લ્યો, આ ચીંધી આંગળી – કેન્વાસને ચીરી નાખતી પીંછી : નાટ્યકાર-હાસ્યકાર પ્રતાપ રાવળ

રજનીકુમાર પંડ્યા

ક્યારેક કોઈક વ્યક્તિ એના ગુજરી ચૂકેલા વહાલા મિત્ર માટે થોડી થોડી વાત કરે છે. ભાવવિવશ થઈ જાય છે. દરેક પાસે અભિવ્યક્તિ નથી હોતી. એટલે વાત ત્રુટક ત્રુટક પણ લાગે છે. આખું ચિત્ર નથી ઊપસતું એમ પણ એ વખતે લાગે છે, પણ થોડા સમય પછી વાતોના ટુકડા પણ થઈ જાય છે, પછી એને ફરી જોડીને એમાં કલમનાં થોડા લસરકા ઉમેરો તો નાના એવા સ્કેચ જેવું એક ચિત્ર ઊભું થઈ જાય છે.

“પ્રતાપ રાવળને તમે ક્યારેય મળ્યા હતા ?” એવું જી.રાય (ગુણવંત જોશી) એ મને પૂછ્યું.

“હા, મળ્યો હતો એક વાર.” મેં કહ્યું :“કોઈ સમારંભ હતો. પણ બહુ વાત નહોતી થઈ શકી. નહીં તો મારી ઈચ્છા વાત કરવાની હતી.”

“વાત કરી હોત તો એ વાતનો માણસ હતો”  જી. રાય બોલ્યા અને એ સાથે જ જાણે કે એમણે કલમનો એક લસરકો મારી આપ્યો : “રૂવેંરૂંવું એ નાટક જીવ્યા હતા. મારા તો જૂના મિત્ર. મોરબીના હતા ને !’

“મને કંઇક એવો ખ્યાલ છે કે જૂની રંગભૂમિનાં નાટક –કવિ મણિલાલ ‘પાગલે’  પોતે જ એમને પ્રતાપ ‘પાગલ’  ઉપનામ આપેલું. ખરું ?  મને દામુ સાંગાણીએ આ માહિતી આપેલી હતી. વર્ષો થયાં.” મેં કહ્યું.

“સાચી માહિતી છે.” જી. રાય બોલ્યા : “એ હતા જ એવા. નાટકની દુનિયાની પાછળ પાગલ. એવા પાગલ કે જે લોકો એ જાણે એ એમનો લાભ લેવા માંડે. જે જમાનામાં ‘વડીલોના વાંકે’ નાટકની ધૂમ હતી અને એક બીજી કંપની પણ થોડા દૂરના ગામમાં એ ભજવીને ટંકશાળ પાડવા માગતી હતી. પણ એ નાટકની પ્રત તો પહેલાં હસ્તગત કરવી પડે ને ? અને એ પ્રત તો ભજવનારી કંપની પાસે તાળાકુંચીમાં જતનથી સાચવેલી હોય. એટલે એ તો આપે જ નહિં ને !  આ નાટકની છાપેલી પ્રત પણ બીજે ક્યાંયથી મળે નહીં. એવામાં કોઇએ એ કંપનીના માલિકોને પ્રતાપ રાવળનું નામ ચીંધ્યું અને કહ્યું કે આ કામ એને સોંપો. એ ખેલાડી છે. પાતાળમાંથીય શોધી લાવીને તમારા હાથમાં મુકી દેશે.

આવી ઉંચી એમની છાપ જોઇને એ કંપનીએ પ્રતાપ રાવળને સાધ્યા. અને આ કામ એમને સોંપ્યું.

“પણ એ તો ‘કમલ નાટક સમાજ’નો ખેલ છે ને ? તમારે એની પ્રતને શું કરવી છે ?”

 “બસ, વાંચવા જ જોઇએ છે. આપણે થોડી ભજવવી છે ? તમે એ લોકોને ઓળખતા જ હો. લાવી આપો એમની પાસેથી. છેવટ ચોરીને પણ લઇ આવો.”

“ચોરી તો નહિં કરું, પણ તમારે એની સ્કીપ્ટ જોઇએ છે ને?” પ્રતાપ રાવળ બોલ્યા: “લાવી દઉં , પછી કાંઇ ?”

“કેવી રીતે લાવવાના?” કંપનીના માલિકે કહ્યું: “એ તમારા બાપના દિકરા છે કે તિજોરીમાં પડેલી સ્ક્રીપ્ટને તમે માગો એ ઘડીએ કાઢીને આપી દે?”   

“તમતમારે જોયા કરો. તમારા હાથમાં એની આખેઆખી સ્ક્રીપ્ટ આવી જશે. પછી છે કંઇ ?” પ્રતાપ રાવળ બોલ્યા અને ચાલતા થયા.

“સાવ પાગલ એટલે પાગલ છે.” પ્રતાપ રાવળે જેવી પીઠ ફેરવી કે તરત આ લોકો બોલ્યા: “ માગવી નથી, ચોરવી નથી. તો પછી લાવશે કઇ રીતે ?”

“જાદુ કરશે.” એક જણ બોલ્યો અને બીજા ઠહાકો મારીને હસ્યા.  “એંહ! જાદુ, જાદુ !”

પણ પ્રતાપ રાવળે ખરેખર જાદુ જ કર્યો. ત્રણ દિવસ સુધી દરરોજ એ નાટક જોવા ગયા. નાટક જોતા જાય અને સંવાદો લખી લેતા જાય. ત્રણ દિવસમાં ત્રણ અંક એમણે પેલી કંપનીને આપ્યા. જે અક્ષરેઅક્ષર મૂળ પ્રમાણે જ હતા.

  મેં જી. રાયને પૂછ્યું : “કહું ?”

“કહો.” એ બોલ્યા.

“આમ તો એ નાટકમાં ખુવાર થઈ ગયા હતા. શ્યામસુંદર કહેતા હતા કે આફ્રિકાની ટૂરમાં એ સારું કમાયા હતા, પણ પીવામાં બધું ખોઈ નાખ્યું હતું. ખલાસ થઈ ગયા. એમણે ૧૯૫૦ થી ૧૯૭૦ સુધી એક નાટ્યસંઘ પણ સ્થાપેલો. પોતે પ્રમુખ હતા. સૌરાષ્ટ્રની રખડતી-રઝળતી નાટ્યમંડળીઓને ટેકો આપતા શો પણ ગોઠવી આપે. અને ભાગવાનો વખત આવે ત્યારે સામાન સોતા ભાગી જવા માટે ટ્રક પણ ખોળી આપે.

આવી બધી પ્રવૃત્તિઓ સાથે પાછા નાટ્યકાર પોતે. આવા ધંધામાં એકવાર એમને સાઠ હજાર રૂપિયાની ખોટ ગઈ.

“હા.” જી. રાય બોલ્યા : “એ હું જાણું છું.”

“હું જાણું છું એ તમને કહું.” મેં કહ્યું :“સાઠ હજારની ખોટને કારણે એમના પિતા એમના પર બહુ ક્રોધે ભરાયા હતા. જોરદાર ઠપકો આપતા હતા ત્યારે અચાનક કોઈ સંબંધી આવ્યા. બાપા ઠપકો આપતા બંધ થઈ ગયા. સંબંધીએ અમસ્તું જ વાતવાતમાં પૂછ્યું કે તમારે કેટલા દીકરા ?  બાપા બોલ્યા કે લાખ લાખ રૂપિયાના ત્રણ દીકરા છે. સબંધી થોડી વાર બેઠા અને પછી ચાલ્યા ગયા. પાછળથી ફરી બાપાએ પ્રતાપ રાવળને ઠપકો આપવાનું શરૂ કર્યું. તો પ્રતાપ કહે, ‘બાપા, હમણાં તમે મારી કિંમત એક લાખની કરી ને. બસ, તો પછી મારી સાઠ હજારની ખોટ એમાંથી મજરે લઈ લો ને મને બાકીના ચાલીસ હજાર ચૂકવી આપો. એટલે વાત પૂરી. આપણો હિસાબ પૂરો.’ ગુણવંતભાઈ, આપણને અત્યારે હસવું આવે છે, પણ મને લાગે છે કે એમના પિતા પણ એ વખતે હસી પડ્યા હશે… કેમ લાગે છે ?”

“હા.” ગુણવંતભાઈ  બોલ્યા : મિમિક્રી અને હાસ્યમાં એમની માસ્ટરી હતી. રાજકોટના ખ્યાતનામ હાસ્ય કલાકાર જગદીશ પંડ્યા એમના જ શિષ્ય ને !

હાસ્યનો એક વધુ રંગ એમની તસવીરમાં મારા મનમાં પડેલો તે ઉમેરાયો.

“પણ તમને ખબર છે?” જી. રાય બોલ્યા: “એમનું રૂદન કેવું શારી નાખનારું હતું ! કોઈ ધંધામાં ફાવ્યા નહીં.  હોમિયોપેથીની પ્રેક્ટિસ કરી પણ ચાલી નહીં,  કટલરીની દુકાન કરી પણ ફાવ્યું નહીં, નાટકોમાં પૈસા ખોયા. માત્ર પિતા જ એવા હતા કે જે એમને પૈસા મોકલતા. અને પત્નીનો એમને જબરો સાથ હતો. પત્ની ગુજરી ગઈ ત્યારે મને કહે : ‘ગુણવંત, હું જે દીવાલને ટેકો દઈને બેઠો હતો એ દીવાલ જ ઘસી પડી. હવે હું કેમ જીવી શકીશ ? હવે તો થોડા જ દિવસનો મહેમાન ને !’

એમના વાક્યોમાં છૂપું કલ્પાંત આ વાત સાંભળતી વખતે પણ સ્પર્શી જતું હતું. હાસ્ય કલાકારનું રૂદન લાંબો સમય દબાઈ રહ્યા પછી ફૂટી નીકળતી ચીસ જેવું હોય છે.

એમના ચિત્રમાં આ એક રંગ નાટ્યરસિકતાનો, એની પાછળ ભેખ લેનારનો પુરાયો…મેં જી. રાય સામે જોયું. એ શોકમગ્ન થઈ ગયા હતા અને મૌન. મેં પૂછ્યું : “શું યાદ કરો છો ?”

“એમની સાથેના કોઈ પ્રસંગો નહિ, પૂરી એક જિંદગી જીવ્યો છું એમની સાથે છૂપું રુદન અને પ્રકટ હાસ્ય, બન્ને વસ્તુ એમનામાં જોઈ. જુઓ. એમની ફિલસુફીનું આ એક પાસું.”

બોલતાં બોલતાં જી.રાયની આંખો ભીની થઇ ગઇ. “એક વાર…” એ બોલ્યા: “ધુવારણમાં શો ગોઠવાયો હતો. પણ જૂના મસાલાને કારણે ફિયાસ્કો થયો. લોકોએ દેકારો કરી મેલ્યો અને ટિકીટના પૈસા પાછા માગ્યા.  જેમ તેમ કરીને એ બધું પતાવીને આ રીતે નિષ્ફળ ‘શો’ કરીને અમે પાછા આવતા હતા. એ બહુ દુઃખી હતા. એટલે હું એમને હું હિંમત આપવાની નિષ્ફળ કોશિશ કરતો હતો. ત્યાં તો એ મને કહે, ‘જો જોશી, જે માણસ ડુબતો હોય એને પકડીને બચાવવાનો પ્રયત્ન ન કરવો. એ બીજાને પણ ડૂબાડે. તું મારો હાથ ખેંચવા માગીશ તો હું તને પણ લઈ ડૂબીશ. માટે એવો દાખડો રહેવા દે.’

“એક છેલ્લી વાત કહી દઉં.” એ બોલ્યા : “છેલ્લા સીન જેવી છેલ્લી વાત.”

“થોડાં વર્ષ પહેલાંની આ વાત છે. અમરેલીની એક સંસ્થાએ પ્રતાપ રાવળને પ્રોગ્રામ દેવા બોલાવેલા, પણ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ વધુ પડતા નશાને કારણે એ ગ્રીનરૂમમાં જ ગુજરી ગયા.”

“અરે !” મેં કહ્યું : ”પીવામાં જ ?”

“હા.” એમણે કહ્યું :“મોરબીમાં એમના ભાઈ દોલત રાવળને બારણે થોડા કલાક પછી એક ટેકસી આવી. મોડી રાતનો સમય. ટેક્સીવાળાએ બારણું ખટખટાવ્યું. દોલતને એમ કે ભાઈ આવ્યો. જોયું તો ટેક્સીવાળો અને એના હાથમાં આયોજકોએ મોકલેલી ચિઠ્ઠી. લખ્યું હતું કે : “આવેલ ડ્રાઈવરને ટેક્સીભાડાના જાત-વળતાના સાડા ચારસો રૂપિયા ચૂકવી દેજો.” દોલત તો ડઘાઈ જ ગયો. ટેક્સીમાં જઈને જોયું તો પ્રતાપની લાશ પડી હતી. બે પગમાંથી એકમાં બુટ પણ નહીં. ગજવામાં કશું નહીં, વ્યવસ્થિત સુવડાવેલા પણ નહીં. ગોટમોટ હતા. ટેક્સીવાળો બોલ્યો કે મને સાડી ચારસો આપો એટલે તમને આનો કબજો સોંપું.

“પણ ભાઇ..” કોઇએ એને કહ્યું: ”આ કોઇ જીવતું પેસેન્જર નથી પણ,..” બોલનારથી એ ‘પણ’ પછીનો શબ્દ બોલી ના શકાયો. જીભ જ બંધાઇ ગઇ. પણ ત્યાં તો એ ટેક્સીવાળો જ અકળાઇને બોલ્યો : ‘અરે, મને શી ખબર કે આ લાશ છે ? મને તો એ સાહેબોએ કહેલું કે જણ બેભાન છે. અહીંથી કોઈ આવી શકે તેમ નથી. તું લઈ જા. તારા ભાડાના સાડા ચારસો ત્યાંથી લઈ લેજે. ન આપે તો માણસને સોંપીશ નહીં એટલે આફુડા આપશે નહીં આપશે તો જશે ક્યાં ? લાવો સાડી ચારસો રૂપિયા, હું ખોટી થાઉં છું. લાવો રૂપિયા ને સંભાળો લાશને !’

મારાથી ‘અરર!’ પણ ન થઈ શક્યું.

“સ્ટેજ પર જેના અવાજથી સન્નાટો છવાઈ જતો ને જે માણસ એમ કહેતો કે ગળામાં નાદબ્રહ્મની એવી તાકાત પેદા કરો કે સાંભળનાર ખુરશીમાં જ જકડાઈ રહે. એ માણસ આમ ગુપચુપ અને મૂંગો મૂંગો ગયો. મૂંગો મૂંગો મોડી રાતે પોતાના ગામમાં પેઠો. મૂંગો મૂંગો ઘરના બારણામાં લેવાયો.”

“પછી ? મેં પૂછ્યું. “પછી કશું નહીં.” ગુણવંત જોશી બોલ્યા : “અમે એમને માટે ભંડોળ એકઠું કરવા પ્રયત્ન કર્યો, પણ દોલતે એમની શોકસભામાં થોડાં વાક્યો કહ્યાં તે હૃદયની આરપાર ઊતરી જાય એવા છે. એણે કહ્યું કે ‘તમે જો હાસ્ય કલાકાર હો તો સમજજો કે દુનિયા સાથે તમારો સંબંધ એ શોના ત્રણ કલાક પૂરતો જ છે. પછી તમે દુનિયાના લોકોને હસાવનારા, પોતે હસો છો કે રડો છો એ સાથે એમને કોઈ સંબંધ નથી. ને બીજી વાત, અને એ ખાસ વાત છે કે જ્યારે કાર્યક્રમ આપવા બહારગામ જાઓ ત્યારે ગજવામાં પાંચસો રૂપિયા નાખીને જજો, જેથી સ્વજનોને તમારી લાશ પાછી મેળવવા પાડોશી પાસે અર્ધી રાતે દોડવું ન પડે.

પ્રતાપ રાવળના સ્કેચની છેલ્લી રેખા કેન્વાસને પણ ચીરી નાખનારી નીકળી.


લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

Author: admin

2 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી – કેન્વાસને ચીરી નાખતી પીંછી : નાટ્યકાર-હાસ્યકાર પ્રતાપ રાવળ

  1. ખરેખર મહાન કલાકાર, પણ પીવાની લત ન હોત તો ! આવું મોત કોઈને પણ ના મળે એવી પ્રાર્થના

  2. સામાજિક વાસ્તવિકતા દર્શન અને હ્રદયસ્પર્શી લેખન.

Leave a Reply

Your email address will not be published.