ટાઈટલ મ્યુઝીક (૪૪) – રંગોલી (૧૯૬૨)

બીરેન કોઠારી

ફિલ્મનાં ગીતો સાંભળવાનો એક માત્ર સ્રોત રેડિયો હતો અને ત્યાર પછી ધીમે ધીમે કેસેટ પ્લેયર ચલણી બનવા લાગ્યાં એ સમયની વાત. હજી પ્રિરેકોર્ડેડ કેસેટો પણ મર્યાદિત પ્રમાણમાં ઉપબધ હતી. શોખીનો જાતે પસંદ કરીને વિવિધ ગીતોની કેસેટ રેકોર્ડ કરાવતા. જો કે, શોખીનોમાં અમુક આલ્બમ એવા ચલણી બનવા લાગ્યાં કે પછી રેકોર્ડિંગ કરવાવાળા જ તેમાં ગીતો સૂચવતા. વિદ્યાનગરના મ્યુઝીક સેન્‍ટરે આવી પ્રિરેકોર્ડેડ કેસેટનાં આલ્બમની યાદી ધરાવતી પુસ્તિકા તૈયાર કરાવી હતી, જેની કિંમત પણ એકાદ કેસેટના રેકોર્ડિંગના ખર્ચ જેટલી હતી. શોખીનોના સંગ્રહમાં અમુક કેસેટ અવશ્ય હોય જ. જેમ કે, લતા મંગેશકરની ‘હૉન્ટિંગ મેલડીઝ’, ‘રફીના દર્દભર્યા ગીતો’, ‘મુકેશના સૂરીલા ગીતો’ વગેરે…આવું એક આલ્બમ એટલે કિશોરકુમારનાં ગંભીર ગીતો. ‘ગંભીર’ એટલે યોડલિંગ વિનાનાં. આ આલ્બમમાં અમુક ગીતો હોય જ. જેવાં કે, ‘વો શામ કુછ અજીબ થી’ (ખામોશી), ‘કોઈ હોતા જિસકો અપના’ (મેરે અપને), ‘દુ:ખી મન મેરે’ (ફન્‍ટૂશ), ‘મેરે મહેબૂબ કયામત હોગી’ (મિ.એક્સ ઈન બોમ્બે), હવાઓં પે લિખ દો (દો દૂની ચાર) વગેરે…આ આલ્બમમાં ‘રંગોલી સજાઓ’ (રંગોલી)નો સમાવેશ પણ અવશ્ય થયેલો હોય.

‘રંગોલી’નાં અન્ય ગીતો પણ જાણીતાં હતાં, છતાં આવા આલ્બમમાં આ ગીત જ સ્થાન પામતું. 1962માં રજૂઆત પામેલી ‘આર.એસ.બી. ફિલ્મ્સ’ નિર્મિત, અમરકુમાર દિગ્દર્શીત ‘રંગોલી’ના મુખ્ય કલાકારો કિશોરકુમાર, વૈજયંતિમાલા, નઝીર હુસેન, દુર્ગા ખોટે, જીવન વગેરે હતા. તેનું સંગીત શંકર-જયકિશન અને ગીતો શૈલેન્‍દ્ર તથા હસરત જયપુરીએ લખેલાં હતાં.

કુલ નવ ગીતોમાંના ત્રણ ગીતો હસરત દ્વારા અને બાકીનાં શૈલેન્‍દ્ર દ્વારા લખાયેલાં હતાં. ‘એક નજર કિસી ને દેખા દિલ હો ગયા દિવાના’(લતા, કિશોર), ‘સાગર પે આજ મૌજોં કા રાજ’ (લતા અને સાથીઓ), ‘હમ તુમ યે ખોઈ ખોઈ રાહેં’ (લતા, મુકેશ), ‘જાઓ જાઓ નંદ કે લાલા તુમ ઝૂઠે’ (લતા) અને ‘છોટી સી યે દુનિયા પહચાને રાસ્તે હૈ’ (લતા અને કિશોરકુમારના સ્વરમાં અલગ અલગ) શૈલેન્‍દ્રે લખ્યાં હતાં. ‘હમ બેચારે પ્યાર કે મારે’ (કિશોરકુમાર), ‘ચાઉ ચાઉ બોમ્બીઆના’ (મન્નાડે અને સાથી), ‘રંગોલી સજાઓ’ (કિશોરકુમાર) હસરત જયપુરીએ લખ્યાં હતાં. શૈલેન્‍દ્રનાં ઘણા ગીતોની ખાસિયત એ છે કે તેની અડધી પંક્તિ પણ કોઈ કહેવત જેવી બની જાય છે. સાવ અજાણ્યા સ્થળે અણધાર્યા કોઈ પરિચીત મળી જાય ત્યારે અનાયાસે ‘છોટી સી યે દુનિયા, પહચાને રાસ્તે હૈ’ યાદ આવી જાય.

‘રંગોલી’નું ટાઈટલ મ્યુઝીક શંકર-જયકિશનની અસલ શૈલી મુજબનું છે. 0.37થી તેનો ઉઘાડ તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહથી થાય છે, જે 0.49 સુધી ધીમે ધીમે વિલીન થાય છે. ત્યાર પછી 0.50 થી ‘રંગોલી સજાઓ’ની ધૂન સિતાર પર આરંભાય છે. અન્ય વાદ્યો જાણે કે સિતારને જગ્યા કરી આપતાં હોય એમ સિતારના સૂરનું પ્રાધાન્ય અને અન્ય વાદ્યો પશ્ચાદ્‍ભૂમાં સાવ ધીમાં હાજરી પુરાવે છે. ‘રંગોલી સજાઓ રે રંગોલી સજાઓ, તેરી પાયલ મેરે ગીત, આજ બનેંગે દોનોં મીત, રંગોલી સજાઓ’ આટલું મુખડું સિતાર પર વાગતું રહે છે. 1.36થી ફૂંકવાદ્યસમૂહ પ્રવેશે છે અને તેને તંતુવાદ્યસમૂહ અલગથી સાથ આપે છે. 1.49થી તંતુવાદ્યસમૂહનું પ્રાધાન્ય અને ફૂંકવાદ્યસમૂહ તેની સહાયમાં વાગતું હોય એમ લાગે. 1.57થી ફરી એક વાર સિતારના પ્રાધાન્યમાં ગીતનો અંતરો આગળ વધે છે, જે પૂરો થઈને મુખડા પર આવે છે. પશ્ચાદભૂમાં હળવેકથી તંતુવાદ્યસમૂહ સાથ પૂરાવે છે. મુખડું પુનરાવર્તન પામે છે અને 3.02થી શંકર-જયકિશનની શૈલીની ઓળખ સમા તંતુવાદ્યસમૂહનું સંગીત શરૂ થાય છે, જેમાં પછી ફૂંકવાદ્યસમૂહ ઉમેરાય છે અને એકદમ ઉંચી પીચમાં 3.14 પર ટાઈટલ મ્યુઝીક નું સમાપન થાય છે. આ ટ્રેક પ્રમાણમાં લાંબી જણાય છે, અથવા તો ગીતનું મુખડું વારંવાર વાગતું હોવાથી એમ લાગે છે. ઘણી ફિલ્મોમાં શંકર-જયકિશને આખેઆખી ઓરકેસ્ટ્રાની સામે ફ્લૂટ જેવા એકલવાદ્યનો ઉપયોગ કરેલો છે, જે તેની અસરને અનેકગણી વધારી દે છે. આ ટ્રેકમાં એ રીતે સિતારનો ઉપયોગ થયો છે. પશ્ચિમી વાદ્યો સાથે તેના દેખીતા વિરોધાભાસથી સિતારનું માધુર્ય પણ અનેકગણું વધી જતું હોવાનું લાગ્યા વિના રહેતું નથી.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.37થી 3.14 સુધી ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક  સાંભળી શકાશે.


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબ પરથી સાભાર)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

2 thoughts on “ટાઈટલ મ્યુઝીક (૪૪) – રંગોલી (૧૯૬૨)

  1. એક મુખ્ય વાદ્ય પર ગીતના બોલ અને અનેક વાદ્યો પર અંતરાનું સંગીત (કે ક્યારેક તેનાથી બિલકુલ ઉલટું)ને શંકત જયકિશનની ઓળખ સમી ટાઈટલ્સ સંગીત શૈલી ગણીએ તો પણ લગભગ દરેક સમયે ઓર્કેસ્ટ્ર્શનમાં જે વૈવિધ્ય તેઓ લાવી મુકતા એ ખુબ જ સરાહનીય હતું.

    જેમકે, અહીં. મૂળ ગીત માત્ર સિતાર પર લીધું છે, પણ કાઉન્ટર મેલોડીમાં વાયોલિન સમુહ સાથે પિયાનોની સંગત મુકી છે. પહેલા અંતરાનાં સંગીતમાં હવે ખુબ ઊંચા સૂરમાં વાયોલિન સમુહની સાથે થોડી થોડી સંગત ટ્રમ્પેટ કરે અને પછી માત્ર વાયોલિન સમુહ એ જ ઊંચા સ્વરે અંતરાનું સંગીત પુરૂં કરે છે.

    પ્રસ્તુત શ્ર્ણીંઅં બીરેનભાઈ જે ફિલ્મો પસંદ કરે છે તેમાંની બહુ થોડી જ એ સમયે સિનેમા હૉલમં જોઈ હશે. જોકે તે સમયે પણ ટાઈટલ મ્યુઝિક પર આટલું ધ્યાન તો નહોતું જ આપ્યું – ન તો એવી દૃષ્ટિ હતી કે ન હતી સમજ.

    આમ બીરેનભાઈની આ શ્રેણી એક બહુ જ નમુનેદાર દસ્તાવેજીકરણ બની રહેવાની સાથે સાથે ફિલ્મ નિર્માણ, તેમ જ ફિલ્મ સંગીત,નાં એક મહત્વનાં પાસાં વિષે સમજ અને દૃષ્ટિ બન્ને કેળવવામાં પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

    1. આભાર, અશોકભાઈ. હવે યુ ટ્યૂબને કારણે આ પાસું સુગમતાથી ઉપલબ્ધ બની શક્યું એ આનંદની વાત છે.

Leave a Reply

Your email address will not be published.