બાળવાર્તાઓ : ૨૦ – અનુજ, મેઘલ અને બિલાડી

પુષ્પા અંતાણી

અનુજ હોમવર્ક પતાવીને સોસાયટીમાં મિત્રો સાથે રમવા માટે બહાર આવ્યો. આકાશ ઘેરાયેલું હતું. એ ખુશ થઈ ગયો, વરસાદ પડશે તો નાહવાની બહુ મજા આવશે. એ એની સાઇકલ લઈને રમવા જતો હતો ત્યાં એની નજર એક બિલાડી પર પડી. બિલાડીના મોઢામાં એનું બચ્ચું હતું. એ દોડતી દોડતી સામે ચણાઈ રહેલા બંગલામાં ઘૂસી ગઈ. હમણાં એ ઘરમાં કામ બંધ હતું. અનુજ કુતૂહલથી એ બાજુ જોવા લાગ્યો. એટલામાં એનો મોટો ભાઈ મેઘલ ટ્યુશન ક્લાસમાંથી આવ્યો.

અનુજે મેઘલને બિલાડીની વાત કરી અને કહ્યું: ‘ભાઈ, ચાલને, આપણે ત્યાં જઈએ.’

મેઘલે કહ્યું: ‘ના, ત્યાં ન જવાય, બાંધકામ ચાલે છે, બધું જેમતેમ પડ્યું હોય. પાછું અંદર કેટલું અંધારું છે, બિલાડી છંછેડાય તો આપણે ભાગવું પણ મુશ્કેલ થઈ પડે.’

બિલાડી બહાર આવી. ચારે બાજુ જોવા લાગી, પછી ક્યાંક ચાલી ગઈ.

અનુજ બોલ્યો: ‘બિલાડી ગઈ. ચાલ, હવે આપણે બચ્ચું જોવા જઈએ.’

મેઘલે કહયું: ‘બિલાડી આટલામાં જ હશે, એ એના બચ્ચાને રેઢું ન મૂકે.’

થોડી વારમાં બિલાડી બીજા બચ્ચાને મોઢામાં લઈ આવી. એને પણ અંદર મૂકી આવી. ફરી પાછી ગઈ અને ત્રીજા બચ્ચાને લઈ આવી.

મેઘલે અનુજને કહ્યું: ‘તને ખબર છે, બિલાડી બચ્ચાંને જન્મ આપીને સાત ઘર બદલે?’

અનુજને નવાઈ લાગી. એણે પૂછ્યું: ‘એમ કેમ?’

મેઘલે કહ્યું: ‘કદાચ એ એનાં બચ્ચાંને કૂતરાં કે બીજાં બિલાડાંથી બચાવવા જગ્યા બદલતી હશે.’

ત્રણ બચ્ચાંને લાવ્યા પછી બિલાડી બહાર ગઈ નહીં. ધીમો ધીમો વરસાદ પડવો શરૂ થયો. અનુજને હવે રમવા જવામાં કે વરસાદમાં નાહવામાં રસ રહ્યો નહોતો. એ ઘરના દરવાજામાં બેસી સામેના ઘરને જોયા કરતો હતો.

વરસાદે જોર પકડ્યું. મમ્મીની બૂમ સંભળાઈ: ‘દરવાજો બંધ કરો, ઘરમાં વાછંટ આવશે.’

 બંને ભાઈઓ ઘરમાં આવી ગયા. અનુજ ડ્રોઇંગ રૂમની બારીમાંથી બહાર જોતો રહ્યો. મેઘલ પણ થોડી થોડી વારે એ બાજુ જોઈ લેતો હતો.

આખી રાત ધોધમાર વરસાદ વરસતો રહ્યો. અનુજ અને મેઘલને બિલ્લી અને એનાં બચ્ચાંના વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર પડી નહીં. બીજે દિવસે શનિવાર હતો. નિશાળ જવાનું નહોતું. અનુજ સવારે જાગતાંની સાથે ફટાક દેતોકને ઊભો થયો. બહાર સાંભેલાધાર વરસાદ ચાલુ હતો. એને ચિંતા થઈ, બિલાડીને ભૂખ લાગશે તો આવા વરસાદમાં ખાવાનું કેમ લાવશે?

એ મેઘલ પાસે ગયો. ‘ભાઈ, વરસાદ તો બંધ જ નથી થતો. બિલાડીને ભૂખ લાગી હશે, ખાવાનું ક્યાંથી લાવશે? ચાલને, આપણે એને કંઈક આપીએ.’

 મેઘલે કહ્યું: ‘તું શાંતિ રાખ. મમ્મીને બિલાડીની બહુ જ ચીઢ છે, એને ખબર પડશે તો આપણને વઢ પડશે. મને વિચારવા દે.’

એમ કરતાં બપોર થયો. વરસાદ ચાલુ જ હતો. અનુજ અને મેઘલના પપ્પા બહાર ગામ ગયા હતા. ત્રણેય જમવાની ટેબલ પર બેઠા. મમ્મીએ જોયું કે અનુજનું જમવામાં જરા પણ ધ્યાન નહોતું. એ બોલી: ‘અનુજ, તારું ધ્યાન ક્યાં છે આજે? થાળીમાં બધું એમનું એમ કેમ પડ્યું છે?’

અનુજ ફટાફટ જમવા લાગ્યો. જમતાં જમતાં બંને ભાઈઓ ઈશારાથી વાતો કરતા રહ્યા. મમ્મી રસોડું આટોપીને ઉપર ગઈ. બંને જાણતા હતા કે મમ્મી હવે આરામ કરશે. થોડી વાર પછી મેઘલે અવાજ ન થાય એમ સાંપડિયામાંથી એક રોટલી કાઢી અને ડબામાંથી બે બિસ્કિટ લીધાં. સામેના ઘરના દરવાજા પર મૂકી દોડતા પાછા આવી ગયા. ખાવાની સુગંધ આવી હશે તેથી બિલાડી તરત બહાર આવી, રોટલી અને બિસ્કિટ સૂંઘીને ખાવા લાગી. અનુજ અને મેઘલ એકબીજાને તાળી દઈ નાચવા લાગ્યા.

એમ કરતાં સાંજ પડી, રાત પડી. ફરી એમને ચિંતા થઈ કે હવે બિલાડી શું કરશે. વરસાદ થોડો ધીમો પડ્યો હતો, છતાં બિલાડી વરસાદમાં બહાર નીકળે તેવું લાગ્યું નહીં. મમ્મીનું રસોડાનું કામ પૂરું થવા આવ્યું હતું. છેલ્લે દહીં મેળવવાનું હતું. ગેસ પર મૂકેલું દૂધ થોડું વધારે ગરમ થઈ ગયું હતું, તેથી મમ્મીએ દૂધ ઠંડું કરવા રસોડાના પ્લેટફોર્મ મૂક્યું. તે વચ્ચે કોઈ અગત્યનું કામ યાદ આવતાં એ ઉપર ગઈ.

વરસાદ સાવ રહી ગયો હતો. તેથી બિલાડી ખોરાકની શોધમાં બહાર નીકળી. અનુજ-મેઘલને એમના ઘરના રસોડાની બારી બાજુથી ‘મ્યાંઉં… મ્યાંઉં’ સંભળાયું. તેઓ રસોડામાં દોડ્યા. જોયું તો પ્લેટફોર્મ પર દૂધની તપેલી પડી હતી અને બિલાડી બારીની બહાર પાળી પર ઊભી હતી. બારી ખુલ્લી હતી, પણ મચ્છરની જાળી બંધ હતી. મેઘલ સમજી ગયો કે બિલાડીને દૂધની સુગંધ આવી ગઈ છે, પણ જાળી બંધ હોવાથી એ અંદર આવી શકતી નથી. બંને ભાઈઓના મનમાં જાળી ખોલી નાખવાનો વિચાર એકસાથે આવ્યો, પણ એટલામાં મમ્મી આવી જાય તો?

અનુજ ધીમેથી બોલ્યો: ‘હું દાદરા પાસે ઊભો રહું છું. તું જાળી ખોલી નાખ… મમ્મી આવતી દેખાશે તો હું ઇશારો કરીશ.’

મેઘલ રસોડાના પ્લેટફોર્મ પર ચઢી ગયો અને જાળી ખોલી. બિલાડી ડરની મારી પાળી પરથી નીચે કૂદી.

અનુજે અધીરા બનીને પૂછ્યું: ‘બિલ્લી ભાગી જશે તો?’

મેઘલ કહે: ‘ના, એ ભાગશે નહીં, આપણને જુએ છે એટલે ડરે છે, આપણે સંતાઈ જઈએ.’

બિલાડી ધીમેધીમે બારીની પાળી પર પાછી આવી. ચારે બાજુ નજર ફેરવી, કોઈ દેખાયું નહીં એટલે બારીમાંથી અંદર આવી, દૂધની તપેલી પાસે આવીને ઝટઝટ દૂધ પીવા લાગી. એ દૂધ પીતી-પીતી આજુબાજુ નજર ફેરવતી હતી. થોડી વારમાં બધું દૂધ પી ગઈ. છેલ્લે જીભથી તપેલી ચાટવા લાગી. તપેલીની આજુબાજુ પડેલાં દૂધનાં ટીપાં પણ ચાટી ગઈ, પછી કૂદકો મારીને બારીમાંથી બહાર ચાલી ગઈ.

બંને ભાઈઓ મોટું પરાક્રમ કર્યું હોય તેમ ખુશ થઈ ગયા હતા. મમ્મી મોબાઈલ પર કોઈકની સાથે વાત કરતી હોય એવો અવાજ સંભળાયો. બંને ચુપચાપ ડ્રોઇંગ રૂમમાં ચાલ્યા ગયા. મમ્મી નીચે આવી. દૂધ મેળવવા પ્લેટફોર્મ પાસે ગઈ. જોયું તો તપેલીમાં દૂધ જ નહોતું. તપેલી કોરીકટ હતી. એની નજર બારી પર ગઈ.

એણે બૂમ પાડી: ‘અનુજ, મેઘલ, આ બારીની જાળી  કોણે ખોલી?’

મેઘલે જવાબ આપ્યો: ‘મેં ખોલી. કેમ શું થયું?’

મમ્મી વધારે ગુસ્સે થઈ: ‘શું થયું તે મારું કપાળ! બારીમાંથી બિલ્લી આવીને બધું દૂધ પી ગઈ લાગે છે. તેં શા માટે બારી ખોલી?’

મેઘલે કહ્યું: ‘એક મોટી ભમરી રસોડામાં આવી ગઈ હતી. કરડે તેવી લાગી એટલે એને બહાર કાઢવા મેં જાળી ખોલી હતી, પછી બંધ કરવાનું ભૂલી ગયો. સૉરી, મમ્મી!’

બંને જણ સમજી ગયા કે મમ્મીનો મૂડ ખરાબ છે, તેથી એમના સૂવાના રૂમમાં ચાલ્યા ગયા. મમ્મીને ‘ગુડ નાઇટ’ કહેવાની પણ એમનામાં હિંમત નહોતી. ઊંઘ આવતી નહોતી.

મેઘલે કહ્યું: ‘અનુજ, મજા તો બહુ આવી, પણ આપણે મમ્મીથી છુપાવીને કર્યું એ બરાબર ન કહેવાય.’

અનુજ કહે: ‘સાચી વાત છે તારી… ચાલ, આપણે અત્યારે જ મમ્મીને કહી દઈએ.’

મેઘલે થોડી વાર વિચાર કરીને ક્હ્યું: ‘ના, અત્યારે નથી કહેવું. કાલે પપ્પા પાછા આવે છે, આપણે એમને બધી વાત કહીશું. પપ્પા મમ્મીને સંભાળી લેશે અને આપણને બચાવી લેશે.’

બીજે દિવસે સવારે તડકો નીકળ્યો હતો. બંને સામેના ઘરમાંથી બિલાડી બહાર નીકળે એની રાહ જોવા લાગ્યા. ઘણી વાર સુધી બિલાડી દેખાઈ નહીં, તેથી તેઓ ધીરેધીરે સામેના ઘરમાં ગયા. અંદર બધે ફરી વળ્યા, પણ બિલાડી કે એનાં બચ્ચાં ક્યાંય જોવા મળ્યાં નહીં.

મેઘલને ખ્યાલ આવી ગયો. એણે કહ્યું: ‘અનુજ, બિલ્લી ગઈ નવા ઘેર.’

અનુજ ઉદાસ થઈ ગયો. ‘હેં, બિલ્લી સાચે જ ચાલી ગઈ? મારે એનાં બચ્ચાં જોવાં હતાં.’

બંને નિરાશ થઈને ઘેર પાછા આવ્યા. થોડી વાર ચુપચાપ બેસી રહ્યા. પછી અનુજે કહ્યું: ‘મેઘલ, બિલાડી તો બચ્ચાંને લઈને ચાલી ગઈ, આખી વાત જ પૂરી થઈ ગઈ છે. આપણે બારી ખોલીને બિલાડીને રસોડામાં આવવા દીધી એ વાત હવે પપ્પાને ન કહીએ તો?’

મેઘલે કહ્યું: ‘જોઈશું, પપ્પાને આવવા તો દે.’

બાલદોસ્તો, બંને ભાઈઓ મૂંઝવણમાં છે કે આ વાત મમ્મી-પપ્પાને કહેવી જોઈએ કે નહીં. તમે શું માનો છો? હું માનું છું કે કહી દેવી જોઈએ, મમ્મીથી છાનું કંઈ કરાય જ નહીં, ખરુંને?

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.