સત્યજિત રાયની સૃષ્ટિ – ૩ – સીમાબદ્ધ

ભગવાન થાવરાણી

કલકત્તા ટ્રાઈલોજીની ફિલ્મોમાં પ્રતિદ્વંદી પછીના જ વર્ષે આવી સીમાબદ્ધ. મણિશંકર મુખર્જી ઉર્ફે શંકરની એ જ નામની નવલકથા પર આધારિત. 

અગાઉની ફિલ્મની જેમ અહીં પણ કલકત્તા શહેર અને એમાં પ્રવર્તતી મનુષ્યહીનતા અને અંધાધૂંધી પ્રતિનાયક તરીકે હાજર છે. પણ નાયક અને એનું સ્વરૂપ બદલાય છે. યાદ કરો, પ્રતિદ્વંદીના પેલા ઈંટર્વ્યુ લેવા બેઠેલા દમામદાર, ઉચ્ચભ્રૂ ત્રણ ઈસમો. એમાંના એક હવે અહીં નાયક છે. મજાની વાત એ છે કે પ્રતિદ્વંદીનો બેકાર અને હતાશ નાયક સમાજના જે વર્ગમાંથી આવે છે, બિલકુલ એ જ લોકોમાંથી આવ્યો છે આ નાયક પણ ! એ કંઈ જન્મજાત સંપન્ન અને સત્તાવાન નથી. ક્ષમતા ! ઉપરાંત ચાલાકી, કાવાદાવા અને સમાધાનોના એક પછી એક પગથિયાં ચડતાં – ચડતા એ હાલના સ્થાને પહોંચ્યો છે અને માટે, સર્જક સત્યજીત રાયના મનમાં એના પ્રત્યે આક્રોશ નહીં, સમજદારી અને કંઈક અંશે કરુણા છે. એટલા માટે કે પ્રતિદ્વંદીના નાયકની જેમ એ પણ પ્રવર્તમાન વ્યવસ્થાનો શિકાર મનુષ્ય છે. 

ફિલ્મનો નાયક શ્યામલેંદુ છે.  ( બરુન ચંદા – કલકત્તા કથાત્રયીની ત્રણેય ફિલ્મોમાં અલગ-અલગ કલાકારો નાયક છે. પ્રતિદ્વંદીમાં ધૃતિમાન ચેટર્જી, અહીં બરુન અને હવે પછીની જન – અરણ્યમાં પ્રદીપ બેનર્જી છે અને આ ત્રણેય આજની તારીખે પણ સક્રિય છે ! ) ફિલ્મની શરુઆતમાં જ એ પોતાની ઉપલબ્ધિઓનું વર્ણન, પ્રથમ દ્રષ્ટિએ વિનમ્ર લાગે પરંતુ નિશ્ચિતપણે અહમ નિહિત હોય એવા લહેજામાં કરે છે. એના પિતા પટણામાં મામૂલી શિક્ષક હતા. એણે પોતે પણ શિક્ષક તરીકે આરંભ કર્યા પછી આકાશી ધૂમકેતુની જેમ છલાંગ લગાવી છે અને હવે એ કલકતામાં હિંદુસ્તાન પીટર લિમિટેડ નામની બહુરાષ્ટ્રીય ઈલેક્્ટ્રિક કંપનીમાં  સેલ્સ મેનેજરના ઉચ્ચ હોદ્દે બિરાજે છે. એની વીજળીક પ્રગતિ કંપની વર્તુળોમાં ચર્ચા અને ઈર્ષ્યાનો વિષય છે. એની કંપનીને હાલમાંજ દસ હજાર પંખાની નિકાસનો ઓર્ડર મળેલ છે જે એના પ્રયત્નો અને આવડતને આભારી છે. એ ટુંક સમયમાં એની કંપનીના ડાયરેક્ટર તરીકે બઢતી પામે એવી સંભાવનાઓ છે કારણ કે એક વિદેશી ડાયરેક્ટર ગંભીર માંદગીમાં પટકાયા છે અને એની પ્રતિભા અને પરફોર્મંસના કારણે એ આ રેસમાં સૌથી આગળ દોડતો ઘોડો છે. 

કૌટુંબિક મોરચે પણ એ  ‘ સુખી ‘ છે. કલકતામાં કંપનીએ પોશ વિસ્તારમાં આપેલો વૈભવી ફ્લેટ અને ખૂબસુરત પત્ની. સાત વર્ષનો પુત્ર દાર્જિલિંગ બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે. વૃદ્ધ માતા-પિતાને પણ એ આદર્શ પુત્રની જેમ પટણાથી કલકત્તા લઈ આવ્યો છે પણ રાખ્યા છે અલગ ફ્લેટમાં, કારણ કે કંપનીના નિયમો કુટુંબ સિવાયના લોકોને સાથે રહેવાની મનાઈ ફરમાવે છે ! 

આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા શ્યામલેંદુની ચાલમાં ખુમારી છે અને એ ઓફિસમાં એની હેઠળ કામ કરતી સ્ત્રીઓ સાથે ક્યારેક નિર્દોષ ફ્લર્ટીંગ પણ કરી લે છે. ખુરશીનો એટલો લાભ તો વ્યાજબી મનાય ! ડાયરેક્ટર-પદની સ્પર્ધામાં એની સાથે કામ કરતો લાઈટીંગ વિભાગનો સેલ્સ મેનેજર પણ છે. બન્ને આ વાતથી સુપેરે પરિચિત છે અને તદનુસાર પોતાની ચાલ રમે છે. 

એક દિવસ શ્યામલેંદુની નવયુવાન, ચબરાક અને આકર્ષક સાળી સુદર્શના (શર્મીલા ટાગોર)  બહેન-બનેવી સાથે થોડાક દિવસ રહેવા પટણાથી કલકત્તા આવી ચડે છે. એનું હુલામણું નામ તુતુલ છે. આવતાંવેંત એ ચકિત થઈ જાય છે બહેનની દુનિયા અને બનેવીનો રુઆબ જોઈને ! એ પોતે જીવે છે એના કરતાં આ દુનિયા સાવ જ નોખી છે. એને બહેનની ઈર્ષ્યા આવે છે અને બનેવી પ્રત્યે અહોભાવ ! 

શ્યામલ સાળીને વધુ આંજી નાખવા મહાનગરની હોટેલો, ક્લબો, રેસ કોર્સ અને બ્યુટી પાર્લરોમાં લઈ જાય છે. તુતુલને આ બધું ગમે છે પરંતુ આ દુનિયા એ જ આદર્શ અને સાચી દુનિયા છે એવું મનથી સ્વીકારી શકતી નથી. ફ્લેટમાં એને ફાળવાયેલા બેડ રૂમમાં એ.સી છે પરંતુ એને પંખો અને ખુલ્લી બારીઓ વધુ ગમે છે. કોર્પોરેટ ક્ષેત્રની ઝાકઝમાળ અને ભપકો એને પ્રભાવિત કરે છે પણ એ ક્ષેત્રનો કોઈ બુઢ્ઢો ખડૂસ ડાયરેક્ટર એને નિરંતર બેશરમપણે તાકતો રહે એ સ્વીકાર્ય નથી. ઘરમાં શરાબની મહેફિલ એને સહ્ય છે પણ એ રંગીનિયતમાં, નશામાં ધુત્ત કોઈ મોટું માથું એના હુસ્નની પ્રશંસા કરી એના ચરણોમાં બેસી જાય એ નાગવાર છે. ઉપરથી એની બહેન એને કહે છે કે તારા જીજાજી એમની સ્ટેનો સાથે જે ફ્લર્ટીંગ કરે છે એ તો જોજે ક્યારેક ! 

આ લોકો જાણે કોઈક અલગ જ દુનિયામાં વસતા હોય એવું એમનું વલણ છે. ભારતીય હોવા છતાં, નગર અને દેશના નાગરિકો હોવા છતાં અન્ય સહજીવીઓ પ્રત્યેનું એમનું સંવેદન સાવ બુઠ્ઠું છે. ઘરમાં પાર્ટી ચાલતી હોય અને બહાર નક્સલીઓ સાથેની પોલીસની અથડામણ, ગોળીબાર અને બોંબ ધડાકાઓ સુદ્ધાં સંભળાય તેમ છતાં આ લોકોનું રુંવાડું યે ફરકતું નથી ! શ્યામલેંદુમાં થોડીક સંવેદના ક્યારેક દેખા દઈ જાય છે પણ માત્ર અલપ-ઝલપ. એની પત્ની તો બહેનને કહી પણ દે છે કે સારું થયું, અમને દસમા માળે ફ્લેટ મળ્યો બાકી રોજેરોજના ધડાકા અને પ્રદૂષણથી હાલત ખરાબ થઈ જાત ! 

શ્યામલનું ડાયરેક્ટર પદે આસન્ન થવાનું સપનું સાકાર થવાની અણી પર હોય છે અને એક ઘટના બને છે. ઈરાક નિકાસ કરવાના છે એ પંખાઓમાં કોઈક ત્રુટિ રહી ગઈ છે. ડિલીવરી દેવાની તારીખ માથે ઊભી છે અને પંખા આમ જ મોકલી દે તો બધું જ ચોક્કસપણે રિજેક્ટ થાય તેમ છે. માલ સમયસર ન પહોંચે તો કરારમાં દંડ અને કપાતની જોગવાઈ છે. કંપનીની શાખ તો બગડે જ. બધો દોષ સેલ્સ મેનેજર અર્થાત્ શ્યામલ ઉપર આવે ! 

શ્યામલ ચિંતિત છે. બઢતી તો દૂર રહી, એણે અર્જીત કરેલી નામના પણ ડૂબે તેમ છે. ઘરે આવીને એ આ ચિંતા પત્ની આગળ નહીં, તુતુલને કહે છે. નિકાસના કરારનામામાં એક કલમ એવી પણ છે કે કોઈક કુદરતી આપત્તિ કે અનપેક્ષિત ઘટનાને કારણે જો ડિલીવરીમાં મોડું થાય તો એ ચલાવી લેવાય ! તુતુલ હળવા લહેજામાં કહે છે કે તો કોઈ અણધારી ઘટના નિપજાવી કાઢો ! પણ શ્યામલની પ્રકૃતિ જોતાં એને એવું પણ લાગે છે કે એ ખરેખર કશુંક અઘટિત કરી બેસશે. 

શ્યામલ એક સાથી મેનેજરને વિશ્વાસમાં લઈ ( કહો કે સાધી ! ) આવી  ‘ દુર્ઘટના ‘ નું નિર્માણ કરે છે. ફેક્ટરીની કેંટીનમાં અપાતા ખોરાકની ગુણવત્તા અને નિયમિતતા અંગે કામદારોમાં પહેલેથી ધુંધવાટ હતો જ. એકાદ કર્મચારીને ફોડીને એ અસંતોષની આગમાં ઘી હોમવાનું કાવતરું સોંપાય છે. કામદારો વીજળીક હડતાલ ઉપર ઉતરે છે. એમને ધમકી અપાય છે કે ઉત્પાદન કોઈ પણ સંજોગોમાં બંધ ન થવું જોઈએ. કેટલાકને ચાર્જશીટ અપાય છે. ફેક્ટરીમાં તાળાબંધી જાહેર થાય છે. 

ફેક્ટરીના પ્રાંગણમાં બોંબ ધડાકો થાય છે. એક નાનો કર્મચારી ગંભીર રીતે ઘાયલ થાય છે. એ બિચારા પ્રત્યે દિલસોજી દાખવવા ફરજની રૂએ શ્યામલ હોસ્પીટલે પણ જાય છે. શ્યામલમાં બચેલી થોડી-ઘણી સંવેદના એના સાથી ઓફિસરને પૂછી બેસે છે, ‘ ધારો કે આ ચોકીદાર મરી જાય તો ? ‘ જવાબમાં એ મેનેજર લાપરવાહીથી કહી દે છે ‘ કલકતામાં રોજ હજારો માણસો મરે છે. એમાં શું ? આપણે મેનેજમેંટ વતી મોટો બધો ફૂલોનો હાર એના મૃતદેહ પર ચઢાવવા મોકલી આપ્યો હોત ! સિંપલ ! ‘ શ્યામલ પણ લુચ્ચું હસી લે છે. 

યુનિયન સાથે વાટાઘાટોનો દોર ચાલે છે. લેવડ-દેવડ થાય છે. સમય પસાર થાય છે અને એ દરમિયાન ‘ વફાદાર કર્મચારીઓ ‘ પાસેથી પેલા પંખાઓની ત્રુટિ સુધારાવી એમને રવાના કરવામાં આવે છે, અનપેક્ષિત દુર્ઘટનાના કારણે મોડું થયું એ ઓઠા હેઠળ ! સાપ પણ મરે છે, લાઠી ય અકબંધ રહે છે ! 

શ્યામલની શાખ બરકરાર રહે છે. બલ્કે એમાં અભિવૃદ્ધિ થાય છે. અસામાન્ય પરિસ્થિતિને કુનેહપૂર્વક સંભાળવા અને હલ કરવા બદલ એને એડિશનલ ડાયરેક્ટર તરીકે બઢતી મળે છે. એ દેખીતી રીતે ખુશ છે. ઘરે ફોન કરી પત્ની અને સાળીને એ ખુશખબરી આપે છે. 

એ હોંશે – હોંશે ઘરે જવા નીકળે છે, એને મળેલા શિરપાવની ઉજવણી કરવા. ફ્લેટ પર પહોંચતાં જૂએ છે કે લિફ્ટ બંધ છે. કંઈ વાંધો નહીં ! એ ઉત્સાહભેર બબ્બે પગથિયાં કૂદતો દાદરા ચડે છે. પણ જેમ – જેમ  ‘ ઊંચે ચડે છે ‘ તેમ-તેમ એની ગતિ અને ઉત્સાહ મંદ પડતા જાય છે.  ‘ ઉપર ચડવાના થાક’ ના કારણે. કદાચ કઈ રીતે ઊંચે ચડ્યા એના આત્મ-સાક્ષાત્કારના કારણે પણ ! 

ફ્લેટના દરવાજે પહોંચતાં એ હાંફી જાય છે. અંદર પ્રવેશે છે. પત્ની ખુશ છે. કારણ કે એને અંદરના ઘટનાઓની કંઈ ખબર નથી. નાયક તુતુલને પોકારે છે. એ મંથર પગલે કોઈ ગીત ગણગણતી પ્રવેશે છે. નાયક સામે જુએ છે. નાયક સમજે છે તુતુલની દ્રષ્ટિના પરિતાપને. એને ખબર છે, શ્યામલ શું કર્યું હોવું જોઈએ. એ નીચું જોઈ જાય છે. પણ તુતુલની નજર એનો પીછો છોડતી નથી. 

તુતુલ કાંડા પર બાંધેલી અને મૂળ તો શયામલેંદુએ પત્નીને ભેટ આપેલી ઘડિયાળ ઉતારીને ટેબલ પર મૂકે છે. એ આપતી વખતે નાયકે એને કહેલું કે પાછી જા ત્યારે આપતી જજે. નાયક ઘડિયાળનો ત્યાગ કરતી તુતુલને જુએ છે. એ સમજે છે, હવે એની કિંમત શું છે તુતુલની નજરોમાં. એ હથેળીમાં મોઢું છુપાવી દે છે. પછી આંખો ખોલી જુએ છે તો સામેની ખુરશીમાં બેઠેલી તુતુલ હવે નહોતી …

ફિલ્મ એક ખાલીપો મૂકતી જાય છે અને એમાં ફિલ્મની વાર્તા અને સર્જક રાયની કમાલ ઉપરાંત અગત્યનું યોગદાન છે કેમેરામેન સૌમેન્દુ રોયનું. રાયની મોટા ભાગની ફિલ્મોમાં સંગીત પણ એમનું જ રહેતું પણ એ સંગીત ભાગ્યે જ ભાવક અને સર્જકની વચ્ચે આવે. આમેય એમની ફિલ્મોમાં દ્રષ્યો અને મૌન એવું બળકટ હોય કે એની અસરકારકતા વધારવા સંગીતની જરુર જ ન પડે. 

રાયની દરેક ફિલ્મની જેમ અહી પણ કેટલાક દ્રષ્યો અને પ્રસંગો છે જે ક્વચિત મુખ્ય કથાનક જોડે નિસબત ન ધરાવતા હોય એવું લાગે પણ એ દરેક એમના માનસિક અભિગમના પરિચાયક હોય છે એટલું જ નહીં, એ જે-તે પાત્રના ચરિત્રને વધુ સ્પષ્ટ કરે છે. 

એક પ્રસંગ જોઈએ. નાયક પોતાની ચેંબર તરફ જઈ રહ્યો છે અને એનું અભિવાદન રામલિંગમ નામનો દક્ષિણ ભારતીય મેનેજર કરે છે. એ ટુંક સમયમાં નિવૃત થવાનો છે. એને નાયક માટે આદર છે. એ નાયકને કહે છે, મારે તમને એક વાત કહેવી છે. નાયક તોર-મિશ્રિત વિનયથી કહે છે, આવો બેસીએ. રામલિંગમ એક અનુભવી વડીલની મુદ્રામાં પૂરેપૂરી વિનમ્રતાથી કહે છે  ‘ તમે ખૂબ જ મહત્વાકાંક્ષી છો ‘ જેના જવાબમાં  ‘ આગળ વધવા મહત્વાકાંક્ષી તો હોવું જ જોઈએ ને ! કહી નાયક વાતને ઉડાડવાનો પ્રયત્ન કરે છે. રામલિંગમ કહે છે  ‘ તમે જોસેફ કોનરાડને વાંચ્યા છે ? ‘ અને નાયક  ‘ હું તમારા જેવો વિદ્વાન ક્યાંથી ? ‘ કહી જાણે એમની મશ્કરી કરે છે. ( વણ-ઉચ્ચારાયેલી વાત એ કે તમે બધું વાંચ્યું છે અને ક્યાં પહોંચ્યા અને હું વગર વાંચ્યે ક્યાં છું એ જોઈ શકો છો ! ) રામલિંગમ વિનમ્રતા બરકરાર રાખી કહે છે  ‘ એમણે લખ્યું હતું કે મહત્વાકાંક્ષી હોવું સારું છે, જો તમે કોઈને કચડીને ઉપર ન પહોંચતા હો તો ! ‘ 

સમગ્ર સંવાદ દરમિયાન એક તરફ રામલિંગમનો આદર છે તો બીજી તરફ નાયકનો બેફિકરાઈ ભર્યો ઉપહાસ. રામલિંગમ એટલું ઉચ્ચારીને ચાલતી પકડે છે કે મારો સ્વભાવ છે કે જે કંઈ સારું વાંચ્યું-શીખ્યું છે એ મને પ્રિય લોકોમાં વહેંચતા રહેવું !

ફિલ્મના અન્ય એક દ્રષ્યમાં નાયક સાળી તુતુલને કહે છે કે મારા કામ દરમિયાન મારે જે કંઈ કરવું પડે છે એ બધું કંઈ મને ગમતું નથી. ભણતો ત્યારે ભુગોળ મારો અણગમતો વિષય હતો તોય શીખવું પડ્યું કારણ કે પાસ થવું હતું. કામમાં પણ એવું જ. એ દરમિયાન નાયિકા, દીવાનખંડમાં ચહલકદમી કરતી બુક-શેલ્ફમાંથી એક પુસ્તક કાઢીને ઉથલાવે છે અને સાહિત્યમાં અનુસ્નાતક એવા બનેવીએ પુસ્તકોની શું દશા કરી છે એ જોઈ રહે છે અને હસતાં – હસતાં મમરો મૂકે છે કે તમારા પુસ્તકો આજકાલમાં વ્યવસ્થિત ગોઠવી દઈશ. 

એકવાર તુતુલ નાયકને પૂછી બેસે છે કે તમારી આ દોટ ખતરનાક નથી ? જવાબ મળે છે કે પહેલાં મને પણ આમાં રસ નહોતો પડતો પણ આ ઘોડદોડની રેસના જોકી જેવું છે. આગળ નીકળી જવા કોઈ હરીફ હોય તો જીતવાનું જનુન ચડે છે ! તુતુલ જવાબમાં કેવળ એટલું કહે છે કે તમે દીદીને જોવા પહેલી વાર આવ્યા ત્યારે કેટલા ભોળા લાગતા હતા ! 

ફિલ્મનું એ દ્રષ્ય પણ ટૂંકમાં ઘણું કહી જાય છે જ્યારે શ્યામલેંદુના માતા-પિતા અચાનક એવા સમયે દીકરાની ખબર કાઢવા આવી ચડે છે જ્યારે ઘરમાં મિત્રોની મહેફિલ પુરબહારમાં ચાલતી હોય છે. પતિ-પત્ની રાજી થવાને બદલે ક્ષોભ પામે છે, શ્યામલ વિશેષ ! તુતુલને એમને મળી ખરેખરો આનંદ થાય છે. છેવટે એ બન્નેને અંદરના રૂમમાં બેસાડી દેવામાં આવે છે ! 

મજાની વાત એ છે આ બધું હોવા છતાં સર્જક સત્યજિત રાયે ક્યાંય શ્યામલને ખલનાયક ચીતર્યો નથી. એ એમની કાયમી પ્રકૃતિ છે. એ ભાગ્યે જ પોતાનો ફેંસલો સુણાવે છે. બસ, દરેક પાત્રના સંજોગો દર્શાવીને બાકીનું આપણા પર છોડી દે ! 

ફિલ્મનું શીર્ષક સીમાબદ્ધ આમ તો શ્યામલની કંપની હિંદુસ્તાન પીટર લિમિટેડ સાથે નિસબત ધરાવતું હોય એવું લાગે પણ ખરેખર એ કંપનીના કર્મચારીઓની લાચાર અને ઉપહાસાત્મક પરિસ્થિતિનું પ્રતીક છે. સંવેદનશીલ હોય તો પણ કોઈ માણસ કર્મચારી અને વિશેષત: પ્રબંધક હોય તો એ અંત:કરણનું સાંભળીને ચાલી કે વર્તી શકે નહીં. એણે પ્રવર્તમાન પ્રવાહ અને એની કંપની-માલિકની નીતિરીતિ સાથે જોડાવું અને ઘસડાવું પડે ! આ તેની સીમાબદ્ધતા છે ! 

પ્રેક્ષણીય ફિલ્મ. ઝકઝોરનારો અનુભવ !

આવતા હપ્તે આ કથાત્રયીની અંતિમ ફિલ્મ જન – અરણ્ય. 


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

9 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૩ – સીમાબદ્ધ

 1. વાહ, વાહ અને વાહ!
  અદ્‍ભુત આસ્વાદ અને બારીકીઓની સમજણ!
  ફિલ્મના રસાસ્વાદમાં મૂલ્યવૃદ્ધિ કરે એ રીતનાં છે.
  અભિનંદન!

  1. ખૂબ ખૂબ આભાર બીરેનભાઈ !
   આપનો પ્રતિભાવ હંમેશા ઉત્સાહવર્ધક હોય છે..

 2. દરેક સંવેનદશીલ વ્યક્તિ ના હૃદયના તાર ને ઝનઝણાવી દે , તેવી મહાન સર્જક સત્યજિત રે ની ફિલ્મ વિશેનો મર્મસ્પર્શી આલેખ !!! શ્રી થાવરાણી જી ને લેખમાળા નો સુંદર વિષય પસંદ કરવા બદલ, સહ તેની ઝીણવટભરી છણાવટ માટે માટે ખૂબ ખૂબ અભિનંદન ….

 3. Never had a chance to know about his films in detail. Having only limited knowledge that he was a GREAT writer,director (though he has covered all aspects of film making including music direction !) .
  Your articles on his films highlights his vision,skill and deep knowledge of Art and Literature. Nice Article and Thanks.

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published.