ગુજરે હૈ હમ કહાં કહાંસે (૧૭) ઢઢૂક

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક    અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.  

– પીયૂષ મ. પંડ્યા

            —————*—————-*——————-*——————-*——————*—————-

         સને ૧૯૭૪ના જાન્યુઆરી મહિનામાં નવનિર્માણ આંદોલનને લઈને અમારી નડીયાદની કૉલેજમાં રજા પડી ગઈ. એ સમયે મારા બાપુજી પાલિતાણામાં કાર્યરત હતા. હું પહેલાં ભાવનગર ગયો અને બે દિવસ પછી ત્યાંથી પાલિતાણા જવા માટે બસની રાહ જોતો ભાવનગરના એસ.ટી. સ્ટેન્ડે ઉભો હતો. એવામાં અચાનક હું હલબલી ગયો એવો ધબ્બો બરડામાં પડ્યો. “કાં? અહીં ક્યાંથી? ક્યાં ઉપડ્યો?” એવા પ્રશ્નોની ઝડી વરસી. કોઈ પણ સામાન્ય બુધ્ધિધારી માણસ ક્યારેય ન પૂછે એવા સવાલો પૂછીને સામા માણસને હિંસાને રસ્તે લઈ જવા માટે સક્ષમ એવો નવયુવાન મને ભટકાયો હતો. “અલ્યા બૂડથલ! અહીં હું કાં તો નડીયાદની અને કાં તો પાલિતાણાની બસ પકડવા જ ઉભો હોઉં ને! એટલીયે અક્કલ નથી ચાલતી?” જેવો છણકો ભરી, એને એક અડબોથ અડાડી દેવાની લાલચ રોકી રાખી. મેં ‘પાલિતાણા” એટલો જ જવાબ આપી, ત્યાંથી દૂર હટવાનો પ્રયાસ કર્યો. પણ આ તો અમારા સમગ્ર કુટુંબને જે ‘ઘટ સાથે રે ઘડીયાં’ તરીકે મળ્યું હતું એવા એક કુટુંબનો નબીરો ઢઢૂક હતો. એનું મૂળ નામ તો યાદ નથી, પણ એના કુટુંબમાં બાળક ઉપર કોઈની નજર ન પડે એ માટે એનું ‘બગડેલું’ નામ રાખવામાં આવતું હતું. એ પ્રથાનું પાલન કરવા માટે એનું નામ ઢઢૂક પાડવામાં આવ્યું હતું. જો કે એના કયા લક્ષણ થકી એની ઉપર કોઈની યે નજર લાગી શકે એ એક વણઉકલ્યો કોયડો જ હતો. એ લોકોની અટક શાહ હોઈ, એનાં માબાપ એને ‘ઢઢૂકશા(હ)’ કહેતાં. એના વડવાઓ સાવરકુંડલાના હતા, જ્યાં એક સમયે મારા દાદા નોકરીઅર્થે રહેતા હતા. એ સમયે પાડોશીદાવે જે સંબંધ કેળવાયેલો, એને આ કુટુંબે સજ્જડભાવે પકડી રાખેલો. હા, હવે એ સંબંધ ઉભયપક્ષી નહીં હોતાં સંપૂર્ણપણે એકપક્ષી બની ગયો હતો.

હું પાલિતાણા જઈ રહ્યો હતો એ જાણીને ઢઢૂક કહે, “ દે તાળ્ળી! હું ય પાલિતાણા જ આવું છું. તું હઈશ એટલે મારે કંપની રહેશે. હોમ સીટીંગ બોર એટલે પપ્પા કહે, ‘વ્હાય નોટ ગો મામા?’ તો મેં કીધું, ‘યા યા ડેડી, આઈ ગો મટુમામા ધીસ ટાઈમ.’ બસ, કપડાં નાખ્યાં થેલામાં ને આઈ કમ પાલિતાણા.”  એ બાપ દીકરો અંગ્રેજો ઉપરની દાઝ અંગ્રેજી ભાષા ઉપર આવા આવા સિતમો કરીને કાઢતા. હું તો હેબતાઈ ગયો. એના થેલા ઉપર નજર નાખતાં ખ્યાલ આવ્યો કે નાખી દેતાં યે આઠ-દસ દિવસ માટે પધરામણી થઈ રહી છે. મારો તો ઘરે જવાનો ઉત્સાહ મરી ગયો. પણ કોઈ જ વિકલ્પ નહોતો, હવે તો વેઠ્યે જ છૂટકો હતો. બસ જેવી પ્લેટફોર્મ ઉપર મૂકાઈ એવો ઢઢૂક પહેલો અંદર દાખલ થઈ ગયો. અલબત્ત, એણે મારી જગ્યા રાખી હતી. હું ત્યાં પહોંચ્યો એટલે મને એણે બારી પાસેની જગ્યા આપી દીધી. મને એમ કે એ મને બહારની બાજુએ બેસાડશે, કારણ કે એની ગૌરવશાળી કૌટુંબિક પ્રથા મુજબ એની ટીકિટ મારે જ લેવાની હતી. એટલે જ્યારે કંડક્ટર ટીકિટ માટે આવે ત્યારે પોતે શાંતિથી બારીની બહાર જોઈને અજાણ રહેવાનો દેખાવ કરી શકે. જો કે એણે તો બહારની બાજુએ બેસીને પણ એવી જ અલિપ્તતા દેખાડી. બસ આગળ વધી અને શિહોરના સ્ટેન્ડ ઉપર પહોંચીને ઉભી રહી. બસની આસપાસ વિવિધ ચીજવસ્તુઓ વેચવા ફેરીયાઓ આવી ગયા. એ સમયે ત્યાંના પેંડા બહુ વખણાતા. એક પેંડાવાળાને જોયો એ ભેગો ઢઢૂક બોલ્યો, “ એલા, હું તો ભૂલી જ ગ્યો! આઈ ટેઈક પેંડા યન્ગ સીસ્ટર ગોપી ( મારી નાનીબહેન)! લે, કામ કર. ઓલ્યા પાંહેથી અઢીસો કેસરવાળા લઈ લે.” મેં ‘હાલે, હવે’ કહેતાં એણે મને તોડી પાડ્યો. “ તે તું એની હામે ખાલી હાથે ખાલી હાથે જાશ્ય? ઈ આટલા વખતે આપણને જોશે ત્યારે આપડે એના હાથમાં કાંક તો મૂકવું ખરું ને? કમ, કમ, બસ ઉપડે ઈ પહેલાં લઈ લે તો.” આમ, એણે પેંડાનો વહીવટ મારી પાસે કરાવી લીધો. હવે એણે મને બારી બાજુએ શાથી બેસવા દીધેલો એનો તાળો મને મળ્યો. જો કે એ મારે માટે જરાય અનપેક્ષિત ન હતું. એનાં મા-બાપ આમ જ મારા વડીલો પાસે અનેક વાર વહીવટ કરાવી ગયાં હોવાની માહીતિ મને હતી જ.

હું ભાવનગરથી નીકળ્યો ત્યારે મારા નિરંજનકાકાએ મારા બાપુજીને આપવા માટે એક અગત્યનો કાગળ આપ્યો હતો. એટલે પાલિતાણા પહોંચી, અમે સીધા એમની બેન્કની એમની ચેમ્બરમાં ગયા. મને જોઈને ખુશ થયેલા બાપુજી ભેગો ઢઢૂકને જોતાં સહેજ વિચલિત તો થઈ ગયા, પણ એમણે એને હસીને આવકારી, એનાં કુટુંબીજનોના ખબર પૂછ્યા. એવામાં ઢઢૂક ખુરશીમાંથી ઉભો થઈ, ટેબલને વટાવી, એમની બાજુએ જવા લાગ્યો. એમણે કહ્યું, ‘ભાઈ, તું ત્યાં જ રહે. હું આ ચોપડામાંના અગત્યના હિસાબો તપાસી રહ્યો છું અને હજી અહીં ફાઉન્ટન પેન જ વપરાય છે, બૉલપેન નહીં.” પહેલાં તો એને કશી ખબર ન પડી હોય એવું લાગ્યું પણ પછી તો એણે મુક્ત અટ્ટહાસ્ય કર્યું. “લે, મામા! તે યુ રીમેમ્બર?” કહીને એણે ફરીથી અટ્ટહાસ્યનો બીજો ફૂવારો વહેતો મૂક્યો. ત્યાં સુધીમાં મને પણ એના બાળપણની એક યાદગાર વાત યાદ આવી ગઈ.

ઢઢૂક ત્રણેક વરસનો હતો ત્યારે એના બાપુજી નામે બચુભાઈ કોઈ કોઈ વાર એમની કચેરીએ આ બાળકને ભેગો લઈ જતા. એમના વિભાગના અધિકારી એમના સગા થતા હોવાથી આ બાબતને એ પોતાનો અને બાળ ઢઢૂકશાનો વિશેષાધિકાર સમજતા. જ્યારે જ્યારે અમારે ઘેર આવે ત્યારે એ ઓફીસમાં ઢઢૂકે કરેલી  લીલાઓનું વર્ણન કરતા. અલબત્ત, આ બધી વાતો મેં વડીલો પાસેથી સાંભળેલી હતી, માણેલી નહીં કારણ કે એ સમયે હું બહુ નાનો હતો. પણ એક યાદગાર બાબત અમારા ઘરમાં વર્ષો પછી પણ યાદ કરાતી રહેતી હતી. બનેલું એવું કે બચુભાઈએ ઢઢૂકને એમના ટેબલ ઉપર બેસાડેલો અને એ તે સમયની કચેરીઓમાં વપરાતો એવો એક મોટો ચોપડો ચીતરી રહ્યા હતા. અચાનક એમને સાહેબનું તેડું આવ્યું એટલે એ ઢઢુકને અને ચોપડાને એ જ અવસ્થામાં મૂકીને સાહેબને મળવા ગયા. એમને પાછા આવતાં વાર લાગતાં એ ત્રણ-સાડાત્રણ વરસના બાળકને નાની-મોટી શંકાઓ જાગવા લાગી. એમાંની એક નાનકડી શંકાનું નિવારણ એણે ત્યાં જ અને એ પણ એવી રીતે કર્યું કે ઓલા ચોપડાને પણ એનો લાભ મળ્યો. તે સમયે ફાઉન્ટન પેન વડે જ લખાતું, બૉલપેન બજારમાં આવી નહોતી. આમ થવાથી બચુભાઈએ એનાં બે ખુલ્લાં પાનાં ઉપર જે કાંઈ લખ્યું હતુ, એ રેલાઈ ગયું. આ ભાગ્યે જ બને એવી બીના કોઈની નજરે પડી એટલે તાત્કાલિક અસરથી બચુભાઈને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. બીજા બધાઓ ઢઢૂકના આ પરાક્રમને લઈને ખડખડાટ હસી રહ્યા હતા. બચુભાઈ પણ મુગ્ધભાવે એ ઓચ્છવકાર્યમાં જોડાઈ ગયા. એટલામાં કોઈ જઈને સાહેબ સુધી આ વાત પહોંચાડી આવ્યું. સ્થળતપાસ માટે ધસી આવેલા સાહેબે બચુભાઈને ફરીવાર ક્યારેય આ ‘નંગ’ને કચેરીએ નહીં લઈ આવવાની કડક સૂચના સાથે તે દિવસ પૂરતા વિદાય કરી દીધા. હજી આજે પણ અમે લોકો આ ઘટનાને યાદ કરીને કોઈ વાર હસી લઈએ છીએ.

ખેર, પછી અમે બાપુજીની ઓફીસેથી ઘેર ગયા. મા અને ગોપીએ એને જોઈને વિવેક બતાડતાં “આવ આવ” કર્યું. એણે હડફ દઈને ગોપીના હાથમાં શિહોરી પેંડાનું પડીકું મૂકતાં કહ્યું, “ગોપાં! અમે ભાઈઓ બ્રીન્ગ યુ સ્પેસીયલ પેંડા, હો!” કોને ખભે બંદૂક ફોડી હતી એની ચોખવટ એણે ન કરી. સાંજે એ થોડો આઘે હતો ત્યારે ગોપી મને કહે, “ઓલી કહેવત છે ને, ‘એક આંખ હસે છે એને બીજી રડે છે’ ઈ મને બરોબર સમજાઈ ગઈ હો, આ તારી હારે ઢઢૂકે ય ખાબક્યો!” બરાબર નવ દિવસ અમને પારાવાર લાભ આપીને ઢઢૂક વિદાય થતી વેળા કહે, “ભાવનગર આવો ત્યારે તમે અમારે ઘેર કોઈ દિ’ આવતાં નથી. હવેની ફેરા ચોક્કસ ને ચોક્કસ આવવાનુ છે હો, નહીંતર વી પીપલ નેવર કમ.” મને થયું કે  “વચન આપ છ?”  એમ પૂછું, પણ મેં મન મારી રાખ્યું.

           —————*—————-*——————-*——————-*——————*—————-

એનું આખ્ખું કુટુંબ આવું જ હતું બધાં જ મૂર્ખ, લુચ્ચાં અને નકરાં સ્વાર્થી! લક્ષણોનું આવું (બિન)ઉમદા સંયોજન અન્યત્ર ક્યાંય જોવા નથી મળ્યું. કોઈ પણ દિવસે સાંજે પતિ-પત્નિ એમનાં ચાર બાળકોને લઈને આવી જાય. માને અને કાકીને મળી, “કાં ભાભી! શું જમાડો છો?” પૂછે અને બધાં જમીને જવાનાં છે એની પ્રચ્છન્ન ઘોષણા કરી દે. હા, ક્યારેય કોઈ સમસ્યા હોય ત્યારે એ લોકો સવારના છ-સાડા છ વાગ્યામાં હૂમલો લઈ આવતાં. બચુભાઈ ચૂપચાપ બાપુજી પાસે કે કાકા પાસે જઈને દયામણે મોઢે ઉભા રહે. પછી એમના હાથમાં ચોક્કસ પ્રમાણમાં મેલનો ઉમેરો થાય અને એ બોલે, “ભાઈ, આ રકમ તમે યાદ રાખજો હો, ચોખ્ખા દૂધે ધોઈને પાછી વાળી દઈશ.” આમ ને આમ વર્ષો વીતી ગયાં પણ એ સમો ક્યારેય ન આવ્યો. જો કે આ ઘોર કળીયુગમાં ક્યાંય, ક્યારેય ચોખ્ખું દૂધ ન મળે એમાં એ બિચારા એ રકમ શી રીતે પાછા વાળે? ઢઢૂકની બા લલિતાબહેન પોતાની જાતને અમારા ઘરની દીકરી ગણાવતાં આમ તો મારે ચાર ફઈઓ હતી, પણ રક્ષાબંધન વખતે એ સૌથી પહેલાં આવી જતાં. અને મોટે ભાગે બેત્રણ વારની ચા તેમ જ બપોરનું ભોજન પાકું કરી લેતાં. એ જ રીતે બેસતા વર્ષે તો સવારના સાડાચાર-પાંચ વાગ્યામાં આવી જતાં. એમનું દેરાસર અમારા ઘરથી બહુ દૂર નહોતું. આથી “બસ, પહેલું માથું ભગવાનને ને પછી તમ મા-માપને જ ટેકવવાનુ.” કહીને દાદી-દાદાને ખુશ કરી દેતાં.

ઢઢૂક ઉમરમાં મારાથી બેએક વર્ષે નાનો હતો અને નિરંજનકાકાના દીકરા વદનથી ચારેક વર્ષે મોટો હતો. એ સમયની ક્રૂર પરિક્ષાપધ્ધતિને લઈને એ ભણવામાં વદનની સાથે થઈ ગયો. જો કે વદનના સદભાગ્યે એ બીજી નિશાળમાં જતો હતો. ઢઢૂકના અભ્યાસકાળનાં શરૂઆતનાં વર્ષોમાં જે દિવસે વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવે એ દિવસે જો સાંજ સુધીમાં એ કુટુંબ હરખની હેલી ઉડાડતું અમારે ઘેર ન આવે તો અમે સમજતા કે વદન ઢઢૂકથી એક પગથિયું વધુ નજીક પહોંચ્યો. લગભગ ચોથા ધોરણથી એ બેય સાથે થઈ ગયા. અમારો વદન ભણવે ખુબ જ તેજસ્વી અને કાયમ પહેલા ત્રણમાં નંબર લાવે. એટલે ઢઢૂકનાં મા-બાપે સમજી લીધું કે હવે તો ‘થાય સરખામણી તો ઉતરતા છીએ’ વાળો ઘાટ થશે. જો કે એમની પાસે દરેક સમસ્યાનો ઉકેલ હાથવગો રહેતો. એ વરસની વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું એ સાંજે એ લોકો ‘”અમારો ઢઢૂકશા તો એકોતેર ટકે પાસ પડ્યો.” કહેતાં ધસી આવ્યાં. વદન તો એક્યાશી ટકાએ અને એના વર્ગમાં બીજે નંબરે પાસ થયો હતો. એટલે ઢઢૂકનાં મા-બાપે પણ આવો ઊંચો દાવો કર્યો હતો. સ્વાભાવીક રીતે જ મને એ લોકોના દાવા ઉપર શંકા પડી. મેં ઢઢૂકનું ગુણપત્રક જોવા માંગ્યું. મારી ગણતરી મુજબ જ એ તો એ લોકો ઉતાવળમાં ઘેર ભૂલીને આવ્યાં હતાં! મેં એક પેંતરો કર્યો. વદનને મારી બાજી સમજાવી દીધી. અમે ઢઢૂકને પ્લોટની પાછળની બાજુએ લઈ ગયા. થોડી વાર આમતેમ વાતો કર્યા પછી વદને એને પૂછ્યું, “તારે સૌથી વધુ માર્ક્સ કયા વિષયમાં આવ્યા?” સરાસરીનો સામાન્ય નિયમ પણ ન જાણતા એ ભોળા બાળે “ગુજરાતીમાં છપ્પન” એમ કહી દીધું. જો કે અમે એને ફોડ ન પાડ્યો કે અન્યત્ર આવો સવાલ પૂછાય તો બાપાએ કરેલા ટકાવારીના દાવા કરતાં બે-ત્રણ માર્ક્સ તો વધારે કહેવા જ પડે! જો કે કહ્યું હોત તો પણ એને સમજાવાનું નહોતું.

             —————*—————-*——————-*——————-*——————*—————-

ઢઢૂકે અને એનાં કુટુંબીઓએ તો અમને એક પુસ્તક ભરાય એટલા ભૂલી જવાલાયક ‘યાદગાર’ અનુભવો પૂરા પાડ્યા છે. દાદાના સમયની મૈત્રી અને મારાં કાકી-કાકા તેમ જ મા-બાપની સહનશીલતાનો એ કુટુંબે ભરપૂર લાભ ઉઠાવ્યો. મારા બાપુજીની નોકરી બદલીપાત્ર હતી. એ લોકો જે તે ગામમાં જઈને ગોઠવાતાં હોય, એવામાં તો એ છ ખાબક્યાં જ હોય. એ ઉપરાંત અચાનક જ એ લોકોમાંનાં એકાદ બે જણાં આવી પડે એ તો જુદું. હું હોસ્ટેલમાં રહેતો હોવાથી મોટા ભાગે આવા હૂમલાઓથી બચી જતો. પણ ઉપર વાત કરી એમ ઢઢૂકની પાલિતાણા મુલાકાત વખતે હું ય ઝડપાઈ ગયેલો. આવા અનેક પ્રસંગો થકી અમારી પેઢીના સભ્યો એમનાથી ત્રાસી ગયા હતા. અમે બહેન-ભાઈઓ ઢઢૂકને અને એનાં ભાંડુઓને અવગણવાના બનતા પ્રયાસો કર્યા કરતાં. જો કે એ ચાર અને એમનાં મા-બાપ તો જાણે એ અમારાં ખૂબ લાડકાં હોય એમ જ ઠસાવતાં રહેતાં. અમારા ઘરે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, એ બધાં અચૂક હાજર થઈ જતાં. શરૂઆતમાં તો અમે બાળવર્ગ હેબતાઈ જતાં પણ પછી તો એ લોકોને કેવી રીતે ફૂટાડવાં એની યોજનાઓ કરવા માંડેલાં! જો કે અમારાં દાદી-દાદા અને મા-બાપોના ડારાને લઈને એવી યોજનાઓ  ક્યારેય અમલમાં ન મૂકી શકાતી એ જુદી વાત છે. છાનાછપના એ ચાર પૈકીના એકાદ-બે સંતાનને ચોંટીયો ભરી લેવાથી વિશેષ અમે કશું જ ન કરી શકતાં. અમારા કુટુંબના નાના-મોટા બધા જ સમારંભોમાં પણ એ લોકો હોય એ સમજ્યા, પણ ક્યારેક તો અમે ઘરમેળે આઈસક્રીમ-બટેટાવડાંની પાર્ટી કરીએ એમાં પણ હાજર થઈ જ જાય. મને પહેલાં તો થતું કે આ લોકો અમારા ઘરનાં આવાં નાનકડાં આયોજનો વિશે કેવી રીતે જાણી જતા હશે! પણ પછી બહોળા અનુભવે ખ્યાલ આવ્યો કે એ બધાં આટલાં નિયમિત આવતાં રહેતાં હતાં કે અમે પાર્ટી ગોઠવી હોય ત્યારે પણ સંભવિતતાના નિયમ મુજબ એ લોકો ભળી જતાં હતાં.

           —————*—————-*——————-*——————-*——————*—————-

એક શુભ ઘડીએ ઢઢૂક મેટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર થયો. એ સાંજે જ આખ્ખું ક્ટુંબ અમારે ઘેર ધસી આવ્યું. ઢઢૂકની બાએ રસોડામાં જઈને કહી દીધું, “ભાભી, આજે તો નકરાં બટેટાવડાં હો, આપડો ઢઢૂકશા પાસ પડ્યો શ.” અમારા હિસાબે થયેલી ‘પાલ્ટી’ પછી એના બાપાએ હવે ઢઢૂકે કઈ લાઈન લેવી જોઈએ એની ચર્ચા ચાલુ કરી. શબ્દશ: તો નહીં, પણ જે યાદ છે એ લખું છું. “ઢઢૂક કેરીયર મસ્ટ. ઈ તો કોઈ પણ લાઈન ભણી લેશે, પણ જુઓ. આપડા પીયૂષ ને વદન સાયન્સ સ્ટડી. તેમની જેમ ઢઢૂક સાયન્સ ભણીને વોટ હેપન? અમારો જગદીશ કૉમર્સ ભણ્યો. હી જસ્ટ બેન્ક! એના કરતાં હું તો ટેલ ઢઢૂકશા કે તું આર્ટ્સ લઈને બી.એ. થા અને પછી યુ કલેક્ટર બીકમ !.”  એ સમયે અમારો આઠેક વરસનો ભાઈ ધ્રુવ પણ એટલું સમજતો થઈ ગયો હતો કે ‘કલેક્ટર બીકમ’ માટે કેવાં ખાંડાં ખેલવાં પડે. જ્યારે આ સજ્જન એમ માનીને બેઠા હતા કે એમનો ઢઢૂક ‘બી. એ. બીકમ’ અને પછી કલેક્ટર થઈ જાય! એ લોકો ગયાં એ ભેગો ધ્રુવ બોલ્યો, “ઈ તો ટૉકીઝનો ટીકિટ કલેક્ટર થાય તો ય ઘણું!” એ સમયે ધ્રુવના ગળામાં કોઈ આર્ષદ્રષ્ટા બિરાજ્યા હોવા જોઈએ, કેમ કે એક વાર ઢઢૂકની કૉલેજના કાર્યક્રમમાં એના સાહેબોએ એને દરવાજા ઉપર પાસ ઉઘરાવવા ઉભો રાખવામાં આવ્યો હતો. 

           —————*—————-*——————-*——————-*——————*—————-

એક વધુ મજેદાર કિસ્સો વહેંચું. એ પૂરું કુટુંબ લાભપાંચમના દિવસે પંદર દિવસ માટે યાત્રાપ્રવાસમાં જવાનું હતું. આવી મૂક્તિનો ખ્યાલ આવતાં અમારા ઘરમાં ઉમંગ ઉમંગ છવાઈ ગયેલો. એવામાં તો ચોથને દિવસે વહેલી સવારે એ પતિ-પત્નિ અમારે ઘરે આવી ગયાં. ઢઢૂકની બા મારી દાદી પાસે જઈને ધ્રુસ્કે ચડી ગયાં. બચુભાઈ સ્થિતપ્રજ્ઞ ભાવે બેસી જ રહ્યા. બરાબર રોઈ લીધાનો સંતોષ થયો એટલે એણે કહ્યું,  “ભગવાને પથરો પેટે દીધો શ. અમારે જવાનો દિ’ આવ્યો ને મારો ઓલ્યો @#$%ં&*@# ઢઢૂકડો પગે કૂતરું કરડાવીને આવ્યો સ. હવે એના બાપાના ખીસામાં પાંચની નોટેય ન મળે. હંધાય જાત્રામાં ભરીને બેઠો સ અક્કરમી! તે હવે ઈન્જીસનના પૈશા કોણ, એનો બાપ દેશે? ને વળી જાતરાનું પૂણ્યેય ગ્યું. ” બચુભાઈ તો પોતાને વિશે બહુ આનંદદાયી ન કહેવાય એવા શબ્દો પણ નિર્લેપભાવે વેઠી રહ્યા હતા. ખેર, વાતનું હાર્દ સમજી ગયેલા મારા નિરંજનકાકાએ ઉભા થઈને એમના હાથમાં પચાસ રૂપીયા મૂક્યા ( આ સને ૧૯૭૦ આસપાસની વાત છે.). બસ, તખતો બદલાઈ ગયો. “લ્યો હાલો, હાલો ભાભી! ચા પાઈ દ્યો. ઘેર જઈને ઓલ્યા *+*&%#@ને દવાખાને લઈ જવાનો શ. કોને ખબર, ક્યારે પાછી પોગીશ અને રાંધણાં રાંધીશ. ને ભાઈ, એક દસનું પત્તું વધારે દઈ દ્યો, આજે રીક્ષા કરીને ઘેર જવાનું છે. વધેલા પૈશામાંથી તમારાં ભાણેજડાંઓને ભાગ અપાવીશ. અને હા, આ બધ્ધેબધ્ધા પૈશા ચોખ્ખા દૂધથી …………” ! એ ભોળાં સન્નારી એ નહોતાં જાણતાં કે અમે તો જાણતા જ હતા કે એ જાતરા તો કોઈ મોટી પેઢીના માલિકે પ્રયોજિત કરેલી અને એમાં જોડાનારાંઓએ કોઈ જ ચૂકવણું કરવાનું નહોતું. હા, એ દિવસે બચુભાઈ મૌન જ રહ્યા હતા એમાં અમારા અંગ્રેજીમાં કચાશ રહી ગઈ.

મને કુતુહલ એ બાબતે હતું કે ઢઢૂક જેવા બીકણને કૂતરું ક્યાંથી કરડી ગયું! બીજે જ એની ખબર કાઢવાને બહાને હું એને ઘેર પહોંચી ગયો. અને જે કહાણી જાણવા મળી એ અમને કુટુંબીઓને હજીયે ક્યારેક યાદોની મનોરંજક ગલીમાં લઈ જાય છે. બન્યું એવું કે એ કોઈ મિત્રને મળવા બચુભાઈની સાઇકલ લઈને ગયેલો. વળતાં એની પાછળ કૂતરાં પડ્યાં. બચવા માટે એણે સાઇકલ જલ્દી ભગાવી. વળી થોડી થોડી વારે પાછળ પણ જોતો જાય કે હજી કૂતરાં આવે છે કે નહીં. આ ગતિવીધિમાં અચાનક એની સાઇકલ રસ્તાની કોરે ઉભેલી એક લારી સાથે ભટકાઈ અને એ ભેગો ઢઢૂક ઉછળીને એ લારીમાં ઉંધે માથે પડ્યો. યોગાનુયોગે ત્યાંથી જ રસ્તાના ઢાળનું ઉતરાણ ચાલુ થતું હતું. આથી ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ લારી ગતિમાં આવી ગઈ! અંદર ઢઢૂક એવી રીતે પડેલો કે એના પગ લારીની બહાર લટકતા રહ્યા. કૂતરાંએ પોતાની ગતિ વધારી અને એમાંનું એક દોડતું દોડતું કૂદીને ઢઢૂક્ના લારીની બહાર લટકતા પગે ટીંગાઈ ગયું. ત્યાં મજબૂત પકડ જમાવીને થોડું અંતર ટીંગાઈ રહ્યા પછી એ પગને બટકું ભરીને છૂટું પડ્યું! એવામાં રોડનો છેડો આવતાં લારી ત્યાં આવેલી ભીંત સાથે ભટકાઈને ઉભી રહી ગઈ. એ સાથે જ ઢઢૂક ઉલળીને લારીની બહાર પડ્યો. જો કે એના સદનસીબે એને લીધે બહુ વાગ્યું નહીં. આ ઘટનાના જોનારાઓમાંના એકે ઢઢૂકને આગળ પડેલી એની સાઇકલ લાવી આપી. માંડ માંડ સાઇકલ ખેંચતો અને રોતોરોતો એ લોહી નીતરતા ઘાયલ પગે ઘરે પહોંચ્યો ત્યારે એની બાને જાતરા કેન્સલ થયાનો આંચકો અને તે ઉપરાંત સાઇકલને થયેલા નૂકસાનનો એટલો વસવસો થયો કે ઢઢૂકને તો પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ થયો. કૂતરું કરડ્યાની પીડા વેઠ્યા ઉપરાંત એની બાએ એને સખત ધીબેડી નાખ્યો. આ બધી વાતો ઢઢૂકની બા જ કરતાં હતાં એ તો વચ્ચે વચ્ચે માત્ર ‘ડોગ કટ’ , ‘ડોગ કટ’ એટલો જ સૂર પૂરવતો રહ્યો. મેં એની બાને કહ્યું કે આવી પીડા લઈને ઘેર આવનારા દીકરાને મારવાનો હોય? એ બોલ્યાં, “જો ભાઈ! ઈ વાતે જીવ તો બહુયે ય બળે સ. પણ જો, આજે પ્રાશ્ચીત. અત્યારે આ બધાંને બટેટાવડાં ને ભજીયાં પીરસવાની સું.” મને આશા જાગી કે મને થોડાં ભજીયાં ચાખીને જવા કહેશે, પણ એ તો આકાશકુસુમવત્  હતું કે એમના ઘેરથી કોઈનેયને કાંઈ પણ આરોગીને જવાની દરખાસ્ત મળે. બસ, હું છેલ્લી વાર એમને ઘેર ૧૯૭૦ના નવેમ્બર મહિનામાં ગયો હોઈશ. આ બાબતની સુવર્ણજયંતિ ઉજવવા શું કરવું જોઈએ? કોઈ મિત્રની પાસેથી ‘ચોખ્ખા દૂધથી ધોઈને પૈસા દઈ દેવાના’ વાયદાઓ કરતા રહી, ઉધાર લેતો થઈ જાઉં કે?

હું અમદાવાદ સ્થાયી થયો પછી બે-ત્રણ વાર એ કુટુંબે અમને લાભ(!) આપ્યો છે. પછી આસ્તે આસ્તે એ બધાંને ખ્યાલ આવતો ગયો કે મારાં મા-બાપ પાસે ચાલી એવી ભક્તિ મારી પાસે નહીં ચાલે. હવે ઢઢૂક ભાવનગરમાં મારા માટે “ઈ તો હાવ અમદાવાદી થઈ ગ્યો શ.” એવાં પ્રશંસાવાક્યો વહેતાં મૂકતો રહે છે, પણ મારે નિરાંત થઈ ગઈ છે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

3 thoughts on “ગુજરે હૈ હમ કહાં કહાંસે (૧૭) ઢઢૂક

  1. આવાં ઢઢૂક ઠેરઠેર મળી આવે,ભ ઈલા! બહુ લગાડવું નહીં. માત્ર
    ફૂટાડવાના અવનવા રસ્તા શોધ્યે રાખવા,આપણે ય તે!

  2. એક એકથી ચઢિયાતાં પાત્રો સાથે અમારો પણ ખુબ અંતરંગ પરિચય કેળવાતો જાય છે.

    આવાં પાત્રો તો ન ભુલાય, પણ તેમની બધી વાતો પણ જાણે ગઈ કાલે જ બની હોય એમ કડીબંધ યાદ હોય તે તો ખરેખર અદ્‍ભૂત જ છે.

    પિયૂષભાઈની યાદદાસ્ત અને તેમને આટલી બધી જીવંત રજૂ કરી શકતી કલમને જેટલાં બીરદાવીએ એટલાં ઓછાં છે.

Leave a Reply

Your email address will not be published.