શાંત અને નીરોગી જીવન જીવવા – “સજીવ આહાર” તરફ માંડીએ કદમ!

હીરજી ભીંગરાડિયા

        કળતર થવું, તાવ તરિયો આવી જવો, માથું દુ:ખવું, કે પેટની નાની-મોટી ગરબડ ઊભી થઈ જાય, તો એને આપણે ‘ગંભીર બીમારી’ નહીં, પણ ‘સામાન્ય કટેવ’ થયાનું કહી મનમાંથી કાઢી નાખતાં હોઇએ છીએ. પણ ક્યારેક જેની પીડા અને રીબામણીથી હતાશ થઈ જઈ માણસ મરવાનું પસંદ કરી બેસે, અને કોઇ જાતની સારવારને ન ગાંઠે એવા દર્દોની
સંખ્યા પણ ઓછી નથી. અરે ! અત્યારની જ વાત કરીએ તો ૨૦૨૦ ના માર્ચ મહિનાથી માત્ર આપણા દેશ ભારતને જ નહીં, દુનિયાના મોટાભાગના દેશોના લોકોને વાયરસ-કોવિડ-19 એ સકંજામાં લઈ, “લોકડાઉન” જેવી સ્થિતિ ઊભી કરી, બધાનું જીવવું હરામ કરી દીધું છે. અરે, મહા ભયંકર ચેપી હોવાથી તો દરેકે “મોઢે માસ્ક, હાથ વારંવાર સાબુથી ધોવા, સેનેટાઇઝર લગાડવું અને એકબેજાથી બે મીટરનું અંતર રાખવું, અને બને ત્યા સુધી ઘરમાં જ રહેવું”  એવા આદેશોનું ફરજિયાત પાલન, અને ધંધા બધા બંધ જેથી આર્થિક વિટંબણાઓનો પાર રહ્યો નહીં, અને છતા જેની હજુ સુધી કોઇ દવા શોધાઈ નથી, દર્દ તો વધતું જ ચાલ્યું છે. ક્યારે મટશે કંઇ કહી શકાતું નથી, ત્યારે ડૉક્ટરોના કહેવા પ્રમાણે એમાંથી બચવાનો એક માત્ર ઉપાય છે-“દરેક વ્યક્તિની પોતાની રોગપ્રતિકારક શક્તિ !” શરીરની આ રોગપ્રતિકારક શક્તિ બળવત્તર બની રહે તેઅંગે કાંઇ વિચારશું કે નહીં ?    

        પાંસઠ વટાવી ગયેલો માનવી –પછી તે ભાઇ હોય કે બહેન, કાં તો એને મધુપ્રમેહે ઝપટમાં લીધા હોય કે પછી તેને લોહીના ઊંચાનીચા દબાણ વાળી હદયને લગતી કોઇ બીમારીનો ભેટો કરાવી દીધો હોય છે. જે કોઇ આમાંથી બચી ગયા હોય તેવા ભાગ્યશાળીને પગની એડી, ઘૂંટણ, ખભો કે કેડ ફરતો હાડકાનો દુ:ખાવો કશાયથી ન મટે, તેવા ઠોંહા માર્યા કરતો હોય છે.

       તમે જૂઓ ! પહેલાના વખતમાં મધુપ્રમેહનો વાહો રહેતો વેપારી, સુખી, બેઠાડુ જીવન જીવવાવાળાને ત્યાં ! ખેડુતો, મજૂરો કે કારીગરો-જેના પંડ્ય પરસેવે નિતરતાં હોય એનાથી આવાં દર્દ આઘાં ભાગતાં.અને હદયરોગ ? એ તો કહેતો “નાની ઉંમરવાળાં, ગરીબ અને પાતળિયા દેહ વાળામાં શું જીવ નાખવો ? એયને તકિયામાં સૂતા હોય એવા મેદથી ભરેલા, જાડા અને ખાધેપીધે સુખી અને બેઠાડુ માણહમાં જ મોજ ન કરીએ !” અને કેન્સર આજની જેમ જ્યાં નજર પડે ત્યાં –બધે ય નહોતું ભળાતું. એના તો ભાગ્યેજ ટવર્યા ટવર્યા ઊડતા વાવડ મળતા કે ફલાણા…..ફલાણા…રાજવી કુટુંબમાં કોઇ આધેડ કે વયોવૃધ્ધને કેન્સર વળગ્યું છે. જ્યારે અત્યારે ? કોઇ ગામની ક્યાં વાત કરવી ? કોઇ શેરી કે મહોલ્લો બાકી નથી રહ્યો કે જ્યાં એકાદ-બે પુરુષ,સ્ત્રી, કે બાળક આ રોગનો શિકાર ન બન્યું હોય ! અરે, એની તો સારવાર લેતાં લેતાં યે દર્દી તો ઝૂરીઝૂરીને મરવાનો અને એનું આખું કુટુંબ આર્થિક પાયમાલીમાં બરબાદ થવાનું.

        માણસની ઉંમર નાની હોય કે મોટી, જણ પાતળો હોય કે જાડો, સ્ત્રી હોય કે પુરુષ, જણ બેઠાડુ હોય કે મહેનતુ : કેન્સર જેવા ગંભીર રોગો સૌ કોઇને પોતાની લપેટમાં લેવા લાગ્યા છે. અને “કોરોના” તો બાળકો અને વયોવૃદ્ધ વ્યક્તિ કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એને વધુ પરેશાન કરનારું દર્દ સાબિત થયું છે.

આનું કારણ શું ? =  સમયની સાથે આપણી રહન સહનની રીતો પણ બદલાઇ છે. શરીરને  પરસેવો  વાળવાની વાત ક્યાં કરવી ? થોડુંક આઘેરૂક જવું-આવવું કે શરીરને થોડોકે ય આલ પડે, તેવી કોઇ પ્રવૃતિને આપણે ઢુંકડી જ આવવા દેતા નથી. શરીરશ્રમથી સાવ બચવા માગીએ છીએ. તે રીતે આપણા ખોરાકની રૂચી અને રસો પણ બદલાયાં છે. “સાજા રહેવું” એ શરીરનો સ્વભાવ છે, પણ આપણી રહેણીકરણી અને ખાણીપીણી માંદગીની મદદગાર બની છે.

ખોરાકનો પ્રભાવ અજોડ હોય છે=કહ્યું છે ને અન્ન એવો ઓડકાર ! ખવરાવેલા ખોરાકના પ્રભાવે જ દુર્યોધન ભીષ્મને કુરુક્ષેત્રમાં પોતાને પક્ષે લડવા તૈયાર કરી શકેલો. ભીષ્મ પાંડવોના સત્યપક્ષને જાણતા હતા છતાં દુશાસનના હાથે દ્રૌપદીનાં ચીર ખેંચાતાં જોઇ રહેલા ! કૌરવોના ખાધેલા મિષ્ટાન્ને એમને મુંગા બનાવી દીધેલા. વિદુરજીએ ભલે ભાજી, પણ પોતાની જ ખાધેલી એટલે કૌરવ પક્ષે લડવાનો નનૈયો દુર્યોધનને સંભળાવી શક્યા ! દુષ્ટનું અન્ન એકલું લોહી નથી બનાવતું, મનને પણ ફેરવી દે છે. ભીષ્મ એવી ના સંભળાવી શક્યા હોત તો કુરુક્ષેત્રનું યુધ્ધ લડવા દુર્યોધન તૈયાર ન થયો હોત !             

આપણે શું ખાઇએ છીએ ? તપાસ્યું છે ક્યારેય? = બજારમાં સીધી ખાઇ શકાય, તેવી તૈયાર મળતી ખાણીપીણીની ચીજો બનાવી વેચનારા-એ તો કઈ વસ્તુ ક્યાંથી સસ્તી મળે એમ છે, અને હજુ એમાં શું ઉમેર્યું હોય તો – શેની મિલાવટ કરી હોય તો વધુ નફો કેમ રળી લેવાય-તેની જ વેતરણમાં પડેલા હોય છે.

જરા તપાસ કરજો ક્યારેક અભ્યાસ કરજો = બજારમાં મળતા દૂધમાં પાણીનું ઉમેરણ થાય ત્યાં સુધી તો માફ ! પણ એકેય ગાય કે ભેંશ જેવું દૂધ દેતું જાનવર ન હોય, એવી ડેરી ટેંકર મોઢે દૂધ વેચે છે, બોલો ! કહે ચોખ્ખુ ઘી, પણ અંદર વેજી–ટેબલ હોય ત્યાં સુધીતો કંઇકે ઠીક ! પણ કતલખાનામાં હલાલ કરેલાં પ્રાણીની ચરબી ઓગાળીને એકરસ બનાવી નહીં હોય એની ખાત્રી ખરી ? ડબા ઉપર લેબલ હોય “શીંગતેલ” નું, પણ અંદર કપાસિયા તેલ કે પામોલીન, અરે ! અખાદ્ય તેલની કેટલી ટકાવારી   હશે એ બાબતની જાણકારી હોય દુકાનદાર, મીલ માલિક કે ઉપરવાળાને ત્રણને ! આપણેતો બસ, શીંગતેલનો ભાવ દેવાનો અને શીંગતેલના જ ભ્રમમાં રહી આરોગ્યે રાખવાનું !

      ભેળસેળની ટેકનિક ખૂબ વિકસેલી છે. જે થોડી-ઘણી આપણી જાણમાં છે, તેમાં-ચાની ભૂકીમાં લાકડાનો છોલ, કૃત્રિમ રંગ અને કોફીમાં ચીકોરી, અને છેવટે ખજૂરના ઠળિયાનો કલર કરેલો ભૂકો ! ડગલેને પગલે જોઈતા ઘરવપરાશી મરી-મસાલામાં પણ એવું જ કંઈક, જેમકે હીંગમાં લાકડાનો છોલ અને કાળામરીમાં 25 ટકા પપૈયાના આખાં બિયાં. ખસખસમાં અરધો અરધ રાજગરાના બીજ. અને અતિ મોંઘા કેસરમાં બે ભાગના મકાઈની મૂછોનાં રંગ કરેલા તાંતણા ! કહેવાય “કેરીનો રસ” પણ હોય અંદર અરધાથી વધુ તો પાકા પપૈયાનો ગર, ખાંડ અને એસેંસ ! ધાણાજીરુમાં લાકડાનો વેર ભેળવે ત્યાં સુધી તો હળવું ગણાય, પણ અંદર ઘોડા-ગધેડાની લાદ ભેળવવામાં પણ આંચકો ન અનુભવે ! માણસની લોભવૃત્તિએ ખોરાકોને કેવા બગાડી મૂક્યા છે એનું કોઇ માપ ખરું ?

ખોરાકી અન્નોત્પાદનમાં ઝેરની વર્ષા =ખાધા ખોરાકીની પાયાની જણસો એટલે કે અનાજ, કઠોળ, શાકભાજી,તેલીબિયાં,મરી-મસાલા અને બાગબગીચામાં તૈયાર થઈ રહેલાં ફળો માટે ખેતીપાકોને શું ખવરાવાય, પીવરાવાય અને સંરક્ષણ અર્થે શું છંટાય છે, એ શું આપણા સૌથી અજાણ્યું છે ? લગભગ બધા જ ખેડુતોના મગજ ઉપર આજે વધુ ઉત્પાદન કેમ લેવું અને વધુમાં વધુ કાવડિયાં કેમ મેળવી લેવાં, એવી બસ એક જ ધૂન સવાર થઈ ગઈ છે. “થેલીઓ મોઢે રાસાયણિક ખાતરો અને ટીપણાં મોઢે ઝેરીલાં રસાયણોના ઉપયોગ વિના ધાર્યુ ઉત્પાદન મળતું જ નથી !” બસ, એ જ માર્ગે વળી જઈ- હવા,પાણી, પર્યાવરણ,અરે ! એ બધાને જ પેઢીઓ પર્યંત રોટલો રળવાનું સાધન ગણાય તેવી ‘જમીન’ સુધ્ધાંને બગાડી રહ્યા છે.અને ઝેરી રસાયણોના અતિ ઉપયોગ થકી ઉત્પન્ન થનાર અનાજ, કઠોળ,શાકભાજી, તેલીબિયાં અને ફળો બધાને એવા ઝેરી બનાવી રહ્યાછે કે ખાનાર-વાપરનાર સૌની તંદુરસ્તીનો ખાત્મો બોલાવતા અચકાતા નથી.

        અરે ! કોઇ કોઇ ખેડુત તો એવી ચેલેંજ આપી રહ્યા છે કે “ અમારી વાડીના શાકભાજીમાં રીંગણ લ્યો કે ભીંડો ! અરે, અમારા બાગના જામફળ જુઓ કે તપાસો બોરાં ! કોઇ એમાંથી એક પણ ‘સળેલું’ શોધી આપે, તો રૂપિયા 100 ની નોટ ઇનામ !” તમે જ કહો ! એમાં સળેલું ફળ ક્યાંથી હોય ભલા ! સવાર અને સાંજ એક દા’ડામાં બે બે વાર દવામાં ઝબોળી ફળને જ ઝેરનું પડીકું બનાવી દીધું હોય ! પછી ઇયળ એવી અણસમજુ નથી કે તેને ખાય ! એના કરતાં માણસ જ વધુ અણસમજુ ઠર્યો ગણાય. માણસ જરા મોટું જીવડું છે, એથી એને મરવા થોડા વધુ ઝેરની જરૂર પડે એટલું જ ને ? તેટલું યે તેને આમાં મળી રહે છે ભૈલા ! થોડા સમજણા માણસો ફળ-શાકભાજીને ઘરે ધોઇને વાપરે છે, પરંતુ ઊપર ઊપરથી ધોયે અંદર ઉતરી ગયેલ આંતર શોષિત ઝેરી રસાયણો દૂર થતાં નથી. એ બધાં પેટમાં પહોંચી,શરીરના કોષોમાં જમા થઈ, વાટ જ જોઇ રહ્યા છે કે ક્યારે જથ્થો પૂરતો જમા થાય અને ક્યારેશરીરમાં જીવલેણ દર્દ ઊભું કરીએ !

      રાસાયણિક ખાતરો અને ઝેરીલી પેસ્ટીસાઇડ્ઝની નઠારી અસરે જમીન, હવા અને પાકને તો ઝેરી બનાવ્યાં જ છે, પણ નદીઓનાં વહેતાં પાણી પણ ચોખ્ખાં રહેવા દીધાં નથી. અરે ! ગાય-ભેંશના દૂધ ઝેરની  માત્રાથી બચ્યાં નથી કે નથી માતાનું ધાવણ ઝેરી રસાયણોથી મૂક્ત રહ્યું ! વિચારો ! આપણે છોડવા-ઝાડવા અને નીરણ-ચારાને જે ઝેર ખવરાવ્યું છે, એ જ પોતામાં ઠાંસી ઠાંસીને આપણને પરત કરે છે.પરિણામે માણસની તંદુરસ્તી જોખમાણી, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ, જીવલેણ દર્દો વકર્યા.અરે ! માત્ર માણસોમાં જ નહીં, ઉંદર-ખિસકોલી અને કાબર-તેતર જેવા જીવોમાં ય તેની રહન-સહન અને ટેવોમાં ફેરફાર થયા છે. માત્ર શારીરિક ક્ષમતા ઘટી એટલાથી પૂરું નથી થઈ જતું ભાઇ !  કહ્યું છે ને “અન્ન તેવું મન અને આહાર તેવો ઓડકાર !” ડુંગળી ખાધી હોય, અને ઓડકાર કંઇ કેસર કેરીની સુગંધનો થોડો આવે ? કોઇને ‘ફર’ કહેવાતું નથી. ‘ફર’ કહીએ ત્યાં ‘ફરંગટી’ ખાઇ જાય છે. સૌની સહનશક્તિ ઘટી છે. કોઇનામાં ધીરજ જેવી વાત રહી નથી, કહોને સ્વભાવ જ આખા બદલાઇ ગયા છે.

પાછા વળવું છે ? =આભ ફાટ્યું છે ત્યાં થીગડું ક્યાં દેવું તે સવાલ જરૂર છે. છતાં આપણે જ્યાં હોઇએ તે કક્ષાએથી કંઇ કરી શકીએ ખરા ? ગંજી આખી સળગતી હોય તેમાંથી બચાવી શકાય તેટલા પૂળા તો ખેંચી લઈ બચાવીએ ! આપ મૂવા વિના સ્વર્ગે નથી જવાતું.પહેલ અને પુરુષાર્થ તો આપણે જ કરવાં પડે ! જીવતા નર ભદ્રા પામે- જીવતા હઈશું, તો બીજું બધું તો થઈ રહેશે ભલા ! “ જીવવું છે ” એટલું નક્કી કરી લઈએ.

તો હવે કરવું  શું ?  ખરું મહત્વ શુધ્ધ સજીવ ખોરાકનું =દર્દ મટાડવામાં દવા ઉપયોગી છે, એના કરતાં પણ દર્દને આવતું જ રોકવા માટે “શુધ્ધ અને સાત્વિક ખોરાક” અતિ ઉપયોગી છે. આપણો ખોરાક જ જો સર્વાંગીણ બળવત્તર અને સુપાચ્ય હોય, તો શરીરને તંદુરસ્ત રહેવું વધુ ફાવે છે. ખોરાક બાબતે જો યોગ્ય તકેદારી લેવાય, તો દર્દનું આગમન થઈ ગયું હોય તો પણ તેની વિદાયગીરીની વેળા વહેલી લાવી શકાય છે. આ વાત આજે ઘણા  શિક્ષિત અને સમજુ સમાજમાં સમજાવા માંડી છે. નબળો ખોરાક ખાઈ માંદા પડવું અને પછી ડોક્ટરના ટીકડા, સૂયા, બાટલા અને વાઢ-કાપકૂપ પાછળ નાણાં ખરચી, શરીરની પીડા વેઠી,-સાજા થવાના ઉધામા કરવા એના કરતાં માંદા જ ન પડાય, એવા ખોરાક ખાવામાં બુધ્ધિમત્તા છે. આપણી રોગપ્રતિકારકશક્તિ જ એટલી બળિયાવર હોય કે કોઇ રોગ-દોગ આપણી ઢુંકડો ડોકાય જ નહીં !

ક્યાં છે એવી ખોરાકી ચીજ-વસ્તુઓ ? = શરીરને રોગમુક્ત કરવા આરોગ્ય ક્ષેત્રે જેમ એલોપથી, આયુર્વેદિક, હોમિયોપથી જેવી ઘણી બધી થેરાપીઓ કામ કરી રહી છે-દરેકની કામ કરવાની રીત-પધ્ધતિ અલગ અલગ હોવા છતાં લક્ષ છે બધાનું એક “ શરીરને નરવ્યું બનાવવું ” તે જ ! તેમ ખેતી કરવાની અનેક પધ્ધતિઓ માંહ્યલી “ સજીવખેતી ” એ પહેલી નજરે એક પધ્ધતિ-અભિગમ-થેરાપી જ ગણાય.

       પણ આગળ કહું તો “સજીવ ખેતી” એ માત્ર ખેતીની રીત જ નથી.એ એક ઉત્તમ અને અહિંસક વિચારસરણી છે. “જીવો અને જીવવા દો ” ના સિધ્ધાંત પર રચાએલી પવિત્ર પ્રણાલી છે. માત્ર રાસાયણિક ખાતર કે ઝેરેલા રસાયણવાળી દવાઓના નિષેધ પૂરતી જ વાત નથી.આમાં કોઇને હાનિ પહોંચાડ્યા વિના, કુદરતની સામે પડીને નહીં, પણ તેના સૂરમાં સૂર અને તાલમાં તાલ મેળવીને ખેતીની પ્રક્રિયાઓ કરતા રહેવાની કળા છે આ !

જાગ્યા ત્યાંથી સવાર ! = ખેતીને માત્ર ધંધો નહીં, પણ ધર્મ સમજીને કેટલાક ખેડુતો આ પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે-એમના વાડી-ખેતરોમાં રાસાયણિક ફર્ટીલાઈઝર દ્વારા પોષણની પૂરવણી કે નબળા-દૂબળા પાણી થકી પિયત અને ઝેરીલા રસાયણોના વપરાશ વિના –માત્ર સેંદ્રીય ખાતરોના વપરાશ, મીઠાં પાણીથી  સિંચાઇ અને વાનસ્પતિક સંરક્ષકોની મદદથી જ ખેતી થઈ રહી છે. જેમાં ગાયો, પંખીઓ, અળસિયાં અને જમીનના ઝીણા જીવોની મદદ લેવાઇ રહી છે. વાડીમાં વૃક્ષો, વેલીઓ, વાડીની જીવંતવાડ, અરે ! વાડીમાં ફરતાં પતંગિયાં અને મધમાખી જેવાં પણ ઉત્પાદનમાં પોતાનો ફાળો નોંધાવી રહ્યાં છે. ખરા અર્થમાં “જીવો અને જીવવા દો” ના સિધાંત પર રચાએલ આખા યજ્ઞ માહોલની આહુતિરૂપ જે ઉત્પાદન લઈ રહ્યા છે –તેવા ખેડુતો પાસેથી શક્ય બને તો સીધું જ ખરીદી ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો, એ સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણાય. અરે ! આપણે ઉપભોક્તા –ગ્રાહક તરીકે આવી નરવી ખાદ્યચીજો પકવનાર ખેડુતને સામેથી કહેવું જોઇએ કે “ ભાઇ ! તને આ રીતે ઉત્પાદન લેવામાં ઉતારો થોડો ઓછો મળતો હોય, તો મુંજાઇશ નહીં ! અમે આજે ચો તરફ થતી રાસાયણિક ખેતી પધ્ધતિથી પકાવેલ પેદાશ કરતા તને થોડા વધારે ભાવ ચૂકવશું, પણ તું  આવો અહિંસક રીતે પકાવેલો બિનઝેરી ખોરાક અમને પૂરોપડી રહે તેવી મહેનતમાં રહેજે !”  આમ કરવાથી કાર્યક્રમ માત્ર ખેડૂતનો કે માત્ર ગ્રાહક માટેનો નહીં રહેતાં –ઉત્પાદક અને ગ્રાહક બન્નેનો બની રહેશે. અને મિત્રો ! આવું થાય તો જ લાંબું નભે હો ભાઇ !

       પણ ખેડુત પાસેથી સીધું ખરીદવામાં ન પહોંચાય, તો આવી ખેતીના ઉત્પાદનો ખરીદ કરીને વ્યાપાર-વિતરણ કરતા એવા વિશ્વાસુ સજીવખેતી પેદાશ વિતરક સ્ટોર [હવે શહેરોમાં ખૂલવા માંડ્યા છે] ઉપરથી ખરીદી, વાપરતા થઈએ એ જ શરીરને નરવ્યું અને મનને સ્થિર રાખી-આનંદથી જીંદગી જાવવાનો રાહ લાગ્યો છે ભાઇઓ !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.