ભગવાન થાવરાણી

અનેક શેર એવા હોય છે જે મહાન નથી હોતા પણ આપણને ખૂબ ગમે છે. કારણો આગવાં અને અંગત હોય. આ લેખમાળામાં એવા શેરો પણ સમાવિષ્ટ હશે. શેરો-શાયરીના ઉસ્તાદો દરગુજર કરે.
અયુબ ખાવર સાહેબની એક ગઝલ છે. પરવેઝ મેંહદી અને ઓસમાણ મીર બન્નેએ એ ગઝલ અદ્ભૂત રીતે ગાઈ છે. ગઝલનો મત્લો છે :
સાત સુરોં કા બહતા દરિયા તેરે નામ
હર સુર મેં હૈ રંગ ધનક કા તેરે નામ
( ધનક એટલે મેઘધનુષ )
આ ગઝલનો આ શેર મને અકારણ – અકારણ અતિપ્રિય છે :
તેરે બિના જો ઉમ્ર બિતાઈ બીત ગઈ
અબ ઈસ ઉમ્ર કા બાકી હિસ્સા તેરે નામ
લાંબી જિંદગી વિતાવ્યા પછી અચાનક કોઈ ખાસ ક્ષણમાં આવી અનુભૂતિ થવી એ મામૂલી વાત નથી પરંતુ સંભવ તો છે જ. કહે છે, કેટલાક માણસોના બે જન્મ-દિવસ હોય છે. એક એ, જે દિવસે એનો ભૌતિક જન્મ થયો અને બીજો એ જે દિવસે એને અચાનક ખબર પડી કે એનો જન્મ શા હેતુ માટે થયો છે ! વીજળી માફક અચાનક ઝબકી જતા એક અહેસાસની વાત છે અહીયાં ! ફરાઝના એક શેરમાં આ જ વાત અલગ રીતે કહેવાઈ છે :
ઝિંદગી સે યહી ગિલા હૈ મુજે
તૂ બહોત દેર સે મિલા હૈ મુજે ..
બસ. એવી જ વાત ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.