સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..બરફનો દરિયો અને જીનીવાની ઝલક

દર્શા કિકાણી

(૧૯ જૂન ૨૦૧૯)

સવારે સમયસર તૈયાર થઈ ઇલેક્ટ્રિક વાહનમાં બેસી પાછાં તાશ (TASCH) આવી અમારી બસમાં જ અમે શામોની (CHAMONIX) બેઝ પર પહોંચ્યાં. શામોની  ફ્રાન્સમાં આવ્યું છે. ખરેખર તો ઈટાલી, ફ્રાંસ અને સ્વિત્ઝરલેન્ડના જંકશન પર આવેલું છે.  આખા યુરોપમાં એક જ વિઝા ચાલતો હોવાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હવે ઘણી તકલીફો ઓછી થઈ ગઈ છે. શામોની   રેગ્યુલર ટુરિસ્ટ સર્કિટમાં આવતું નથી. બહુ ઓછાં પ્રવાસીઓ અહીં આવવાનું રાખે છે. પણ મિત્રો કંઈક નવું કરવાનાં શોખીન, એટલે અમારી સવારી અહીં પણ આવી ચઢી!

અમે મોં બ્લાં(MONT BLANC) જવા માટે ટ્રેઈન લીધી. પહાડો, ખીણો, જંગલોમાં થઈને જતી ટ્રેઈનની સવારી કોઈને પણ અભિભૂત કરી દે તેવી હતી. ૩૦-૩૫ મીનીટની આ સફરમાં તડકો, ઘનઘોર વાદળો અને વરસાદ બધું અનુભવી લીધું. લીલાંછમ જંગલોમાંથી વરસતાં વરસાદમાં ટ્રેઈન ધીમેથી આગળ વધતી હોય એ દ્રશ્ય જ કેટલું રોમાંચક લાગે છે! મિત્રોની સાથે ધમાલ મસ્તી કરતાં કરતાં અને નાસ્તાના પેકેટમાંથી નાસ્તો કરતાં કરતાં અમે સારા સમયે શીમોનીમાં આવેલ  મોં બ્લાં રિસોર્ટ પર પહોંચી ગયાં.

મોં બ્લાં એ આલ્પ્સની ઊંચામાં ઊંચી સમિટ છે. સ્કીઈંગ કરવા  માટેનું આ સારામાં સારું સ્થળ છે. સ્કીઈંગ કરવા  માટેની ઘણી સારી સગવડો અહીં મળી રહે છે. હાઈકિંગ, રોક ક્લાઈમ્બીંગ, પેરા-ગ્લાઈડીંગ અને ગોલ્ફ જેવી રમતો માટે પણ આ ઘણું સારું સ્થળ છે.  આખું વર્ષ અહીં કંઈ ને કંઈ પ્રોગ્રામ ચાલુ જ હોય છે. ૧૯૨૪ની પહેલી વિન્ટર ઓલિમ્પિક્સ અહીં રમાઈ હતી.

તડકાવાળો ખુલ્લો દિવસ હતો અને પ્રવાસીઓની ભીડ ઘણી હતી. જરૂરી ટિકિટો લઈ અમે ફરી પાછી કેબલ કારમાં બે કટકે સવારી કરી. દુનિયાની સૌથી ઊંચી કેબલ કારમાં બેસવાનો  લહાવો લીધો! ૩૮૪૨ મીટર પર આવેલ AIGUILLE DU MIDI નામની વિહંગાવલોકન કરવાની જગ્યાએ પહોંચ્યાં. મોં બ્લાં નો પેનારોમિક વ્યુ લીધો એટલે કે વિહંગાવલોકન કર્યું. સ્નોનો દરિયો હોય તેવું લાગે. જ્યાં નજર પડે ત્યાં ફક્ત સ્નો! સ્નો પર પડતા તડકાથી આંખો અંજાઈ જાય. ટુરીસ્ટ માહિતી પ્રમાણે  જોવાનાં સ્થળો તો ઘણાં હતાં, પણ આપણને તો બધું નયનરમ્ય જ લાગે.

કેબલ કારમાંથી ઉતરી અમે પહેલાં વેધશાળા એટલે કે ઓબ્સર્વેટરી પર ગયાં. બહુ વ્યવસ્થિત જગ્યા બનાવી હતી. ઘણી બધી જરૂરી માહિતીનું સરસ પ્રદર્શન કર્યું હતું. પ્રવાસીઓ થાકી જાય તો બેસવાની સગવડ પણ સરસ કરી હતી. પીવાના પાણીની અને ટોઈલેટની સગવડ પણ હતી. અમે MER DE GLACE ‘બરફનો દરિયો’ તરીકે ઓળખાતું પોઈન્ટ જોયું. અમારે માટે તો બધે જ બરફનો દરિયો હતો! ચારે બાજુ હિમાચ્છાદિત પર્વતો અને શિખરો! દરેક  શિખરની નામ, ઊંચાઈ અને બીજી માહિતી સાથેની સ્લાઈડ ઠેરઠેર લગાડેલી હતી. શું કુદરતની કરામત અને માણસની મહેનત! અમે તો ઠેકઠેકાણે ફોટા પડ્યા! 

બરફમાં આપણે જોઈએ તો પણ કેટલું? બે કલાકમાં તો અમે ધરાઈ ગયાં. પાછાં ફરતાં કેબલ કારના પહેલા લેવેલ પર સરસ દુકાન બનાવી હતી તે જોઈ. સુંદર અને મોંઘા નમૂનાઓ જોયાં. ખરીદીમાં તો રસ હતો નહીં એટલે મિત્રોની રાહ જોતાં જોતાં બહારનાં સુંદર દ્રશ્યોને આંખો વાટે દિલમાં ઉતારતાં રહ્યાં. ગ્રુપ ભેગું થયું કે અમે ફરી પાછાં ટ્રેઈનમાં બેસી બેઝ પર આવી લાગ્યાં. હજી તો બપોર પણ માંડ થઈ હતી અને સમય પણ હતો એટલે નજીકનાં એક ગામમાં અમે રોકાયાં. સુંદર અને સ્વચ્છ ગામ જોયું અને ગ્રામ્ય વિસ્તાર પગે ચાલીને અનુભવ્યો. નાના એવા ગામમાં ગ્લેશિઅરની ઘણી માહિતી આપતું સરસ પ્રદર્શન હતું જે અમે બહુ રસથી જોયું.
જીનીવા (GENEVA) અહીંથી નજીક જ હતું. અમે બસમાં જ જીનીવા પહોંચ્યાં. ફ્રાંસ અને સ્વિત્ઝરલેન્ડની સરહદે આવેલ ૭૫ કી.મિ. લાંબા લેક જીનીવા પર વસેલું આ શહેર ઘણું જાણીતું છે અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. સ્વિત્ઝરલેન્ડની છેક દક્ષિણે આવેલું આ શહેર આલ્પ્સ અને જુરા પર્વતોથી ઘેરાયેલું છે. ફ્રાંસની નજીક હોવાથી ખાવા-પીવામાં, રહન-સહનમાં અને સંસ્કૃતિમાં  ફ્રાંસની અસર વર્તાય છે. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી અને બેન્કિંગ માટે પ્રખ્યાત શહેર રેડક્રોસ અને યુનાઇટેડ નેશન્સનું મુખ્ય-મથક પણ છે. દુનિયાની ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અહીં આવેલી છે.

લેક જીનીવાને કિનારે બસ ઊભી રાખી. મેઈન રોડ હતો એટલે અમને કલાકનો સમય આપી બસ તો જતી રહી. એક સરસ ફલોરલ કલોક (FLORAL CLOCK) એટલે કે  ૬૩૦૦ ફૂલોનું બનેલું ઘડિયાળ હતું. વડોદરાના કમાટી બાગની યાદ અપાવે તેવું. ઘડિયાળ જોઈ અમે સરોવર કિનારે ફર્યાં મોટો ગાર્ડન, ફુવારા, ફુવારાની વચ્ચે સરસ મૂર્તિઓ, બેસવાના બાંકડાઓ, ચલાવના રસ્તા, ખાણી-પીણીની ભરપૂર વ્યવસ્થા…. મુંબઈની ચોખ્ખી ચોપાટી જેવું લાગે! બાંકડે બેઠાં, લેકને કિનારે ફોટા પડ્યા, લેકની બરોબર વચ્ચે ૧૪૦ ફૂટ ઊંચો (કદાચ દુનિયાનો ઊંચામાં ઊંચો ફુવારો) પાણીનો ફુવારો જેટ ડ્યુ JET d’ EAU જોયો. લેકની આસપાસ લાંબો વોક લીધો… કાયમની જેમ સમય બહુ ઓછો પડે, પણ જે સમય હતો તેમાં બહુ આનંદ કર્યો.

બસ આવી અને શહેરની ઝડપી સાઈટ સીઇંગ રાઈડ કરાવી અને યુનાઇટેડ નેશન્સના મુખ્ય-મથક પાસે અમે ફરી નીચે ઉતર્યા. ધાર્યા પ્રમાણે જ સુદર બિલ્ડીંગ, આસપાસ ખુલ્લો ચોક, મોટા ચોખ્ખા રસ્તા અને અસંખ્ય લોકો! બહુ જ સુંદર વાતાવરણ હતું. સામેના ચોકમાં લાઈનસર રંગીન નાના ફુવારા ઉડતા હતા. અરે! આ શુ? ચાલીસેક ફૂટ ઊંચી ખુરશી … પણ એક પાયો કેમ તૂટેલો હતો? યુદ્ધ અને સત્તા સામેના વિરોધમાં લોકોએ ખુરશીનો એક પાયો તૂટેલો રાખ્યો છે. સત્તા પર રહેવું હોય તો કાયમ સાવધાન રહેવું પડે એવો સંદેશો! ફરી કલાકનો સમય મળ્યો અહીં આ બધું જોવા માટે.  અંધારું થઈ ગયું હતું એટલે જીનીવાની જાણીતી ભારતીય હોટલ ‘લા જયપુર’માં સ્વાદિષ્ટ ભારતીય ડીનર લીધું. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો હતો. અમે બસમાં બેસી ક્રાઉન પ્લાઝા હોટલ પર આવ્યાં. મોટી, સરસ અને એકદમ વ્યવસ્થિત હોટલ છે. રૂમ થોડો નાનો પણ ચોખ્ખો અને સંપૂર્ણ વ્યવસ્થા સાથેનો હતો. અમારો રૂમ રોડ પર પડતો હતો અને મોડી  રાત સુધી શહેરમાં ચહલ-પહલ ચાલુ હતી તે અનુભવ્યું.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

21 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ…..બરફનો દરિયો અને જીનીવાની ઝલક

  1. Darsha,
    In all this trip episodes, the descriptions are super good and very interesting details of each places. Very happy to read it.
    👏Very well done.

  2. અવિસ્મરણીય પ્રવાસનું ખૂબ સુંદર અને ઉત્સુકતા જગાવનારું વર્ણન.

Leave a Reply

Your email address will not be published.