વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા

કારીગરોના આંગળા કાપી નાખતો આધુનિક ‘અંગુલીમાલ’ અને અંગુલીમાલને તેમ કરતાં અટકાવવાના પ્રયાસ  કરતો (સં)દીપ

જગદીશ પટેલ

“તમારી કાર પર તુટેલા આંગળાની નિશાની દેખાય છે?” મથાળા હેઠળ સુપ્રિયા શર્માનો લેખ ૨૦૧૪માં અંગ્રેજી “સ્ક્રોલ”માં પ્રગટ થયો. તેને આધારે અમે “સલામતી”ના મે—૨૦૧૫ના અંક ૧૩૩માં નીચે મુજબની નોંધ મુકી હતી.

“તમને એ જાણીને આઘાત લાગશે કે હરિયાણામાં કારનું ઉત્પાદન થાય છે ત્યાં રોજ ૨૦ કામદારોના આંગળા કારખાનામાં કામ કરતા દરમિયાન કપાય છે. દિલ્હીથી ૫૦ કી.મિ. દૂર આવેલા હરિયાણાના ગુડગાંવ જીલ્લાના માનેસરમાં આવેલા ૬૦૦ કારખાનાઓમાં ૮૦ હજાર કામદારો કામ કરે છે. મોટાભાગના એકમો કાર અને બાઇકના ભાગ બનાવે છે. દરેક કારખાનામાં ઓછામાં ઓછા ૧૦ કામદારો એવા મળશે જેમના આંગળા કપાયા હોય. બિહાર અને ઉત્તરપ્રદેશથી આવનારા કામદારો પૈકી અડધોઅડધે આંગળા ગુમાવ્યા હોવાનો અંદાજ અહીંના કામદારો કરે છે. આમ તો આ ટાઢા પહોરનાં ગપ્પાં લાગે પણ હું જ્યારે ઇએસઆઇ હોસ્પીટલમાં ગઇ ત્યારે હાડકાના વિભાગમાં પાંચ કામદારો ડોકટરની વાટ જોતા હતા. તેમાંથી ચારને  ચગદાવાને કારણે ઇજા થઇ હતી. ડો પંકજ બંસલે માહિતી આપતાં મને કહ્યું કે અમે રોજના ૨૦ એવા દર્દી તપાસીએ છીએ જેમને ચગદાવાને કારણે ઇજા થઇ હોય. મોટાભાગના બનાવોમાં આંગળાં કપાઇ ગયાં હોય અને કેટલાકમાં આખો હાથ કપાયો હોય. હાડકાના વિભાગ સિવાય ઇમરજન્સી વિભાગમાં પણ આવી ઇજાનો ભોગ બનેલા દર્દીઓનો પ્રવાહ ચાલુ રહે છે.

નવેમ્બર ૧૯થી ૨૮ (૨૦૧૪) વચ્ચે આવા ૨૦ દર્દી નોંધાયાનું જોવા મળ્યું. મોટાભાગના અકસ્માત પાવર પ્રેસ નામના મશીનમાં થતા હોય છે. આ મશીનમાં પતરાના ટુકડાને મુકવાનો હોય છે જેમાં પહેલેથી એક ડાઈ ગોઠવેલી હોય છે. પછી  ઉપરથી વજનદાર હાથો પડતાં જ એ પતરાના ટુકડાને ગોઠવેલી ડાઈ મુજબનો આકાર મળી જાય એટલે એ કાઢી બીજો  ટુકડો ગોઠવવાનો અને એમ ઉત્પાદન ચાલ્યા કરે. ઝડપથી કામ કરવાનું  હોય અને તેમાં હાથ હજુ મશીનમાં હોય અને ઉપરથી હાથો પડે એમાં અકસ્માત થતા હોય છે. માલિકો કામદારો પર દોષારોપણ કરતાં જણાવતા હોય છે કે કામદારો ધ્યાન રાખીને કામ કરતા ન હોવાને કારણે અકસ્માત થાય છે.

વાસુદેવ નામના ૨૨ વર્ષના કામદારની કહાની જુઓ. શારદા મોટર ઇન્ડમાં દર કલાકે ૨૪૦ ટુકડાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક એને આપેલો છે. એણે જમણા હાથે પતરાના ટુકડાને મશીનમાં ગોઠવવાનો, પછી ડાબા પગે પેડલ દબાવવાનું જેથી હાથો નીચે પડે તે પછી ડાબા હાથે આકાર પામેલા ટુકડાને મશીનમાંથી કાઢીને જમણા હાથે નવો ટુકડો ગોઠવવાનો. આ ચારે કામનું ચક્ર ૧૫ સેકન્ડમાં પુરું ન થાય તો એ લક્ષ્યાંકને આંબી ન શકે. સવારે ૭ વાગ્યાથી એ કામે વળગ્યો છે. ૧૫ કલાક તો થઇ ગયા હતા એને કામ કરતાં. એ થાકેલો અને હવે ઝડપથી કામ પતાવી આરામ કરવાનો વિચાર કરતો હતો ત્યાં જ રાત્રે ૧૧ વાગ્યાના સુમારે એ હાથ પાછો ખેંચે તે પહેલાં તો ઉપરથી હાથો પડયો અને જમણા હાથનો અડધો અંગુઠો લઇ ગયો. પણ આટલા લાંબા કલાક શા માટે એ કામ કરતો હતો? સુપરવાઇઝરે કહેલું કે ઓર્ડર પતાવવાનો છે એટલે રોકાવું પડશે અને સુપરવાઇઝરને ના પડાય નહી. કંપની ટાટા મોટર્સ, હ્યુન્ડાઇ અને મહિન્દ્રાને સીટ ફ્રેમ અને બીજા ભાગો પુરા પાડે છે. ડો.બંસલ જણાવે છે કે કામદારોને તાલીમ પણ આપી નથી હોતી. અમારી પાસે આવતા ઘણા કામદારો નવા હોય છે. સ્કુટરના કલચ અને સ્ટેન્ડનું ઉત્પાદન કરતા એન્ટેક એન્જી.માં કામ કરતા ૧૯ વર્ષના અરવિંદકુમારે ડાબો અંગુઠો ખોયો. એ કહે છે મશીન ખામીભર્યું હોવાને કારણે અકસ્માત થયો. એને જોડાયાને મહિનો પણ થયો ન હતો. પહેલાં એણે ૬ મહિના બીજા કારખાનામાં આ મશીન પર કામ કરેલું તેથી આ કંપનીએ તેને તાલીંમ આપવાની જરુર ન હોવાનું જણાવ્યું. પણ તે કંપનીના મશીન અને આ કંપનીના મશીન જુદા હતાં. પેલી કંપનીમાં હેન્ડલ હતું અહીં પેડલ છે. આરડીસી સ્ટીલ એન્ડ એલાઇડ સર્વીસીઝ નામના બીજા એકમમાં કામ કરતા ૩૦ વર્ષના રાજકુમારને વચ્ચેની બે આંગળીઓ ખોવી પડી. છેલ્લા બે વર્ષમાં એ એકમમાં બીજા ૨૦ કામદારોને અકસ્માત થયા હોવાનું અરવિંદે જણાવ્યું.

કંપનીના મેનેજરે જણાવ્યું કે વીસ તો નહી પણ ૧૦— ૧૨ થયા હશે પણ પછી અમે નવા મશીન લાવ્યા અને ગાર્ડ મુક્યા તેથી છેલ્લા છ મહિનામાં અકસ્માત અટકી ગયા છે. એણે મને નવા મશીન પણ બતાવ્યા જેમાં સેન્સર લાગેલા હતા જે કારણે શરીરનો કોઇ ભાગ જોખમમાં હોય તો મશીન આપમેળે બંધ થઇ જાય. આ ન્યુમેટીક એટલે કે હવાના દબાણથી ચાલતા મશીન હતા જે ૨૦ લાખની કિમતના હોય છે જયારે સાદા મિકેનીકલ પ્રેસની કિમત ૮ લાખ હોય છે. તેના કહેવા

મુજબ ભારતમાં ૮૦% મશીનો મિકેનીકલ પ્રકારના છે. એની કંપનીમાં ૧૨ ન્યુમેટીક અને ૨૧ મિકેનીકલ છે. મિકેનીકલ પ્રેસ મશીનને વધુ સલામત બનાવવામાં ૨૮ હજારનો વધારાનો ખર્ચ થાય છે. જો કે માત્ર રૂ. ૨૫મા મેગ્નેટિક ક્લેમ્પ મળતાં હોય છે જે વાપરવાથી પણ અકસ્માતો ઘટી શકે છે. એમાં સળિયાને છેડે મેગ્નેટવાળો કલેમ્પ લગાવેલો હોય અને તેના દ્વારા જ તમારે મશીનમાંથી આકાર પામેલા ટુકડાને કાઢવાનો, હાથ નાખવાની જરૂર જ નહી. પણ આવા ઉપાયો કરવા જતાં કયાંક ઉત્પાદનની ઝડપ ઓછી થાય એ ડરે માલિકો અપનાવતા નથી. પણ ફેકટરી એકટના શીડયુલ ૫મા ગાર્ડ મુકવાની જોગવાઇ કરવામાં આવી છે પણ તેનો અમલ કરવા—કરાવવામાં આવતો નથી . હરિયાણામાં માત્ર પાંચ ફેક્ટરી  ઇન્સપેકટર છે જેમને કારખાનામાં જઇ નિરિક્ષણ કરવાની સત્તા છે. એ લોકો મહિનામાં દસથી વધુ કારખાનાની મુલાકાત લઇ શકતા નથી. એથી પાવર પ્રેસનું ઉત્પાદન કરતા એકમો માથે જ જવાબદારી નાખવી જોઈએ કે એમણે સેફટી ગાર્ડ મુકવાનું ફરજીયાત છે. (જો કે ૧૯૮૭માં ફેકટરી એકટમાં કરેલા સુધારામાં આ વાત આવી ગઇ છે).

આપણે બ્રેક વગરની બાઇક ખરીદતા નથી તેવું જ આ છે. સેફટી ગાર્ડ વગરના મશીન બનાવાય પણ નહી, વેચાય પણ નહી અને ખરીદાય પણ નહી. હવે ગ્રાહક પણ જો આગ્રહ રાખે તો એકમોના માલિકોએ સલામતી માટે ધ્યાન આપવું પડે. ભારતમાં છેલ્લા થોડા વર્ષમાં જો આ બાબતમાં સુધારો થયો હોય તો તેનું કારણ એ નથી કે આપણે આપણા કામદારોની સલામતી માટે ચિંતિત છીએ, પણ પરદેશી ગ્રાહકોએ એ માટે આપણા માલિકો પર દબાણ કર્યું છે, એમ શ્રીવાસ્તવનું કહેવું છે.  મારૂતિ સુઝુકીના એક મેનેજરે જણાવ્યું કે અમારા સપ્લાયરો એમના એકમમાં થતા અકસ્માતોની માહિતી અમને આપતા નથી તેથી અમને તો એવી કશી ખબર પડે નહી. જો કે અમે અમારા સીધા સપ્લાયરોના એકમોમાં સેફટી ઓડિટ કરીએ છીએ અને સલામતીની તાલીમ માટે સપ્લાયર અને તેના સપ્લાયરોને પણ આવરી લેવાની કોશિશ કરીએ છીએ.”

હવે, સુપ્રિયાએ જાતે મેડીકો ફ્રેન્ડ સર્કલમાં ૨૦૧૪ના ડિસેમ્બરના જે દિવસે લેખ પ્રગટ થયો તે જ દિવસે મેઇલ મોકલી આ લેખની જાણકારી આપી તેનો ફેલાવો કરવા સુચવ્યું હતું. કારણ એ આવા અકસ્માતોનું પ્રમાણ આટલું ઉંચું હોય તેમ જાણતી ન હતી અને મજૂર કાર્યકરો સિવાય બીજા પણ જાણતા નહીં હોય તેવી તેને ખાતરી હતી. તે પછી સર્કલમાં થોડી ચર્ચા પણ એ બાબત થઇ.

એ મેઇલ જોઇ મને બહુ આનંદ એ કારણે થયો કે મેડીકો ફ્રેન્ડ સર્કલમાં વ્યવસાયિક આરોગ્ય વિષે બહુ ઓછી ચર્ચા જોવા મળે. અમને વધુ ચર્ચાની હવે આ તક મળી છે તે જોઇ હું ખુશ થયો. મેં પ્રતિભાવ આપતાં જણાવ્યું કે,“૧૫ વર્ષ પહેલાં સયાજી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીનું ભણી રહેલા મારા કુટુંબી ભાઇએ મને વિનંતી કરતાં કહેલું કે અમુક ફેકટરીમાંથી આંગળા કપાવાના ઘણા દર્દી નિયમિતપણે આવતા જ રહે છે. એ અટકાવવા કંઇક કરો. એણે તો એમ પણ કહેલું કે ઉનાળો શરૂ થતાં જ રોડ પર ઉભા રહી શેરડીનો રસ કાઢી આપનારા સંચાવાળા કારીગરોના પણ આંગળા/હાથની ઇજાના ઘણા બનાવ આવે છે.

હવે ચર્ચા જામી.શ્રીવત્સન નામના હૈદારાબાદના વિદ્બાન સભ્યે પ્રતિભાવ આપ્યો કે,“સલામત રીતે કામ કરી શકાય તેવાં મશીનો ૪૦ વર્ષથી બજારમાં મળે છે. ધીમા અને એક જ શોટ વાગે તેવાં મશીનોમાં બે બટન હોય છે જે એકબીજાથી એક મીટરને અંતરે હોય છે અને તે બંને એકસાથે દબાવવાના હોય છે તેથી હાથ ડાઇમાં ફસાઇ ન જાય અને જોખમથી દૂર રહે. મશીનમાં એવી રચના પણ હોય છે કે વળી ગયેલા કે ખરાબ થઇ ગયેલી પ્લેટને ગુરુત્વાકર્ષણ બળથી આપોઆપ દુર કરે. જો કે કંપની ખર્ચ ઘટાડવા સસ્તા મશીન ખરીદવા માગતી હોય જેમાં એક જ બટન હોય કે ખરાબ થયેલી પ્લેટને હાથેથી જ દૂર કરવી પડે તો એ તો જુદી વસ્તુ છે. અથવા કોઇ કારણસર એક બટન બગડી જાય તો એક જ બટનથી કામ ચલાવે. સલામત મશીન મળતાં હોય ત્યારે પગેથી ચાલતાં મશીન વેચાવાં જ શા માટે જોઇએ?

ખરેખર તો માનવ સંશાધન મંત્રાલય આવા મશીનોને ઇન્સપેકટ કરી તે સલામત હોવાનું પ્રમાણપત્ર આપે તેવી એક કાયદેસરની સંસ્થા સ્થાપે તે માટે સરકાર સમક્ષ રજુઆત કરવી જોઇએ. જ્યારે અકસ્માત થાય ત્યારે શી ખામીને કારણે અકસ્માત થયો તેની જાણ આપોઆપ કરે તેવી વ્યવસ્થા હોય.આનો અર્થ એ પણ થયો કે ઇ.એસ.આઇ.એ અસંગઠિત કામદારો માટે પહેલાં કામ કરવું જોઇએ અને તેમના“કામને કારણે થતી ઇજાઓના” વિભાગે સારી રીતે કામ કરવું જોઇએ. (જો કે ઇ.એસ.આઇ.માં આવો કોઇ વિભાગ જ નથી). વિકાસના બહાને નિયમોને તાક પર મુકવા અને કરભારણ ઘટાડવાનું કામ થતું હોય છે. એ જ રીતે ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવા મશીનોમાં સલામતી માટેની સંરચના બદલી નાખવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદન માટે કામદારોના શરીર વાપરવા જેવી વાત છે.” બેંગલોરના ડો. રવિએ પ્રતિભાવ આપ્યો કે,“જાહેર આરોગ્ય/વ્યવસાયિક આરોગ્યમાં રોગ/અકસ્માત અટકાવવા —પ્રિવેન્શનની ભૂમિકા વિદ્યાર્થીઓને સમજાવવા હું હંમેશાં એક વાર્તા કરતો હોઉં છું. તે વાર્તા એવી કે ફેકટરીની બહાર એક નાનું દવાખાનું હોય જયાં હાથની ઇજાઓના દર્દીઓને મોકલવામાં આવતા હોય અને ધીમે ધીમે એ દવાખાનું પ્લાસ્ટિક સર્જરી કરતી એક જાણીતી હોસ્પિટલમાં વિકાસ પામે. એની આ યાત્રા દરમિયાન એણે કયારેય એ ફેકટરીની મુલાકાત લેવાની અને એ જાણવાની તસ્દી લીધી ન હોય કે આટલા બધા અકસ્માત/ઇજા થાય છે શા કારણે. આ વાર્તા પછી જયારે ચર્ચા થાય ત્યારે વિદ્યાર્થી એ વાતનું મહત્ત્વ સમજી જાય કે સારવાર કરતાં અટકાવવાનું શાથી વધુ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. આવું ખરેખર થઇ રહ્યું છે તે દર્શાવતો આવો અહેવાલ હું પહેલીવાર જોઇ રહ્યો છું. સુપ્રિયાને કહીશ કે એ વધુ સઘનપણે લખતી રહે. પશુઓને માટે ચારો કાપનારા મશીનોને કારણે થતી ઇજાઓ ઘણા વર્ષથી મોટું જોખમ છે. હું જગદીશની વાત સાથે સહમત છું કે સક્રિય પ્રતિભાવ આપવો જરૂરી છે. માત્ર સંશોધન કરવું કે પુરાવા એકઠા કરવાથી આગળ આપણને સંશોધનાત્મક પત્રકારત્વ અને હિમાયત માટેની ચળવળ કરવી પડે. ૧૧થી ૧૩ ડિસેમ્બર દરમિયાન બેંગલોર ખાતે મળનારી પાંચમી બાયોએથીકસ પરિષદમાં આ મુદ્દે ચર્ચા ગોઠવવાનું હું જગદીશ/આદિત્યને સૂચવું છું. તે પછી આદિત્યએ જણાવ્યું કે આ લેખને એક ભૂમિકા બાંધતી નોંધ તરીકે મુકીને “શા માટે તબીબોએ ફેકટરીની મુલાકાત લીધી નહી” તે મુદ્દાને ચર્ચામાં લાવવો.” તે પછી પાંચમી બાયોએથીકસ પરીષદમાં મેં ભાગ પણ લીધો અને વ્યવસાયિક આરોગ્યમાં નીતિગત મુદ્દા અંગે એક વર્કશોપનું આયોજન પણ કર્યું પણ ત્યારે આ ચર્ચાને એક વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હતો તેથી આ વાત ભુલાઇ ગઇ હતી.

હવે આવા લેખો તો અનેક લખાય છે અને વાચકોની સ્મૃતિમાંથી ચાલી જાય છે. પરંતુ આ લેખ લંડનમાં કામ કરતા એક ભારતીય બેન્ક અધિકારી સંદીપ સચદેવના વાંચવામાં આવ્યો અને તેનો દેશપ્રેમ જાગી ઉઠયો. એને કંઇક કરવાની તીવ્ર લાગણી થઇ. એણે પોતાની સાથે અમદાવાદની આઇ.આઇ.એમ.માં ભણી ૧૯૯૧માં પાસ થયેલા અન્ય ગોઠીયાઓનો સંપર્ક કર્યો અને તેમની સાથે ચર્ચા કરી. બધાએ નિર્ણય કર્યો કે આ તો ચલાવી ન જ લેવાય. કંઇક કરીએ.એમાંથી “સેઇફ ઇન ઇન્ડીયા ફાઉન્ડેશન”નો ૨૦૧૫માં જન્મ થયો. માનેસર,ગુડગાંવમાં તેમનું કાર્યાલય છે અને તેમણે આ મુદ્દે કામ કરવું શરૂ કર્યું. સંસ્થાએ અભ્યાસ કરીને “ક્રશ્ડ” નામનો અહેવાલ જુલાઇ, ૨૦૧૯માં પ્રગટ કર્યો જેનું વિમોચન આઇ.આઇ.એમ.અમદાવાદમાં કરવામાં આવ્યું.[1]

આ અહેવાલ તેમણે ઉદ્યોગો અને સરકારને મોકલ્યો. બંને સાથે તેમણે અકસ્માતો ઘટાડવાને મુદ્દે ચર્ચાઓ પણ હાથ ધરી. બીજી બાજુ પીડિત કામદારોને ઇ.એસ.આઇ.કાયદા હેઠળ મળવાપાત્ર લાભો મેળવી આપવામાં મદદ કરી. પહેલા ૩ વર્ષમાં જ ૨૦૦૦ કરતાં વધુકામદારોને કુલ રૂ.૧૫ કરોડ મેળવી આપવામાં મદદ કરી. “એક કામદારે જણાવ્યું કે હું એક મશીન પર કામ કરતો હતો ત્યારે સુપરવાઇઝરે આવીને મને બીજા મશીન પર કામ કરવા જણાવ્યું જે મશીન પર કામ કરવાનો મને અનુભવ ન હતો. મારાથી કામ કરવાની ના પણ પડાય નહી. મજબૂરી અમારી. બીજા મશીન પર ગયો અને અકસ્માત થયો. કહો કોણ જવાબદાર?”

એમના અહેવાલમાંથી જે મહત્ત્વની માહિતી મળે છે તે આ મુજબ છેઃ[2]

  • ૮૩% બનાવો બીનસલામત મશીનોને કારણે થયા
  • ૪૮% પીડિતોને માથે સુપરવાઇઝરનું ઉત્પાદનના લક્ષ્યાંકો પુરા કરવાનું દબાણ હતું.
  • ૫૨% અકસ્માતો પાવર પ્રેસ મશીન પર થયા
  • ૭૦% બનાવો એવા એકમોમાં થયા જે એકમો મોટા એકમોને તેમની જરૂર મુજબનો માલ બનાવીને પૂરો પાડતા હોય
  • ૬૫% પીડિતો ૩૦ વર્ષથી નાની ઉંમરના હતા.
  • ૬૫% પીડિત કામદારો કોન્ટ્રાકટ કામદારો હતા.
  • ૯૩% એકમો મારૂતિ સુઝુકી, હીરો કે હોન્ડા માટે કામ કરતાં હતાં.

૧૩૬૯ પૈકી ૫૪૮(૪૦%)એ એક આંગળી ગુમાવી, ૨૩૪(૧૭%)એ બે આંગળી, ૧૩૩(૯.૭%)એ ત્રણ આંગળી,૭૩(૫.૩%)એ ચાર આંગળી અને ૧૭(૧.૨૪%)એ પાંચ આંગળીઓ ગુમાવી.૧૫૦(૧૦.૯૫%)ને કોણીથી કાંડા સુધીના હાથની ઇજા થઇ અને તે પૈકી ૧૨ કામદારોએ એટલો ભાગ ગુમાવવો પડયો અને બાકીનાને હાડકું ભાંગ્યું હોય અથવા બીજી ઇજા થઇ હોય. ૮૯ કામદારોને (પંજો, આંગળાં, કાંડુ) હાથ પર ઇજા થઇ અને તેમાંથી ૨૦ જણે એટલો ભાગ ગુમાવ્યો. ૫ કામદારોના ખભામાં ઇજા થઇ, ૮ જણને પંજામાં ઇજા થઇ, ૩ની આંખોને ઇજા થઇ, ૯૧ને પગમાં ઇજા થઇ અને તે પૈકી ૧૨ કામદારોએ પગ ખોયો.આમાંથી ૫૨% અકસ્માતો પાવર પ્રેસ મશીન પર થયા, ૭% મોલ્ડીંગ મશીન પર થયા અને ૪૧% અન્ય મશીનો પર થયા. ૮૭% કામદારો ઉત્તરપ્રદેશ અને બિહારના સ્થળાંતરીત મજુરો હતા. ૭૦% કોન્ટ્રાકટ કામદારો હતા એટલે કે કાયમી ન હતા.એમાંથી કેટલાય તો અનેક વર્ષથી એક જ કારખાનામાં કામ કરતા હતા. ૬૬% ૩૦ વર્ષથી નાની ઉંમરના હતા અને એક પણ કામદાર કોઇ કામદાર સંગઠન સાથે જોડાયેલો ન હતો.

મનોજ નામના ૩૮ વર્ષના બિહારી કામદારના જમણા હાથની બે આંગળી ઓગસ્ટ, ૨૦૧૭માં કપાઇ ગઇ. અકસ્માત પછી બે મહિના પછી એે એ જ કારખાનામાં ફરી કામે લાગ્યો.ફરી ઓકટોબરમાં એને જમણા હાથે જ અકસ્માત થયો અને બાકી રહેલી ત્રણ આંગળી પણ કપાઇ ગઇ. મનોજકુમાર એકલા નથી, તેમના જેવા બીજા કામદારો પણ છે જેમને એક કરતાં વધુવાર અકસ્માત થયા હોય અને આંગળા ગુમાવ્યા હોય.

૪૮% અકસ્માતો તો ૧૬% એકમોમાં થયા એટલે કે આ એકમો બહુ જોખમી હતા. અતુલકુમારના એકમમાં દર મહીને ૨/૩ અકસ્માત થયા. આવા ૪૭ એકમ હતા જયાં સરેરાશ ૫.૫ અકસ્માત થયા, ૨૫ એકમ એવા હતા જયાં ૨.૪ અકસ્માત થયા અને ૨૭% એકમ એવા હતા જયાં એક અકસ્માત થયો.અનેક એકમોમાં ૧૦ કરતાં વધુ કામદારો એવા છે જેમનાં આંગળાં કપાયાં છે. અહેવાલ નોંધે છે કે જો ૩૨ એકમો પર જ ધ્યાન આપવામાં આવે તો પણ વર્ષે ૩૦૦ કરતાં વધુ અકસ્માતો રોકી શકાય.

અહેવાલ નોંધે છે કે અનેક અકસ્માતો ફેકટરી એકટની જોગવાઇઓનો ભંગ થતો હોવાને કારણે થયા છે.૬૦% બનાવોમાં પીડિતો કાયમી ઇજાનો ભોગ બન્યા. આવી ઇજાનો ભોગ બનેલા કામદારોને એવી જ બીજી નોકરી મળવાની સંભાવના ઘટે છે, એમનું ભાવિ ધુંધળું બને છે અને કુટુંબો ગરીબીના વિષચક્રમાં ફેલાય છે. મોટાભાગના પીડિત કામદારો યુવાન સ્થળાંતરીત કામદારો છે. આ કામદારો કોઇ કામદાર સંઘના સભ્ય ન હતા. તેમનું કોઇ ધણીધોરી નહી. સ્થાનિક રાજકારણી કે અન્ય કાનૂની સંસ્થાઓને તેમની સમસ્યાઓમાં કોઇ રસ ન હોય. એટલે આ બધી વાતો સમાજ સમક્ષ કે સરકાર સમક્ષ કોઇ મુકે નહી. ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન મેળવવાની લાહ્યમાં કામદારોને અકસ્માત તરફ ધકેલવામાં આવે છે.

અહેવાલ એ પણ નોંધે છે કે ઇ.એસ.આઇ કાયદાનો પણ અમલ કરવામાં આવતો નથી.આ પીડિતો પૈકી અડધાથી વધુ કામદારોને અકસ્માત પછી જ ઇ.એસ.આઇ.ના ઓળખકાર્ડ મળ્યા. એ માટે ઇ.એસ.આઇના અધિકારીઓ સાથે માલિકો કશીક “સમજુતી” કરે છે તે પછી જ આ શકય બને છે.મોટાભાગના પીડિતોને અકસ્માત પછી તરત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવે છે. તે કારણે એવું થાય છે કે એમને સારી ગુણવત્તાની સારવાર મળતી નથી. તે કારણે અસર પામેલા આંગળાં/હાથ પૂરતા સાજા નરવા થતાં નથી.

જેમને કાયમી અપંગતા આવી તેમને ફરી નોકરી મળી કે નહી? એ જ ફેકટરીમાં મળી કે બીજે? એ જ કામ મળ્યું કે બીજું? કેટલો સમય બેકાર રહેવું પડયું? આવક એટલી જ જળવાઇ રહી કે ઘટી? આવા સવાલોના જવાબ આ અહેવાલમાંથી મળતા નથી. અલબત્ત અહેવાલ આ બાબતની નોંધ લે છે પણ આંકડા નથી. આ ઘટનાઓમાં કેટલી ઘટનાઓ કાયદાભંગને કારણે થઇ? તે પૈકી કેટલા સામે કારખાના ધારા હેઠળ કાનૂની પગલાં લેવામાં આવ્યાં? શું સજા થઇ? સજાનો શો પ્રભાવ પડયો? ઇજાગ્રસ્તો પૈકી એટલાને કાયમી અપંગતા આવી? રોજબરોજનાં જીવનમાં કેવી તકલીફો થઇ? સામાજિક સમસ્યાઓ શી આવી? તેમના પુનઃવસન માટે શું થયું? ઇ.એસ.આઇ. કોર્પોરેશને તે માટે શું કર્યું? જેવા સવાલો ઉભા છે.[3]

અહેવાલમાં કેટલીક ભલામણો કરવામાં આવી છે. અલબત્ત ઇ.એસ.આઇ.કોર્પોરેશને અકસ્માતો અટકાવવા માટે એકમોને સલાહ આપવા અલાયદો વિભાગ શરૂ કરવાની ભલામણ કરી નથી. જે એકમોમાં વારંવાર અકસ્માતો થાય છે તે એકમોનો ઇ.એસ.આઇ.માં ભરવાના થતા ફાળામાં વધારો કરી શકાય છે તેવી કાનૂની જોગવાઇ છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી તે અંગે પણ કોઇ ભલામણ નથી. આ મશીનોનું ઉત્પાદન કરતા એકમો માટે પણ કોઇ ભલામણ દેખાતી નથી.સંસ્થા આ અહેવાલ કેન્દ્રીય મજૂર મંત્રીને પહોંચાડી શકયા અને તેમની રૂબરૂ મુલાકાત લઇ આ સંદર્ભે ચર્ચા કરી શકયા છે. મંત્રીએ સંસ્થાના કામની પ્રશંસા કરી છે પણ ભલામણોનો અમલ કેટલો થાય છે તે જોવું રહ્યું.

આ સમસ્યાના ઉકેલની જવાબદારી મારૂતિ સુઝુકી, હીરો, હોન્ડા જેવી ઓરીગીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેકચરર કંપનીઓની છે. કારણ બીજી નાની કંપનીઓ તો એમના પર નભનારા એકમો હોય છે. અહેવાલ અનેક ઉપાયો સૂચવે છે. ત્રણ મોટી પૈકી મારૂતિ સુઝુકીએ થોડો રસ લીધો છે.

અહેવાલ પ્રકાશિત કરતાં પહેલાં આ ત્રણ કંપનીઓને ખાનગીમાં મોકલવામાં આવ્યો. ત્રણેમાંથી એક પણ કંપનીએ આ અહેવાલમાં જણાવેલા આંકડાને પડકાર્યા નથી. કેન્દ્રીય મજૂર મંત્રીએ આ અહેવાલને આવકાર આપ્યો. ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી વિશ્વની ચોથા નંબરે આવે છે. વર્ષે ૪૦ લાખ કરતાં વધુ કાર વેચાય છે. ભારતની જીડીપીમા ૩.૮%નો ફાળો આપે છે. ૧ કરોડ ૩૦ લાખ કામદારોને રોજી આપે છે. આ કામદારોને જે રોજી મળે છે તેની ગુણવત્તા નબળી છે. ઉદ્યોગની લાંબા ગાળાની સફળતા માટે એ જરૂરી છે કે તેમને કામની ઉમદા સ્થિતિ મળે. ઉદ્યોગના નૈતિક ધોરણોનું શું?

સુપ્રિયા શર્માના લેખને કારણે સંદીપ સચદેવને આ સંસ્થા સ્થાપવાની પ્રેરણા મળે છે અને પોતાની સંપૂર્ણ શક્તિ સાથે એ આકામમાં ઝુકાવે છે. એચ.એસ.બી.સી. બેન્કની પોતાની નોકરી છોડે છે અને ઇ.એસ.આઇ.કોર્પોરેશન અને મજૂર મંત્રાલય સુધીપોતાની પહોંચ વધારે છે તે બાબત વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અધિકારો માટે કામ કરતી સંસ્થાઓ માટે ગૌરવ થાય તેવી ઘટના છે. સુપ્રિયા શર્મા જેવા પત્રકાર કેટલા હશે જેમના લેખને કારણે એ સમસ્યા પર કામ કરવા એક સંસ્થા ઊભી થાય. આથી વધુ સફળતા કે એવોર્ડ લેખક માટે બીજો શો હોય? સેઇફ ઇન ઇન્ડિયા ૨૦૨૦ના અહેવાલને પ્રગટ કરવાની તૈયારીમાં છે ત્યારે એમને શુભેચ્છા આપીએ અને પહેલા અને બીજા અહેવાલ વચ્ચેના ગાળામાં શો ફરક પડયો તેની ચર્ચા ફરી કયારેક કરીશું તેની ખાતરી આપી પૂરૂં કરું. 


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855


[1]

[2]

[3]

Author: Web Gurjari

1 thought on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કારીગરોનાં હાથ – આંગળાં કપાઈ જવાની વ્યાવસાયિક સલામતી સમસ્યા

  1. આ અહેવાલ સુપ્રીયા શર્માના ૨૦૧૪ના લેખ અને સેઇફ ઇન ઇંડિયા ફાઉંડેશનના અહેવાલ ક્ર્શ્ડ ૨૦૧૯ને આધારે છે. ફાઉંડેશને હવે નવો અહેવાલ ક્ર્શ્ડ ૨૦૨૦ તૈયાર કર્યો છે અને તે ૨૪/૦૯/૨૦ને ગુરુવારે સવારે ૯થી ૧૧ દરમીયાન ચાલનારા વેબીનારમાં જાહેર કરવામાં આવશે. વેબ્ગુર્જરીના જે વાચકોને રસ હોય તેમને જોડાવા માટે આમંત્રણ છે. મને મેઇલ કરશો તો હું વીગતો આપી શકીશ

Leave a Reply

Your email address will not be published.