ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૫: કોંગ્રેસ સત્તા સંભાળે છે અને છોડે છે

દીપક ધોળકિયા

કોંગ્રેસે ચૂંટણી જીતી ગયા પછી પણ નક્કી નહોતું કર્યું કે સત્તા સંભાળવી કે કેમ. જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને ડાબેરી કોંગ્રેસીઓ સત્તા હાથમાં લેવાથી વિરુદ્ધ હતા. એમનું કહેવું હતું કે સત્તા સંભાળ્યા પછી આંદોલનો ન થઈ શકે અને કોંગ્રેસ આંદોલન કરે તો પ્રાંતની કોંગ્રેસ સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એને દબાવી દેવું પડે. આમ થાય તો એક બાજુથી સત્તાનો મોહ લાગે અને બીજી બાજુથી કોંગ્રેસની ક્રાન્તિકારી સંભાવનાઓનો અંત આવી જાય. બીજી બાજુ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભભાઈ પટેલ વગેરે નેતાઓ એમ માનતા હતા કે આટલી મોટી જીત મળ્યા પછી કોંગ્રેસ સત્તા ન સંભાળે તો એ લોકોનો દ્રોહ ગણાય અને કોંગ્રેસ જે કહેતી આવી છે તે કરી દેખાડવા માટે સત્તા હાથમાં લેવી જ પડે, એમનું એ પણ કહેવું હતું કે પોતાની જ સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની જરૂર જ ઊભી ન થાય.

જવાહરલાલ જૂના ‘ફેરવાદી’  (પ્રો-ચેન્જર્સ એટલે કે ધારાગૃહમાં જવાના હિમાયતીઓ, મોતીલાલ નહેરુ વગેરે) અને ‘ના-ફેરવાદી’ (નો-ચેન્જર્સ, માત્ર બહાર રહીને આંદોલન કરવાના હિમાયતીઓ, જવાહરલાલ પોતે, સુભાષબાબુ વગેરે) ઝઘડાને યાદ કરીને કહેતા હતા કે સરકાર બનાવવી તે એના જેવું જ છે. પરંતુ રાજેન્દ્રબાબુએ એમને પત્ર લખીને પોતાનો પક્ષ સમજાવ્યો કે સરકારો બનાવવી જોઈએ એમ કહેનારા પણ આંદોલનકારીઓ છે અને સરકાર બનાવીને આ બંધારણને ટેકો

 આપવાનો તો કોઈનો હેતુ નહોતો. સરકાર બનાવવી એ આ તબક્કે કોંગ્રેસ માટે જરૂરી છે.

આના પછી ૧૯૩૭ની બીજી જુલાઈએ નહેરુ ગાંધીજી સાથે આ બાબતમાં ચર્ચા કરવા માટે સેગાંવ (સેવાગ્રામ) ગયા.  ગાંધીજી પોતે પણ એમ માનતા હતા કે સત્તા હાથમાં આવતાં કોંગ્રેસ સંઘર્ષનો જુસ્સો ખોઈ દેશે. પરંતુ નહેરુ સાથેની વાતચીતમાં એમણે બધી બાજુનો વિચાર કર્યો અને પ્રાંતોમાં સરકારો બનાવવાની સલાહ આપી. નહેરુએ ત્યાંથી પાછા આવીને નિવેદન કર્યુઃ  સત્તા સંભાળવી એનો રજમાત્ર અર્થ પણ એવો નથી કે ગુલામ બંધારણ સ્વીકારવું. એનો અર્થ એટલો છે કે જે ફેડરેશન ઠોકી બેસાડવામાં આવશે તેની સામે ઍસેમ્બ્લીઓમાં રહીને અને બહારથી લડત આપવી. આપણે હવે એક નવું ડગલું ભરીએ છીએ, એમાં અમુક જવાબદારીઓ છે અને અમુક જોખમો પણ છે. પરંતુ આપણે આપણા ધ્યેયને વફાદાર રહેશું તો જોખમોને ટાળી શકીશું.”

ગાંધીજીએ પણ કોંગ્રેસીઓને સલાહ આપી કે ખુરશી મળી છે તો એના પર Tightly નહીં પણ Lightly બેસવાનું છે!

તે પછી  મુંબઈ, મદ્રાસ, યુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, બિહાર અને ઓરિસ્સામાં કોંગ્રેસી પ્રધાનમંડળોએ સત્તા સંભાળી. થોડા વખત પછી વાયવ્ય સરહદ પ્રાંત અને આસામમાં પણ કોંગ્રેસે પોતાની સરકારો બનાવી. પંજાબમાં સિકંદર હયાત ખાનની યુનિયનિસ્ટ પાર્ટીની સરકાર બની, તો બંગાળમાં ફઝલુલ હક્કની કૃષક પ્રજા પાર્ટી અને મુસ્લિમ લીગે સાથે મળીને સરકાર બનાવી. સિંધમાં મુસ્લિમ યુનાઇટેડ પાર્ટીને સૌથી વધારે સીટો મળી પણ સ્પષ્ટ બહુમતી નહોતી. પણ એને સરકાર બનાવવાનું આમંત્રણ મળતાં બીજા બે મુસ્લિમ પક્ષોમાંથી ઘણા સભ્યો પક્ષપલ્ટો કરીને એમાં જોડાઈ ગયા. મુસ્લિમ લીગ એક પણ પ્રાંતમાં સરકાર ન બનાવી શકી.

પ્રાંતોમાં કોંગ્રેસની સરકારો બનતાં લોકોમાં વિજયના આનંદની લહેર વ્યાપી ગઈ. લોકોનો ઉત્સાહ વધ્યો અને હવે તો આઝાદી માટે કંઈ પણ કરવાનું જોશ વધ્યું. આમ નહેરુ–સુભાષ અને બધા ડાબેરીઓ માનતા હતા તેનાથી ઉલટી અસર થઈ. માત્ર પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી પાછળ બ્રિટિશ સરકારનો હેતુ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરની શક્તિને પ્રાંતોમાં વિભાજિત કરી નાખવાનો હતો પણ કોંગ્રેસ એના મુકાબલા માટે તૈયાર હતી. એણે  બધા પ્રાંતોના પ્રીમિયરોને માર્ગદર્શન આપવા માટે પોતાના પાર્લામેંટરી બોર્ડમાં જ એક પેટા સમિતિ બનાવી અને એમાં સરદાર પટેલ, મૌલાના આઝાદ અને રાજેન્દ્ર પ્રસાદને આ જવાબદારી સોંપી. પ્રાંતોમાં સરકાર અને કેન્દ્રમાં વિરોધી, એવી બેવડી ભૂમિકા હવે કોંગ્રેસે નિભાવવાની હતી એટલે એ સંઘર્ષ – સંધિ – સંઘર્ષ (Struggle-Truce-Struggle, STS)ના નવા જ પ્રયોગને માર્ગે ચડી.

કોંગ્રેસી પ્રધાનમંડળોએ આવતાંવેંત બધા રાજકીય કેદીઓને છોડી મૂકવાનો હુકમ આપ્યો.  ૧૯૩૨માં ગવર્નરોને અસાધારણ સત્તાઓ મળી હતી અને એમણે ઘણાં સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધા હતા. નવી સરકારોએ આ બધા જ કાનૂનો રદ કર્યા. પ્રધાનોના પગારો પણ માસિક બે હજાર રૂપિયામાંથી પાંચસો રૂપિયા કરી નાખ્યા. ખેડૂતો અને કામદારોને રાહત આપવાના કાયદા પણ બનાવ્યા.  ગણોતિયાઓના હકોનું રક્ષણ કરવાના કાયદાઓ સારા હતા. એ જ રીતે, કામદારોનાં વેતન પણ વધાર્યાં અને ઇંડસ્ટ્રિઅલ ડિસ્પ્યુટ ઍક્ટ પણ બનાવ્યો. શિક્ષણનું સ્તર સુધારવાનાં પગલાં પણ લીધાં.

પહેલાં સત્તાના સિંહાસન જેવા ગણાતા સેક્રેટરિએટમાં જવાની કોઈની હિંમત નહોતી થતી, હવે લોકોની સરકાર હતી એટલે ત્યાં સામાન્ય જનતાની ભીડ થવા લાગી. લોકોને આ સરકારમાં એવું પોતાપણું લાગતું કે પ્રધાનોના બંધ રૂમો ખોલીને એમાં પ્રધાન બેઠા છે કે નહીં તે જોવા ડોકિયું કરી લેતા! પોલીસવાળા અને સિક્યોરિટી ગાર્ડ હાથ ઘસતા બેસી રહેતા. અંગ્રેજી લેબાસ પણ અદૃશ્ય થઈ ગયો હતો, બધી જગ્યાએ ખાદીધારીઓ જોવા મળતા હતા. આ મનોવૈજ્ઞાનિક પરિવર્તન નાનું નહોતું. આ સરકારો પાસે સત્તા બહુ ઓછી હતી, અને જે હતી તે પણ વાઇસરૉય ક્યારે પાછી ખેંચી લે તે કહી શકવાની સ્થિતિમાં કોઈ નહોતું. બીજી બાજુ બંગાળમાં ફઝલૂલ હકની સરકાર રાજકીય કેદીઓને છોડવાનાં  ગલ્લાંતલ્લાં કરતી હતી, એની સામે શરત ચંદ્ર બોઝે મોટું આંદોલન કરવાની ધમકી આપી. પંજાબમાં પણ લગભગ એ જ સ્થિતિ રહી અને દમન પણ ચાલુ રહ્યું તે એટલે સુધી કે સરકાર સામે લોકોનો રોષ પણ ભભૂકી ઊઠ્યો. લોકો સરકારને અંગ્રેજ હકુમતની દલાલ માનતા હતા.

પરંતુ કોંગ્રેસ સરકારોનાં બધાં કામો સારાં ન રહ્યાં.  મુંબઈમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી ગૃહ પ્રધાન હતા. એમણે ઉદ્દામવાદી કોંગ્રેસીઓ પાછળ સી. આઈ. ડી. લગાડી દીધી. નહેરુને આ સમાચાર મળતાં એમણે મુનશીને કહ્યું કે આપણે પોલીસને હટાવવા માગતા હતા, પણ તમે પોતે પોલીસ બની ગયા!”  કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા યુસુફ મહેર અલીએ મદ્રાસમાં ભાષણ કર્યું તો રાજગોપાલાચારીની સરકારે એમને પકડી લીધા. એમને તો તરત છોડી મૂક્યા પણ બીજા કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા એસ. એસ. બાટલીવાલાની સામે રાજદ્રોહનો કેસ ચલાવીને છ મહિનાની સજા કરી. રાજગોપાલાચારીની આ માટે ભારે ટીકા થઈ. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ ત્યારે જવાહરલાલે રાજાજીને પૂછ્યું કે “હું આવું અને ભાષણ કરું તો તમે મને પણ પકડી લેશો?” રાજાજીએ જવાબ આપ્યો, “જરૂર પકડી લઈશ”. જો કે બાટલીવાલાને તો એમણે તરત છોડી મૂક્યા અને એ પણ મદ્રાસ પ્રાંતમાં ઠેરઠેર ફરીને એવાં જ ભાષણો કરતા રહ્યા, પરંતુ આ બનાવ સૂચક હતો કે જમણેરીઓ પોતાને ખરેખર સત્તાધીશ માનવા લાગ્યા હતા. કોંગ્રેસના આંદોલનને કચડી નાખતાં એમને જરાયે સંકોચ થાય એમ નહોતો. સરકારો બનાવવાનો કોંગ્રેસનો હેતુ એ નહોતો.

બીજું જ્યાં કોંગ્રેસની સરકારો બની ત્યાં ઊપલું ગૃહ પણ હતું. નીચલા ગૃહે મંજૂર કરેલો નિર્ણય ઉપલા ગૃહમાં રૂઢિચુસ્તોનું જોર હોવાથી  કાયદાનું રૂપ લઈ શકતો નહોતો. વળી કોંગ્રેસનું મુખ્ય ધ્યેય તો જનતાની વચ્ચે રહીને આંદોલન ચલાવવાનું હતું.

હવે સરકાર બનાવવાના ફાયદાની જગ્યાએ ગેરફાયદા વધારે દેખાવા લાગ્યા હતા. અંતે ૧૯૩૯માં ગાંધીજીએ પણ પ્રધાન મંડળો રાજીનામાં આપી દે એવું સૂચન કર્યું. ૧૯૩૯માં કોંગ્રેસના આ પ્રયોગનો પણ અંત આવ્યો અને પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં.

૦૦૦

  1. The Indian Annual Register-July-Dec 1937 Vol. II
  2. A Centenary History of the Indian National Congress Vol. India’s Struggle for Freedom –Bipan Chandra.

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published.