મારા જીવનનો અર્થસભર દાયકો

આશાબેન વીરેન્દ્ર એક નિવડેલા સફળ લેખિકા છે. વેબ ગુર્જરીના વાચકોને એમની વાર્તા વાંચવાની તક મળી છે અને ભવિષ્યમાં પણ મળતી રહેશે.

આશાબહેન વીરેન્દ્ર દ્વારા ભૂમિપુત્રનાં છેલ્લાં પાનાં પર લખાઈ રહેલી વાર્તાને સળંગ દસ વર્ષ થયાં એ નિમિત્તે આજે તો આપણે આશાબેનને એમની સિદ્ધિ માટે પોંખવા છે. 

આશાબેનની વાર્તાઓ રસપ્રદ છે . તેઓ ૧૫ -૨૦ વર્ષથી વિવિધ સામયિકો, અખબાર સાથે સંકળાયેલા છે એટલું જ નહીં સાથે એમની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ રહી છે. વાર્તાઓ ઉપરાંત એમના હાસ્ય લેખો, પ્રવાસ વર્ણન અને નિબંધ પણ વાચકોએ વધાવ્યા છે.

એમને ભૂમિપુત્રની વાર્તાઓ માટે ભારતની અને વિશ્વની ઘણી ભાષાઓના લેખકોની વાર્તાના આધારે એક એવી વાર્તાનું માળખું તૈયાર કરવાનું હોય છે જેમાં  આખી વાર્તાના મૂળ હાર્દ ક્યાંય કોઈ રસક્ષતિ ન થાય એમ સચોટ રીતે વ્યક્ત થાય.  વાર્તા આઠ કે દસ પાનાની હોય એમાંથી મર્મ સચવાય એવી રીતે એક પાનામાં વાર્તા રજૂ કરવી એ જાણે ગાગરમાં સાગર સમાવા જેવી વાત છે પરંતુ વાચકો એ વાર્તાઓ સરસ રીતે માણી શકે એટલું સુરેખ કામ એમણે કર્યું છે. 

વાર્તા મૌલિક હોય તો એમાં લેખકને પોતાની રીતે વ્યક્ત થવાની મોકળાશ રહે પણ અન્યની વાર્તાને પોતાના શબ્દોમાં ઢાળવાની પ્રક્રિયા અન્યના બાળકને ઉછેરવા જેવી જરા અઘરી તો બની જ રહે. આ  અનુભવ વિશે આશાબેને એક સરસ વાત કહી છે. એ કહે છે એમ એમણે જશોદામૈયાની ભૂમિકા ભજવવાની હતી.

ઈતિહાસ જાણે છે કે દેવકી કરતાંય કનૈયાની સાથે આજે જશોદામૈયાનું જ નામ જ સૌ પ્રથમ યાદ આવે છે.

વાચકો પણ આશાબેનની જશોદામૈયાની ભૂમિકાને હંમેશા યાદ રહેશે.

આ દસ વર્ષો દરમ્યાન આશાબેનની ૪૦-૪૦ વાર્તાઓના બે સંગ્રહ ‘તર્પણ’ નામે પ્રગટ થયા છે અને બીજી ૧૨૦ વાર્તાઓ પ્રકાશિત થવા તૈયાર છે. 

અભિનંદન આશાબેન

આજે વેબ ગુર્જરીના પાના પર આશાબેનની કેફિયત એમના શબ્દોમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે. 

વેબ ગુર્જરી વતી 

રાજુલ કૌશિક

મારા જીવનનો અર્થસભર દાયકો

આશા વીરેન્દ્ર

૨૦૧૦ જૂનથી ૨૦૨૦ જૂન-ભૂમિપુત્રના છેલ્લા પાનાની વાર્તાની લેખિકા તરીકે આ પખવાડિક સાથે જોડાયાને એક દસકો થઈ ગયો. સાત દાયકાના પ્રલંબ પટ પર વિસ્તરેલા જીવનમાંથી એક દશકનો ગાળો ઓછો તો ન જ કહેવાય અને એ પણ મારા જેવી કોઈ એક કામને લાંબો સમય વળગીને ન રહી શકનારી વ્યક્તિ માટે. દિવંગત હરવિલાસબેન અને કાંતિભાઈના પ્રેમાગ્રહ આગળ નમતું જોખીને આ કામ સ્વીકાર્યું તો ખરું પણ બહુ ગંભીરતાથી લીધેલું નહીં. જોઉં, થાય ત્યાં સુધી કરીશ, નહીં થાય ત્યારે ના કહી દેવામાં ક્યાં વાર લાગવાની છે? -એવી બેફિકરાઈ પણ ખરી ! એમાં વળી કાંતિભાઈએ એવી વાત કરી કે આપણે આ કામ માટે ત્રણ મહિનાનો પ્રોબેશન પિરિયડ રાખીએ- ત્યાં સુધીમાં તમને ન ફાવે તો તમે ના કહી શકો અને અમને એવું લાગે કે વાર્તાઓ જોઈએ એવી નથી લખાતી તો અમે ના કહેવા અથવા બીજા કોઈને આમંત્રણ આપવા છુટ્ટા. મને એમની આ વાત ગમી ગઈ. થયું કે એક-બે વાર્તાઓ લખી જોઈએ, પછી ના કહી જ શકાશે ને?

આજે પાછું ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે મારી એ આનાકાની પાછળ અસ્વીકારનો ભય હતો. જે બંને બહેનોને ખુદ વિનોબાજીએ ‘હરિશ્ચંદ્ર’ નામ પ્રદાન કરેલું એમની કલમથી 45-45 વર્ષોથી ટેવાયેલા વાચકો મારા જેવી શિખાઉને સ્વીકારશે? જો શરૂઆતથી જ કદાચ વાચકોના નકારાત્મક પ્રતિભાવો આવશે તો? આવી બધી મથામણ સાથે કામની શરૂઆત તો કરી પણ 2010ના 1લી જૂનના અંકમાં જ્યારે પહેલવહેલી વાર્તા છપાઈ ત્યારે તો દિલ એવું ધડક ધડક થતું હતું કે એવું તો અત્યાર સુધીમાં આપેલી કોઈપણ પરીક્ષા વખતેય નહોતું ધડક્યું. મારે કેટકેટલી તાવણીમાંથી પસાર થવાનું હતું ! મારા સૌથી પહેલા અને કડક પરીક્ષક હતા કાંતિભાઈ,એ પછી ભૂલ દેખાય ત્યાં હંમેશા કાન આમળતા રહેલા મુરબ્બી નારાયણકાકા,  ત્યાર બાદ નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન- એવું માનનારા મારા અંતરંગ મિત્રો, આલોચકો અને આ પરીક્ષાના પરિણામનો જેમના પર સૌથી વધુ મદાર હતો એવો વાચકગણ. જો કે ત્યારે અવર્ણીય આનંદ થયો હતો જ્યારે બધાએ ભેગા મળીને પાસ થયેલી જાહેર કરીને વધાવી હતી.

એવું તો નહોતું કે, મેં આ વાર્તાઓથી જ લેખનકાર્યની શરૂઆત કરી હતી. એમ તો લગભગ 15-20 વર્ષોથી જુદાં જુદાં સામયિકોમાં, અખબારોમાં કે પત્રિકાઓમાં મારી વાર્તાઓ, હાસ્ય લેખો, પ્રવાસ વર્ણન કે નિબંધ છપાતાં રહેતાં. પણ આ કામ સાવ જુદા પ્રકારનું હતું. પોતાના બાળકનો ઉછેર કોઈ માને અઘરો ન લાગે પણ અન્યના બાળકની સંભાળ રાખવાની, એની માવજત કરવાની આવે ત્યારે ગભરાટ થવો સ્વાભાવિક છે. અત્યાર સુધી મેં મૌલિક જ લખ્યું હતું પણ ભૂમિપુત્રની વાર્તાઓ ભારતની અથવા વિશ્વની કોઈપણ ભાષાના લેખકની વાર્તાનો આધાર લઈને લખવાની હતી. એમ કહી શકાય કે મારે જશોદામૈયાની ભૂમિકા ભજવવાની હતી. કહેવાય છે કે, ‘કામ કામને શીખવે’ એ પ્રમાણે જેમ જેમ વાર્તાઓ લખાતી ગઈ એમ એ અંગેની સમજ સ્પષ્ટ થતી ગઈ. આઠ કે દસ પાનાંની વાર્તાનો ભૂમિપુત્રના છેલ્લા એક જ પાનામાં એ રીતે સમાવેશ કરવો કે વાંચનારને ક્યાંય રસક્ષતિ થતી ન લાગે અને એને આખી વાર્તા વાંચ્યાનો સંતોષ પણ મળે. એ માટે કયો મુદ્દો બાદ કરવો અથવા કઈ અગત્યની ઘટનાનો વિસ્તાર કરવો એ બાબતની ફાવટ આવતી ગઈ. પૂર્વસૂરિઓને આપેલું વચન નિભાવવા ખાતર જ જે કામ હાથમાં લીધેલું એમાં ધીરે ધીરે એટલો રસ પડવા લાગ્યો કે જાણે એનું વ્યસન થઈ ગયું.

આ દસ વર્ષના ગાળામાં 40-40 વાર્તાઓનો એક એવા બે સંગ્રહ તર્પણ-1 (2013) અને તર્પણ – 2(2014) પ્રગટ થયા. તર્પણ ભાગ 3, 4 અને 5 ની 120 વાર્તાઓ પોતે ક્યારે પ્રકાશમાં આવે એની રાહ જોતી તૈયાર ઊભી છે. હરિશ્ચંદ્ર બહેનોની 45 વર્ષો દરમ્યાન લખાયેલી વાર્તાઓના 18 સંગ્રહો ‘વીણેલાં ફૂલ’ નામથી પ્રકાશિત થયેલા અને ખૂબ લોકપ્રિય થયા છે. મારી વાર્તાઓ એમને તર્પણરૂપે હોવાથી ‘તર્પણ’ નામ આપવાનું નક્કી કર્યું. દસકાના ગાળામાં અનેક સારા-માઠા પ્રસંગો આવ્યા, ઘર ગ્રૃહસ્થીની, વ્યાવહારિક એવી અનેક જવાબદારીઓ આવી પણ ગમે તેવા સંજોગો છતાં દર પંદર દિવસે ભૂમિપુત્રના કાર્યાલય પર વાર્તા પહોંચાડવાનું કામ અચૂકપણે નિભાવી શકાયું એનો ખૂબ સંતોષ છે. આટલા ગાળામાં લગભગ 250 વાર્તાઓ થઈ. એક એક વાર્તા પસંદ કરતા પહેલાં ઓછામાં ઓછી 10 વાર્તાઓ વાંચવી પડે છે. આ હિસાબે જોવા જઈએ તો અત્યાર સુધીમાં ભારતની અલગ અલગ ભાષાઓ જેવી કે, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી વગેરે અને કેટલીય વિદેશી ભાષાની એમ બધું મળીને 2500 જેટલી વાર્તાઓમાંથી પસાર થવા મળ્યું.

કેટલાય વાચકમિત્રો પૂછતા હોય છે કે, આટલી બધી નવી નવી વાર્તાઓ તમને મળે છે ક્યાંથી? ચાલો, આજે એ રહસ્ય પરથી પડદો ઊંચકી લઉં. વાર્તાઓ તૈયાર કરવા માટે મુખ્યત્વે જુદી જુદી ભાષાનાં સામયિકોનો આધાર લેવાનો રહે છે. દર મહિને મળતાં નવનીત(હિંદી), સમકાલીન સાહિત્ય, નયા જ્ઞાનોદય, મિળૂન સાર્યાજણી(મરાઠી), સ્ટેટ્સમેન(અંગ્રેજી) વગેરેમાંથી ઘણી વાર્તાઓ મળી રહે છે. વળી ઘણાં સામયિકોમાં દરેક અંકમાં એક ઈતર ભાષાની વાર્તાનો હિંદી અનુવાદ પણ મળે છે. આમ એક વખત વાર્તાનું ચયન થયા પછી એને 750 થી 800 શબ્દોમાં સમાવવાની ગડમથલ ચાલુ થાય. ધીમે ધીમે આ બધી મથામણ એટલી રસપ્રદ લાગવા માંડી કે, ઘણી વખત વાર્તાને આ ઘાટ આપવો કે પેલો, એવી દ્વિધામાં રાતની ઊંઘ પણ ઊડી જતી. વાર્તાનાં પાત્રો સાથે મારી સંવેદના એ હદે જોડાઈ જતી કે, ક્યારેક પાત્રની વેદના, એની તકલીફનો વિચાર કરતાં આંખોમાં આંસુ પણ આવી જાય.

આ દસ વર્ષોએ મને કેટકેટલું આપ્યું છે! આત્મ સંતોષ, આંતરિક સમૃદ્ધિ, ભાષાઓની સુંદરતાનો પરિચય, વાચકોનો પ્રેમ અને આદર -આ બધું કદાચ ક્યારેય ન મેળવી શકત, જો આ દાયકો મારા જીવનમાં ન આવ્યો હોત તો ! હમણાના કોરોના કાળની  વાત કરું તો રોજે રોજના આઘાતજનક આંકડાઓ, સમગ્ર દુનિયાની દયનીય પરિસ્થિતિ અને અમંગળની આશંકાને કારણે મન એવું તો ક્ષુબ્ધ રહે છે કે, કશું પણ સર્જનાત્મક લખવાની કે કંઈ નવું  કરવાની કે વિચારવાની ઇચ્છા જ નથી થતી. એક ઉદાસી ચારેકોરથી ઘેરી લેતી હોય એવી પળોમાં ભૂમિપુત્ર માટે વાર્તા તૈયાર કરવાની ચાનકે મને ઉગારી લીધી છે એમ કહું તો ખોટું નથી. ગમે તેટલી નિરાશ પળોમાં પણ બીજું કંઈ નહીં તો વાર્તાઓ વાંચવાનું કામ તો થતું રહે છે અને એ રીતે મનને  સધિયારો રહે છે કે, સમયનો કંઈક તો સદુપયોગ કરી શકાય છે!

દસ વર્ષની આ યાત્રામાં કેટકેટલાનો સાથ, સહકાર, પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં છે. એમાંથી કોઈનાં નામ ગણાવીને કોઈનીય ઓછી કે વધુ કિંમત આંકવાનો  આશય નથી પણ આ તબક્કે એટલું તો જરૂર કહીશ કે આપ સૌના પીઠબળ વિના અહીં સુધી પહોંચવું શક્ય નહોતું. દસ વર્ષના આ મહત્ત્વના મુકામ પછી આ સફર કેટલી આગળ ચાલશે એ તો આપણે કોઈ નથી જાણતા પણ મારી લાગણી વ્યક્ત કરવા શ્રી નિરંજન ભગતની પેલી પંક્તિઓનો આધાર લેવાનું મને ગમશે કે,

‘કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ,(બહેનો તો કેમ ભુલાય !)

આપણો ઘડીક સંગ  રે…

આતમને તોયે જન્મોજનમ લાગી જશે એનો રંગ…કાળની કેડીએ’

ભૂમિપુત્રની કેડીએ આપણો સંગ કાયમ રહે એવી અભિલાષા.

સ્રોત સૌજન્ય – ભૂમિપુત્ર, ૧૬-૭-૨૦૨૦

સારપને સંકોરવાનું પુણ્યકાર્ય

હિમાંશી શેલત

‘ભૂમિપુત્ર’ના વાચકવર્ગને એના અંતિમ પૃષ્ઠનું ખેંચાણ બહુ મોટું. સંભવ છે કે અંક મળે ત્યારે એ છેલ્લું પાનું જ પહેલું વંચાતું હોય! હરિશ્ચંદ્ર બહેનોની આ પ્રસ્તુતિ ખૂબ વાચકપ્રિય બનેલી. કાંતાબહેનના અવસાન બાદ હરવિલાસબહેને આ રજૂઆત સંભાળેલી અને એમની વિદાય પછી, 2010 થી આશા વીરેંદ્ર દ્વારા આ વિશિષ્ટ વાચન સામગ્રીની સુપેરે માવજત આજ પર્યંત થઈ છે. દસ  વર્ષના લાંબા પટ પર અન્ય ભાષાઓની કથાને આમ રજૂ કરવી, ચુસ્તીપૂર્વક એનું સાતસો-સાડી સાતસો શબ્દોનું માળખું જાળવવું અને મૂળ રચનાનાં હાર્દ અને રસને તથા વાર્તા પસંદગીમાં વિષય તથા પાત્ર વૈવિધ્યને ધ્યાનમાં રાખવાં, એ પૂરતી સજ્જતા અને નિષ્ઠાની અપેક્ષા રાખે એ સ્વયંસ્પષ્ટ છે.

આશા વીરેન્દ્ર આ લાંબા ગાળા દરમિયાન પોતાની સજ્જતા અને નિષ્ઠાનો સરસ પરિચય આપી શક્યાં છે. કેવળ પ્રાદેશિક જ નહીં, વિદેશી વાર્તાઓને પણ એમણે ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પૃષ્ઠની આવશ્યકતા મુજબ ઢાળી છે, અને પરિણામે આ કથાઓએ સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ધર્મ અને જાતપાતના, સામાજિક અને ભૌગોલિક તેમ જ સાંસ્કૃતિક સીમાડા વળોટી જનમાનસને સ્પર્શતી આ કથાસામગ્રી મૂળ તો મનુષ્યના અસ્તિત્વની સારપનો અને મનુષ્યત્વનો મહિમા દાખવે છે.

અહીં એવી કથાઓ પસંદ થઈ છે જે સામાન્યતામાં સંગોપિત અસામાન્યતા, અને ભોંયમાં રોપાયેલા માણસોની ઊંચાઈને વ્યક્ત કરે. કુટુંબજીવન અને પારિવારિક સંબંધો ભારતીય ભાવકોનું મનપસંદ ક્ષેત્ર છે, એ જ રીતે સામાજિક સમસ્યાઓ પણ એમના રસનો વિષય. વાર્તાઓમાં એકવિધતા ન આવે અને એનું વિષયવૈવિધ્ય જળવાય એ પરત્વે આશાબહેને ઠીકઠીક જાગરૂકતા રાખી છે. સ્વયં વાર્તાલેખનની શિસ્તમાં પલોટાયાં હોવાથી કથારસ શી રીતે જાળવવો, વાર્તાનો આરંભ અને અંત કઈ ઢબે અસરકારક બની શકે અને ભાષા સંદર્ભે કેવી કાળજી આવશ્યક ગણાય એનો આશાબહેનને પરિચય છે, અને કથાપ્રસ્તુતિનું આ જમા પાસું લેખાય.

‘ભૂમિપુત્ર’ની આ વાર્તાઓ ‘જન્મભૂમિ’માં, અન્ય સામયિકોમાં અને બીજી પદ્ધતિઓ થકી એક વિશાળ વાચક સમુદાયમાં ફરી વળી છે. એમાંની થોડીક વળી ‘તર્પણ’ એક અને બેમાં સંચયરૂપે પ્રગટ થઈ છે. જો કે ક્યારેક સામગ્રી દીર્ઘ વાર્તા કૃતિને લાયક હોય ત્યારે એને ટૂંકામાં સમાવવાનો પડકાર ભારે પડ્યો હોય એમ પણ નોંધવું રહ્યું. ખીચોખીચ ભરેલા ફલક જેવી આ પ્રકારની રચનાઓમાં વાર્તાને મોકળાશભર્યો શ્વાસ લેવામાં મુશ્કેલી પડી છે. ‘અણમોલ ભેટ’ કે ‘બોજ’ (બંને તર્પણ-2) જેવી કૃતિઓ આનાં ઉદાહરણ છે.

ઘટનાપ્રચુર વાર્તાઓ માટે વિસ્તૃત ફલક અનિવાર્ય બને એ હકીકત નજરઅંદાજ કરવા જેવી નહીં પરંતુ સરેરાશ ભાવકનો અભિગમ તો વાર્તારસ માણવા જેટલો જ હોવાથી આવી બારીકાઈ એને માટે જરૂરી ન ગણાય. સામાન્ય ભાવકવર્ગ- જે ઘણો મોટો છે- એને આદર્શ અને વાસ્તવનું મિશ્રણ, લાગણીના ઘટ્ટ-ઘેરા રંગો તથા માનવસંબંધો અને કુટુંબજીવનના આટાપાટા માણવામાં ઘણો સંતોષ મળે છે. જે સામગ્રી એને આવો પરિતોષ આપે તેના તરફ એને આકર્ષણ રહેવાનું. એટલે થોડીક મર્યાદા હોવા છતાં ઉપર નોંધેલી ચોક્કસ પ્રકારની વાચનસામગ્રી માટે એને પક્ષપાત રહેવાનો. પરંતુ જ્યારે આશાબહેન સંયત સૂરે, કલાપક્ષને લક્ષ્યમાં રાખી લેખનપ્રવૃત્ત થયાં છે ત્યારે ‘ખાલીપો’ અથવા ‘શિવ-શંભુ’ કે ‘માઈનું ઘર’(તમામ તર્પણ-1) જેવી સાધ્યંત અસરકારક કૃતિઓ નિષ્પન્ન થઈ છે.

ટૂંકી વાર્તા તો નિમિત્ત, એને આધારે સત્ત્વશીલ અને જીવનલક્ષી સામગ્રી પ્રસ્તુત કરવાનો દસ વર્ષથી વણથંભ ચાલતો આ ઉપક્રમ બિરદાવવાનો અવસર છે. અહીં આ કથાઓમાં હૃદયપલટાનાં સરળ સમીકરણો હાજર છે, પરંતુ એનીયે સકારાત્મક અસર ક્યાંક ને ક્યાંક થતી હશે એમ માનવું ગમે. મનુષ્યની સારપને સંકોરવાનો આ પ્રયાસ અને એનાં રચયિતા – બંને અભિનંદનનાં અધિકારી.

હૈદરાબાદ લીટરેચર ફેસ્ટીવલના ફેસબુક પેજ પરથી સાભાર.

સ્રોત સૌજન્ય – ભૂમિપુત્ર, ૧૬-૭-૨૦૨૦

Author: admin

Leave a Reply

Your email address will not be published.