સમયચક્ર : તબલા – શાસ્ત્રીય સંગીતથી લોકસંગીતથી સુધીની સફર

ભારતીય પ્રજાનો સામાન્ય અને મુખ્ય સ્વભાવ કયો ? એવો કોઈ પ્રશ્ન કરે તો એવું કહી શકાય કે ભારતીય પ્રજા સંગીત એટલે કે ગાયન, વાદન, અને નૃત્ય એ ત્રણેયમાં એક સરખી રુચી ધરાવે છે. આધુનિક માનસશાત્ર કહે છે કે સંગીતમાં ચિત્તને શાંત કરનારા તત્ત્વો છે. સંગીતના આ પ્રભાવ થકી જ કદાચ ભારતીય પ્રજા સહિષ્ણુ રહી છે. ભારતીયોના હૈયાં એટલે જ કદાચ હેતાળ છે. સદીઓથી જે પ્રજા કોઈ એક ચીજ સાથે જોડાયેલી રહે તો એ ચીજ સમય જતા તે પ્રજાનો સ્વભાવ બની જાય છે. સંગીતની બાબતમાં ભારતીય પ્રજાનું કંઈક એવું જ થયું છે.

માવજી મહેશ્વરી

વિશ્વના તમામ સંગીતમાં ભારતીય  સંગીત જુદું પડી જાય છે. ભારતીય સંગીત અહીંની પ્રજાના જીવનનો ભાગ રહ્યો છે. રોજ બરોજના જીવાતા જીવનના મનોભાવો વ્યક્ત કરનારું ભારતીય સંગીત વ્યાપક જીવનક્ષેત્રને આવરી લે છે. હર્ષોલ્લાસથી માંડીને ઈશ્વરી અનુભૂતિ સુધીને સ્પર્શતા મનોભાવોને પ્રગટ કરવા ભારતીય પ્રજાએ સંગીતનો આશરો લીધો છે. એક વાત નોંધવી રહી કે ભારતમાં ક્યારેય નકારાત્મક ભાવો વ્યક્ત કરવા માટે સંગીતને માધ્યમ બનાવાયું નથી. સરખામણી ખાતર કહેવું હોય તો જે પશ્ચિમી યુવાઓનો આક્રોશ હવે સંગીતમાં પડઘાય છે.

ભારતીય સંગીતના વાદ્યોના આકાર તેના રૂપરંગ અને તેના ધ્વનિઓ પણ જરા જુદા છે. મોટાભાગના ભારતીય વાદ્યોના સ્વર એટલે કે નાદ કોમળ અને ઋજુ છે. ઢોલ, નગારા જેવા મહાધ્વનિઓ સર્જતા વાદ્યો ભારતમાં છે.  તેમ છતાં તેમના સ્વર આવર્તનો મધુરતા વિહોંણા નથી. એવું જોવા મળે છે કે ભારતીયના કાનને કર્કશતા સદતી નથી. તેમાંય તીવ્ર ધ્વનિ પણ ભારતીય વધુવાર સહન કરી શકતો નથી. એટલે જ વિદેશી સંગીત એક શાસ્ત્રની રીતે સાચું હોવા છતાં ભારતીય પ્રજામાં સાર્વત્રિક બની થક્યું નથી. ભારતીય તાલ સંગીતના અનેક વાદ્યો છે. તબલા એક એવું વાદ્ય છે. જેની સફર રોમાંચક અને ગૌરવપૂર્ણ છે. તબલા મૂળ તો શાસ્ત્રીય સંગીત માટે બન્યા હતા. પણ આ બેય ભાઈઓ ( એક અર્થમાં પતિ પત્ની ) શેરીમાં રમાતા રાસડા સુધી પહોંચી આવ્યા. તબલા ધાર્મિક સંગીત ( હિંદુસ્તાની સંગીત )નો ભાગ બન્યા, તો લોકગીતોની ઠેક બન્યા. ભારતીય ફિલ્મી સંગીતમાં પોતાનું સ્થાન જમાવ્યું. ગુજરાતી સહિત ઉત્તર ભારતની બધી જ ભાષાઓમાં ભારતીય બની ગયેલા તબલા શબ્દ મૂળે અરબી શબ્દ ‘ તબ્લ ‘ પરથી આવ્યો છે. તબ્લનો અર્થ એક જાતનો ઢોલ એવો થાય છે. એક ગુજરાતી તરીકે જાણવું ઘટે કે પટ્ટણીભાષા ( મહેસાણાની ગુજરાતી )માં તબલાંને નરઘાં કહે છે. તબલાની શોધ અર્થાત તબલાની ડીઝાઈન ભારતના મહાન શાયર અમીર ખુશરોએ કરી છે. જોકે અમીર ખુશરોને તબલાના શોધક કહીએ તો જરુર તેમને અન્યાય કર્યો કહેવાશે. બહુમુખી પ્રતિભાના ધણી એવા અમીર ખુશરો એટલે કે યામિઉદીન આમીર ખુશરો એક પ્રતિભાવાન કવિ ઉપરાંત ઉચ્ચ કોટીના સંગીતજ્ઞ હતા. તેમણે  હિન્દી, ફારસી અને વ્રજભાષામાં અમર કાવ્યો લખ્યાં છે. અમીર ખુશરો કવ્વાલીના પિતામહ ગણાય છે.  હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ખયાલ અને તરાના  દાખલ કરનાર પણ અમીર ખુશરો જ હતા. તેઓ દિલ્હી સલ્તનતના સાતથી વધારે શાસકોના દરબારમાં રાજકવિ રહ્યા છે. ભારત, પાકિસ્તાન, અફઘાનીસ્તાનના સૂફીધામો તેમની કાવ્ય રચનાઓથી આજે પણ ગાજે છે.

ભારતમાં તબલાની શોધ પહેલા પખવાજ નામનું સાધન હતું જ. અમીર ખુશરોએ પખવાજના વચ્ચેથી બે ભાગ કરી બે વાદ્ય બનાવ્યાં. જેમાં એક નાનું અને એક મોટું એમ બે વાદ્યો બન્યાં. આ રીતે બે સાધનની એક જોડ બની. જમણેરી વ્યક્તિના જમણા હાથથી વગાડાતો નાનો ભાગ તે દાંયાં કે દાહિંના કહેવાય છે. દાંયાં માટે સીધાં કે ચતું શબ્દ પણ વપરાય છે. બીજો જે પહોળો ભાગ હતો તે બાંયા તરીકે ઓળખાયો. જે જમણેરી વ્યક્તિના ડાબા હાથે વગાડાય છે. મોટા તબલાને ડુગ્ગી કે ધામા પણ કહેવાય છે. લોકભાષામાં તબલાની જોડને નર-માદા કહેવામાં આવે છે. તબલાએ આજ સુધી શાસ્ત્રીય સંગીતમાં પોતાનું અણનમ સ્થાન જાળવી રાખ્યું છે. મોટાભાગે નાનું તબલું ( દાંયા ) સીસમ અથવા વીડસાલમાંથી બનાવવામાં આવે છે. જ્યારે બાંયા ( મોટું તબલું ) પિત્તળ અથવા તાંબાનો બને છે. હવે સ્ટેનલેસ સ્ટીલના પણ બને છે. એક સમયે બંગાળમાં બાંયા તબલું માટીનું પણ બનતું. ભૂતકાળમાં પંજાબમાં બન્ને તબલાં લાકડાંના બનાવવામાં આવતાં. તબલાની સ્વર ઊંચાઈ ( ટ્યુનિંગ રેન્જ) વિસ્તાર મર્યાદિત હોવા છતાં આ વાદ્ય વડે વિશિષ્ટ ધવનિઓ પેદા કરી શકાય છે. ચામડાના અન્ય વાદ્યોની સરખામણીમાં તબલા વગાડવા અઘરું ગણાય છે. તબલા પર પડેલી એક ખોટી આંગળી પણ લય બગાડી મૂકે છે.

તબલા માટે વપરાતું ચામડું બકરીનું હોય છે. જેને પુરી પણ કહેવાય છે. મોટાભાગના ચામડાના વાદ્યોમાં બે પડ સીધે સીધા દોરીથી બાંધવામાં આવે છે. પણ તબલામાં પડની રચના જરા જુદી જાતની હોય છે. બેય તબલાની ફરતે કિનારી હોય છે જેના પર કોતરેલું એક વધારાનું પડ હોય છે  તબલાના પડની મધ્યમાં કાળા રંગના વર્તુળ દેખાય છે તે વાસ્તવમાં એક જુદો પદાર્થ ચોટાડવામાં આવેલો હોય છે. જેને શ્યાહી, શાહી, કે ગાબા કહેવાય છે. તબલા પર શાહી ચોટાડવાનું કામ અતિ ચોકસાઈ માગી લે તેવું છે. શાહીને કારણે જ તબલાં અન્ય સાધનો કરતાં જુદાં પડે છે. તબલાં મૂળે શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતનો એક ભાગ ગણાય છે. અમીર ખુશરોએ તેની શોધ કર્યા પછી તત્કાલિન સંગીત ધારાઓમાં તબલાની સંગત જુદા જુદા ઘરાના તરીકે ખ્યાતિ પામી. જે આજે પણ એજ નામે ઓળખાય છે. ઘરાના એટલે તબલા વગાડવાની એક શૈલી. તબલાવાદનના મૂળ બે ઘરાના છે. દિલ્હીબાજ અને પૂરબીબાજ. દિલ્હીમાં વિકાસ પામેલી તબલા વાદનની શૈલીને દિલ્હીબાજ કહેવાય છે. જ્યારે ભારતના અન્ય ભાગોમાં વિકાસ પામેલી શૈલીને પૂરબીબાજ કહેવાય છે. તેમ છતાં સમગ્ર ભારતમાં કુલ છ જાતની તબલાવાદન શૈલી સ્વીકૃતિ પામી છે. ભારતમાં દિલ્હી ઘરાના, લખનૌ ઘરાના, અજમેર ઘરાના, ફરુખાબાદ ઘરાના, બનારસ ઘરાના અને પંજાબ ઘરાના નામની છ તબલાવાદન શૈલીઓ વર્તમાન શાસ્ત્રીય સંગીતમાં પ્રવર્તે છે. આમ તો આખાય ભારતમાં સારા તબલા વિદ્યમાન છે. પરંતુ તબલા વાદનમાં જેમનું વિશેષ યોગદાન રહ્યું છે એવા ઉસ્તાદ અલ્લારખા ખાન, અહમદજાન થીરકવા, ઉસ્તાદ જાકીર હુશેન, કિશન મહારાજ, કંઠે મહારાજ, અનોખેલાલ તથા ગુદઈ મહારાજના નામો અગ્રસ્થાને છે. ગુજરાતમાં તબલાં વિવિધ સ્થળે અને વિવિધ કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે. પુષ્ટિમાર્ગી ભક્તોની એક ચોક્કસ ગાયકી છે. જેને હવેલી સંગીત કહેવાય છે. આ સંગીતમાં તબલાં વગાડનારા શાસ્ત્રીય સંગીતના જાણકારો હોય છે. તો ભૂતકાળમાં નવરાત્રીમાં છંદ ગાતી વખતે ઢોલ કે નગારું ખપ ન લાગતાં તબલા પ્રવેશ્યાં. જૈનોના સ્તવન અને ચામર નૃત્યમાં વગાડવામાં આવતા તબલાં કોઈને પણ ડોલાવી મૂકે તેવો એનો લય હોય છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ હરિભક્તો દ્વારા ગવાતા ભક્તિગીતોમાં તબલાનો તાલ લીન કરી મુકતો હોય છે. કચ્છ અને સૌરાષ્ટમાં થતાં ભજનોના ડાયરામાં તબલચીઓ પ્રાણ પુરતાં હોય છે. હજુય ક્યાંક સ્ત્રીઓ રાસે રમે છે ત્યારે ઢોલની જગ્યાએ તબલા વગાડવાની પ્રથાઓ છે. ગુજરાતમાં ખાસ કરીને કચ્છમાં તબલાં વગાડવામાં લંઘા જ્ઞાતિનું આજે પણ પ્રભુત્વ રહ્યું છે. તેમને ઉસ્તાદ તરીકે જ સંબોધવામાં આવે છે. તબલાની વાત નીકળે અને તબલા આઈકોન બની ગયેલા જાકિર હુશેનની ચાની જાહેરાત યાદ ન આવે તો જ નવાઈ !


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.