-નિરુપમ છાયા
ભારતના પશ્ચિમ ભાગે આવેલ ગુજરાતના પણ પશ્ચિમે આવેલ, એક પ્રદેશ એટલે કચ્છ. મરૂ (રણ), મેરુ(પહાડો) અને મેરામણ (મહાસાગર) જેવા બહુખ્યાત શબ્દોનો ઉપયોગ એના પરિચયયમાં બહુ સામાન્ય થઇ ગયો છે. આ પ્રદેશનો પરિચય આપવા અલગથી જ લખવું પડે. પણ હવે અહીંના પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસેલા ધોળાવીરાના હડપ્પન અવશેષો, સફેદ રણ અને અમિતાભ બચ્ચનના ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એ શબ્દોનાં ગુંજને કચ્છને, એની હસ્તકલા, એની સંસ્કૃતિને દેશના જન જનના હૃદય સુધી પહોંચાડી દીધાં છે. કચ્છનું રણ એ વિશિષ્ટ પ્રકારનું છે. ઉડતી રેતીની ડમરીઓ કે ઢુવા એવું બહુ ઓછું જોવા મળે. દરિયાનું પાણી ચોમાસામાં આ પ્રદેશની ભૂમિ પર પ્રવેશીને, પછી સુકાય ત્યારે મીઠાના સફેદ પોપડા બાઝી જાય અને એને પરિણામે આ જમીન ઉસર બની જાય. એટલે એ ચોક્કસ પ્રદેશને અહીંની ભાષામાં ‘ખારોપાટ’ તરીકે અને સામાન્ય સંદર્ભમાં સમજણ માટે ‘રણ’ શબ્દનો ઉપયોગ થાય છે.

આપણે વાત કરવી છે આ પ્રદેશવિશેષની ભાષા કચ્છી વિષે. આમ તો આ ભાષા વિષે બહુ એવી વાતો થઇ નથી પણ છેલ્લાં ૭૫-૮૦ વરસોથી આ ભાષામાં સર્જનનું પ્રમાણ અને વૈવિધ્ય વધ્યાં છે. અભ્યાસ, સંશોધન પણ થઇ રહ્યાં છે જેને કારણે આ ભાષાની ઘણી વિશિષ્ટતાઓ ઉજાગર થઇ છે. આમ તો ગુજરાતમાં બધા જ પ્રકારના વ્યવહારમાં કચ્છી ભાષા જ પ્રચલિત હોય એ સ્વાભાવિક છે. એક માહિતી પ્રમાણે ભારતમાં ૨૦૦ જેટલી ભાષા બોલાય છે પણ એમાં ફકત ૩૩ ભાષા એવી છે જેના બોલનારની સંખ્યા એક લાખથી ઉપર છે. આમાં કચ્છી પણ એક છે. અને આપણને એ જાણીને નવાઈ લાગે કે ગુજરાતમાં ગુજરાતી ભાષા પછીના ક્રમે વધુમાં વધુ બોલાતી ભાષા કચ્છી છે. એવો પણ એક અંદાજ મુકાય છે કે લગભગ ૨૦થી ૨૫ લાખ લોકો કચ્છી ભાષા બોલે છે. એક પ્રશ્ન એવો પણ કરવામાં આવે છે કે કચ્છી ભાષાને લિપિ ક્યાં છે? તો એની સામે એવું પણ પૂછી શકાય કે સિંધી, મરાઠી, અરે અંગ્રેજી ભાષાની પણ પોતાની લિપિ ક્યાં છે? કચ્છીને ભાષા તરીકે સંવૈધાનિક માન્યતા મળે એવી પણ રજૂઆત થાય છે.

ભાષાનાં ત્રણ સ્વરૂપો ગણાય છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ. શુદ્ધ, સંસ્કારિત એટલે સંસ્કૃત. થોડી મિશ્ર એટલે કે અશુદ્ધ, અસસંસ્કારિત એટલે પ્રાકૃત. કદાચ એથીયે વધારે સ્પષ્ટ કરીને કહી શકાય કે જે તે પ્રદેશમાં રહેતા લોકોની પ્રદેશવિશેષ જીવનશૈલી, રીતરસમ જેવી પ્રકૃતિથી સ્વાભાવિક રીતે જન્મે તે પ્રાકૃત. ‘પ્રાકૃત પ્રકૃત્યા સિદ્ધમ…’વળી ‘દેશવિશેષાત સંસ્કારકારણાત ચ ઉચ્ચાર વિભેદાન…’ એટલે કે પ્રાંત પ્રાંતના વિશેષ ઉચ્ચાર સંસ્કારોને કારણે પ્રાકૃતમાં વિવિધ ભેદ પડે છે. પ્રાકૃત કાળક્રમે વિસ્તાર પામી તેમાંથી અપભ્રંશની ઉત્પત્તિ થઈ. મૂળ સ્વરૂપનું ખંડન થઈ, સંસ્કૃતમાંથી ખંડિત થઈને જે શબ્દ આવે તે અપભ્રંશ કહેવાય છે. હેમચંદ્રાચાર્યે શબ્દાનુશાસન કે સિદ્ધહેમ તરીકે ઓળખાતા ગ્રંથના પ્રથમ સાતમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનું વિવરણ આપ્યું છે.
ભાષાશાસ્ત્રીઓના મતાનુસાર કચ્છી ભાષા પ્રાકૃતના શૌરસેની અપભ્રંશની એક શાખા વ્રાચડમાંથી ઉત્પન્ન થઇ છે. વ્રાચડ શબ્દનો અર્થ ભગવદગોમંડળમાં એવો આપેલો છે કે, ‘એક જાતની પ્રાકૃત ભાષા; અપભ્રંશના ત્રણ માંહેનો એક વિભાગ; સિંધુ દેશમાં બોલાતી અપભ્રંશ ભાષા’. પંજાબી ભાષાનું સ્વરુપ પણ આ જ રીતે વિકસ્યું છે. એટલે કચ્છી, સિંધી, પંજાબી ભાષામાં ક્યાંક સામ્ય પણ વરતાય છે. આપણને નવાઈ લાગે પણ એક સંશોધન એવું પણ કહે છે કે અફઘાનીસ્તાનના વિચરતી જાતિ (NOMAID અને SEMI NOMAID)ના આપણા ભરવાડ, રબારી જેવો વ્યવસાય કરતા લોકોની પશ્તો ભાષામાં પણ કચ્છીનું મિશ્રણ જોવા મળે છે. વળી કેટલાક સંશોધકો પ્રાચીન સેમેટીક ભાષાનાં લક્ષણો પણ કચ્છી ભાષામાં દર્શાવે છે જેમાં અનુદાત સ્વરોનું બાહુલ્ય છે. દા. ત. થૂંકને બદલે કચ્છીમાં થૂક, પૂંઠ કે પીઠને બદલે પુઠ, મૂઠને બદલે મુઠ, ઊંટને બદલે ઉઠ, હાકલ નું હકલ વગેરે…આના પરથી એવું પણ મનાય છે કે સેમેટીક ભાષાની જેમ કચ્છી ભાષા પણ ૯૪૦૦૦ વર્ષ જૂની છે.
પણ અન્ય ભાષાની જેમ કચ્છી ભાષાનો સીધો સંબંધ સંસ્કૃત સાથે છે. કચ્છી કોઈની ઉપભાષા નથી.

૪૬૦૦૦ ચો. કિ. મી. જેટલા વિસ્તારમાંથી અડધોઅડધ વિસ્તારને બાદ કરતાં પણ બચતા વિશાળ વિસ્તારના પ્રમાણમાં વસ્તી ઘણી ઓછી (૨૦૧૧ની ગણતરી પ્રમાણે ૨૦,૯૨,૦૦૦) તેમાંયે સાક્ષરતાનું પ્રમાણ પણ ઘણું ઓછું એટલે વાંચતાલખતા લોકોની સંખ્યા ઘણી ઘટી જાય. હા, બોલનારની સંખ્યા ઘણી. પણ કચ્છના વિવિધ વિસ્તારોની પણ વિશેષ ઓળખ છે જેમકે વાગડ, માકપટ, ધ્રંગપટ, બન્ની, પાવરપટ્ટી, કંઠીપટ, મોડાસો, અબડાસો, પચ્છમ વગેરે… અને આ દરેક વિસ્તારમાં કચ્છી ભાષા અલગ રીતે બોલાય , અલગ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય. વિસ્તારની જેમ વિવિધ જાતિની પણ કચ્છી બોલી અલગ. વ્યક્તિગત રીતે પણ આવો અનુભવ થયો. હમણાં એક ગઢવી સર્જક મિત્રે કચ્છી ભાષામાં નિબંધોનું સરસ પુસ્તક બહાર પાડ્યું. એ વાંચતાં વાંચતાં કેટલાક શબ્દોના અર્થ નહોતા સમજાતા એટલે ભુજમાં રહેતા કચ્છીભાષી સર્જકમિત્રને ફોન પર એનો અર્થ પૂછ્યો તો એમણે તરત કહ્યું કે આ પુસ્તકના લેખક ગઢવી છે એટલે એ વિસ્તારના ગઢવી લોકોની, ચારણી કચ્છીબોલીના શબ્દોનો ઉપયોગ કરેલો છે જેનો અર્થ તો એ પોતે જ કહી શકે. આવી વૈવિધ્યસભર કચ્છીનું એક નાનકડું ઉદાહરણ જોઈએ. એક વાક્ય લઈએ. ‘આપણે ભુજ જઈશું. ‘ હવે આ મૂળ વાક્ય વિવિધ વિસ્તારોમાં આ રીતે કચ્છીમાં બોલાય છે:
ડુમરા વડાલા વિસ્તાર : પાં ભુજ હલબો. વડાલાથી વાગડ:પાં ભુજ હલનાંઈ.
પશ્ચિમ કચ્છ: પાં ભુજ હલધાસીં
એ જ રીતે એક ‘ ખાઈશું’નાં પણ બોલાતાં વિવિધ રૂપ નોંધવા જેવાં છે: ખેંધાસૂ, ખેંનાઈ, ખેંધાસીં, ખેઓ વગેરે ….
પણ ગાંધીધામ ખાતે આયોજિત સેમિનારમાં વિદ્વાન, કચ્છી સર્જક અને ભાષાશાસ્ત્રી શ્રી પ્રતાપરાય ત્રિવેદીએ કહ્યું કે ગુજરાતીમાં જેમ ઝાલાવાડી ભાષા સર્વમાન્ય બની છે તેમ કચ્છી ભાષામાં જાડેજી ભાષાને સર્વમાન્ય ગણવી જોઈએ. આ મંતવ્યને સેમિનારમાં ઉપસ્થિત વિદ્વાન ભાષાશાસ્ત્રી શ્રી કે કા શાસ્ત્રીજીએ પણ અનુમોદન આપેલું.
આપણે જોયું કે કચ્છી ભાષાનો સીધો સંબંધ સંસ્કૃત સાથે છે એનાં એક બે ઉદાહરણો જોઈએ.
સંસ્કૃત કર્ણ માંથી ગુજરાતી કાન અને કચ્છી કન થયું. બીજો શબ્દ લઈએ. મૂળ સંસ્કૃત શબ્દ અદ્ય.
તેનું પ્રાકૃત અજ્જમાંથી પંજાબી અજ, સિંધી અજુ, આજ ગુજરાતી અને કચ્છી થયું અજ.
આ ઉપરાંત કચ્છી ભાષા લાઘવની ભાષા, એકાક્ષરી પણ છે. આ બાબત ઘણી શાસ્ત્રીય છે એટલે એનાં ઊંડાણમાં નથી ઉતરતા. પણ શબ્દોનાં બહુ જ લઘુ રૂપોથી એમાં વ્યવહાર સરળતાથી થઇ શકે છે અને અર્થ પણ સ્પષ્ટ રીતે સમજી જાય છે. આ વસ્તુ સમજાવવા માટે ઘણા રસપ્રદ સંવાદોનાં પણ ઉદાહરણો પ્રચલિત છે. એકાદ આપણે જોઈએ. અને કચ્છી ભાષાની મઝા લઈએ.
કચ્છી ભાષા | ~ગુજરાતી અનુવાદ ~ | કચ્છી ભાષા | ~ગુજરાતી અનુવાદ ~ |
સામીં હલઈ અચીંધલ હિકડી જેડલકે | સામેથી ચાલી આવતી એક સખીને | બૈ જેડલ પુછેં | બીજી સખીએ પૂછ્યું |
લઈ ભચી !” | “અલી, ભચી!” | ત ચેં “કો ?” | એટલે કહે, “કેમ ?” |
“અચેં પૈ ?” | “આવે છે?” | ત ચેં “ભો” | “હા’ |
“ચંગી ભલી ?” | “કુશળ મંગળ ?” | ત ચેં “જી” | “જી” |
“કેર આય ઘરેં?” | “ઘરે કોણ છે?” | ત ચેં “ધી” | “દીકરી.”` |
“ત ત હલ બાયણકે!” | તો તો ચાલ બળતણ લેવા” | ત ચેં “ન” | “ના” |
“સે કીં……?” | ત ચેં “હીં | “ તે કાં ?” | “બસ આમ જ “ |
આવા વધુ એકાક્ષરી શબ્દો પણ જોઈએ, જેમકે નોં (નખ, પુત્રવધુ, નવ સંખ્યાંક), મીં(વરસાદ), પે (પિતા), તૈ (તવી), ડે (આપે ) ખો(કોશ-ખોદવાનો), ગોં (ગાય) વગેરે….કહેવા બેસીએ તો ખાસ્સી લાંબી યાદી થાય.
આ સંવાદ પરથી બીજી પણ બાબતો સમજવા જેવી છે. કચ્છી ભાષામાં હ્રસ્વ અને દીર્ઘ ઉચ્ચારો સાથે સ્વરોનું અલ્પ અને વિસ્તૃત- સંવૃત અને વિવૃત ઉચ્ચારણ પણ થાય છે. એ લખાણમાં દર્શાવવા માટે સાદી એ કે ઓ ની માત્રા અને ચંન્દ્રબિંદીની નિશાનીથી બંનેનો ઉચ્ચારભેદ દર્શાવવામાં આવે છે. જેમ કે પે એટલે ‘પિતા’ અને પ ઉપર ચંદ્રબિંદી મૂકાય એટલે વિવૃત-પહોળો- ઉચ્ચાર થાય જેનો અર્થ થાય ‘પડે’. ટાઈપીંગ જાણતો હોવાથી આ અને અન્ય લેખ TRANSCRIPTIONથી લખું છું એથી અહીં એ પ્રકારે નિશાની દર્શાવી શકાતી નથી, પણ સહુને સમજાઈ ગયું હશે જ . એવો જ ભેદ ક ખ ગ ઘ ‘અંગ’ નો (ડ*. અહીં બીન્દીના સ્થાને *મુક્યો છે, ક્ષમા કરશો.) પણ ઉપયોગ છે. જેમકે ઉપર “ચંગી ભલી” લખ્યું છે એમાં આ રીતે, ચડી*, ચ પછી કક્કામાં આવે છે તે ‘અંગ’ લખાય.
કચ્છીમાં લાઘવ એટલી હદે છે કે કેટલાક શબ્દો કોઈ માત્રા વિના લખાય તો પણ એનો અર્થ થાય છે. ‘ક’(અથવા) ‘ત’ (તો-સંયોજક), ‘જ’ (જો), ‘પ’ (પણ), ‘મ’(નહીં- આજ્ઞાર્થ -નકાર દર્શાવવા) ‘ન’ ‘ (નહીંના અર્થમાં- ન વ્યો- ન ગયો.)
અહીં આપણે સહુને રસ પડે એવી જ રીતે ભાષાનાં રચના, વિશિષ્ટતાઓ રસ , સૌન્દર્ય દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ બધી બાબતો પરથી કચ્છી કોઈ સામાન્ય ફક્ત વાતચીતની નહીં પણ એક અન્ય ભાષાની હરોળમાં ઊભી શકે એવી શાસ્ત્રીય, ઓજસ્વી અને સશક્ત છે.
ભાષા જેટલું જ એનું સર્જનાત્મક અને સાહિત્યિક ઓજ છે, એની વળી ક્યારેક વાત કરીશું.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com