સાયન્સ ફેર : સ્વિત્ઝરલેન્ડના મોર્તેરાશ ગ્લેશિયરને બચાવવા માટે વૈજ્ઞાનિકોનો અફલાતૂન ઉપાય

જ્વલંત નાયક

આજે આધુનિક દુનિયાની ભૌતિક સુખ-સગવડોનો જે લુત્ફ આપણે ઉઠાવી રહ્યા છીએ, એના માટે નિ:શંકપણે ઔદ્યોગિક ક્રાંતિ જવાબદાર છે. ઔદ્યોગિક ક્રાંતિને પ્રતાપે આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં અનેક પ્રકારની નવી શોધખોળ કરી શક્યા, અનેક જીવન રક્ષક દવાઓ શોધાઈ અને અનેક પ્રકારના ભૌતિક સાધનો આપણી સેવામાં ઉપલબ્ધ થયા. લેકિન, એઝ એન અધર સાઈડ ઓફ કોઈન, ઔદ્યોગિક ક્રાંતિએ આપણને પ્રદૂષણના નર્કાગારમાં ધકેલી દીધા એ ય હકીકત છે! આજે કુદરત ઉપર માનવસર્જિત પ્રદુષણની અસરો ઠેર ઠેર દેખાઈ રહી છે.

કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવા માટે એ સમસ્યાના મૂળ સુધી પહોંચવું અતિ આવશ્યક હોય છે. અહીં સમસ્યાનું મૂળ છે સૂરજની ગરમી, અને ઔદ્યોગિક પ્રદૂષણને કારણે તાપમાનમાં થઇ રહેલો ઉત્તરોત્તર વધારો. આપણે જાણીએ છીકે પ્રદૂષણને કારણે ઓઝોન સ્તરમાં પડેલા ગાબડાંને પ્રતાપે પણ સૂર્યની ગરમી વધતી જાય છે. દર વર્ષે સૂર્યને કારણે ગ્લેશિયરની લંબાઈમાં અનેક મીટરનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આનાથી બચવાના અફલાતૂન કીમિયા તરીકે સ્નો, એટલે કે બરફનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો ખાસ પ્રકારની ‘સન બ્લોકીંગ સિસ્ટમ’ ઉભી કરવા માંગે છે.

કોઈ પણ સપાટીના સૂર્યનો પ્રકાશ રીફ્લેક્ટ કરવાના ગુણધર્મને ‘એલ્બેડો’ (albedo) તરીકે ઓળખવામાં આવે છે. બરફનો એલ્બેડો બહુ ઉંચો છે. અર્થાત, બરફાચ્છાદિત સપાટી પરથી સૂર્યના કિરણો મહતમ માત્રામાં રીફ્લેક્શન પામીને વાતાવરણમાં પાછા ફેંકાઇ જાય છે. સરળ શબ્દોમાં બરફાચ્છાદિત સપાટી સૂર્યના કિરણો સામે અસરકારક કવચ પૂરું પાડે છે. બરફની સપાટી લગભગ ૯૦% જેટલી સોલાર એનર્જીને રિફલેક્ટ કરે છે.

વૈજ્ઞાનિકોએ શોધ્યો અફલાતૂન ઈલાજ

જો હિમનદીને બચાવવી હોય તો વૈજ્ઞાનિકો સામે સૌથી મોટી ચેલેન્જ છે બરફને ઓગળતો બચાવવાની. પરંતુ કુદરતી રીતે આ શક્ય બને એમ નથી. કારણકે હાયર એલ્બેડો હોવા છતાં સુર્યની વધતી ગરમીને કારણે દર વર્ષે વધુને વધુ બરફ ઓગળી રહ્યો છે, જેને કારણે હિમનદી સંકોચાઈ રહી છે. આની સામે વૈજ્ઞાનિકોએ ‘માનવસર્જિત બરફ’નો ઉપયોગ કરવાનો કીમિયો લડાવ્યો છે. ગ્લેશિયર ઉપર માનવસર્જિત બરફ બિછાવવાને કારણે ગ્લેશિયરના ઓવરઓલ એલ્બેડોમાં વધારો થશે. જેને પરિણામે સૂરજની ગરમીને કારણે ગ્લેશિયરના સંકોચાવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થશે. લાંબે ગાળે કદાચ એવું ય બને કે ગ્લેશિયરની લંબાઈ ફરી એકવાર વધતી જાય અને દોઢ સદી પહેલાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે!

જો કે આ બધું સ્વાભાવિક રીતે જ વાંચવામાં લાગે એટલું સરળ નથી. જો ગ્લેશિયર પર બરફ પાથરીને છોડી દેવામાં આવે તો થશે એવું કે આ બરફ જરા સરખો પીગળતાની સાથે જ એક તળાવ બનાવશે. અને તળાવનો (એટલે કે પાણીનો) એલ્બેડો બરફની સરખામણીએ ખાસ્સો ઓછો હોવાને કારણે ગ્લેશિયર ઓગળવાનો દર ઉલ્ટાનો પહેલા કરતા પણ વધી જાય એમ બને!! આ મુસીબતનો પણ ઉકેલ વિચારી લેવાયો છે.

ઉટરેક્ટ યુનિવર્સીટીના મરીન એન્ડ એટમોસ્ફિયરીક રિસર્ચ ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર જોહાન્સ ઓરલીમન્સના આઈડિયા મુજબ ગ્લેશિયરની ટોચ પાસેના અડધા કિલોમીટર જેટલા વિસ્તારમાં કૃત્રિમ બરફનું પાતળું લેયર પાથરવામાં આવશે. ઉપર જણાવ્યું એમ, જો આ બરફ પીગળી જાય અને તળાવ બની જાય તો નવી ઉપાધી ઉભી થાય. આવું ન થાય એ માટે અડધા કિલોમીટરના એ વિસ્તારમાં ૪,૦૦૦ જેટલા સ્નો મશીન્સ બેસાડવામાં આવશે! આ મશીન પીગળતા બરફના પાણીમાંથી તરત નવો બરફ બનાવતા રહેશે! પરિણામે પાણીના તળાવ બનવાનો પ્રશ્ન નહિ ઉભો થાય, અને સાથે જ કૃત્રિમ બરફ પેદા કરવાનું પાણી ક્યાંથી લાવવું, એનો ય ઉકેલ મળી જશે!

છે ને અફલાતૂન ઈલાજ! જો કે આ ઈલાજ અતિશય ખર્ચાળ છે. પણ એનોય ઉપાય છે. મોર્તેરાશ ગ્લેશિયરની ગણના સ્વિત્ઝરલેન્ડના જાણીતા ટુરિસ્ટ સ્પોટમાં થાય છે. પ્રવાસીઓએ ચૂકવેલી ફીમાંથી આ પ્રોજેક્ટનો ખર્ચો બારોબાર નીકળી જવાની ગણતરી છે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો ભવિષ્યમાં સ્નો મશીન્સ અને વિન્ડ પાવર્ડ વોટર પંપ દ્વારા પેદા કરાયેલ માનવસર્જિત બરફના ઉપયોગ વડે આર્કટિકના આઈસ મેલ્ટિંગ દરને ઓછો કરવાના પ્રયાસો પણ હાથ ધરાશે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: admin

Leave a Reply

Your email address will not be published.