રણછોડ શાહ
શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો, બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે ખાલી, કાલ કૂજો ફૂટશે!– ઉમર ખય્યામ (અનુ. ‘શૂન્ય પાલનપુરી)
એક સમયે શિક્ષણનો પ્રસાર અને પ્રચાર કરવાની પ્રવૃત્તિ ‘સેવાકીય’ ગણાતી. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, સૌ લોકો સહેલાઈથી શિક્ષણ પ્રાપ્ત કરે અને સામાજિક વિકાસ થાય તે માટે શાળાઓની સ્થાપના કરવામાં આવતી. ગ્રામ્ય વિસ્તારમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની જવાબદારી ગામના મહાજનો સહર્ષ સ્વીકારતા. થોડાક વર્ષો અગાઉ રાજકીય નેતાઓ પોતાની છબી સુધારવા આ પ્રવૃત્તિમાં જોડાયા. કેટલાક સેવાભાવી અને કેળવણીપ્રેમી સજ્જનો આર્થિક જવાબદારી ઉઠાવી શકે તેવી વ્યકિતઓના સહકારથી શાળા સંચાલનની જવાબદારી નિભાવતા હતા.
લગભગ છેલ્લા દસ–પંદર વર્ષમાં શાળાની સ્થાપનાના ઉદ્દેશ્યોમાં અકલ્પનીય પરિવર્તન આવ્યું છે. શાળાની સ્થાપના શા માટે કરવાની? પાયાની વાતો જ બદલાઈ ગઈ છે. શાળાની સ્થાપના કરવાથી સમાજને શો ફાયદો થશે તે વાત જ કેન્દ્રસ્થાને રહી નથી. વ્યકિતગત ફાયદાને ધ્યાનમાં રાખી શાળાઓ સ્થપાવા લાગી. વિદ્યાર્થીકેન્દ્રી શાળાઓમાંથી ‘નાણાં’ કે ‘સ્વ’કેન્દ્રિત શાળાઓ અસ્તિત્વમાં આવી.
આજે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓનાં ઘરનાં અને નજીકનાં કે દૂરનાં સગાઓને શાળામાં આચાર્ય, શિક્ષક, કારકૂન, પટાવાળા, વોચમેન કે અન્ય જગ્યાએ જ્યાં શકય હોય ત્યાં ગોઠવી દેવામાં આવે છે. જ્યાં માત્ર સરકારમાન્ય લાયકાતની આવશ્યકતા હોય અને કોઈ સગાં ઉપલબ્ધ ન હોય તો અન્ય વ્યકિતને રોકી તેની સાથે શેઠ–નોકરના સંબંધોથી કામગીરી કરાવવામાં આવે છે. ટ્રસ્ટી (Trustee) શબ્દ વિશ્વાસ (Trust)માંથી બન્યો છે. પરંતુ ટ્રસ્ટી અને કર્મચારી વચ્ચે વિશ્વાસ હોય તેવું જવલ્લે જ જોવા મળે છે. નજીકના સગામાં જરૂરી શૈક્ષણિક લાયકાત ન હોય તો તેને વહીવટદાર કે ડાયરેકટર તરીકે નિમી દેવામાં આવે છે. બિહારના માજી મુખ્યમંત્રી લાલુપ્રસાદજીએ તેમની ગેરહાજરીમાં પત્નીને મુખ્યમંત્રી બનાવતાં શાળા સંચાલકોને પણ તે રસ્તે જવામાં સાનુકૂળતા પ્રાપ્ત થઈ ગઈ ! આ રીતે તમામ માનવશકિત (Man power) પૂરી પાડવાની જવાબદારી પ્રેમપૂર્વક શાળાના શિક્ષણપ્રેમી સ્થાપકો અચૂક નિભાવે છે ! પરંતુ આ સેવાભાવી સજ્જનો આટલી જ સેવા કરીને અટકી જતા નથી. આજે શાળાની સ્થાપના એક ‘લઘુઉદ્યોગ’ કક્ષાની બની ગઈ છે. એક શાળાની શરૂઆત સાથે નીચેના જેવા અનુષાંગિક (Ancillary) ધંધાઓ (Business) શરૂ થઈ જાય છે. આ જવાબદારી નિભાવવામાં કેટલીક શાળાના સ્થાપકો ગૌરવની લાગણી પણ અનુભવે છે :–
(૧) પુસ્તક વિક્રય વ્યવસાય (સ્ટેશનરી શોપ) : શાળાની શરૂઆત થતાં જ બાળકોને નોટ, પેન્સીલ, પેન, કાગળ, કંપાસ, રબર વગેરે જેવી તમામ વસ્તુઓની રોજબરોજ જરૂર ઊભી થાય છે. કયારેક શાળામાં અથવા શાળાની અત્યંત નજીક દુકાન લઈ આ જવાબદારી સ્થાપકના અત્યંત નજીકના વિશ્વાસુ સગાને સોંપવામાં આવે છે. બાળકો ત્યાંથી જ સ્ટેશનરી ખરીદે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં સ્થાપકો માહેર હોય છે. ત્યાંથી ખરીદી કરવી ફરજિયાત નથી તેમ જણાવે છે ખરા, પરંતુ શાળામાં એવી જ વસ્તુઓની માંગ થાય જે માત્ર આ જ દુકાનમાંથી પ્રાપ્ત થાય. વાલીઓએ નાછૂટકે ત્યાંથી ખરીદી કરવી જ પડે. ચાલો, એક વધુ કુટુંબને રોજગારીની તક તો પ્રાપ્ત થઈ ! જેમ કે ડૉકટરના સગા કે સંબંધીની દવાની દુકાન ! શાળાના હજારો વિદ્યાર્થીઓએ પ્રતિ વર્ષ પુસ્તકો ખરીદવાના હોય છે. હવે તો ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડની માન્યતાવાળી અનેક ખાનગી શાળાઓ છે. આ શાળાઓ વિવિધ પ્રકાશકોના પુસ્તકોની યાદી વિદ્યાર્થીઓને તેમના ધોરણ પ્રમાણે આપે છે. વળી દર બે–ત્રણ વર્ષે તેમાં ફેરફાર કરવામાં આવે છે. આ સંજોગોમાં વાલીઓની સગવડને ધ્યાનમાં રાખી શાળા દ્વારા જ એક પુસ્તકની દુકાન શરૂ કરવામાં આવે છે. તમામ પુસ્તકો માત્ર એક જ જગ્યાએ મળતા હોવાથી ત્યાંથી ખરીદવાનું મરજિયાત ધોરણે ફરજિયાત બને છે. વળી નામાંકિત પ્રકાશકોના પુસ્તકોની કિંમત પણ ઘણી ઊંચી હોય છે. વિદ્યાર્થી દીઠ પુસ્તકોની કિંમતનો આંકડો હજાર રૂપિયા કરતાં ઘણો વધારે થાય છે. ત્યાંથી સંદર્ભ (Reference) સાહિત્ય તથા અન્ય પુસ્તકોના વેચાણની વ્યવસ્થા પણ સંસ્થાના સંચાલકના નજીકના શુભેચ્છક નિભાવવાનું ચૂકતા નથી !
(ર) ગણવેશ વ્યવસાય : વિદ્યાર્થીઓ ગરીબ–તવંગરના ભેદભાવ વિના સાદાઈ અને એકતાના અનુભવ સાથે અભ્યાસ કરે તેવા શુભાશયથી પ૦–૬૦ વર્ષ પહેલાં શાળાઓમાં ગણવેશ ફરજિયાત કરવામાં આવ્યો હતો. મોટાભાગે વિદ્યાર્થીઓ માટે ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ તથા વિદ્યાર્થિનીઓ માટે સફેદ ફ્રોકનો ગણવેશ રહેતો. ધીમે ધીમે તેમાં નાના–મોટા ફેરફારો આવ્યા. આજે તો સામાન્ય કે ગરીબ વિદ્યાર્થીને પરવડી શકે નહીં તેવો ગણવેશ શાળામાં ફરજિયાત કરવામાં આવે છે. સાથે સાથે ચોક્કસ રંગના મોજાં, સ્કાર્ફ, ટાઈ અને બેલ્ટ પણ આવશ્યક બનાવી દેવામાં આવ્યા છે. હવે તેમાં કદાચ માસ્કનો પણ ઉમેરો થાય તો નવાઈ નહીં ! આ તમામ સુવિધા વાલીઓને સહેલાઈથી પ્રાપ્ત થાય માટે શાળા સંચાલકશ્રીના એક સંબંધી તૈયાર કાપડની દુકાન શાળાની શકય તેટલી નજીક કે શાળામાં શરૂ કરે છે. ચોક્કસ પ્રકારનું કાપડ અને ડિઝાઈનવાળા યુનિફોર્મ અન્ય જગ્યાએ પ્રાપ્ત ન થાય માટે વાલીઓએ મરજિયાતના નામ ઉપર ફરિજયાત ત્યાંથી જ ગણવેશ લેવો પડે છે. વળી દર બે કે ત્રણ વર્ષે ગણવેશનો રંગ, કાપડ અને ડિઝાઈનમાં ફેરફાર કરવાનું આ કેળવણીકારો ચૂકતા નથી ! મારી શાળાનો વિદ્યાર્થી અન્યથી જુદો પડવો જોઈએ અને સ્માર્ટ તો લાગવો જ જોઈએ તેવી ભાવનાથી આ જવાબદારી શાળા સંચાલકો પ્રેમપૂર્વક નિભાવે છે. જો વિદ્યાર્થીઓની સંખ્યા અને ગણવેશની કિંમતનો ગુણાકાર કરવામાં આવે તો આ વેપારનો આંકડો લાખોમાં જાય. કયાંક તો શાળામાં જ દરજીઓ બેસાડી, ગણવેશ તૈયાર કરાવવાની મુશ્કેલીભરી જવાબદારીમાંથી વાલીઓને મુકત કરવામાં આવે છે. કદાચ આર્થિક રીતે સદ્ધર વાલીઓને આ ગમતું હશે પરંતુ નીચલા કે મધ્યમ વર્ગના વાલીઓએ નાછૂટકે આ સ્વીકારવું પડે છે.
(૩) વાહનવ્યવહારની વ્યવસ્થા : આજે બાળકો શાળામાં ચાલતા જતાં હોય તેવું જવલ્લે જ જોવા મળે છે. શાળાની નજીક રહેતાં બાળકો પણ બે પૈડાંવાળાં પેટ્રોલથી ચાલતાં વાહનો લઈ શાળામાં આવે છે. મોટાભાગની શાળાઓ સવારની હોઈ અને વાલી સમયના અભાવે શાળામાં જાતે મૂકી જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. તેથી શાળાઓમાં આ વ્યવસાય પણ ખૂબ ફાલ્યો–ફૂલ્યો છે. કેટલીક શાળાઓ પાસે તો ૮૦ થી ૧૦૦ જેટલી નાની–મોટી બસો હોય છે. એટલે લગભગ બસો જેટલા ડ્રાયવર–કંડકટરની જરૂર પડે. સ્થાપકશ્રી આ બાબતે પણ પૂરતી કાળજી રાખી નજીકના સ્વજનને ભાગીદાર બનાવી લોન દ્વારા વાહનો મેળવી સમાજની સેવા કરવાનો અમૂલ્ય લાભ લે છે. બાળકદીઠ બસની ફી અને કુલ સંખ્યા ગણતરીમાં લઈએ તો આ પણ એક મોટો ઉદ્યોગ બની જાય. બસ રીપેરીંગથી લઈને આર.ટી.ઓ. સુધીનો વ્યવહાર (!) જાળવવાની જવાબદારી તો ખરી જ ને ! મઝાની વાત તો એ છે કે શાળા સંચાલકોએ બસનો ધંધો શરૂ કર્યો તે જોઈ કેટલાક ટ્રાવેલ્સના ધંધાવાળાઓએ શાળાઓ પણ શરૂ કરી નાખી.
(૪) નાસ્તા–ભોજનની વ્યવસ્થા : કેટલીક શાળાઓનો સમય સવારથી બપોર સુધીનો હોય છે. સવારે નાસ્તો, બપોરે જમણ અને પરત જતી વખતનો નાસ્તો આપવાની સેવા પણ શાળા સંચાલકો કરે છે. આ શાળાઓને ‘ડે સ્કૂલ’ અથવા ‘કન્સેપ્ટ સ્કૂલ’ના રૂપકડા નામથી ઓળખવામાં આવે છે. શાળામાં જ વધારાના શિક્ષણ (Tuition)ની વ્યવસ્થા હોય છે. આ રીતે બાળક શાળામાં લાંબો સમય રોકાતાં તેમના ભોજનની આવશ્યકતાને ધ્યાને લઈ સ્થાપકશ્રી પોતાના શુભેચ્છક સગાને આ જવાબદારી સોંપે છે. શાળામાં જ નાસ્તો–રસોઈ બનાવી બાળકો તથા શિક્ષકોને આપવામાં આવે છે. વાલી પણ રોજ સવારે વહેલા ઊઠીને ભોજન બનાવવાની ઝંઝટમાંથી બચી જવા માટે પૈસા ખરચીને આ રસ્તે જવાનું પસંદ કરતા થયા છે. એક વધુ નાનકડો ઉદ્યોગ શાળા સંચાલકના લાભાર્થે શરૂ થઈ જાય છે. આ વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયિકોને પૂછીએ તો નફાના ગાળા (Margin of profit)નો ખ્યાલ આવે !
(પ) ટયૂશન કલાસ : વાલીઓની તેમના બાળકો પાસેની અપેક્ષા મર્યાદા બહારની વધી ગઈ છે. વાલી પોતાનું સંતાન હંમેશા પ્રથમ ક્રમે અને એ–વન ગ્રેડમાં જ આવવું જોઈએ તેવી હઠ પકડીને બેઠા છે. તેનો ગેરલાભ લેવામાં આવે છે. શાળા સંચાલકશ્રી ટયૂશન કલાસો પણ ચલાવે છે. શાળાના જ શિક્ષકો ટયૂશન કલાસમાં ભણાવે છે. શાળામાં અપાતો અપૂરતો પગાર ટયૂશન કલાસમાં કામ આપી પૂરો કરી આપવાનો પ્રયત્ન થાય છે. કયાંક તો બાળકે શાળા પ્રવેશની સાથે શાળા સંચાલિત ટયૂશન કલાસમાં ફરજિયાતપણે જવાનું હોય છે. વળી ટયૂશન કલાસની ફી ઉપર સરકારનું નિયંત્રણ નહીં હોવાથી શાળાની ફી કરતાં અનેકગણી વધુ ફી ટયૂશન કલાસમાં લેવામાં આવે છે. શાળામાં શિક્ષકોને ચૂકવાતા પગાર કરતાં અનેકગણું વધારે વળતર ટયૂશન કલાસવાળા આપે છે. ટયૂશન કલાસમાં કાર્ય કરતા શિક્ષકો પાસે સરકાર માન્ય લાયકાત રાખવાનું જરૂરી નથી. એન્જિનીયર, ડૉકટર, ચાર્ટડ એકાઉન્ટટન્ટ, વકીલ હોય તો પણ ચાલે. અહીંયા ગમે તે વિષયના સ્નાતક કે અનુસ્નાતક ગમે તે વિષય શીખવી શકે છે. આવા વર્ગોમાં વિષયની જાણકારી કરતાં વધુ ગુણ (Marks) પ્રાપ્ત કરાવી આપવાની જવાબદારી ઉઠાવતી વ્યકિતને કામગીરી સોંપવામાં આવે છે. ‘ગાંધી–વૈદ્ય બંનેનું સચવાઈ રહે છે. વાલીઓ જવાબદારીમાંથી છટકવા આ ટૂંકા રસ્તે જવાનું પસંદ કરે છે. વાલીઓ બાળકોને ભણાવવા બાબતે પલાયનવાદી બન્યા છે. બાળક મારી પાસે બેસતું નથી, મને સમય મળતો નથી, આજના અભ્યાસક્રમથી જાણકાર નથી જેવાં બહાનાં કાઢી પોતાની જવાબદારીમાંથી પીછેહઠ કરે છે. તેનો અમુક શાળા સંચાલક બરાબર ફાયદો ઉઠાવે છે. આ ઉદ્યોગ તો લાખોમાં વિકસ્યો છે. ટયૂશન કલાસમાં જતા બાળકોએ શાળામાં નિયમિત આવવાનું હોતું નથી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં આ બાબતનું ચેકીંગ કરી શકે તેટલી માનવશકિત નથી. કયારેક તો તેઓ પણ શાળા સંચાલક સાથે ઘર્ષણમાં આવવાનું ટાળતા હોય તેવું નજરે પડે છે. શાળાના વર્ગો સામાન્ય હોય અને ટયૂશન કલાસના વર્ગોમાં એ.સી. હોય તેવું પણ બને છે.
(૬) પ્રિન્ટીંગ પ્રેસ : શાળા શરૂ થતાં જ પ્રવેશ ફોર્મ, માહિતીપત્રક, લેટરહેડ, કવર, વિવિધ રજિસ્ટર, પ્રશ્નપત્રો વગેરે અનેક પ્રકારનું છાપકામ કરાવવાની જરૂર પડે છે. તો વિવિધ કાર્યક્રમોનાં આમંત્રણ કાર્ડ છપાવવાના હોય છે. ઉત્તરવહીઓની બહુ મોટી સંખ્યામાં જરૂર પડે છે. શાળા પોતાનું મુખપત્ર બહાર પાડે છે. આ તમામ કામગીરી માટે એક પ્રિન્ટીંગ પ્રેસની જરૂર પડે તે સ્વાભાવિક હોવાથી કોઈ એક સ્વજનને આ કામગીરીનો લાભ આપવામાં આવે છે. એક વધુ કુટુંબને રોજગારી અપાવવાનું પુણ્યકાર્ય સંચાલકશ્રી ન કરે તેવું બને ખરું ? પ્રિન્ટીંગ પ્રેસ શાળા કે નજીક હોય તે જરૂરી નથી, તેથી પડી રહેલી અનુકૂળ જગ્યાનો પણ યોગ્ય ઉપયોગ કરી શકાય છે.
(૭) છાત્રાલય : અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પોતાના સંતાનોને શહેરમાં અને કોર્પોરેટ કલ્ચરવાળી શાળાઓમાં ભણાવવા માંગે છે. પોતાનો વ્યવસાય છોડીને શહેરમાં રહેવા આવવાનું અનુકૂળ નહીં હોવાથી દેખાદેખીમાં બાળકોને શહેરની નામાંકિત શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે વાલીઓ તલપાપડ થતા હોય છે. વાલીઓની આ મજબૂરીનો લાભ લેવામાં કેટલાક લોકો ખૂબ હોંશિયાર હોય છે. કોન્ટ્રાકટર મિત્રની મદદથી છાત્રાલયનું મકાન બનાવવું સહેલું પડે છે. ગ્રામ્ય વિસ્તારના વાલીઓ શાળામાં પ્રવેશ લેવા આવે ત્યારે જ છાત્રાલયની સુવિધાની જાણ કરતાં છાત્રાલય માટે વિદ્યાર્થીઓ સહેલાઈથી મળી રહે છે. અહીંયા ફાઈવ સ્ટાર હોટેલ્સ જેવી હોસ્ટેલ બનાવવામાં આવી હોય છે, ફ્રીજથી લઈને ટી.વી. અને એ.સી. રૂમની વ્યવસ્થા પૂરી પાડતા આ કેળવણીકારો કમ્મર તોડી નાંખે તેવી હોસ્ટેલની ફી લઈને માલેતૂજાર બની ગયા. અહીંયા પણ ગૃહપતિ, રસોડું સંભાળવા અને અન્ય વ્યવસ્થા માટે માનવશકિતની જરૂર તો પડે છે. આ સમયે નજીકનાં સગાંઓને ઠેકાણે પાડવામાં આ સંચાલકો ખૂબ પાવરધા હોય છે. કોન્ટ્રકટર મિત્ર મકાન બાંધી આપે, સંચાલકશ્રી વિદ્યાર્થીઓ શોધી આપે અને સગાંવહાલાં હોસ્ટેલના સંચાલનની સક્ષમ જવાબદારી ઉપાડી લે, પછી એક નાનકડો વ્યવસાય શરૂ ન થાય તો જ નવાઈ ? વળી આ વિદ્યાર્થીઓના ગૃહકાર્ય અને વધારાના શિક્ષણની વ્યવસ્થા કરી આપવા માટે સેવાભાવી સંચાલકશ્રી હાજર છે ! સેવાનું કોઈપણ કાર્ય કરવા ચોવીસ કલાક અને ખડે પગે તૈયાર છે ! શાળાનું બાંધકામ કરતાં કરતાં કોન્ટ્રાકટર–બિલ્ડર ધીમે ધીમે જાતે શાળાઓ ખોલવા માંડયા. તેમને લાગ્યું કે બાંધકામના વ્યવસાય કરતાં વધારે વળતર શાળાઓ ચલાવવામાં છે. વળી રોકાણ પણ સલામત છે. આજે પ્રત્યેક શહેરમાં અનેક શાળાઓનું સંચાલન કરતા કોન્ટ્રાકટર–બિલ્ડરો અચૂક જોવા મળે છે.
(૮) ઓડિટોરિયમ અને મેદાનના ભાડાનો વ્યવસાય : કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના ખંડ બનાવે છે. હવે પ્રાર્થનાખંડને વાતાનુકુલિત બનાવવામાં આવે છે. વાલીઓ પણ બાળકોને વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તેમ ઈચ્છે છે. અત્યંત આધુનિક ઓડિટોરિયમ સમાજના વિવિધ પ્રસંગોએ ભાડે આપવાની વ્યવસ્થા પણ હોય છે. એક વધુ વ્યવસાય માટે નવીન તક પ્રાપ્ત થાય છે. ખૂબ ઊંચી કિંમત આપી ખરીદેલ શાળા માટેની જમીનનો ઈંચ–ઈંચ વાપર્યા પછી એક નાનકડું મેદાન બચી જતું હોય છે. જેમાં બાસ્કેટ બોલ, બેડમિન્ટન, સ્કેટીંગ, કબડ્ડી, ખો–ખોના મેદાનો એક જ મેદાનમાં દોરેલ હોય છે. આ જ મેદાન લગ્નપ્રસંગો અને પાર્ટીઓ માટે ભાડે ઉપલબ્ધ હોય છે તથા ઓડિટોરિયમ તો લગ્ન ઉત્સુકોના સત્કાર સમારંભ માટે જ બનેલ હોય છે. એક જ સિઝનમાં બાંધકામનો ખર્ચ આરામથી નિકળી જાય તેવો આ વ્યવસાય છે. કયારેક તો શાળામાં રજા પાડી બાળકોના શિક્ષણના ભોગે પણ શાળાનું મેદાન ભાડે આપવામાં આવે છે. રાજકીય પક્ષોના મેળાવડા યોજવા માટે આવા મેદાનોનો ઉપયોગ થાય ત્યારે શું કહેવું ?
(૯) સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વ્યવસાય : શાળા શિક્ષણનો પ્રચાર અને પ્રસારને કરવાને બદલે વ્યવસાયીકરણમાં પરિવર્તિત થઈ ગઈ હોવાથી શાળા સાથે અનેક નાની મોટી પ્રવૃત્તિઓ જોડાઈ ગઈ છે. અગાઉ શાળામાં યોજાતા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં છૂપાઈ રહેલી શકિતઓને ઉજાગર કરવાની તક પ્રાપ્ત થતી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તૈયાર કરવાની જવાબદારી શિક્ષકો નિભાવતા હતા. આજે લાખો રૂપિયાના ખર્ચે ફિલ્મોમાં કાર્ય કરતા કોરીઓગ્રાફરને બોલાવી તેના માર્ગદર્શન હેઠળ રજૂ થતા કાર્યક્રમો સંસ્કૃતિ નહીં, પરંતુ ફિલ્મી લાગતા હોય છે. ધનવાન વાલીઓ આ બાબતે ગર્વ લઈ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી તથા વેશભૂષા પેટે ઊંચી ફીની રકમ શાળાને આપતાં અભિમાનની લાગણી અનુભવે છે.
આ તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવાનું એટલા માટે સરળ બન્યું છે કે વાલીઓનું માનસ બદલાયું છે. જે વસ્તુ સહેલાઈથી મળે તે લેવા માટે ગમે તેટલો ખર્ચ કરવો પડે તો તે માટે વાલી તૈયાર છે. કયારેક વાલીઓને વ્યવસાય અને અન્ય જવાબદારીઓને કારણે મજબૂરીપૂર્વક સ્વીકારવું પણ પડે છે. તો કેટલાક સંજોગોમાં વાલીનું પલાયનવાદી માનસ નજરે ચડે છે. કેટલાક શાળા સંચાલકો આવી વિવિધ માથાકૂટમાં પડવાને બદલે જે તે વ્યવસાયના માલિકો સાથે કમિશનનો વ્યવહાર કરીને આત્મસંતોષ માને છે. ‘કટકી’નો રિવાજ આપણા જીવનનો અંતર્ગત ભાગ બની ગયો છે.
શાળા સંચાલકની મુખ્ય જવાબદારી તો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત શિક્ષણ પ્રાપ્ત થાય તે જોવાની છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક, સામાજિક અને માનસિક સમસ્યાઓનો ઉકેલ માટે પ્રયત્નો કરવાના છે. વાલીઓને તેમની જવાબદારીની સમજણ આપવાનું છે. ઉપરોકત જણાવેલ કામગીરી તો ગમે તે વ્યકિત કરી શકે. આવી બિનશૈક્ષણિક જવાબદારીઓ માટે સમય અને શકિત ફાળવવા સંચાલકશ્રી શા માટે તૈયાર થાય છે તે જ સમજાતું નથી.
આ રીતે શાળામાંથી શિક્ષણ અને સેવાના સ્થાને ભપકો, દેખાડો, લખલૂટ પૈસા પ્રાપ્ત કરવો અને તેની છોળો ઉછાળી સમાજમાં છવાઈ જવાની મનોવૃત્તિ શાળા સંચાલનમાં અગ્રસ્થાને આવી ગઈ છે. જે શાળાની ફી વધુ તે શાળા સારી હોવાની મનોગ્રંથી વાલીઓમાં પણ ઘર કરી ગઈ હોવાથી જેમ સમાજમાં ગરીબ અને તવંગર વચ્ચે ઊંડી ખાઈ ઊભી થઈ છે, તે જ રીતે શાળાઓ શાળાઓ વચ્ચે પણ આ બાબતે બહુ મોટું અંતર પડી ગયું છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના મનમાં પણ ગરીબ તવંગરના ભેદભાવ ઉભા થતાં તેમનામાં ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ સ્થપાઈ ચૂકી છે. શિક્ષણનું કાર્ય તો આ ભેદભાવ દૂર કરવાનું હતું. તેનાથી વિરૂદ્ધ દિશામાં જતું કાર્ય શિક્ષણ અને સમાજને કયાં લઈ જશે તેની કલ્પના જ થઈ શકે તેમ નથી. શાળાઓમાં વિદ્યાર્થીઓને ખૂબ નાની ઊંમરથી ‘પૈસા મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ’ શીખવાઈ રહ્યું છે. જેથી આવતીકાલનો સમાજ સરસ્વતીના ચરણોમાં નહીં હોય, પરંતુ લક્ષ્મીની ખોળે બિરાજેલો જોવા મળશે.
આચમન :
ધરતી ને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે…
અહોરાત કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે, હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે?– ઝવેરચંદ મેઘાણી
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
આપણી આગળ મૂડીવાદી ગાજર લટકે છે. આપણે દોડીએ તેમ ગાજર પણ એટલું જ આગળ નીકળી જાય છે. દરેક વસ્તુ ધંધો બની ગઈ છે. હૉસ્પિટલો ખાનગી ક્ષેત્રમાં શરૂ થઈ ત્યારે આપણે બોલ્યા નહીં. સ્કૂલો ખાનગી ક્ષેત્રમાં શરૂ થઈ ત્યારે આપણે બોલ્યા નહીં. સરકારી સ્કૂલોમાં શિક્ષકોની નીમણૂક થતી નથી. આપણે કંઈ બોલતા નથી. આજે પ્રાથમિક અને માધ્યમિક સ્તરે દેશમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી છે. આપણને સમજદાર શિક્ષિત નાગરિકો જોઈતા હોય તો આ લેખમાં જણાવેલા મુદ્દઓ પર વિચારવું પડશે અને સક્રિયપણે કંઈક કરવું પડશે.
સરકારની સમગ્ર નીતિ વિશે પુનર્વિચાર કરવાની જરૂર છે આ મુદ્દા ચૂંટણીમાં આવતા જ નથી એટલે લોકોની તકલીફો સાથે સરકારોને પણ કશી લેવાદેવા નથી રહેતી.
માણસ પાશ્ચાત્ય દ્રષ્ટિને અને મૂડીવાદના ભેંકાર પરિણામોને નહિ જાણે ત્યાં સુધી અંધારામાં અથડાયા કરવા જેવી… ઈશ્વર કેવો? તો હાથીને પગે, સુંઢે, પૂંછડી, પેટે… જ્યાં જેનો હાથ ફર્યો… તેને મન ઈશ્વરની એ ઓળખ થઈ ગઈ… એમ શિક્ષણ એટલે શું? એની હાલત ધંધાની નજરથી જોઈ જોઈને બેહાલ થઈ ગઈ છે.
શિક્ષાણ એક માનવ સેવા જરૂર છે, પણ વધતી જતી સંખ્યાની અને ગુણવત્તાની માંગ અને પડકારોને અસરકારક રીતે જીલવા માટે તેનું વ્યવસ્થાપન એક વ્યવસાયની માફક કરવામાં કંઈ ખોટું નથી.
પ્રશ્ન આવે છે સંચાલકોની દાનત અને દૃષ્ટિકોણનો.
કોઈ પણ વ્યવસાય પ્રાથમિકપણે તેના ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓને સંતુષ્ટ કરવા, ઉભય પક્ષને પરવડે એવી આર્થિક પધ્ધતિથી, ચાલવો જોઈએ.
અહીં ‘ગ્રાહકો’ વિદ્યાર્થીઓ છે, એટલે તેમની અપેક્ષાઓ અને જરૂરિયાતો જો અને જ્યારે વણસંતોષાયેલી રહેશે તો તે સંસ્થાનાં વળતાં પાણી થવાનાં જ. આજે ગુજરાતમાં ઈજનેરી શાખામાં સુંડલો ભરીને બેઠકો ખાલી રહે છે તે આ જ પ્રક્રિયાનું સુચક છે.
માંગ અને પુરવઠાના નિયમ અનુસાર, કોઈ પણ પુરવઠાકાર તાત્કાલિક પુરવઠો પુરો પાડવા માટે ગેરવ્યાજબી નફો કદાચ રળી લઈ શકશે, પણ લાંબે ગાળે ‘નફો જ માત્ર લક્ષ્ય’ રહે તેવા અભિગમવાળા વ્યવસાય ટક્યા નથી.
શ્રી રણછોડભાઈનો લેખ આગમ ચેતવણીરૂપ છે.
આપની વાત સો ટચના સોના જેવી છે. મુ. રણછોડભાઈ શાહની કલમથી નીપજેલી ચિંતાઓ અને ભવિષ્યમાં આવનારી વિપદાઓનું નિરાકરણ નહીં કરીએ તો આવતી પેઢી પાયમાલ થઈ જશે.
માણસ પાશ્ચાત્ય દ્રષ્ટિને અને મૂડીવાદના ભેંકાર પરિણામોને નહિ જાણે ત્યાં સુધી અંધારામાં અથડાયા કરવા જેવી… ઈશ્વર કેવો? તો હાથીને પગે, સુંઢે, પૂંછડી, પેટે… જ્યાં જેનો હાથ ફર્યો… તેને મન ઈશ્વરની એ ઓળખ થઈ ગઈ… એમ શિક્ષણ એટલે શું? એની હાલત ધંધાની નજરથી જોઈ જોઈને બેહાલ થઈ ગઈ છે.
માનનીય શ્રી રણછોડભાઈ અને કલાપીભાઈ સમત થાય તો આપણે વેબ-મીટિંગ રાખી શકીએ. ખુલ્લું આમંત્રણ આપીએ , જેમને જોડાવું હોય તે જોડાઈ શકે. આપણે પોતે પણ આપણા મિત્રોને સામેલ કરી શકીએ. હાલ પૂરતું ગુજરાતીમાં જ રાખીએ.
આનો ઉકેલ છે – ઈ- શિક્ષણ
આભાર કોરોનાનો કે, એના કારણે એની શરૂઆત થઈ છે. એમાં દૂષણો ન પેંસે જાય તો એ ઉત્તમ ઉપાય લાગે છે. માનનીય શ્રી. રણછોડ ભાઈને વિનંતી કે, માત્ર સેવાભાવનાથી ૨૦૧૧ થી ચાલતી આ વેબ સાઈટ પર નજર નાંખે –
http://evidyalay.net/about
એની સ્થાપક શ્રીમતિ હીરલ શાહને હું આ કામમાં મદદ કરું છું .