ફિલ્મસંગીતના નકશીકારો : (૭) વી. (વિસ્તસ્પ) બલસારા

પીયૂષ મ. પંડ્યા

શરૂઆત ફિલ્મ ‘દાગ’ (૧૯૫૨)ના એક યાદગાર ગીતથી કરીએ. શંકર-જયકિશન દ્વારા સ્વરબધ્ધ કરાયેલા આ ગીત ‘અય મેરે દીલ કહીં ઓર ચલ’ને તલત મહમૂદનો સ્વર સાંપડ્યો છે. ફિલ્મસંગીતમાં થોડોઘણો પણ રસ ધરાવનારાઓ આજે ય આ ગીતથી સારી રીતે પરીચિત હશે . આ ગીત સમગ્રપણે અસાધારણ ગુણવત્તા ધરાવે છે. ગાયકી ઉપરાંત એના પ્રિલ્યુડ અને ઈન્ટરલ્યુડના સંગીત થકી ઘાયલ હોય એવા અનેક શોખીનો જોયા છે. થોડી બારીકી ઉપર ધ્યાન આપીએ તો બેય અંતરા ગવાતા હોય ત્યારે આપણે જેને કાઉન્ટર મેલોડી અથવા તો ઓબ્લીગેટોઝ કહીએ છીએ એ ખુબ જ અનોખા અંદાજમાં વગાડવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ આપણે એવું માની લેવા પ્રેરાઈએ કે એ ટૂકડા એકોર્ડીયન ઉપર વાગી રહ્યા છે. પણ એ જાણીને આશ્ચર્યનો સુખદ આંચકો લાગે કે એ તો હાર્મોનીયમ વાગી રહ્યું છે ! એ ઉપરાંત ગાયકીની સાથે સૂર પૂરાવતું હોય એમ હાર્મોનીયમ અવારનવાર ટહૂકા કરી જાય છે. આજે સાડા છ દાયકાઓ વિતી ગયા પછી પણ ઓબ્લીગેટોઝના એ ટૂકડાઓ વ્યવસાયિક તેમ જ શોખીન વાદકો માટે એમના વાદનના સામર્થ્યની કસોટીરૂપ ગણય છે. હાર્મોનીયમ પાસેથી એકોર્ડીયનની ક્ષમતાનું કામ લેનાર એ કલાકાર એટલે વિસ્તસ્પ અરદેશર બલસારા, જેમનું નામ વી. બલસારા તરીકે ફિલ્મી સંગીતની દુનિયામાં ખુબ જ આદરપાત્ર નામ બની રહ્યું છે.

બલસારાના ઉત્કૃષ્ટ હાર્મોનીયમવાદનનો એક વધુ નમૂનો ફિલ્મ ‘પતિતા’(૧૯૫૩)ના લોકપ્રિય ગીત ‘યાદ કીયા દિલ ને કહાં હો તુમ’ના પ્રિલ્યુડમાં સાંભળવા મળે છે. સમગ્ર ગીત દરમિયાન પણ હાર્મોનીયમના પ્રચ્છન્ન સ્વરો સતત કાને પડતા રહે છે. 

બે વધુ ઉદાહરણ લઈએ તો ‘આવારા’નાં બે ગીતો – ‘આવારા હૂં’ના અને ‘એક બેવફા સે પ્યાર કીયા’ – ના પ્રિલ્યુડમાં જે કાને પડે છે એ એકોર્ડીયનની સમકક્ષ હાર્મોનીયમવાદન પણ બલસારાની જ કમાલ છે.

સને ૧૯૨૨ના જૂન મહિનાની ૨૨મી તારીખે મુંબઈમાં જન્મેલા વિસ્તસ્પ બલસારાને બાળવયથી જ સંગીતનો ઘેલછાની કક્ષાનો નાદ વળગ્યો હતો. સંગીતનું વ્યવસ્થિત શિક્ષણ સૌ પ્રથમ બચુમિયાં વડોદરાવાલા પાસેથી લીધા પછી એમણે અલગઅલગ સમયગાળામાં પાશ્ચાત્ય સંગીતની તાલિમ હિલ્ડા ફિલ્ડબર્ગ પાસેથી અને ફ્લોરેન્સ મેન્જીસ (મેનેઝીસ?) પાસેથી લીધી. યુવાવયે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમણે ગાયનમાં અને વાદનમાં તેમણે ખાસ્સું પ્રાવિણ્ય મેળવી લીધું હતું. છતાં લાંબી યશસ્વી કારકીર્દિ પછી પણ છેક બાવન વર્ષની ઉમરે બલસારાએ મુનેશ્વર દયાળ નામના એક જ્ઞાતા પાસેથી સંગીતની વધારે  ઘનિષ્ઠ તાલિમ લીધી હતી. શરૂઆતના સમયગાળામાં મુંબઈમાં વસવાટ હોવાથી એમની ક્ષમતાને યોગ્ય માર્ગ યોગ્ય સમયે મળી રહ્યો. માંડ અઢાર વર્ષની ઉમરે ‘બાદલ’ (૧૯૩૯) ફિલ્મમાં મુસ્તાક હુસૈનના સહાયક સંગીતકાર તરીકે એમની કારકીર્દિની શરૂઆત થઈ. એ પછી પાંચ જ વરસમાં ફિલ્મ ‘ઓ પંછી’ (૧૯૪૪) માટે એમને સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ મળ્યું. ખાસ ઉલ્લેખનીય છે ફિલ્મ ‘રંગમહલ’ (૧૯૪૮). એ ફિલ્મ માટે બલસારાએ અને દત્તા કોરેગાંવકરે સાથે મળીને સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં એ જમાનાની પ્રસિધ્ધ અભિનેત્રી સુરૈયા હતી. એ ઉપરાંત બલસારાએ ત્યારની રેકોર્ડીંગ કંપની ‘હીઝ માસ્ટર્સ વોઇસ (એચ.એમ.વી.)’ માટે ત્રણેક વર્ષ માટે ઓરકેસ્ટ્રા લીડર તરીકે પણ કામ કર્યું.

એક સંગીતનિર્દેશક તરીકે બલસારાની કક્ષા સમજવા માટે એમનાં સ્વરબધ્ધ કરેલાં કેટલાંક ગીતો એક પછી એક સાંભળીએ. એ પૈકીનું એક મન્નાડેના સ્વરમાં ગવાયેલું ગૈરફિલ્મી ગીત છે. એક જમાનામાં વિવિધ રેડીઓ સ્ટેશન્સ ઉપર ખાસ ગૈરફિલ્મી ગીતોના કાર્યક્રમો પ્રસારીત થતા હતા. એમાં આ ગીત ખાસ્સું લોકપ્રિય થયું હતું.

અન્ય ગીત ફિલ્મ ‘વિદ્યાપતિ’ (૧૯૬૪)નું છે. લતા મંગેશકર આ સ્વરનિયોજનથી એટલાં ખુશ થઈ ગયાં હતાં કે એમણે એને માટે પુરસ્કાર નહોતો લીધો. આધુનિક ટેકનોલોજીનો પ્રાદુર્ભાવ નહોતો થતો ત્યારે પણ રેકોર્ડીંગનો અલગ અંદાજ જણાઈ આવે છે.

એમનાં સ્વરબધ્ધ કરેલાં કેટલાંક યાદગાર ગીતોમાંનું એક ફિલ્મ ‘મદમસ્ત’ (૧૯૫૩)નું છે. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું આ ગીત લગભગ અજાણ્યું જ રહેવા પામ્યું છે,

એ જ ફિલ્મનું એક અન્ય ગીત મહેન્દ્ર કપૂર અને ધન ઈન્દોરવાલાના યુગલસ્વરમાં સાંભળીએ. આ ગીત એ બાબતનો પૂરાવો છે કે મહેન્દ્ર કપૂરને પાર્શ્વગાયનની પહેલી તક બલસારાએ આપી હતી. જો કે કેટલાક અનુબંધોથી જોડાયેલા મહેન્દ્ર કપૂર જાહેરમાં પોતાને ફિલ્મ ‘નવરંગ’માં  સી.રામચન્દ્ર દ્વારા અને ફિલ્મ ‘સોહની મહિવાલ’માં નૌશાદ દ્વારા આ તક મળી હોવાનું જ કહેતા રહ્યા. ઉદારદિલ બલસારાએ આ વાતનો ક્યારેય ઉલ્લેખ કર્યો નથી.

તલત મહમૂદના સ્વરમાં બલસારાએ કેટલાંક ગૈરફિલ્મી ગીતો રેકોર્ડ કરાવ્યાં હતાં. એમાંનું એક તો પોતાના જમાનામાં અતિશય લોકપ્રિય બન્યું હતું. એ સાંભળીએ.

મુકેશ પાસે બલસારાએ એક ગુજરાતી ગીત ગવડાવ્યું છે. પ્રસ્તુત ક્લીપમાં એ ગીત અત્યંત સામાન્ય કક્ષાના રેકોર્ડીંગની ગુણવત્તામાં સાંભળવા મળે છે. જો કે અત્યારે આપણી પાસે આ અમૂલ્ય દસ્તાવેજી પુરાવો હાથવગો છે એ બાબતનો જ સંતોષ લઈ, સાંભળવા ભલામણ છે.                                

બલસારાએ એરેન્જર અને  સહાયક સંગીતકારની ભૂમિકા પણ નિભાવી છે. એમણે રફીક ગઝનવી, ખેમચંદ પ્રકાશ, ગુલામ હૈદર અને મદનમોહન જેવા સંગીતકારો સાથે સહાયકની ભૂમિકા સમયસમયે નિભાવી. શંકર-જયકિશનના અને અન્ય કેટલાયે સંગીતકારોના વાદ્યવૃંદના બલસારા એક અનિવાર્ય અંગ હતા.

જો કે એમની કારકીર્દિ બરાબર વેગ પકડે એ પહેલાં એક અણધાર્યો વળાંક આવ્યો. સને ૧૯૫૩માં કલકત્તા મુકામે પંકજ મલ્લિક, જ્યુથિકા રોય અને અન્ય કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી અતિશય પ્રભાવિત થઈ ગયેલા બલસારાને લાગ્યું કે પોતે મુંબઈ  છોડી, કલકત્તા મધ્યે સ્થાયી થઈ જવું  જોઈએ.

માંડ ૩૧ વર્ષની યુવા ઉમરે તો એમણે એ નિર્ણયને અમલમાં મૂકી દીધો. બંગાળથી અને ત્યાંના સંગીતથી પ્રભાવિત થઈ ગયેલા બલસારા શક્ય ઝડપથી બંગાળી ભાષા બોલતા-સમજતા-વાંચતા થઈ ગયા. મુંબઈથી દૂર થવાથી એ ફિલ્મી સંગીતની મુખ્ય ધારાથી વિખૂટા પડી ગયા. અલબત્ત, ત્યાંના સંગીતકારો અને ગાયકો સાથે એમના ઉષ્માભર્યા સંબંધો ચાલુ જ રહ્યા. આમ, કલકત્તા-મુંબઈ વચ્ચે બલસારાની આવનજાવન થતી રહી, કારણ કે લગભગ બધા જ સંગીતકારો પોતાના વાદ્યવૃંદમાં એમની અનિવાર્યતા સમજતા હતા

 વિસ્તસ્પ બલસારા ખરા અર્થમાં એક હરફનમૌલા કલાકાર હતા. એ મૂળભૂત રીતે હાર્મોનીયમ, પીયાનો, એકોર્ડીયન, યુનીવોક્સ/બોક્સ તેમ જ મેલોડીકા જેવાં વાદ્યો અસાધારણ ક્ષમતાથી વગાડી લેતા હતા. યુનીવોક્સ અગાઉના જમાનાનું એક ઈલેક્ટ્રોનીક્સ વાદ્ય છે, જેને હાલનાં અતિશય વિકસીત સીન્થેસાઈઝર જેવાં વાદ્યોનું પૂર્વજ ગણાવી શકાય. પ્રસ્તુત ક્લીપમાં બલસારા સંગીતકાર-ગાયક હેમંતકુમારની હાજરીમાં અલગઅલગ વાદ્યો ઉપર પોતાનો કસબ ઉજાગર કરી રહ્યા છે, એમાં યુનીવોક્સ પણ સામેલ છે. આવાં વાદ્યો ઉપરાંત બલસારા વાયોલીન અને મેન્ડોલીન જેવાં તંતુવાદ્યો પણ વ્યવસાયિક કુશળતાથી વગાડી લેતા હતા.

આ નાનકડી ક્લીપમાં બલસારા પિયાનોવાદન કરી રહ્યા છે. ભારેખમસૂર ધરાવતા પિયાનો જેવા વાદ્ય પર જે નજાકતથી તે સૂર કાઢી રહ્યા છે એ  કાબિલેદાદ છે.

સ્વતંત્ર સંગીતકાર તરીકે બલસારાને બહુ પ્રસિધ્ધિ મળી નહીં.  એમની કારકીર્દીના શરૂઆતના તબક્કામાં હિન્દી ફિલ્મોમાં પાર્શ્વસંગીતનું પ્રાધાન્ય ન હતું. આથી ઝાઝી પ્રયોગશીલતા કે મોટા વાદ્યવૃંદને માટે નિર્માતાઓ તૈયાર ન હતા. એ દોર આવ્યો એવા જ અરસામાં બલસારાએ કલકત્તા સ્થાયી થવાનું નક્કી કર્યું. આમ એ મુંબઈમાં કાર્યરત હતા ત્યાં સુધીમાં એમને ભાગે મોટાં બેનરવાળી ફિલ્મો આવી જ નહીં. જે થોડીઘણી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું એ એક યા બીજા કારણોસર બહુ ચાલી નહીં અને કેટલીક તો પ્રદર્શિત જ ન થઈ! હા, બંગાળી ફિલ્મોમાં એમણે ઘણી ફિલ્મોમાં કર્યું અને એમને સારી એવી પ્રસિધ્ધિ પણ મળી. સમગ્ર બંગાળમાં બલસારા અતિશય લોકપ્રિય હતા. એમની રેકોર્ડ્સ, કેસેટ્સ, સીડી વગેરે મોટા પ્રમાણમાં બન્યાં છે. વિવિધ રેડીઓ સ્ટેશન્સ ઉપર એમના નિર્દેશનમાં વગાડાયેલા વાદ્યવૃંદની રેકોર્ડ્સ નિયમીત મૂકવામાં આવતી હતી.

ટેલીવિઝન ઉપર પણ એમના કાર્યક્રમો સારા એવા પ્રમાણમાં આવતા રહેતા હતા. ઈન્ટરનેટના આવિર્ભાવ પછી યુ ટ્યુબ ઉપર એમના ઈન્ટરવ્યુઝ, વાદન તેમજ રેકોર્ડ્સની ક્લીપ્સ જોવા-સાંભળવા માટે ઉપલબ્ધ છે. 

સને ૨૦૦૫ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે વિસ્તસ્પ અરદેશીર બલસારા ૮૩ વર્ષની જૈફ વયે દુનિયા છોડી ગયા. પણ ફિલ્મી સંગીતના શોખીનો ઉપર અમિટ છાપ છોડી ગયા છે.

બંગાળી નિર્માતા-નિર્દેશક રોબીન ડે દ્વારા વી.બલસારા વિશે બંગાળીમાં એક દસ્તાવેજી ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. યૂ ટ્યૂબ પર તે 30 મિનીટના એક એવા અગિયારેક હપતામાં મૂકાયેલું છે.  અહીં તેની 11મી કડી મૂકવામાં આવી છે, જેમાં વી.બલસારા એકોર્ડિયન, મેલોડિકા, સિન્‍થેસાઈઝર જેવાં વાદ્યો વગાડતા જોઈ શકાય છે. ખાસ તો, ક્લીપના અંતે ‘જીના યહાં, મરના યહાં’ની ધૂન અદ્‍ભુત છે.

 નોંધ……      

  • તસવીરો નેટ ઉપરથી સાભાર.
  • લેખમાંની મોટા ભાગની સામગ્રી ફિલ્મી સંગીતના ઈતિહાસકાર હરીશ રઘુવંશી(સુરત) લીખિત પુસ્તક ‘ઈન્હેંના ભૂલાના’માંથી સાભાર
  • વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.
  • મૂલ્યવર્ધન, સાભાર મિત્ર બીરેન કોઠારી.

શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.