સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..ઓલિમ્પિક મ્યુઝિયમ અને અનોખી ટ્રેન-સફર

દર્શા કિકાણી

(૨૦ જૂન ૨૦૧૯)

સમયસર ઊઠી અમે તૈયાર થઈ ગયાં. ક્રાઉન પ્લાઝા હોટલમાં સરસ નાસ્તો કરી અમે જીનીવા છોડી આગળ નીકળ્યાં. સવારે પણ ઝરમર વરસાદ વરસતો હતો. અમારી સવારી પહોંચી લુસેન (LAUSANNE) ઓલિમ્પિક મ્યુઝિયમ પર. જીનીવાથી લુસેનનું અંતર લગભગ ૬૫ કી.મિ છે. અહીં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું મુખ્ય મથક પણ આવેલું છે. ઓલિમ્પિક મ્યુઝિયમ સિવાય પણ બીજાં ત્રણ સરસ મ્યુઝિયમ આવેલાં છે. એક સુંદર ગોથિક કેથેડ્રલ પણ જોવાલાયક છે. પરંતુ માર્યાદિત સમયને કારણે અમે માત્ર  ઓલિમ્પિક મ્યુઝિયમ જોવાના હતાં. 

લેક જીનીવાને ફરતો રાજમાર્ગ હતો. રસ્તાની એકબાજુ સરોવર અને બીજી બાજુ ઓલિમ્પિક મ્યુઝિયમ હતું. સ્વિત્ઝરલેન્ડની સુંદરતા જેમ જાણીતી છે તેમ ત્યાંની સ્પોર્ટ્સમેનશીપ પણ જાણીતી છે. તેઓ રમતગમતને પૂરતું મહત્વ આપે છે અને રમતવીરોને  બિરદાવી પણ જાણે છે. મોટા બગીચામાં થઈ અમે મ્યુઝિયમના બિલ્ડીંગ સુધી પહોંચ્યાં પણ ત્યાં સુધી તો વચ્ચે કેટલાં બધાં સ્મારકો આવી ગયાં. કુસ્તી કરતા કુસ્તીબાજો, સાઈક્લીસ્ટ, ફૂટબોલ પ્લેયર…. અને બગીચો તો વિશાળ અને સુંદર હતો જ. જે મ્યુઝિયમ બહારથી જ આટલું મોહક હોય તે અંદરથી કેવું હશે?

મિલિન્દભાઈએ ટિકિટ લઈ રાખી હતી એટલે અમે મ્યુઝિયમમાં પ્રવેશ કર્યો. ત્રણ માળનું મોટું મ્યુઝિયમ હતું. ભીડ ઘણી હતી એટલે ગ્રુપ વિખેરાઈ ગયું. બધાં પોતપોતાના રસ પ્રમાણે આગળ વધ્યાં. અમે ઓલિમ્પિકના ઇતિહાસના વિભાગને છોડી વિજાતાઓ, ઇનામો  અને ટ્રોફીના વિભાગ તરફ ગયાં. વિજાતાઓ અને  ઇનામોને લગતી   માહિતી બહુ રસપ્રદ રીતે ગોઠવી હતી. ક્યાંક આખરી ક્ષણોની ઉત્તેજક નાની ફિલ્મો હતી, ક્યાંક ભાવવાહી  ચિત્રો અને ફોટાઓ હતાં, ક્યાંક રમતવીરોનાં પુતળાંઓ હતાં, ક્યાંક માત્ર ઓડીઓની (સાંભળવાની) સગવડ હતી, ક્યાંક સિમ્યુલેશન રમતો પણ હતી …. એક અજબનો ઉત્સાહ અને તરવરાટ આવી જાય. તમે જાતે પણ રમતવીર હો તેવો અનુભવ થાય! અરે, વાહ! તમારા રમતવીરના અનુભવને  ઉત્સાહ મળે તે માટે વિજેતાના પોડીઅમ પર ઊભા રહી ફોટા પડાવી શકાય તેવી વ્યવસ્થા પણ ખરી! અમે પણ પોડીઅમ પર ઊભા રહી ઓલિમ્પિકના વિજેતા જેમ ફોટા પડાવ્યા!

આપણે ત્યાં હજી પણ સ્પોર્ટસને જોઈ તેટલું મહત્વ નથી અપાતું પણ પશ્ચિમના દેશોમાં સ્પોર્ટસને ઘણું મહત્વ અપાય છે. રમતવીરો માટે સ્પેશિઅલ કપડાં, પગરખાં, બેગો અને થેલા, ખાવાપીવાનું …. આખી સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રી! અમે તો આ ડિસ્પ્લે જોઈને અભિભૂત થઈ ગયાં! બધું જોતાં જોતાં અમે છેલ્લે ઓલિમ્પિકના ઇતિહાસના વિભાગમાં પહોંચ્યાં. નવી ટેકનોલોજીએ બધે જ પગપેસારો કર્યો છે. ઇતિહાસ પણ એટલી રોચક રીતે દર્શાવ્યો હતો કે તમે ઓલિમ્પિકની રમતોના પ્રેમમાં પડી જાઓ! એક ક્યુબીકલમાં બે જણ બે ખુરસી પર બેસી અલગ અલગ રીતે અમુક સંવાદો સાંભળી શકે તેવી ઓડીઓ કલીપની વ્યવસ્થા હતી. બહાર એક કોમ્પ્યુટર પર નાની ક્વિઝ રમવાની હતી. મને આવું બધું કરવાનું બહુ ગમે. સ્પોર્ટસમાં રસ પણ ખરો એટલે હું તો ફટાફટ બટનો દબાવવા લાગી. જવાબ સાચો આવે તો અંદર મશીનમાંથી જ તાળીઓનો અવાજ આવે. મારી જાણ બહાર જ બાર-ચૌદ વર્ષના ત્રણ કિશોરો મારો કારભાર જોયા કરે. તેમને થતું હશે કે મોટી ઉમરનાં આ એશિયન બહેન તો સારું રમી રહ્યાં છે! થોડી વારે મારું ધ્યાન જતાં હું અટકી. પછી તો તેમની સાથે ઘણી વાતો થઈ. ચાન્સ મળતાં હું અને રાજેશ ઓડીઓ કલીપ સંભાળવા બેઠાં. બહુ મઝાનું વાતાવરણ હતું અને કલીપ પણ સરસ હતી. આસપાસનું બધું ભૂલી જવાય! કલીપ પૂરી થતાં અમે ઉપર ગયાં. ભીડ તો હતી જ. આપણી સાથેનું માણસ ખોવાઈ જાય તો પણ શોધવું મુશ્કેલ તો પાકીટ કે મોબાઈલ ખોવાઈ જાય તો ક્યાંથી મળે? અરે! મારો મોબાઈલ? હું થોડી ગભરાઈ ગઈ. હજુ હું કંઈ વિચારી એક્શન લઉં ત્યાં તો મને ખભેથી કોઈ થપથપાવતું હતું. પેલા ત્રણ કિશોરો મારો મોબાઈલ પરત કરવા આવ્યા હતા. અમારી પછી ઓડીઓ કલીપ સંભાળવા તેઓ ગયા હશે અને મોબાઈલ જોયો હશે. મોબાઈલના કવર પર એકદમ ભારતીય ટચ એટલે કદાચ ઓળખી ગયા હશે. વાહ, પરદેશમાં ઘડી ભરની દોસ્તી થઈ પણ કેટલો મોટો ફાયદો મળ્યો!

મ્યુઝિયમની બહાર નીકળી અમે ફરી બહાર ગોઠવેલાં સ્મારકોનો આનંદ માણી રહ્યાં હતાં. ગઈ રાત્રે જ મારે મુંબઈ મામાની દિકરી સાથે વાત થઈ હતી તે મુજબ તેના મામાનો પરિવાર સ્વિત્ઝરલેન્ડની મુલાકાતે હતો અને આજે કદાચ તેઓ ઓલિમ્પિક મ્યુઝિયમ જોવા જ આવવાનાં હતાં. આટલી ભીડમાં મળવું મુશકેલ હતું પણ મારી આંખો સતત તેમને શોધી રહી હતી. અમે નીકળવાની તૈયારી જ કરતાં હતાં અને તેમને અંદર આવતાં જોયાં. અમે જોર જોરથી બૂમો પડી તેમને બોલાવ્યાં. તેમને તો ખ્યાલ જ ન હતો કે અહીં કોઈ ઓળખીતું મળી જશે. અમે પરસ્પર મળીને બહુ ખુશ થયાં. અને યાદગીરી માટે ફોટા પણ પાડ્યા.

બપોરના જમવાનો સમય થયો હતો. નજીકનાં એક નાના ગામમાં જમવાની વ્યવસ્થા કરી હતી. ગુગલ મેપની મદદથી અમે તે સ્થળ શોધી રહ્યાં હતાં. અમદાવાદની પોળ જેવી એક નાની ગલીમાં એકાદ કી.મિ અંદર જવું પડે તેમ હતું. બસના ડ્રાઈવરભાઈ બહુ હોશિયાર! તેમણે તો આવી મોટી બસ ગલીમાં નાંખી. રેસીડેન્સીઅલ એરિયા હતો. બંને બાજુ ફૂલોથી ભરેલ નાના બગીચાવાળાં સરસ ઘર હતાં. ‘બસ કેવી રીતે જશે’ તેના ઉચાટ સાથે અમે આસપાસ બધું જોતાં હતાં. થોડી વારમાં બસ ઊભી રહી. અમે જમવા માટે નીચે ઉતારવાની તૈયારી કરી, પણ આ શું? અહીં હોટલ તો હતી નહીં અને રસ્તો બંધ થઈ ગયો હતો! અમે વિચારતાં હતાં કે હવે શું થશે? બસ વાળી શકાય તેવી જગ્યા તો હતી જ નહીં. પણ ડ્રાઈવરભાઈ એમ થોડા ગભરાય? જે રસ્તે સીધી દિશામાં બસ ચલાવતાં પણ ખૂબ ધ્યાન રાખવું પડે તે રસ્તે તેમણે રિવર્સમાં આટલી મોટી બસ કુશળતાથી કાઢી. અમારામાંનાં ઘણાં લોકો અજંપા સાથે ઉશ્કેરાટમાં આવી ગયાં હતાં પણ ડ્રાઈવરભાઈ તો એકદમ કુલ હતા! બસ પછી રોડ પર આવી ત્યારે અમે બધાએ ભેગાં થઈ એમને જોરશોરથી વધાવી લીધા.

મોટા રસ્તે થોડું આગળ જતાં અમારું નક્કી કરેલ જમવાનું સ્થળ આવ્યું. નામ હતું ‘મામા ઇન્ડિયા’ (MAMA INDIA). સરોવર કિનારે ટેકરા પર સુંદર ધાબા જેવું બનાવ્યું હતું. ભારતીય શણગાર કર્યા હતા. ઘણાં પ્રવાસીઓ અને જમનાર મહેમાનો ગોરાં લોકો હતાં. પશ્ચિમના દેશોમાં ભારતીય ખાણું આજકાલ બહુ ચાલે છે. અમે અમારા સમયપત્રક કરતાં ઘણાં મોડાં હતાં. આગળથી જાણ કરી હતી એટલે અમારા માટે શાકાહારી (જૈન ઓપ્શન સહિત) ભોજન તૈયાર હતું. આસપાસનું વાતાવરણ જેટલું મનમોહક હતું તેટલું જ સ્વાદિષ્ટ ભોજન હતું. અને છેલ્લી ફળોમાંથી બનાવેલ મીઠાઈએ તો ચાર ચાંદ લગાવી દીધા! સવારનું ઓલિમ્પિક મ્યુઝિયમ, ત્યાંના અનુભવો, રિવર્સ બસ સવારી અને ત્યાર બાદનું ભોજન બધું બહુ જ યાદગાર બની ગયું! જો કે અમારા પ્લાન મુજબ રસ્તે આવતા ચાર્લી ચેપ્લીનના ગામ વેવે (VEVEY)ની મુલાકાત રદ કરાવી પડી. 

સ્વિત્ઝરલેન્ડના જાણીતા પ્રવાસી સ્થળ ઇન્ટરલેકન (INTERLAKEN) જવા બસ સવારી ઉપડી. લગભગ ૧૬૫ કી.મિ.નું અંતર છે પણ આજે નવો અનુભવ લેવાનો હતો. સ્વિત્ઝરલેન્ડની ટ્રેનની સવારી બહુ વખણાય. આખા  પ્રવાસ માટે અમારી સ્પેશિઅલ બસ હતી એટલે ટ્રેનનો લાભ લેવા માટે જ અમે મોન્ટ્રો સ્ટેશને બસ છોડી  મોન્ટ્રોથી સ્તાડ (MONTREUX TO GSTAAD) ગોલ્ડન પાસ લાઈનની ટ્રેન સવારી કરી. ખરેખર અદભુત સવારી હતી. ક્યારેય ન ભૂલી શકાય તેવી ટ્રેનની સફર! રસ્તો, પર્વતો, સરોવરો, કિનારાનાં ગામો… બધું જ પિક્ચરપોસ્ટકાર્ડ જેવું લાગે.  યહ કિસ કવિકી કલ્પનાકા ચમત્કાર હૈ……! છેલ્લાં અઠવાડિયાથી આ જ બધું જોતાં હતાં પણ આંખો કે મન કંઈ ધરાતું ન હતું! સ્તાડ ઉતરી ફરી પાછી અમારી બસ લઈ લીધી.

દેશના મધ્યમાં આવેલ ઇન્ટરલેકન (INTERLAKEN) પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. વાદળી રંગનાં પાણીવાળા લેક થુન અને આસમાની રંગનાં પાણીવાળા લેક બ્રિન્ઝની વચ્ચે આવેલ આ ગામને બર્નીઝ ટેકરાઓનો પણ લાભ મળે છે. હોટલો, બગીચા, રેસ્ટોરાં, એડવેન્ચર ગેમ્સ વગેરેને કારણે  આ ગામ પોતે તો સુંદર અને જોવાલાયક છે જ. પણ  ટ્રેન, બોટ, કેબલ-કાર અને આસપાસના જોવાલાયક સ્થળો સુધી પહોંચવાની વ્યવસ્થાને કારણે બીજાં સ્થળોએ જવા માટે આ ગામ સારું બેઝ સ્ટેશન પણ છે. કહેવાય છે કે ચોખ્ખા દિવસે અહીંથી આઈગર,મોંક અને યુંગફ્રાઉ પણ દેખાય છે!

અમારી બસ હોહેવેગ (HOHEWEG) નજીક આવેલી એક હોટલ પાસે ઊભી રહી. નજીકમાં બહુ મોટો અને સુંદર બગીચો હતો. ભરપૂર રંગીન ફૂલોથી  બાગ ભર્યો ભર્યો હતો. અહીં આપણા ભારતીયોની ભીડ વધુ હતી. પછી ખબર પડી કે યશ ચોપરાની કોઈ ફિલ્મનું અહીં શુટિંગ થયું હતું. લોકો તે જગ્યા પર ફોટા પાડવા મચી પાડ્યા હતાં! અચાનક વરસાદનું એક ઝાપટું આવી ગયું. પંદર મિનિટમાં તો પાછો ઉઘાડ પણ નીકળી ગયો.

અમે અમારું ગ્રુપ છોડી રસ્તો ક્રોસ કરી બીજી બાજુ ગયાં જ્યાં પેરાગ્લાઈડીંગ થઈ રહ્યું હતું. સારી વ્યવસ્થા હતી પણ ભીડને કારણે પેરાગ્લાઈડીંગ કરવાનો ચાન્સ મળે તેમ ન હતું. પણ જોવાની મઝા આવે તેવું હતું. વળી આખા મેદાનને  કિનારે કિનારે ગુલાબના ક્યારા હતા. લાલ, પીળા, કેસરી, સફેદ રંગનાં અસંખ્ય ગુલાબથી આખો વિસ્તાર મહેકી રહ્યો હતો.

ગામમાં ફરતાં ફરતાં થાકીને અમે ગુલાબના ક્યારા પાસે બેઠાં. મિત્રો પણ આવી લાગ્યાં હતાં અને બસ પણ તૈયાર હતી. ગામ આખાની પ્રદક્ષિણા કરી અમે સરોવર કિનારે આવેલ સરદારજીના ધાબામાં જમવા પહોંચ્યાં. સરસ ધાબુ બનાવ્યું હતું ભારતીય ભીજન માટે. પાસે બીજી એક હોટલ પણ હતી. ધાબુ બિલકુલ સરોવર કિનારે હતું. અંદર જતાં પહેલાં બહારનો કુદરતી માહોલ જોવાની બહુ મઝા આવે તેવું હતું. અંધારું થઈ ગયું હતું અને ઝરમર વરસાદ પણ પડતો હતો, છતાં અમે બહાર સરોવર કિનારે આંટો માર્યો. પાણીમાં બતકો તરતાં હતાં. દૂર એક પૂલ હતો અને સામે કિનારે વૃક્ષો લળીને પાણીમાં લહેરાતાં હતાં.જમવા માટે તેડું આવ્યું એટલે જમવા ગયાં. સરસ પંજાબી ભોજન હતું. એકદમ ભારતીય વાતાવરણ હતું. ધીમું ધીમું પંજાબી સંગીત વાગતું હતું અને ગરમાગરમ ભોજન પીરસાતું હતું. મારું જમવાનું જરા જલ્દી પતી ગયું એટલે ફરી બહાર એક આંટો માર્યો, આ વખતે હું જરા અલગ દિશામાં ગઈ. સરોવર કિનારે જ નાની નાની કોટેજ બનાવી હતી, પ્રવાસીઓને રહેવા માટે. એકાદ કોટેજમાં ભારતીય કુટુંબ દેખાતા વાતો કરવાનો પ્રયાસ કર્યો. પતિ-પત્ની અને બે નાનાં બાળકો સાથેનું ભારતીય કુટુંબ  અમેરિકાથી આવતું હતું અને તેમણે પ્રવાસનું બધું બુકિંગ ઓન લાઈન કરાવ્યું હતું, સારા ભાવમાં. એક રૂમ અને પેન્ટ્રી વળી એમની નાની કોટેજ મને એમણે અંદરથી બતાવી. ત્રણ દિવસ ઇન્ટરલેકન રહી આજુબાજુ સાઈટ સીઇંગનું પ્લાન કર્યું હતું. એકલાં કે નાના ગ્રુપમાં ફરી આવીએ તો અહીં રહી શકાય એમ વિચાર આવ્યો.

રાત પડી ગઈ હતી. ભોજનનો પ્રોગ્રામ પણ સરસ રીતે પતી ગયો હતો એટલે અમે અમારા લગેજ સાથે  હોટલ પર આવ્યાં. હોટલ મુખ્ય રસ્તા પર ન હતી એટલે બસ તો અમને બહાર જ ઉતારી નીકળી ગઈ. અમારે સામાન લઈ નાની અમથી ગલીમાં સારું એવું ચાલવું પડ્યું. હોટલ બિલકુલ બરાબર ન હતી. આખી ટુરમાં ગમે નહીં તેવી હોટલનો આ પહેલો અનુભવ હતો. અમને એમ કે કદાચ અમને જ અસંતોષ હશે. રૂમમાં સામાન મૂક્યો તો બાથરૂમના નળ તૂટેલા! બાથરૂમનું બારણું બંધ થાય નહીં અને સામે જ કાચની મોટી બારી, તે પણ બંધ થાય નહીં! હજી સેટલ થતાં હતાં ત્યાં ફોનની રીંગ વાગી. ફોન ઉપાડીએ ત્યાં બારણે ટકોરા પડ્યા. ઈરા અને કુશ આકુળવ્યાકુળ હાલતમાં આવ્યાં હતાં, ‘અમારી રૂમમાં તો AC જ નથી’ એવી ફરિયાદ સાથે. અમારું તો ત્યાં સુધી AC તરફ ધ્યાન જ ગયું ન હતું. પછી ખબર પડી કે કોઈ રૂમમાં AC ન હતું. કદાચ અહીંનાં હવામાન પ્રમાણે જરૂર નહીં હોય પણ આજે તો અહીં વરસાદ અને બફારો બંને એટલા હતા કે રૂમમાં બેસવું શક્ય ન હતું.  અમે થોડાં મિત્રો રીશેપ્શન રૂમમાં વાતો કરવા બેઠાં.  હું તો થાકેલી એટલે થોડીવારે રૂમ પર આવી એક શાવર લઈ આડી પડી પણ રાજેશ અને મિત્રો તો પાછા ગામમાં ફરવા નીકળ્યા, અહીંની નાઈટ લાઈફ જોવા. રાતના મોડા બધાં પાછાં આવ્યાં, હોટલનો મેઈન ગેટ બંધ હતો અને કોઈની પાસે ચાવી હતી નહીં. રીશેપ્શન ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી. અજાણી જગ્યાએ આટલે મોડે સુધી રાજેશ આવ્યા ન હતા એટલે હું જાગતી જ હતી. બારી તો બંધ થતી ન હતી એટલે ચહલપહલ થતાં મેં ચોથા માળેથી નીચે જોયું તો મિત્રોનું ગ્રુપ ગેટની બહાર ઊભું હતું. ચાવી લઈ હું નીચે ગઈ અને અંદરથી બારણું ખોલ્યું અને બધાં અંદર આવી પોતપોતાની રૂમમાં ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

18 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..ઓલિમ્પિક મ્યુઝિયમ અને અનોખી ટ્રેન-સફર

 1. These descriptions prove that Darshaben is not only a seasoned traveller but also a seasoned travelogue writer too, including minute details n minor events that happened on the way….!!!
  CONGRATULATIONS

  1. Very interesting and in-depth description of museum. A museum truly reflects the culture, outlook and priority of people of that particular region.

 2. Beautiful and detailed description of the Olympic Museum and describing your journey through picturesque Swiss villages has made the travelouge very interesting.

 3. Well described. Tour becomes memorable when it is converted in to a small booklet. Your command over Gujarati is praiseworthy, Darsha.

  1. Thanks, Amrishbhai! Yes, you are right! But do you remember that reverse bus ride? So exciting and yet frightful…!

 4. આજના પ્રવાસ વર્ણન ની લેખન શૈલી તો ખરેખર અભિનંદનને પાત્ર છે. ઝીણવટભર્યું અવલોકન અને સરળ ભાષા – સ્વિત્ઝરલેન્ડ મનમાં ને મનમાં તાદ્રશ્ય થઈ જાય છે…

 5. Excellent description and photos of museum. Remembered the excitement of reverse driving!
  Really enjoyed revisiting the trip. Looking forward to Eastern Europe tour.

 6. એટલી અસરકારક રીતે પ્રવાસનું શબ્દ – ચિત્ર દોરવામાં આવ્યું છે કે મને એવો એહસાસ થયો કે હું પણ આ સફરમાં જોડાઈ છું!

Leave a Reply

Your email address will not be published.