ફિર દેખો યારોં :: સ્વચ્છતા સર્વેક્ષણ: દિલ કો ખુશ રખને કો યે ખયાલ અચ્છા હૈ

– બીરેન કોઠારી

સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ‘તા’ના પ્રાસ સિવાય આ બન્ને શબ્દોમાં કશું સામ્ય કે સંબંધ નથી. ‘પ્રભુતા’નો એક અર્થ ‘માલિકી’ એટલે કે ‘પ્રભુત્વ’ થાય છે. જો કે, શાળાથી લઈને સરકારી કાર્યક્રમોમાં વપરાઈને તે એ હદે ચવાઈ ગયું છે કે તેના અર્થ વિશે ભાગ્યે જ વિચારવામાં આવે છે. સૂત્રોની આ જ ખાસિયત છે. શબ્દોનો તાલમેલ બેઠો કે બસ, કામ પૂરું!

ગયે મહિને સ્વચ્છતા સર્વેક્ષણનાં પરિણામ ઘોષિત કરવામાં આવ્યાં, જેમાં ભારતભરમાં સહુ પ્રથમ ક્રમે ઈન્‍દોર અને દસમા ક્રમે ગુજરાતનું વડોદરાનો ક્રમ આવ્યો. ‘ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા’ દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દેશભરનાં કુલ 4242 શહેરોને આવરી લેવામાં આવ્યાં હતાં. સ્વચ્છતા બાબતે આ વિશ્વભરનું સૌથી મોટું સર્વેક્ષણ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિમાં કુલ 6000 ગુણ હતા, જે કુલ પાંચ બાબતોમાં વિભાજીત હતા. પ્રત્યક્ષ નિરીક્ષણ અને નાગરિકોના પ્રતિભાવ પ્રત્યેકના સૌથી વધુ 1500 ગુણ હતા.

સર્વેક્ષણ થયું એટલે એક ચોક્કસ પદ્ધતિ વિકસાવાઈ હશે, તેને અનુસરવામાં આવી હશે, તેમ જ તેને લગતાં દસ્તાવેજો હોવાના જ. આપણાં ગામ, નગર, શહેર કે મહાનગરમાં આંખ અને નાક ખુલ્લાં રાખીને ફરનારને અનુભવ હશે જ કે સ્વચ્છતા સર્વેક્ષણનો નહીં, પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. સ્વચ્છતાનાં સર્વેક્ષણો ભલે થતાં, જે તે શહેરોને ક્રમાંક અપાતા, પણ સ્વચ્છતા માટેનો આપણો અભિગમ કેટલો કેળવાયો? પોતાના ઘરઆંગણેથી વાહન આવીને કચરો એકઠું કરી જાય એટલી વ્યવસ્થા પૂરતી છે ખરી? ક્યારેક આ વાહન ન આવે તો કચરાના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા છે ખરી ? જો હોય તો, એ વ્યવસ્થાનું પાલન આપણે કરીએ છીએ ખરા? સૌથી ખરાબ હાલત ચોમાસામાં જોવા મળે છે. કચરાપેટી સુધી કચરો નાખવા પહોંચી ન શકાય, તેને લઈને તેની આસપાસ કચરો ફેંકવામાં આવે, તેને લઈને આખો વિસ્તાર ગંધાઈ ઉઠે. ગાય, કૂતરાં કે ભૂંડ જેવાં પ્રાણીઓ આ સ્થળે બેરોકટોક અવરજવર કરતાં હોય. આવી પરિસ્થિતિ ક્યાં નહીં હોય એ સવાલ છે!

એક જ વરસાદમાં ભલભલા પાકા રસ્તા તૂટી જતા હોય, ઠેરઠેર પાણી ભરાઈ જતાં હોય, ભૂવા પડી જતા હોય, અને આટલું ઓછું હોય એમ ગાયભેંસ જેવાં પાલતૂ પશુઓ સડકની વચ્ચોવચ્ચ આવીને બેસી જતાં હોય! સર્વેક્ષણના સમયે આવાં દૃશ્યોને અદૃશ્ય કરી દેવાતાં હશે?

ગંદકીને જાજમ તળે છુપાવી દેવાનો આપણો અભિગમ મોટા ભાગનાં ક્ષેત્રે જોવા મળે છે. દરેક કાળે તેનાં નામ બદલાતાં રહે છે. મહાન નેતાઓનાં નામ જોડીને વિવિધ અભિયાન શરૂ કરવામાં આવે, સરકારી યોજનાઓ બને, સર્વેક્ષણો હાથ ધરાય, પણ પાયાગત અભિગમમાં કશો જ ફરક જોવા ન મળે. પોતાના શહેરનો સર્વેક્ષણમાં અમુકમો ક્રમાંક આવે એટલે નાગરિકો ખુશ! કશું કર્યા વિના, કોઈ પણ આદત બદલ્યા વિના, પોતાના શહેર માટે ગૌરવ લેવા મળતું હોય તો એમાં શો વાંધો!

એટલું ખરું કે 2016થી શરૂ કરાયેલા આ સર્વેક્ષણ અને તેનાં પરિણામોને પગલે સ્થાનિક સત્તાતંત્રો પર દબાણ ઊભું થયું હોય એમ જણાય. પોતાના શહેરનો ક્રમ આગળ આવે એમ તેઓ ઈચ્છતા થયા છે. આવા સમયે આપણે એ યાદ રાખવું પડે કે ગુણ જેમાં સૌથી મહત્ત્વનું પરિબળ ગણાય છે, જેની પર કારકિર્દી અને એ રીતે પછીનું જીવન આધારિત છે એવી શિક્ષણ પ્રણાલિના આપણે શા હાલ કર્યા છે! વિદ્યાર્થીને ખરેખર કશું આવડે કે નહીં, એ મહત્ત્વનું નથી, પણ તે ઉત્તરવહીમાં જે લખે એના આધારે જ ગુણ આપવાના. આવડત કેળવાઈ હોય કે ન કેળવાઈ હોય, ગુણ મેળવ્યા એટલે બસ! આટલી મહત્ત્વની પ્રણાલિની આ હાલત હોય, ત્યાં સ્વચ્છતાપ્રણાલિ વિશે શી વાત કરવી!

નાનકડા ગામની શાળાઓમાં પહેલાં જોવા મળતું કે શિક્ષણાધિકારી દ્વારા નિરીક્ષણનો દિવસ હોય ત્યારે કોઈ વિદ્યાર્થી હોંશિયાર હોય તો તેને વારાફરતી બે-ત્રણ વર્ગમાં લઈ જઈને બેસાડવામાં આવતો. સમગ્ર વિદ્યાર્થીઓ તૈયાર થાય અને નિરીક્ષક સમક્ષ સારો દેખાવ કરી શકે એ અભિગમ કેળવવો અઘરો છે. તેને બદલે આ પદ્ધતિ કેટલી સરળ!

આવી બાબતે નક્કર પગલાં ભરવાને બદલે હજી આપણે આધ્યાત્મિક રીતે જ વિચારીએ છીએ. ‘કચરાવાળા’ને ‘સફાઈવાળો’ કહેવામાં, કે સ્વચ્છતાગ્રહી તરીકે ઓળખવામાં આપણી આધ્યાત્મિકતા પૂરી થઈ જાય છે. ગટર ભરાઈ જાય તો હજી તેને સાફ કરવા તેમાં માણસને ઉતારવામાં આવે છે.

ગંદકી માટે આકરો દંડ ફટકારવો પૂરતો નથી. તેના માટે ઠેરઠેર યોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરવી પડે. હવે એક વર્ગ એવો ઊભો થઈ ગયો છે કે જે દરેક બાબતે નાગરિકોનો જ વાંક જુએ. શાસકો કે તંત્ર પણ ભૂલ કરી શકે, તેમને પ્રશ્નો પૂછી શકાય એ બાબત તેમને દેશદ્રોહ સમકક્ષ લાગે છે.

આવા બધા માહોલમાં સ્વચ્છતા સર્વેક્ષણનું મહત્ત્વ વિવિધ અભિનેતા-અભિનેત્રીઓ, કસબીઓ કે ફિલ્મોને અપાતા એવોર્ડ જેવું છે. માધ્યમોમાં તેની નોંધ લેવાય, મનોરંજન મળે, સારું લાગે, પણ સરવાળે પરિણામ કશું ન આવે. હજી આપણે વ્યક્તિગત, કૌટુંબિક અને સામુદાયિક સ્વચ્છતા બાબતે ઘણી આદતો સુધારવાની કે નવી પાડવાની જરૂર છે. સ્વચ્છતાને પ્રભુતા સાથે સાંકળવાને બદલે વ્યક્તિગત અભિગમ તરીકે વિકસાવીએ એ વધુ અગત્યનું છે. એમ ન કરવું હોય તો પોતાના શહેરનો સર્વેક્ષણમાં અગ્ર ક્રમાંક આવેલો જોઈને ગર્વ લેતાં કોણ રોકે છે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૯-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.