ફિર દેખો યારોં : ગાલી હુઝૂર કી તો, લગતી દુઆઓં જૈસી

બીરેન કોઠારી

ઘણા વરસો સુધી રૂપેરી પડદા પરની નૈતિકતાના રખેવાળ બની રહેલા સેન્‍સર બૉર્ડનું સત્તાક્ષેત્ર હજી એમનું એમ રહ્યું છે, પણ બદલાયેલા સમય અનુસાર તેના સત્તાક્ષેત્રની બહાર ઘણું બધું બની રહ્યું છે. ‘ઓ.ટી.ટી.’ (ઓવર ધ ટૉપ) એટલે કે ખાસ ઈન્‍ટરનેટના માધ્યમ માટે જ બનાવવામાં આવતી ફિલ્મો અને વેબ સિરીઝનું ચલણ વધી રહ્યું છે અને આ કૃતિઓની રજૂઆત અગાઉ તેને સેન્‍સર બૉર્ડ પાસે પ્રમાણિત કરાવવાની કશી આવશ્યકતા નથી. સેન્‍સર બૉર્ડ જેને વાંધાજનક અને કાપકૂપને લાયક ગણી શકે એ તમામ સામગ્રી આ માધ્યમો પર છૂટથી દર્શાવાઈ રહી છે. આ છૂટનું પરિણામ આંખને અસર કરે એ કરતાં વધુ અસર કાનને કરે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આવી ફિલ્મ અને શ્રેણીઓમાં વિવિધ પાત્રોના મુખે   જે માત્રામાં ગાળો મૂકવામાં આવે છે એ અસ્વાભાવિક લાગે એવું છે. વક્રતા એવી છે કે ગાળોનો ઉપયોગ મોટે ભાગે સ્વાભાવિકતા દેખાડવા માટે થતો હોય છે. આથી આપણને એ સવાલ થાય કે સર્જનાત્મક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય શું માત્ર ગાળો થકી જ વ્યક્ત કરી શકાય?

એવી દલીલ થઈ શકે કે ગાળ આપણા સમાજજીવનનો હિસ્સો છે. ઘણા સમયથી વિવિધ કલાકારો દ્વારા સ્ટેન્‍ડ અપ કૉમેડીનું ચલણ ચાલી રહ્યું છે, જેમાં હાસ્ય કેન્‍દ્રસ્થાને છે. આ પ્રકારના શોમાં પણ ગાળોને છૂટથી ભભરાવવામાં આવે છે. ગાળ એ સહજ અભિવ્યક્તિ છે, અને મનમાં યા પ્રગટપણે બોલાતી હોય છે. જરૂરી નથી કે તે હંમેશાં કોઈ વ્યક્તિને ઉદ્દેશીને જ બોલાય. પરિસ્થિતિને ઉદ્દેશીને પણ એની અભિવ્યક્તિ થતી જોવા મળે છે. આપણે જેને ગાળનો ‘દરજ્જો’ આપેલો છે એવા શબ્દો વિશે વિચારીએ તો સમજાશે કે મોટા ભાગની ગાળો પુરુષ યા સ્ત્રીના જનનાંગો કે મા-બહેન સાથે જાતીય સંબંધની કલ્પનામાં જ સિમીત થઈ જાય છે. અને આ હકીકત ગુજરાત કે ભારતની નહીં, મોટા ભાગની સંસ્કૃતિઓમાં જોવા મળે છે. ગાળ તરીકે આ શબ્દો કે કલ્પના એ હદે વ્યાપક અને જડ થઈ ગયેલાં છે કે કેટલીક સ્ત્રીઓ ગાળ બોલવા ઈચ્છે તો તેઓ પણ આવા શબ્દોનો જ ઉપયોગ કરે છે. 

હજી આપણા સામાન્ય કૌટુંબિક માહોલમાં મોટા ભાગે વણલખ્યું નિયમપાલન જોવા મળે છે કે મા-બહેન-દીકરીની હાજરીમાં ગાળ ન બોલાય. આ સંજોગોમાં ‘ઓ.ટી.ટી.’ માધ્યમો પર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અર્થ છૂટથી ગાળ બોલવાનો કે આધુનિક દેખાવા પૂરતો સિમીત થઈ ગયો હોય એમ લાગે છે. ગાળ બોલીને આધુનિકતા દર્શાવવાની હોય તો પછી એ ગાળ મહિલાકેન્‍દ્રી કે જનનાંગલક્ષી શા માટે? ગાળ બોલવાની વૃત્તિને ‘આદિમ’ ગણાવી દેતાં પહેલાં વિચારવા જેવું છે. સભ્યતા અને સંસ્કૃતિના કાળ પહેલાં લગ્નાદિ સંસ્થાઓ અસ્તિત્ત્વમાં નહોતી એ સમયે સ્થિતિ કેવી હશે? આજની ગાળમાં જે કલ્પના કરવામાં આવે છે એ ત્યારે કદાચ વાસ્તવિકતા હશે. એ સંજોગોમાં ગાળનું વજૂદ ક્યાંથી રહે? સંસ્કૃતિના વિકાસ સાથે સામાજિક માળખું વિકસતું ગયું હશે. આ કારણે ઢંકાયેલાં રહેતાં અંગો અને અવૈધ સંબંધો બન્ને ગાળના કેન્‍દ્રરૂપ બન્યા હશે, જેમાં આટલી સદીઓ પછી પણ ભાગ્યે જ કશો ફેરફાર થયો છે. એ હકીકત વારેવારે પુરવાર થતી રહે છે કે વિજ્ઞાન કે ઉપકરણો જો આધુનિકતા લાવી શકતા હોય તો એ કેવળ બાહરી આધુનિકતા છે.

‘સેન્‍સર બૉર્ડ’નું વલણ કેવું હોવું જોઈએ એ મુદ્દો આખો અલગ છે. કેમ કે, એ હંમેશાં સત્તાપક્ષની વિચારધારા કે વલણને જ પ્રતિબિંબીત કરતું હોય છે. આઝાદી પૂર્વેના યુગમાં સેન્‍સર બૉર્ડ અંગ્રેજ સરકારને હસ્તક હતું. એ સમયે ચુંબનનાં દૃશ્યોનો બૉર્ડને કોઈ છોછ નહોતો. પણ સીધી યા આડકતરી રીતે પોતાના શાસનની વિરુદ્ધનો કોઈ સંદેશો ફિલ્મ દ્વારા પ્રસારિત ન થઈ જાય એ તેની મુખ્ય નિસ્બત હતી. 1921માં રજૂઆત પામેલી ‘કોહીનૂર ફિલ્મ કંપની’ દ્વારા નિર્મિત ફિલ્મ ‘ભક્ત વિદૂર’ સેન્‍સર બૉર્ડે કાપકૂપ કરેલી પહેલવહેલી ફિલ્મ હતી, કેમ કે, તેમાં વિદૂરજીનું પાત્ર ભજવતા દ્વારકાદાસ સંપતને ખાદીનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં. એ સમયગાળામાં સેન્‍સર બૉર્ડના પ્રમુખની સત્તા હોદ્દાની રૂએ કમિશ્નર ઑફ પોલિસને સોંપવામાં આવી હતી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં કટોકટી દરમિયાન ‘આંધી’ અને ‘કિસ્સા કુર્સી કા’ ફિલ્મોને એટલા માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી કે તે કોઈ ને કોઈ રીતે સત્તાપક્ષની વિરુદ્ધમાં હોવાનું ત્યારની કૉંગ્રેસ સરકારને લાગ્યું હતું. અન્ય કારણોસર પ્રતિબંધિત કરાયેલી બીજી અનેક ફિલ્મોની વાત અલગ વિષય છે. તાત્પર્ય એટલું કે સેન્‍સર બૉર્ડ કદી નૈતિકતાનું રખેવાળ હોઈ ન શકે અને અભિવ્યક્તિસ્વાતંત્ર્યની તેની વ્યાખ્યા સર્વસામાન્ય કે સર્વસ્વીકૃત ન હોઈ શકે. આમ છતાં, ‘ઓ.ટી.ટી.’ પર પ્રસારિત ફિલ્મો કે વેબસિરીઝ જોતાં તેમાં એક બાબત સામાન્ય જણાય છે કે અભિવ્યક્તિસ્વાતંત્ર્યને તેમાં કેવળ ગાળ બોલવા પૂરતું સિમીત કરી દેવામાં આવ્યું છે. ‘બંદીશ બૅન્ડિટ્સ’ જેવી સંગીતકેન્‍દ્રી, અને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીતકેન્‍દ્રી શ્રેણીમાં સુદ્ધાં ગાળો સહજ અભિવ્યક્તિ તરીકે ભભરાવવામાં આવી છે એ દર્શાવે છે કે ગાળોનું વળગણ કઈ હદે વ્યાપક બની ગયું છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ગાળો પણ એની એ જ, લેખમાં અગાઉ ઉલ્લેખી એવી જ છે.

બોલાતી કે સંભળાતી ગાળોનો છોછ ન રહે એને સામાજિક વિકાસ ગણવો? આધુનિકતા ગણવી? કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ગણવું? નક્કી કરવું અઘરું છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૯-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ફિર દેખો યારોં : ગાલી હુઝૂર કી તો, લગતી દુઆઓં જૈસી

Leave a Reply

Your email address will not be published.