ફિર દેખો યારોં : મહાકાય જીવ નજાકતથી જળવાય ત્યારે…

બીરેન કોઠારી

કેટલાકને હજી યાદ હશે કે ત્રણેક મહિના અગાઉ કેરળમાં એક હાથણીના અપમૃત્યુના સમાચાર આવ્યા હતા અને સર્વત્ર આક્રોશ, ધિક્કાર તેમ જ ક્રોધનો માહોલ વ્યાપી ગયો હતો. રાબેતા મુજબ અજાણ્યા હત્યારાઓ પર ફિટકાર વરસાવાયો હતો, દુર્ઘટનાને કોમી રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો, અને આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ પણ થયો હતો. એ પછી રાબેતા મુજબ બધું વિસરાઈ ગયું હતું. તાજેતરમાં કેરળના હાથી જુદા કારણસર સમાચારમાં છે, અને એ કારણ જાણીને રાજીપો થાય એમ છે.

અગાઉ આસામમાં હાથીઓના એક અભયારણ્યમાં અને બીજા કોરિડોરના વિસ્તારમાં ખનનકામ અને રિફાઈનરીનું વિસ્તરણ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. એ બન્ને ઘટનાઓ વિશે આ કટારમાં ત્રણેક મહિના અગાઉ જણાવાયું હતું.

દક્ષિણ ભારતનાં કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં થઈને દેશની કુલ સંખ્યાના 44 ટકા હાથીઓની વસતિ છે. આ હાથીઓ આંતરરાજ્ય અવરજવર વિવિધ માર્ગે નિયમીતપણે કરતા હોય છે. હાથીઓની અવરજવરનો આવો એક મહત્ત્વનો માર્ગ કેરળનો તિરુનેલ્લીઓ- કુદ્રાકોટ માર્ગ (કૉરિડોર) છે, જે કેરળના વાયનાડ જિલ્લામાં આવેલો છે. ‘વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઑફ ઈન્‍ડિયા’ (ડબલ્યુ.ટી.એફ.) દ્વારા તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આ માર્ગને ચાર વર્ષ અગાઉ રક્ષિત કરવામાં આવ્યો હતો, જેનું હકારાત્મક પરિણામ હવે જોવા મળી રહ્યું છે. કેરળ, કર્ણાટક અને તમિલનાડુના ત્રિભેટે આવેલા, 2200 એકરના વિસ્તારમાંથી 37 એકર વિસ્તારને રક્ષિત કરવામાં આવ્યો, જેથી કૉરિડોરને ખલેલ ન પહોંચે, કેમ કે, આ માર્ગે આશરે 6,500 હાથીઓની અવરજવર રહેતી હોવાનો અંદાજ છે.

‘વિકાસ’ના ભાગરૂપે આવા કૉરિડોર વિભાજીત થઈ જાય તો તેની સીધી અસર હાથીઓની સંખ્યા પર પડે છે. હાથીઓ સ્થળાંતર કરી શકતા નથી. આ બાબત તેમના પ્રજનનમાં અવરોધરૂપ બને છે. પુખ્ત વયના ભારતીય હાથીનું વજન 4 થી 5 હજાર કિ.ગ્રા. હોય છે. ‘બ્રિટાનીકા’ અનુસાર, પુખ્ત વયના હાથીની રોજિંદી જરૂરિયાત સો કિ.ગ્રા. ખોરાક અને સો લિટર પાણીની હોય છે. સંપૂર્ણ તૃણાહારી હોવાને કારણે હાથીએ ખોરાક અને પાણીની શોધમાં, મોસમ મુજબ સતત સ્થળાંતર કરતા રહેવું પડે છે. આને કારણે તેમના સ્થળાંતર માર્ગ એટલે કે કૉરિડોરનું આગવું મહત્ત્વ છે.

ડબલ્યુ.ટી.એફ.ના સહયોગમાં કેરળ સરકાર ઉપરાંત ‘એલિફન્‍ટ ફેમીલી’, ‘વર્લ્ડ લૅન્‍ડ ટ્રસ્ટ’ અને ‘નેશનલ કમિટી ઑફ ધ નેધરલૅન્‍ડ્સ’ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ મળીને પંદરેક વર્ષ અગાઉ આ આખો પ્રકલ્પ તૈયાર કર્યો હતો અને અનેકવિધ પાસાંઓ વિચારીને તેનું અમલીકરણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

આ આખા પ્રકલ્પમાં સૌથી અગત્યનું પાસું હતું આ વિસ્તારમાંના રહીશોના પુન:સ્થાપનનું. આ રહીશોમાંથી જે પુન:સ્થાપિત થવા તૈયાર હતા તેમને યોગ્ય વળતર સાથે પુન:સ્થાપિત કરાયા, અને જે લોકો ત્યાં જ રહેવા ઈચ્છતા હતા એમને ત્યાંના ત્યાં જ રખાયા. પુન:સ્થાપનનું સ્થળ પણ ગ્રામજનો સાથે ચર્ચા કરીને, આ કૉરિડોરની બહાર, તેમની પસંદગી અનુસારનું નક્કી કરવામાં આવ્યું. નવા સ્થળે જમીનની માપણી, જરૂરી આવાસસુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી અને આ બધું લાભાર્થીઓને વિશ્વાસમાં લઈને કરવામાં આવ્યું. આને કારણે આ આખું અભિયાન બહુ સફળતાપૂર્વક પાર પડી શક્યું, અને રહીશો પણ હાથીઓના સંવર્ધન માટે પોતાનું પ્રદાન આપવા તૈયાર થયા. આ રહીશોએ પોતાની જીવનશૈલી અને આજીવિકાના સ્રોતમાં ખાસ ફેરફાર કરવા ન પડે એ બાબત ધ્યાનમાં લેવામાં આવી. બળજબરીને સ્થાને વિશ્વાસ અને સમજણપૂર્વક કામ લેવામાં આવ્યું અને એ રીતે કુલ ૩૭ પરિવારો પાસેથી ૨૫.૩ એકર જમીન હસ્તગત કરવામાં આવી.

દિન બ દિન જંગલનો વિસ્તાર ઠેરઠેર સંકોચાઈ રહ્યો છે અને તેની સીધી અસર હાથી સહિતના અનેક વન્ય જીવો પર પડી રહી છે. આના પરિણામરૂપે માનવ-પશુ સંઘર્ષના બનાવોમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. એક અંદાજ અનુસાર હાથી અને માનવના સંઘર્ષને લઈને આપણા દેશમાં વરસેદહાડે 450 લોકો મૃત્યુ પામે છે, જ્યારે માનવ-પશુ સંઘર્ષને લઈને પાંચેક લાખ પરિવારો અસરગ્રસ્ત બને છે. સોએક જેટલા હાથીઓ પણ આ ટક્કરમાં મૃત્યુને ભેટે છે. ૮ થી ૧૦ લાખ હેક્ટર જમીનના પાકને હાથીઓ નુકસાન પહોંચાડે છે. જંગલનો વિસ્તાર સંકોચાઈ રહ્યો હોવાનું કારણ કંઈ દૈવી નથી કે તે ન સમજાય. માનવની વિકાસદોડના પ્રતાપે આમ થઈ રહ્યું છે, અને વિવિધ પક્ષોની નીતિ પણ વિકાસને પ્રાધાન્ય આપવાની રહેતી આવી છે.

આવી સ્થિતિમાં આ પ્રકલ્પે સીમાચિહ્નરૂપ કહી શકાય એવું કામ પાર પાડ્યું છે, એ વાતે બેમત ન હોઈ શકે. વાયનાડ વન્યપશુ અભયારણ્યમાં હાથી ઉપરાંત વાઘ, રીંછ, દીપડા સહિત બીજી 45 સસ્તન તેમજ ૨૨૭ જેટલી પક્ષીની પ્રજાતિઓ છે. આ સંજોગોમાં આ કૉરિડોરની જાળવણીને કારણે આ તમામ પ્રજાતિઓ પર તેની વિપરીત અસર થતી અટકશે. આ તો હજી એક જ કૉરિડોરના સંવર્ધનનું પરિણામ છે. દક્ષિણ ભારતમાં માત્ર હાથીઓના જ આવા ૨૮ કૉરિડોર આવેલા છે, જેના થકી આશરે ૧૪,૬૧૨ જેટલા હાથીઓ સ્થળાંતર કરતા રહે છે. દેશભરમાં આવા ૧૦૧ કૉરિડોર થકી હાથીઓની અવરજવર થતી રહે છે. બે વરસ અગાઉ સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની એક યાચિકાને પગલે તમિલનાડુ સરકારને એક આદેશ આપ્યો હતો. એ મુજબ હાથીઓના કૉરિડોરમાં આવતી ૩૯ હોટેલો અને રિસોર્ટને ૪૮ કલાકની મુદતમાં તાળાં મારવા જણાવાયું હતું.

એક તરફ હાથીઓના સંવર્ધન માટે આવા પ્રયત્નો કરવામાં આવે, અને બીજી તરફ વિકાસના નામે જંગલમાં આડેધડ પરવાનગીઓ આપી આપીને વન્યસંપદાની સાથે સાથે વન્યજીવ સંપદાનો વિનાશ પણ સુનિશ્ચિત કરવામાં આવે ત્યારે સરવાળે પલ્લું આપણા વિનાશની તરફેણમાં જ નમે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૯-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.