠતા લોકોની સંખ્યા છે લગભગ સાડા બાર કરોડ!! તેમ છતાં આપણે આ વાતને ભાગ્યે જ નોટીસ કરી છે, ખરું ને?! અંશત: કે સંપૂર્ણ અંધાપો વેઠનાર લોકોના જીવનમાં કેટકેટલી તકલીફો હોય, એ તો વેઠે તે જ જાણે. પરંતુ હવે અંધાપાથી પીડાતા લોકો માટે રાહત આપે એવા ન્યૂઝ આવ્યા છે. વાત બાયો-ઈલેક્ટ્રોનિક્સ આંખની છે. આપણે એને ટૂંકમાં ‘બાયોનિક’ આંખ તરીકે ઓળખીશું. જે રીતે બહેરાશણા ઈલાજ તરીકે આપણે કોક્લીઅર ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે, એ જ મુજબ ભવિષ્યમાં અંધાપાના કાયમી ઈલાજ તરીકે બાયોનિક આય ઈમ્પ્લાન્ટ કરવામાં આવશે.

હાલમાં અનેક સંશોધકો બાયોનિક આય ઈમ્પ્લાન્ટ માટે કામ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી એક જ પ્રકારની બાયોનિક આય ઉપલબ્ધ છે. પણ માત્ર અમેરિકામાં જ જેનું ઉત્પાદન થાય છે એવી આ આંખની મર્યાદા એ છે કે તે અમુક ચોક્કસ પ્રકારના રોગોથી આવનારા અંધાપા માટે જ ઉપયોગી છે. પરંતુ જેમ જેમ જુદા જુદા સંશોધકો પોતાના કાર્યમાં આગળ ધપતા જાય છે, તેમ તેમ નજીકના ભવિષ્યમાં દરેક પ્રકારના અંધાપાના ઈલાજ માટે કામ લાગે એવી બાયોનિક આયનું ઉત્પાદન શક્ય બનશે એમ લાગે છે.

તાજા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સીટીના સંશોધકોએ તમામ પ્રકારના અંધ્ત્વમાં કામ આવે એ પ્રકારની બાયોનિક આંખ વિકસાવવાનો દાવો કર્યો છે. એમના દાવા મુજબ આ ખરા અર્થમાં વિશ્વની સૌપ્રથમ બાયોનિક આય હશે. આ કૃત્રિમ આંખ વિકસાવવામાં એક દાયકા જેટલો લાંબો સમય લાગ્યો છે.

હવે આગળની વાત કરતા પહેલા એ જાણી લઈએ કે આપણે કોઈક દ્રશ્ય જોઈએ છીએ, એ કઈ રીતે શક્ય બને છે. આંખના ડોળા ઉપરનો પારદર્શક પડદો કોર્નિયા તરીકે ઓળખાય છે. કોર્નિયાની પાછળ રહેલો ગોળાકાર અવયવ ‘લેન્સ’ તરીકે ઓળખાય છે. લેન્સના કારણે પ્રકાશના કિરણો રેટીના (નેત્રપટલ) પર ફોક્સ થાય છે. ત્યાર બાદ રેટીનાના લાઈટ સેન્સિટીવ કોષો પ્રકાશના આ કિરણોને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. આ ઇલેક્ટ્રિકલ વેવ્ઝ ઓપ્ટિકલ નર્વ્ઝ (ખાસ પ્રકારની ચેતાઓ) દ્વારા મસ્તિષ્કના વિઝન સેન્ટર સુધી પહોંચે છે. અહીં પહોંચેલા ઇલેક્ટ્રિક વેવ્ઝનું પૃથક્કરણ થવાથી તમને આંખ સામે દ્રશ્ય ખડું થયેલું દેખાય છે.

આમ આ આખી પ્રક્રિયામાં ઓપ્ટિકલ નર્વ્ઝનો રોલ બહુ મહત્વનો છે. કારણકે આ ઓપ્ટિક નર્વ્ઝ નેત્રપટલ (એટલે કે રેટીના) અને મસ્તિષ્કના વિઝન સેન્ટર વચ્ચે સંદેશવાહકનું કામ કરે છે, જેને પરિણામે આપણે દ્રશ્ય જોવા સક્ષમ બનીએ છીએ. કોઈ રોગ કે પછી બીજા કોઈ કારણોસર દર્દીની ઓપ્ટિક નર્વ્ઝને નુકસાન પહોંચ્યું હોય, તો અંધાપો આવી શકે છે.

ઉપરનો આખો પ્રોસેસ ટૂંકમાં સમજ્યા બાદ હવે સમજાશે કે બાયોનિક આયની મદદથી અંધ વ્યક્તિને કઈ રીતે દ્રષ્ટિ મળી શકે! બાયોનિક આય નુકસાન પામેલી ઓપ્ટિક નર્વ્ઝને બાયપાસ કરીને રેટીના અને મસ્તિષ્કના વિઝન સેન્ટર વચ્ચે સીધો સંદેશ વ્યવહાર ફરી પ્રસ્થાપિત કરે છે. પરિણામે અંધાપો વેઠતી વ્યક્તિને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સિમ્પલ!

મોનાશ યુનિવર્સીટીના સિનીયર પ્રોફેસર અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આર્થર લોવરી ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે. એમના કહેવા મુજબ બાયોનિક આયની ડિઝાઈન લાઈટના ૧૭૨ સ્પોટ્સના કોમ્બીનેશન વડે વિઝ્યુઅલ પેટર્ન તૈયાર કરે છે, જેને કારણે બાયોનિક આય ધારણ કરનાર વ્યક્તિને પોતાની આસપાસના વાતાવરણ, વ્યક્તિઓ અને ઓબ્જેક્ટ્સનો અંદાજો આવે છે. આ સંશોધકોનું હવે પછીનું લક્ષ્ય લિમ્બ પેરેલિસીસ કે ક્વોડ્રીપ્લેજીયા જેવી ન્યુરોલોજીકલ કન્ડિશનને કારણે ઉભી થતી અંધત્વની સમસ્યા નિવારવાનું છે.

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સીટીના સંશોધકોની આ ટીમ ‘મોનાશ વિઝ્યુઅલ ગ્રુપ – MVG’ તરીકે ઓળખાય છે. MVGની ટીમ નજીકના ભવિષ્યમાં બાયોનિક આંખના કોમર્શિયલ ઉત્પાદન માટે આશાસ્પદ છે. આ પ્રકારના સંશોધનોને કારણે જેમની દુનિયામાં અંધારું છવાયેલું છે, એવા અનેક લાચાર લોકોને પ્રકાશના કિરણો જોવા મળી શકે છે. ઘેટા ઉપર કરાયેલા પ્રયોગો દરમિયાન સંશોધકોને નગણ્ય સાઈડ ઈફેક્ટસ સહિતના સારા પરિણામો મળ્યા છે. હવે તેઓ મનુષ્ય ઉપર બાયોનિક ઈમ્પ્લાન્ટની ટ્રાયલ લેવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ આ પ્રયોગ મેલબોર્ન ખાતે થશે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: admin

Leave a Reply

Your email address will not be published.