સમયચક્ર : એક પત્રકારની શોધ ‘બોલપેન’

પશ્ચિમી જગતની એક ખાસિયત રહી છે કે જ્યારે કોઈ નવી શોધ થાય તે સાથે જ ત્યાંના અનેક દીમાગ સક્રિય થઈ ઊઠે છે. કદાચ એટલે જ બહુ ઓછા સમયમાં ખર્ચાળ અને અગવડવાળી વસ્તુઓનું સ્થાન તરત સરળ વસ્તુ લઈ લે છે. ઉદાહરણ તરીકે પેજરને યાદ કરી શકાય. એકતરફી સંદેશો વહેતા કરતું એ સાધન અમુક દેશો તો જુએ એ પહેલા સેલફોન આવી ગયા. પરંતુ કોઈ કારણસર ફાઉન્ટન પેનની જગ્યા લેતાં હાલમાં વપરાતી બોલપેનને બે સદી લાગી ગઈ છે. ભલે લખવા માટે આખીય પૃથ્વી ઉપર બોલપેન વપરાતી હોય પરંતુ અવકાશયાત્રીઓને તો પેન્સિલ જ કામ આવે છે.

માવજી મહેશ્વરી

લેખન સામગ્રીમાં હાલે જેનો વિકલ્પ નથી એવી બોલ પોઈન્ટ પેન એટલે બોલપેન ૨૦૩૮માં તેના આયુષ્યની શતાબ્દી પુરી કરશે. માત્ર એંસી જ વર્ષમાં બોલપેન દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. એનું કારણ તેની રચના અને શાહી બદલવાની વ્યવ્સ્થા. ઉપરાંત તે જગતની કોઈ પણ લિપિ લખવામાં સરળ રહે છે. ફાઉન્ટન પેન લેટીન લિપિ એટલે કે અંગ્રેજીના મુળાક્ષરોના વળાંકોને વધુ અનુકુળ હતી. ફાઉંન્ટન પેનની નીબને છેડે ધાર હોવાથી ભારતની દેવનાગરી અને દક્ષિણ ભારતની લિપિઓ લખતી વખતે કેટલીક વખત તેની નીબ કાગળ ઉપર ઘસાતી હતી. વળી ફાઉન્ટન પેનની શાહી લીસ્સા અને રંગ ચુસતા ન હોય તેવા કાગળને વધારે અનુકુળ આવતી હતી. જ્યારે બોલપેનને આ મર્યાદાઓ નડતી ન હતી. ફાઉન્ટન પેનેની શાહી પાતળા પ્રવાહી સ્વરૂપ હતી તેથી લખતી વખતે ડાઘા પડતા. ખુલી રહી જાય તો તેની નીબ પાસે શાહી સુકાઈ જવાથી ફરી વાપરતી વખતે તેને ઝાટકો આપવો પડતો. બોલપેનની શાહી રેલાઈ ન શકે એટલી ઘટ્ટ હોવાથી ફાઉન્ટન પેનના પ્રમાણમાં અક્ષરો બગડતા ન હતા. વળી તરત સુકાઈ જતી હોવાથી લખાણ ભુંસાવાની મર્યાદા દૂર થઈ ગઈ. તેથી જ જગતભરમાં બોલપેને માત્ર એંસી વર્ષમાં કાગળ ઉપર પોતાનો કબજો જમાવી લીધો છે. બોલપેનની બરોબરી કરી શકે તેવું લખવાનું સાધન વર્તમાન સમયમાં તો નથી જ દેખાતું.

બોલપેન તરીકે ઓળખાતા સાધનનું નામ ખરેખર Ball point pen  છે. આ પેનની શોધ ૧૯૩૧માં લેડીસ્લાઓ જોસ બિરો ( Ladislao Jose Biro ) નામના વ્યક્તિએ કરી છે. બિરોનો જન્મ ૧૮૯૯માં હંગેરીના બુડોપેસ્ટ શહેરમાં એક યહુદી પરિવારમાં થયો હતો. બિરો વ્યવસાયે પત્રકાર અને ચિત્રકાર હતા. પછીથી તેમણે પોતાનું નામ બદલાવીને લાજીઓ જોસેફ બિરો રાખેલ હતું. તેમણે શોધેલી નવી પેન ‘ બિરો પેન ‘ તરીકે ઓળખાતી હતી. એક પત્રકાર તરીકે બિરોને રોજ ઘણુંબધું લખવાનું થતું હતું. તે વખતે ફાઉન્ટન પેનનું ચલણ હતું. ફાઉન્ટન પેનથી કાગળ ઉપર પડતા ડાઘાથી બિરો અકળાતા હતા. એક દિવસ તેઓ પોતાના અખબારની ઓફીસે ગયા તે વખતે છાપકામ ચાલુ હતું. તાજું છપાયેલું છાપું ઉપાડી તેમણે હાથ ફેરવ્યો તો શાહી સુકાયેલી જોવા મળી. તેમને તરત જ વિચાર આવ્યો કે જો પેનમાં પણ આ પ્રકારની શાહી ભરવામાં આવે તો ટીપાં પડવાનો કોઈ ભય ન રહે. તેમણે ફાઉન્ટન પેનમાં જલદી સુકાઈ જતી અખબારી શાહીનો ઉપયોગ કર્યો. પરંતુ તેમનો આ પ્રયોગ સફળ ન થયો. કારણ કે અખબારી શાહી ઘટ્ટ હોવાથી ફાઉન્ટન પેનની નીબ સુધી પહોંચતાં ખૂબ સમય લેતી વળી તેની નીબની કેનાલ ભરાઈ જતી હતી. નિરાશ થયેલા બિરોએ શાહીના બદલે પેનની નીબ વિશે વિચારવા લાગ્યા. તેમને થયું કે શાહી સીધી વહેવા માંડે તેનાં કરતાં તેના ઉપર દબાણ આવે ત્યારે ચક્રાકારે વહે તો શાહી સુકાવાનો અને શાહી વહેવાનો સિધ્ધાંત ગુરુત્વાકર્ષણના નિયમને અનુસરે. અહીં તેમણે પોતાના ભાઈ જોર્જી બિરો સાથે ચર્ચા કરી. જોર્જી બિરોની દવાની દુકાન હતી. તેઓ રસાયણ શાસ્ત્ર વિશે પણ જાણતા હતા. તેમના ભાઈ જોર્જી બિરોએ શાહીની ઘનતા ઓછી કરી. પછી બન્ને ભાઈઓએ મોટરકારના નોઝલના સિધ્ધાંત ઉપરથી એવી નીબ તૈયાર કરી જેમાંથી આપમેળે શાહી વહે નહીં પરંતુ તેને દબાણ આપવાથી શાહી વહેવા લાગે. બિરોએ નીબના કાણાંને છેડે બોલ ( પીતળનો નાનો દડો ) ગોઠ્વ્યો. હવાના દબાણના સિધ્ધાંત અનુસાર એ બોલ શાહીને રોકી લેતો હતો એટલે શાહી વહી જતી ન હતી. પરંતુ લખતી દબાણ આવવાથી બોલ બોલ ફરતો રહેતો  જરુર પુરતી શાહી કાગળ ઉપર ઉતરતી. પોતાની મુશ્કેલી દૂર કરવા બિરોએ પેન બનાવી ત્યારે તેને કલ્પના પણ ન હતી કે તેની એ શોધ પુરી દુનિયા ઉપર રાજ કરવાની હતી. બિરોએ અને તેના ભાઈએ ૧૫ જુલાઈ ૧૯૩૮ના રોજ તેમણે શોધેલી પેનના પેટન્ટ રજીસ્ટર કરાવ્યા. આજે પણ બ્રિટન, આયરલેંડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી જેવા દેશોમાં તે બિરોપેન તરીકે જ ઓળખાય છે. અમેરિકામાં તે બોલપેન કહેવાય છે. આપણા દેશમાં વપરાતો બોલપેન શબ્દ અમેરિકાથી આવ્યો છે. આજે વપરાતી બોલપેનની નીબ મોટા ભાગે પીતળ, સ્ટીલ અથવા ટંગસ્ટન કાર્બાઈડની બનેલી હોય છે.

બિરોએ નવી પેન શોધી તે દરમિયાન જ તેમના દેશ હંગેરી પર ૧૯૪૦માં નાઝીઓએ કબજો કર્યો. તેના કારણે જોસ બિરોને દેશ છોડવાનો વારો આવ્યો. તેઓ હંગેરીથી આર્જેન્ટીના ચાલ્યા ગયા. તેમણે ત્યાં બિરો પેનના વ્યાપારી ઉત્પાદન માટે પ્રચાર કર્યો. ‘ બાયોગ્રાફિકલ ડિક્શનેરી ઓફ ધ હીસ્ટ્રી ઓફ ટેક્નોલોજી’ ની નોંધ અનુસાર આ પેનના પહેલા નિર્માતા હેનરી જોર્જ માર્ટીન હતા. જેઓ એક બ્રીટીશ હિસાબનીશ હતા. તેમણે બિરોએ શોધેલી પેનનું ઉત્પાદન કર્યુ. યોગાનુયોગે બ્રિટેન એરફોર્સના અધિકારીનું ધ્યાન આ નવી પેન તરફ ખેંચાયું. વધુ ઊંચાઈ ઉપર ફાઉન્ટન પેનથી લખવામાં મુશ્કેલી પડતી હતી. બિરોની બોલપેન આકાશમાં ઓછા ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં સરળતાથી ચાલી. તે પછી બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન બોલપેનના પહેલા જથ્થાબંધ ગ્રાહક તરીકે બ્રિટન રોયલ એરફોર્સે ૩૦૦૦૦ હજાર બોલપેનનો ઓર્ડર આપ્યો. બસ ત્યાર પછી બોલપેન ઝડપથી વિશ્વભરમાં લોકપ્રિય પેન તરીકે વપરાવા લાગી.

લાંબો સમય કોઈ યંત્ર સાથે કામ કરવાનું થાય છે ત્યારે એ યંત્ર શરીરના ભાગ તરીકે કામ કરવા લાગે છે. શરીર પણ એ યંત્રને અનુસરે છે. એટલે જ જ્યારે ભારતીય અમેરિકામાં ડ્રાઈવીંગ કરે છે ત્યારે તે રોંગ સાઈડ લઈ લે છે. અહીં ફાઉન્ટન પેનનું પણ એવું જ હતું. ફાઉન્ટન પેનથી ટેવાયેલાને બોલપેન માફક આવતી જ ન હતી. એશિયનો તો બાબતે અત્યંત લાગણીશીલ હોય છે. ભારતમાં ૧૯૬૯ની આસપાસ જ્યારે બોલપેન સર્વાધિક વપરાવા લાગી ત્યારે ખાસ અતિ અગત્યના દસ્તાવેજો ખાસ કરીને બેન્કના લેઝર બોલપેનથી લખવાનો રીતસર પરિપત્ર થયેલો. તે વખતે કેટલાક કર્મચારીએ વિરોધ કર્યો હતો.

આજે ટેક્નોલોજીના વિકાસે બોલપેનને અતિ આધુનિક સ્વરૂપ આપ્યું છે. પરંતુ બોલપેનના સિધ્ધાંત ઉપર ફરી અતિ પાતળી શાહીવાળી પેન આવી. ૧૯૮૪માં જાપાનની સાક્રુરા કલર પ્રોડકટ કોર્પ નામની કંપનીએ જેલપેન નામે બોલપેન કરતાં પણ સરળતાથી ચાલતી પેન બજારમાં મૂકી. આજે લખનારા મોટાભાગે બોલપેન અને ખાસ કિસ્સામાં જેલપેનનો ઉપયોગ કરે છે. જે વાદળી, કાળા અને લાલ રંગ સિવાય અનેક રંગોમાં ઉપલબ્ધ છે. આજે પારંપારિક પેન ઉપરાંત જલ્દી ન ભુંસી શકાય તેવી માર્કર પેન ઉપરાંત કાચ ઉપર,  કાપડ ઉપર લખવાની વિવિધ પેન ઉપલબ્ધ છે. ક્યારેક જુની પેઢી અધુનિક લેખન સામગ્રી જોઈને નિસાસો નાખે છે કે એમને આવું બધું ન મળ્યું. આ તો સમયચક્ર છે. એ ફરતું રહેશે. દશ્યો બદલાતા રહેશે. બદલાતા રહેશે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.