વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)

-વલીભાઈ મુસા

આજે હું જે કંઈ લખવા જઈ રહ્યો છું તે વિષય તો મારા મનમાં સ્પષ્ટ છે, પણ છેલ્લે આ લેખ સાહિત્યના કયા સાહિત્યપ્રકારના ચોકઠામાં ગોઠવાશે તેની તો મને પણ ખળે (અંતે) જ ખબર પડે કે ન પણ પડે! કદાચ એવું પણ બને … ચાલો વાત છોડો! આપણે કામથી કામ રાખીએ. એક વાત ચોક્કસપણે પહેલેથી જ જણાવી દઉં કે આ લેખના શીર્ષકથી છેતરાઈને કોઈ તેને રહસ્યકથા, જાસુસી વાર્તા કે એવી કોઈ જિજ્ઞાસાપ્રેરક કૃતિ સમજી બેઠા હો તો આટલેથી આગળ વાંચવાનું માંડી વાળજો. પણ, મને ખાત્રી છે કે તમે તેમ નહિ કરી શકો; કેમ કે… કેમ કે…!  

આ લેખમાં માનવજીવનના ભેદભરમના ઘટનાચક્રની એક સત્યકથા મૂકવામાં આવશે જેના રહસ્યને ઉકેલવા માટે મારી પોતાની જાતથી શરૂ કરીને આસ્તિકો, નાસ્તિકો, એકેશ્વરવાદીઓ, અનેકેશ્વરવાદીઓ, બુદ્ધિવાદીઓ, વૈજ્ઞાનિકો, દાર્શનિકો, વ્યક્તિપૂજકો, ગુરુપરંપરાને માનનારાઓ, મૂર્તિપૂજકો કે નિરાકાર રૂપે ઈશ્વરને ભજતા માનવ સમુદાયો, પ્રતીકપૂજકો કે ધર્મગ્રંથને જ માનસન્માન આપવાવાળા તમામે તમામ કોણ જાણે કેટલાય એવા ‘વાદીઓ’, ‘ઇકો’ કે ‘ઓ’ સામે મારું પ્રશ્નાર્થ ચિહ્ન જ રહેશે.

અંતે આના પ્રત્યુત્તરની મને કોઈનીય પાસેથી અપેક્ષા પણ નથી કે મારે પોતાને એવો કોઈ પ્રત્યુત્તર આપવાનો પણ નથી. એટલા જ માટે મારા આ લેખના શીર્ષકના અંતે ‘એક વિચાર’ શબ્દો મૂકવામાં આવ્યા છે, જેમાંથી એ અર્થ અભિપ્રેત થાય છે કે તમારે કે મારે હવે રજૂ થનારા એક ઘટનાચક્ર ઉપર માત્ર અને માત્ર વિચાર જ કરવાનો રહે છે, આત્મચિંતન કરવાનું રહે છે, મનોમંથન કરવાનું રહે છે અને આવાં જ ઘટનાચક્રો અન્ય કોઈના જીવનમાં કે પોતાના જીવનમાં જાણવા કે અનુભવવામાં આવ્યાં હોય તો તેમને સ્મૃતિમાં લાવીને અહીં પ્રસ્તુત વિચારની વિચારયાત્રાને લંબાવતા જવાનું છે.

આ માટે એક મહત્ત્વની સલાહ છે કે આ લેખના વાંચન પછી તરત જ વિચારવાનું શરૂ કરી દેવાની ઊતાવળ કરતા નહિ, કેમ કે આ વિચાર કરવા માટે તમારે યોગ્ય વાતાવરણની જરૂર પડશે. આ વાતાવરણ એટલે નીરવ શાંતિ, એકાંત જગ્યા (જે તમને ઘરમાંજ મધ્ય રાત્રિએ કે વહેલી પરોઢે પણ મળી શકે), અંધકાર (દિવસનો ભાગ હોય તો આંખો બંધ કરીને પણ પ્રસ્થાપી શકાશે) અને માનસિક સ્વસ્થતા. હું ‘ચિંતન પ્રક્રિયા’ અંગે જે કંઈ અહીં જણાવી રહ્યો છું તે લગભગ ‘સહજ રાજયોગ’ ને મળતી આવતી મારા મને અશાસ્ત્રીય એવી જ કોઈ એક વાત છે તેમ જ સમજવા વિનંતી છે.

મારા આગળ વધવા પહેલાંની ઉપરની કદાચ નિરર્થક લાગતી પૂર્વભૂમિકા આપવી જરૂરી હતી જ તેવું તમને છેલ્લે લાગવું જ જોઈએ એમ હું માનું છું અને હવે તમને વધુ રાહ જોવડાવ્યા વિના માનવજીવનના એક ઘટનાચક્રને વાંચવા નિમંત્રું છું. તો આગળ વધો :        

ઘટના ચક્રનું શીર્ષક : “અજીબોગરીબ દાસ્તાન” 

પાત્રપરિચય :

(૧) લેખક : અનેકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરિચિત, પણ અજાણ્યાઓ માટે એક સામાન્ય જનથી વિશેષ કંઈ નહિ.

(૨) અફઝલ : ઘટનાસમયે એક શ્રમજીવી છોકરો, પણ આજે કદાચ આધેડવયે પહોંચેલો હશે. મને આજે તેની ‘ક્યાં’ અને ‘શું’ હોવાની કોઈ જાણકારી નથી અને અહીં જરૂરી પણ નથી.  

(૩) અનામી – ૧ : જીપચાલક કે માલિક, એ વખતે અને આજે પણ અનામી, એક વ્યક્તિથી વિશેષ તરીકે જાણવું કે જણાવવું કંઈ જરૂરી નથી.    

(૪) અનામી- ૨ : ટ્રક ડ્રાઈવર/માલિક, જે હોય તે પણ જાણવું અનાવશ્યક   

(૫) પ્રેક્ષકો : મધ્યરાત્રિએ ઘટના ઘટી હોઈ જૂજ સંખ્યામાં મોજુદ.   

ઘટનાકાળ : વર્ષ ૧૯૮૨ (+/-)

ઘટનાવર્ણન :

હું મારા વતનમાં જ ગામ નજીકથી પસાર થતા હાઈવે ઉપરની મારી ઓટોમોબાઈલની દુકાને મધ્યરાત્રિએ અઘૂરી એકાઉન્ટની કામગીરી પૂર્ણ કરવા બેઠેલો હતો, ત્યાં તો એક જીપચાલક મારી દુકાનમાં પ્રવેશ્યો અને અમારી વચ્ચે આ પ્રમાણે ઔપચારિક વાતચીત શરૂ થઈ: 

“શેઠ, અડધી રાતે પણ તમારી દુકાન ખુલ્લી જોઈને મારા આનંદનો પાર નથી.”   

“ભાઈ, ઘરે ઊંઘ ન આવી હોવાના કારણે સ્કુટર લઈને દુકાને આવી ગયો અને એકાઉન્ટનું કામ કરી રહ્યો છું. કેમ કોઈ સ્પેર પાર્ટ કે ટાયરની જરૂર પડી છે કે શું?”       

“હા, મારે એક ટાયર જોઈએ છે. હું એક ફેમિલીની ૧૫-૨૦ દિવસની લાંબી ધાર્મિક ટુરની વર્ધી ઉપર છું. મારાં પેસેન્જર અંબાજી હૉટલમાં છે અને તેમને સૂતાં મૂકીને એટલે દૂરથી હું ટાયર માટે આવ્યો છું. એક ટાયર સાવ ઘસાઈ ગયું હોઈ મને લાગ્યું કે લાંબી ટુરમાં મારે જોખમ ઊઠાવવું ન જોઈએ. તે લોકોએ પૈસા તો મને એડવાન્સ આપી દીધા છે, પણ અડધી રાતે મને ટાયર મળી જશે તેની ખુશી છે.” 

મેં પેલા જીપચાલકને ટાયર તો આપી દીધું, પણ તે મને પૂછવા માંડ્યો, “શેઠ, તમારી દુકાનના સામેના ભાગે જ ખૂણામાં ટાયરપંક્ચરવાળાનું કેબિન લાગે છે તે મને ટાયર ફીટ કરી આપશે?”

“હા હા, કેમ નહિ? ચાલો, મારી સાથે એને હું જગાડીશ.”   

મેં રાતપાળી નોકરી બજાવતા એ છોકરાને કે જેનું નામ અફઝલ હતું તેને જગાડ્યો. તે બિચારો તરત જ જાગી ગયો અને જોડેની હોટલની બહારની ચોકડીના નળે મોંઢું ધોવા ગયો. પેલો મારો ગ્રાહક અને હું મારી દુકાનમાં આવી બેઠા અને અમારા ત્રણેય માટે મેં હોટલે ચાનો ઓર્ડર પણ આપી દીધો. અફઝલ પેશાબપાણી કરીને મોંઢું ધોઈને આવે તે પહેલાં પેલા અફઝલની કેબિન આગળ અમે વિચિત્ર દૃશ્ય જોયું. હોટલ આગળ લાગેલી ટ્રકો પૈકીની એક ટ્રક ગીઅરમાં નાખ્યા વગર પાર્ક કરેલી હોઈ કેબિન તરફે ઢોળાવના કારણે ધીમી ગતિએ સરકતી સરકતી અફઝલની ખાટલીને ચગદી નાખીને પેલા કેબિનને પણ હડસેલતાં તેને ત્રાસું કરી નાખ્યું અને ટ્રક ત્યાં જ થંભી ગઈ. અફઝલનો અદભુત બચાવ થઈ ગયો, નહિ તો તે બિચારો ઊંઘ્યો ને ઊંઘ્યો માર્યો ગયો હોત!

ઘટનાનું સંક્ષિપ્ત વિવરણ :  

આ એક સામાન્ય લાગતા ઘટનાક્રમની શુભ ફલશ્રુતિ આપણી સામે છે. આ બચાવથી અફઝલને કોઈ અમરત્વ તો પ્રાપ્ત નથી થયું, કેમ કે જે કોઈ જાયું (જન્મ્યું) તે જવાનું તો છે જ. પણ જે તે સમય પૂરતું વિચારતાં એમ કહી શકાય કે તેને એક જીવતદાન મળ્યું એટલું જ. એકાદ કલાક પછી હું ઘરે આવી ગયો, પણ મારી ઊંઘ ઊડી ગઈ હતી અને ઉપરોક્ત ઘટનાક્રમના વિચારોમાં દિવસ ઊગી ગયો ત્યાં સુધી હું જાગતો જ રહ્યો અને વિચારતો જ રહ્યો.   

* * *

હવે મારા લેખના પ્રારંભિક ભાગના અનુસંધાને ઉપરોક્ત ઘટનાક્રમના વર્ણન પછી આગળ વધીને કહેવા માગું છું કે ચાલીસેક વર્ષ પહેલાં મારી નજર સામે ઘટેલી ઘટના જે મારા માનસપટ ઉપર અંકિત થઈ હતી તે પુન: તરોતાજા બનીને આ લેખ લખવા માટે મને પ્રોત્સાહિત કરી ગઈ છે. લેખના સમાપનની લગભગ નજીક જ છું અને અગાઉ જણાવ્યા મુજબ મારે કે તમારે માત્ર વિચાર જ કરવાનો રહે છે કે ઉપરોક્ત નમૂનારૂપ એક સત્ય ઘટના જેવી અનેક ઘટનાઓ આપણા કે કોઈના પણ જીવનમાં બની હશે અને બનતી પણ રહેશે.    

અહીં ઘટનાની ફલશ્રુતિમાં આવે છે જીવતદાન; તો કોઈક ઘટનાક્રમોમાંથી જીવનપરિવર્તન પણ આવી શકે, જીવનદાન બની શકે, વિચાર પરિવર્તન થઈ શકે, ઔદ્યોગિક – સામાજિક કે રાજકીય ક્રાંતિઓનાં નિમિત્તો બની શકે, જીવન બદલાઈ શકે, જીવનના દૃષ્ટિકોણ કે મૂલ્યો બદલાઈ શકે, અવનવાં સંશોધનો થઈ શકે, દેશોના ઇતિહાસ બદલાઈ શકે, વ્યક્તિગત કે સામાજિક ચારિત્ર્યો ઉર્ધ્વગામી કે અધોગામી બની શકે, યુદ્ધો કે યુદ્ધવિરામો થઈ શકે, બહારવટિયા બની શકે કે વાલ્મિકીઓ બની શકે, વિશ્વશાંતિનો સંદેશ ફેલાઈ શકે કે વિશ્વશાંતિ ડહોળાઈ શકે. સરવાળે અને સંક્ષિપ્તે કહેતાં ઘણુંબધું થઈ શકે, જેવી ઘટનાઓ તેવાં પરિણામો – શુભ કે અશુભ, ચિરંજીવી કે ક્ષણજીવી, આત્મલક્ષી કે પરલક્ષી, આલોકીય કે પરલોકીય, વ્યક્તિગત કે સાર્વજનિક, આર્થિક કે નૈતિક, શ્લીલ કે અશ્લીલ, યાદી ઘણી લાંબી થઈ શકે!

આ લેખના સમાપને મેં અગાઉ કહ્યું તેમ માનવીય જીવનમાં સર્જાતી ઘટનાઓ ઉપરની તમારી વિચારયાત્રાને હું આ કે તે દિશાસૂચન આપીને પરાવલંબી કે પંગુ નહિ બનાવું. નિરંકુશ ઉડ્ડયન કરતા વિહંગની જેમ મેં સુચવેલા વાતાવરણે અને મન:સ્થિતિએ માત્ર આ મુદ્દે જ નહિ, પણ અગણિત એવા કેટલાય મુદ્દે તમારું આત્મમંથન તમારા જીવનનાં અનેક દિશાઓનાં દ્વાર ખોલી આપશે; અને માત્ર તેટલું જ નહિ, પણ જીવનની કેટલીય અસ્પષ્ટ કે સમજવી દુષ્કર એવી સમસ્યાઓનાં સમાધાન પણ કરી આપશે. તમને અનુભવે જાણવા મળશે કે આવી વિચારયાત્રાઓનાં પરિણામો સફળ, અર્ધસફળ, નિષ્ફળ, સ્પષ્ટ કે ધૂંધળાં સંભવી શકે, પણ એમાં તમારે ગુમાવવાનું કશું જ નહિ હોય. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિનો માર્ગ મોકળો થવાની દિશાને ચીંધતી આવી વિચારયાત્રાઓ તમારા માટે એવી આનંદદાયી બની રહેશે કે તમે સઘળા સંવેગે હળવા ફૂલ જેવા બની રહેશો.

વલીભાઈ મુસા   

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: admin

3 thoughts on “વલદાની વાસરિકા : (૮૫) ભેદભરમની ભીતરમાં : એક વિચાર (૧)

  1. ઘણી ઘટનાઓ આપણને વિચારતા કરી મૂકે છે. પણ ઘટના ઘણાં ઘટકો મળીને બને છે. રાતે તમે દુકાન ખોલી, કોઈ ગ્રાહક આવ્યો, ટાયર બદલવા માટે અફઝલને જગાડ્યો. એ બહાર નીકળ્યો, એ જ વખતે ટ્રક સરકી અને એની ખાટલી અને કૅબીનને ચગદી નાખી. આ છ ઘટનાઓ પણ બની! એ બધી ઘટનાઓનું સંયોજન એવી રીતે થયું કે અફઝલ બચી ગયો. આમાંથી એક પણ ઘટના ન બની હોત અને ટ્રકની જ ઘટના બની હોત તો શું થયું હોત?

  2. આસ્તિકોને ખુશ કરવા હોય તો કહી શકાય કે, દરેકે દરેક ઘટના પૂર્વ આયોજનથી જ થતી હોય છે, અને ઈશ્વરની મરજી વિના એક પાંદડું પણ હાલતું નથી.
    અને રેશનાલિસ્ટોને ખુશ કરવા હોય તો એમ પણ કહી શકાય કે, ‘એ તો કાગનું બેસવું અને ડાળનું પડવું માત્ર જ – નકર્યો સંજોગ જ.

    પણ અવળચંડાઈથી —
    આવા બધા વિચાર ન કરવા. ચા નાસ્તો કરી છૂટા પડવું !

Leave a Reply

Your email address will not be published.