‘શોલે’ની સૃષ્ટિ : શસ્ત્રોનો સંગીતપ્રેમી સોદાગર

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)

શસ્ત્રોનો સંગીતપ્રેમી સોદાગર

-બીરેન કોઠારી

“આ પોટલામાં શું છે, હુકુમચંદજી? કશું અણીયાળું લાગે છે! હથિયાર-બથિયાર તો નથી ને?”
“લાખાભાઈ, હવે તમારાથી શું છુપાવવું? આમાં બે તરવારો છે.”

“માફ કરજો, માલિક. તરવાર હશે તો હું નહીં લઈ જાઉં.”

“અરે પણ..લાખાભાઈ, સમજો તો ખરા ! આનો ઉપયોગ કંઈ…”

“માલિક, તરવાર કંઈ જાર વાઢવા તો વપરાતી નથી. માફ કરો. મને બે પૈસા ઓછા ભલે મળે, પણ આ ધંધામાં નહીં પડું.”

“લાખા ! તને બહુ ગુમાન ચડી આવ્યું છે. તને એમ છે કે તું નહીં લઈ જાય તો આ તરવારો પડી રહેશે? અરે, તું નહીં તો તારો ભાઈ મળી રહેશે. પણ યાદ રાખજે કે તેં….”

“માલિક. બીજું કોણ એ લઈ જાય એ મારે નથી જોવાનું. પણ એટલું ખરું કે હું કદી હથિયાર નહીં લઈ જાઉં. મારી પોઠ ભલે ખાલી ઉપડે, પણ હથિયાર તો નહીં, નહીં ને નહીં જ!”


**** **** ****

“હીરીયા, આ વખતે મારે થોડી બંદૂકો અને થોડા બૉમ્બની જરૂર પડશે. તારી પોઠ ક્યારે આવવાની છે?”

“બસ, આવી ગઈ છે, માલિક. આજ સવારે જ પડાવ નાખ્યો.”

“હીરીયા, એક વાત તો કહેવી પડશે. તું લાખા જેવો નથી.”

“માલિક, એમ તો તમેય ક્યાં હુકુમચંદજી જેવા છો? જવા દો ને એ વાત.”

“અરે, પણ શું થયું? કહે તો ખરો.”
“માલિક, બાપુને કોકે કસમ લેવડાવી દીધેલી કે ગમે એ થાય, પણ હથિયારો એ કદી નહીં લઈ જાય. એમાં ને એમાં અમારે ભૂખે મરવાનો વારો આવી ગયેલો.”

(હીરાના પાત્રમાં હબીબ)

“એમ ને! એવું જ થાય ને! પછી?”

“એક વાર તો ચચ્ચાર દિવસ સુધી અમે કશું ખાવા ન પામ્યા. તોય બાપાએ નમતું ન જોખ્યું. બસ, ત્યારથી જ મેં નક્કી કરી લીધું કે હું આવી કોઈ કસમબસમ નહીં લઉં.”

“હા. એ સારું કર્યું તેં.”

“એ ભૂખનું દુ:ખ એવું હતું, માલિક, કે મેં નક્કી કર્યું કે હું હથિયારો જ ફેરવીશ. હથિયારો સિવાય બીજું કંઈ નહીં વેચું.”

“હીરા, પણ તને એટલા લેનારા મળી રહે છે? જો ને, એક બાજુ જયપ્રકાશજી ડાકુઓનું આત્મસમર્પણ કરાવીને એમનાં હથિયારો હેઠાં મૂકાવે છે, ને તું હથિયાર સિવાય કશું વેચતો નથી.”
“અરે માલિક, લેનારા મળી રહેવાની ક્યાં વાત કરો છો? પડાપડી થઈ જાય છે દર વખતે.”

“અચ્છા?”

“ભરોસો ન પડતો હોય તો આવજો જોવા. અમારો પડાવ પીપરી ગામથી બે કોસ દૂર નાખ્યો છે. અને આ વખતે ગબ્બરસિંઘ આવવાનો છે.”

“ગબ્બરસિંઘ? ના ભઈ, ના. મારો છોકરો રાતે સૂએ નહીં તો એની મા એને બીવડાવતી હોય છે કે ‘બેટા, સૂઈ જા. નહીં તો ગબ્બર આવશે. યાર, છોકરાને તો ઠીક,  મનેય આ સાંભળીને ઉંઘ આવી જાય છે. ને તું કહું છું કે હું ત્યાં આવું.”
“અરે માલિક! ગબ્બર તમને કશું ન કરે. નાચગાન હશે, શરાબ-શબાબની રંગત હશે. મજા આવશે.”

“ના ભઈ. તું મને મારી બંદૂકો અને બોમ્બ પહોંચાડી દેજે. મારેય એ કોઈકને આપવાના છે. બસ!”
**** **** ****

હીરા સાથેની આ આખી વાતચીત ગિરિજા નામનો નોકર છુપાઈને સાંભળી રહ્યો હતો. ગબ્બરનું નામ સાંભળીને તેના કાન સરવા થઈ ગયેલા. તેણે સાંભળેલું કે રામગઢના ઠાકુરે ગબ્બર માટે બે મારા રોકેલા અને હોળી વખતે ગબ્બરે રામગઢ પર હુમલો કરેલો. ધીમે રહીને તે સરક્યો. સીધો ઉપડ્યો રામગઢ જવા. ઠાકુર બલદેવસિંઘના વફાદાર નોકર રામલાલ તેના દૂરના સગા થતા હતા. આથી તે સીધો હવેલીએ પહોંચ્યો. એ વખતે ઠાકુર પેલા બે મારા સાથે અંદર વાત કરી રહ્યા હતા. રામલાલ બહાર ઉભેલા. તેણે રામલાલને ‘જે રામજી કી’ કહ્યું. રામલાલે અંદર જઈને ઠાકુરને જણાવ્યું કે પીપરીથી ગિરિજા કંઈક સમાચાર લાવ્યો છે. આ સાંભળીને ઠાકુર અને પેલા બે મારા બહાર આવ્યા. ગિરિજાએ ઠાકુરને ‘જે રામજી કી’ કહ્યું અને ખબર આપ્યા: ‘ઠાકુર, પીપરી ગાંવ સે દો કોસ પે બંજારે આકે રુકે હૈ. હીરા ઔર ઉસકે સાથી ભી હૈ.’ આ સાંભળીને ઠાકુર જય અને વીરુને જણાવે છે, ‘યે હીરા ગબ્બર કો બંદૂકેં ઔર ગોલીયાં બેચને આતા હૈ. એક દો દિન મેં ગબ્બર ઉસે જરૂર મિલેગા.’ આટલું કહીને ઘૂંટાયેલા સ્વરે મક્કમતાપૂર્વક ઉમેરે છે, ‘લોહા ગરમ હૈ, માર દો હથૌડા!’

**** **** ****

હીરાના ડેરાતંબૂ હોય એટલે નાચગાન અને ખાણીપીણીની મહેફિલ! પણ આ વખતે તેમાં કંઈક જુદું થવાનું હતું. અને એ જે થવાનું હતું એ પડદા પર દેખાવાનું હતું.

પૂરક નોંધ:

  1. કેવળ ‘મેહબુબા મેહબુબા’ ગીત પૂરતા દેખા દેતા હીરાની ભૂમિકા હબીબ નામના કલાકારે ભજવી હતી. એવી એક વાત છે કે અસલમાં તેમને કાલિયાની ભૂમિકા ઑફર કરાયેલી. એ સમયે તેમને ફિરોઝખાનની ‘ધર્માત્મા’ના શૂટિંગ માટે અફઘાનિસ્તાન જવાનું થયું. રમેશ સિપ્પી હબીબને કોઈ પણ રીતે ફિલ્મમાં લેવા માગતા હતા, આથી છેવટે તેમને હીરા તરીકે સાવ નાનકડી ભૂમિકામાં દેખાડાયા.
  2. યોગાનુયોગે ‘ધર્માત્મા’માં હબીબની ભૂમિકા વણઝારાઓના કબીલાના વડાની હતી. ‘મેરી ગલિયોં સે લોગોં કી યારી બન ગઈ’માં તે ‘ઓય કુરબાન’નો લલકાર કરતા નજરે પડે છે. 
  3. એ બહુ જાણીતી વાત છે કે અસલમાં આ ગીતની સિચ્યુએશન સ્ક્રીનપ્લેમાં ક્યાંય નહોતી. રમેશ સિપ્પી અને તેમનાં પત્ની ગીતાએ પોતાની લંડનની મુલાકાત દરમિયાન ગાયક ડેમીસ રુસો/Demiss Roussos દ્વારા ગવાયેલું ગીત ‘Of all the things you’re telling me, I never heard you say’ સાંભળ્યું. ગીતની ધૂન તેમને પસંદ આવી ગઈ. ભારત આવીને તેમણે રાહુલ દેવ બર્મનને આ ગીત સંભળાવ્યું.
  • આ જ ધૂન પર, આનંદ બક્ષીએ શબ્દો લખ્યા. રાહુલ દેવ બર્મનના ભાગે ખાસ કશું કરવાનું હતું નહીં, પણ એમ સીધેસીધી ધૂન મૂકી દેવામાં મજા શી? ધ્વનિ માટે અવનવાં બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરતા રાહુલ દેવ બર્મને આ ગીતના આરંભે એવું જ મૌલિક સંગીત મૂક્યું. આ નાનકડી ક્લીપમાં એ સંગીત વિશે જણાવાયું છે.

(તસવીર અને લીન્ક અનુક્રમે નેટ અને યૂ ટ્યૂબ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.