સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર :: યહ કોન ચિત્રકાર હૈ….. – ભૂમિકા

ભૂમિકા

સ્વિત્ઝરલેન્ડ એટલે ધરતી પરનું સ્વર્ગ! આ સ્વર્ગમાં મિત્રો સાથે ફરવા જવાનું હોય એટલે તેની મજા તો કંઈ અલગ જ હોય! મારા પતિ શ્રી રાજેશ કિકાણી અને તેમના મિત્રોએ સી. એન. વિદ્યાલયમાંથી એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી તેને 50 વર્ષ થયાં ૨૦૧૯માં. આ ગોલ્ડન જૂબિલીના અવસરને ઉજવવા માટે બધા મિત્રોએ સ્વિત્ઝરલેન્ડ જવાનું નક્કી કર્યું. અમેરિકાથી સાત યુગલ અને ભારતમાંથી ચાર યુગલ એમ કરીને અમે કૂલ 11 યુગલ એટલે કે 22 મિત્રો સ્વિત્ઝરલેન્ડ ફરવાં ગયાં.

આખો પ્રોગ્રામ મિત્રોએ જાતે જ ડિઝાઇન કર્યો. સ્વિત્ઝરલેન્ડ નાનો દેશ છે અને ઘણી બધી માહિતી નેટ પર ઉપલબ્ધ છે. વળી અમારાં મિત્રોમાંથી ઘણાં મિત્રો સારું એવું ફરેલાં પણ છે એટલે ઉત્સાહી અને જાણકાર મિત્રોએ શોખથી, ઝીણવટથી અને કુશળતાપૂર્વક આયોજન કર્યું. અમારાં ફરવાનાં સ્થળો એવી રીતે ગોઠવેલાં હતાં કે આખો દેશ ફરી વળાય અને છતાંય ક્યાંય પાછાં આવવાનું ન થાય. હોટલનાં બુકિંગ, બસનાં બુકિંગ, સાઇટસીઇંગની અને જમવાની તથા બીજી બધી વ્યવસ્થા અને સગવડો જાતે કરતા ફાવે નહીં એટલે યુકેની તાજ ટુર્સને પ્રોગ્રામનો વહીવટ કરવા સોંપ્યો.

સ્વિટ્ઝર્લેન્ડના એક અઠવાડિયાના આ પ્રોગ્રામ પછી અમે તાજ ટુર્સનો ઈસ્ટ યુરોપનો એક અઠવાડિયાનો તૈયાર પ્રોગ્રામ લીધો જેમાં છ દેશોમાં ફર્યા. સ્વિત્ઝરલેન્ડ એટલે હિમાચ્છાદિત પર્વતો અને નીતર્યા પાણીથી છલકાતાં સરોવરોનો દેશ! સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપના બધા દેશોની માહિતી અને તેમની ઐતિહાસિક વિગતો જે તે દેશના પ્રવાસ વર્ણન સાથે લીધી છે.

આમ તો ઈસ્ટ યુરોપની ટુરમાં છ દેશને બદલે છ શહેરમાં ફર્યાં એમ કહીએ તો પણ ચાલે! રોજ સવાર પડે અલગ શહેર અને અલગ દેશ! પણ દરેક દેશની સંસ્કૃતિ બદલાય, રહેણી કરણી બદલાય એટલે શહેર બદલાય તેની સાથે સાથે દેશ બદલાય એવું જ થાય! આમ તો દરેક શહેરમાં અઠવાડિયું રહીએ તો પણ સરખી રીતે જોવાય નહીં એવું ભવ્ય અને માહિતીથી સમૃદ્ધ શહેર! આવાં સરસ માહિતીસભર શહેરોમાં એક પણ સુંદર મ્યુઝિયમ સરખી રીતે ન જોઈ શકવાનો વસવસો કાયમ રહી જવાનો! જો કે ફરી આવીશું અને શાંતિથી રહેશું એવા આશ્વાસન સાથે બીજા અઠવાડિયાનો પ્રોગ્રામ પણ પૂરો કર્યો. બહુ ફર્યાં, બહુ જોયું, બહુ જાણ્યું અને બહુ માણ્યું. થાક્યાં પણ ઘણું અને આનંદ પણ ઘણો કર્યો.

કોઈ પણ ટુરની સફળતાનો મોટો આધાર ટુરના ગાઈડ કે મેનેજર પર હોય છે. બંને ટુર માટે અમારા ગાઈડ હતા શ્રી મિલિન્દભાઈ, બહુ જ અનુભવી અને સ્વભાવે એકદમ હસમુખા અને મળતાવડા. કેળવાયેલો ઘેરો અવાજ એ તેમની આગવી ઓળખાણ. વળી બીનાકાની અવાજની દુનિયાવાળા અમીન સયાનીના તે શિષ્ય. ‘ભાઈઓ ઔર બહેનો’થી શરૂઆત કરે અને અમને સંગીતની દુનિયામાં ડૂબકી મરાવે. સંગીતની સાથે સાથે અનુભવોનો ખજાનો ખોલે. તેમનું પ્રિય ગીત એટલે ‘યહ કોન ચિત્રકાર હૈ…..’ મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે જો હું આ પ્રવાસનું વર્ણન પુસ્તક રૂપે લખીશ તો તેનું ટાઈટલ હશે ‘યહ કોન ચિત્રકાર હૈ…..’ સ્વિત્ઝરલેન્ડ દેશને એકદમ અનુરૂપ ગીત છે!

બંને ટુરમાં ઘણાં નવાં-જૂનાં મિત્રો સાથે રહ્યાં. ઘણા નવાનવા અનુભવો થયા. આજકાલ એક નવો ટ્રેન્ડ અથવા નવી ફેશન ચાલે છે : પતિ-પત્ની જાણે એક જ તાકામાંથી બનાવ્યાં હોય તેટલાં સરખાં કપડાં પહેરી ફરે છે, ટુરમાં તો ખાસ! આંખમાં ખૂંચે એટલી હદે સરખાં વસ્ત્રો પહેરી કદાચ પોતાની લાગણીની, વિચારોની કે બીજી કોઈ પણ અસંગતતા છુપાવવાનો પ્રયત્ન કરતાં હશે?

આ પ્રવાસ પછી થોડાંક સૂચન કે સજેશન કરવાનું મન ચોક્કસ થાય :

· પ્રવાસ બહુ વધારે પડતો લાંબો અને થકવી નાખે તેવો કરવો નહીં. પ્રવાસ આનંદ માટે કરીએ છીએ નહીં કે લિસ્ટમાં ટીક કરવા માટે.

· મિત્રો સાથે હોય એટલે ફરવાની તો મજા જ આવે. પણ લાંબો સમય જુદા જુદા દેશોમાં રહ્યા પછી, જુદી જુદી જગ્યાએ નોકરી કર્યા પછી, જુદી જુદી આર્થિક અને સામાજિક સ્થિતિમાં રહ્યા બાદ, જુના મિત્રોના પણ સ્વભાવ અને રસના વિષયો બદલાયા હોય. લાંબા પ્રવાસે જતાં હોઈએ ત્યારે સરખા રસવાળા ચાર છ મિત્રોએ (એટલે ૨-૩ યુગલે) જ સાથે ફરવા જવું જેથી પ્રવાસનો આનંદ જળવાઈ રહે અને સંબંધો પણ જળવાઈ રહે.

· સ્વિત્ઝરલેન્ડની ટુર દરમ્યાન અમે સવાર-સાંજ ભારતીય ભોજન આપવા માટે ઓપરેટર પાસે આગ્રહ રાખેલો. અમારો સવારનો નાસ્તો હોટલમાં થતો પણ લંચ અને ડિનર માટે ભારતીય હોટેલમાં જતાં જ્યાં ખાવાનું લગભગ પંજાબી રહેતું. શાકાહારી ભોજન માટે મર્યાદિત વિકલ્પ રહેતા અને બે જ દિવસમાં અમે નાન અને સબ્જી ખાઈને કંટાળી ગયાં હતાં. જ્યારે બીજા અઠવાડિયાના ઈસ્ટ યુરોપના પ્રોગ્રામમાં લંચને બદલે તૈયાર ચા-કોફી અને સાથે લાવેલો નાસ્તો અમે કરતાં જે વધુ અનુકૂળ રહેતું અને મિત્રો સાથે જમવાનો લહાવો પણ મળતો તે નફામાં!

· જે દેશોમાં કે સ્થળો પર જતાં હોઈએ તે સ્થળોની માહિતી પહેલેથી વાંચી લીધી હોય તો ત્યાં વધુ મજા આવે. ત્યાંના ઇતિહાસ, ભૂગોળ અને રાજકારણ વગેરેની માહિતી તમને તે સ્થળનું અનોખું દર્શન કરાવે. કોઈપણ સ્થળની માહિતી ઘેર બેઠાં બહુ સહેલાઈથી મળી શકે છે અને તેને માટેની ઘણી એપ્સ મોબાઇલમાં મળી રહે છે.

તો પછી ચાલો મારી સાથે સ્વિત્ઝરલેન્ડ અને ઈસ્ટ યુરોપની સફરે! બહુ મઝા આવશે! પણ ઉતાવળમાં, મારી મિત્ર અને વિશ્વપ્રવાસી સ્વાતિ સોપારકરે લખેલ આ પુસ્તકની રસભર પ્રસ્તાવના વાંચવાનું ચૂકશો નહીં! અને આ પ્રવાસ-વર્ણનના સુંદર ફોટાઓ માટે હું શ્રી શરદ કુલકર્ણી અને શ્રી રાજેશ કિકાણીનો આભાર માનવાનું નહીં ચૂકું!

દર્શા કિકાણી

૧. સ્વિત્ઝરલેન્ડનો નક્શો

૨. ઈસ્ટ યુરોપનો નક્શો

૩. દેશનું નામ, રાજધાની, ફ્લેગ, ચલણ

 દેશનું નામરાજધાની શહેરચલણ
સ્વિત્ઝરલેન્ડબર્નCHF / સ્વિસ ફ્રેંક
લિંચેસ્ટીનવડુઝCHF / સ્વિસ ફ્રેંક
ફ્રાંસપેરીસયુરો
જર્મનીબર્લિનયુરો
પોલેન્ડવોર્સોઝ્લોટી
ઝેક રિપબ્લિકપ્રાગઝેક કોરુના
ઓસ્ટ્રિયાવિએનાયુરો
સ્લોવેક રિપબ્લિકબ્રાટીસ્લાવાયુરો
હંગેરીબુડાપેસ્ટહંગેરિયન ફોરીન

પ્રસ્તાવના

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી!

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, વહેતા ઝરણાની આંખ લ્હોવી હતી !

આપણા ગુજરાતી કવિવર શ્રી ઉમાશંકર જોશીની આ પ્રખ્યાત પંક્તિઓએ પ્રવાસ અને ખાસ કરીને વિશ્વપ્રવાસ માટે અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે. પ્રવાસ કરવો અને પ્રવાસવર્ણન તૈયાર કરવાં એ બે અલગ વાત છે. બેન દર્શા કિકાણીએ પ્રવાસ તો કર્યા જ છે, પણ પોતાના પ્રવાસ-અનુભવોને શબ્દસ્થ કરી બધાં સાથે વહેંચવાનું પ્રેરક કામ પણ કર્યું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં દર્શાએ પોતાનાં પ્રવાસ-વર્ણનોની એક શૃંખલા ઉભી કરી છે, તેમાંની આ એક રૂપકડી છે.

જોગાનુજોગ મેં વાંચેલી પ્રવાસકથા શ્રી ઉમાશંકર જોશીના સંદર્ભે હતી. તેમનાં પુત્રી સ્વાતિ જોશીએ ‘યુરોપની યાત્રા’ નામે એ રસાસ્વાદ કરાવ્યો હતો. જાણીતાં વિશ્વપ્રવાસી અને ગુજરાતી લેખિકા સુશ્રી પ્રીતિબેન સેનગુપ્તાની કલમે આપણને ઘણા અવનવા પ્રદેશો અને અવનવા અનુભવોનો પરિચય કરાવ્યો છે.

દર્શાની કલમ તેની ભાષાની સરળતા અને તરલતાને લીધે જુદી તરી આવે છે. તેનાં સુંદર વર્ણન સહેલાઈથી આપણને અલગ અલગ સ્થાન અને અનુભવોનો સાક્ષાત્કાર કરાવે છે. ક્યાંક સ્વિટ્ઝરલેન્ડ જેવા રમણીય દેશના હિમાચ્છાદિત શિખરોની ટોચે લઈ જાય છે તો ક્યાંક તેનાં રમણીય સરોવરનું તાદૃશ્ય વર્ણન આપણને વહાવી લઈ જાય છે. જ્યારે બીજી બાજુ યુરોપના ઐતિહાસિક, આધુનિક અને અત્યંત ઉત્કૃષ્ટ કલાધામો જેવાં શહેરોની પણ ઓળખાણ કરાવે છે. પ્રવાસ અંગેની પૂર્વભૂમિકા, પૂર્વતૈયારી તથા પ્રવાસના અનુક્રમ અંગેની ઝીણી ઝીણી વિગતો પણ પ્રવાસ ઇચ્છુક મિત્રોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.

દરેક પ્રવાસમાં સાથીદારોની સંગત પ્રવાસના આનંદમાં ઉમેરો કરે જ છે. સાથે સાથે આ સંગાથીઓના દ્રષ્ટિકોણ પણ આપણા અનુભવોમાં વધારો કરે છે, ખાસ કરીને વિદેશ પ્રવાસમાં, જ્યાં સ્વાભાવિક રીતે ‘રાત ટૂંકી અને વેશ ઝાઝા’ ની જેમ ટૂંકી સમય મર્યાદા અને ઘણું બધું જોઈ માણી લેવાનો લોભ હોય ત્યારે આ સંગાથીઓના દ્રષ્ટિકોણની નાજુક સમતુલા જાળવવી જરૂરી થઈ પડે છે. ક્યારેક મિત્રોની અલગ અલગ પ્રાથમિકતાને કારણે કંઈક મેળવવાની સાથે કંઈક ગુમાવવું પણ પડે છે. બેન દર્શાએ વિગતોની ચોક્કસાઈ સાથે આવા માનવીય અનુભવોની વાત પણ સુપેરે વણી લીધી છે.

ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે પ્રવાસ અત્યંત ઝડપી અને ઉપરછલ્લો બની જાય અને યાદગીરી તરીકે માત્ર ફોટા જોઈને સંતોષ મનાતો હોય. જ્યારે દર્શાનું પ્રવાસવર્ણન આપણને એ દેશો અંગેની સામાન્ય માહિતી, ત્યાંના લોકો અને સમાજ વ્યવસ્થા વગેરે માહિતીનો ખજાનો ખોલી આપી અનુભવોનું ઊંડાણ વ્યક્ત કરે છે. આમ વિવિધ રીતે જોતાં બેન દર્શાની આ પુસ્તિકા સુંદર અને પ્રેરણાદાયક છે.

દરેક વ્યક્તિની પ્રવાસ અંગે અલગ-અલગ પ્રાથમિકતા તથા સગવડ-અગવડ અંગેની સજ્જતા હોય છે જે તમારા પ્રવાસની વ્યવસ્થા ગોઠવવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલાંક યુવાન પ્રવાસીઓ એકદમ અલગારી રખડપટ્ટીનો આનંદ મેળવે અને કેટલાંક નિશ્ચિત રહેવા માટે પૂર્વ આયોજિત ટુરનો લાભ લે. આમ છતાં પ્રવાસના મારા અંગત અને થોડા અવનવા અનુભવોની વાત કરવાનો લોભ હું છોડી શકતી નથી.

યુરોપના દરેક દેશ અને પ્રજાની કંઈક અવનવી ખાસિયતો હોય છે. સામાન્ય રીતે શહેરનો કેટલાક પ્રાચીન ઐતિહાસિક વિસ્તાર તેના મૂળ સ્વરૂપે જળવાયો હોય છે. ત્યાંના પથ્થર જડેલા રસ્તા અને સુશોભિત ટાઉનસ્ક્વેર વાહન- વ્યવહાર માટે પ્રતિબંધિત અને પદયાત્રીઓ માટે રક્ષિત હોય છે. અત્યંત કલાત્મક સ્મારકો, ફુવારા, અલંકૃત ઇમારતો વગેરેથી સુશોભિત હોય છે. ઉપરાંત આ વિસ્તારોનો ઢળતી સાંજ અને વહેલી રાતનો માહોલ કંઈક જુદો જ હોય છે. ભવ્ય ઈમારતો ઉપર કલાત્મક રોશની, સ્થાનીય સંગીત અને લોકનૃત્યની રંગત તથા ખાણીપીણી સાથે નિરાંતની પળો માણતાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓની સંગત અનુભવવા જેવું અને માણવા જેવું જીવંત વાતાવરણ હોય છે. આજના સમયમાં ભાષાની મર્યાદા નહીં રહી હોવાથી આપણા અનુભવોના સ્થાનિક લોકો સાથે આદાન-પ્રદાન માટેની પણ આ ઉત્તમ તક હોય છે.

યુરોપના શહેરોની બીજી એક ખૂબી ફ્રી વોકિંગ ટુરની છે. સ્થાનિક યુવક યુવતીઓ પુષ્કળ સ્થાનિક માહિતી અને દંતકથાઓને વણી લઈને બે થી ત્રણ કલાક માટે પૂર્વનિર્ધારિત રૂટ પર આ પ્રકારની ટૂર આપે છે. નાની-નાની ગલીઓમાંથી પસાર થતા અનેક વળાંકો પર કે નાના સ્ક્વેર ઉપર સાનંદાશ્ચર્ય આપે તેવા કલાત્મક સ્મારકો જોવા મળે છે.

સદીઓ પુરાણી રાજા-મહારાજાઓ તથા ઉમરાવોની તથા વિશ્વયુદ્ધ દરમ્યાનની અનેકાનેક વાતો તેમાં રંગ પૂરે છે. પ્રખ્યાત સ્થાનિક કલાકારો અને લેખકો-કવિઓની અવનવી રસપ્રદ માહિતી પણ તેઓ વહેંચે છે. ટૂરના અંતે તમારી ઇચ્છા પ્રમાણેની ટિપ્સ તમે આપી શકો છો. કલારસિકો માટે અન્ય આકર્ષણ યુરોપનાં મ્યુઝિયમ હોય છે. તમારાં પોતાના રસ-રુચિ પ્રમાણે તેની મુલાકાતની પસંદગી કરી શકાય છે. ક્લાસિકલ અને આધુનિક ચિત્રકારો, શિલ્પકારો અને અન્ય માધ્યમો દ્વારા પ્રગટ થતી કલાનાં અનેક સુંદર, કાયમી તથા હંગામી પ્રદર્શન જોવાં મળે છે.

હું જાણું છું કે સૌ ગુજરાતી પ્રવાસીઓ માટે ભારતીય ભોજનની વ્યવસ્થા એ પ્રવાસનું અગત્યનું આકર્ષણ હોય છે. ભોજનનો સંતોષ અને પૂર્વ-વ્યવસ્થા એ અનુકૂળતા જરૂર વધારે છે, પણ ક્યારેક આપણા થોડા પૂર્વગ્રહોને બાજુ પર રાખી, સ્થાનિક લોકોની અથવા જરૂર પડે તો સ્થાનિક ટુર ઓપરેટરની મદદ લઈને પણ તે દેશની શુદ્ધ શાકાહારી વાનગીઓનો આસ્વાદ માણવો અત્યંત આવશ્યક છે.

અંતે તારણ એટલું જ કે આ પ્રવાસવર્ણન કોઈકને પ્રવાસ કરવા પ્રેરે અને પ્રવાસ ખેડી આવેલાઓને પોતાના પ્રવાસની યાદ કરાવે તેવું આહલાદક છે. આપણે સૌ ઈચ્છે કે બહેન દર્શા અવનવા પ્રદેશોની મુલાકાત લેતાં રહે અને આપણને એ અનુભવોનો આસ્વાદ કરાવતાં રહે.

સ્વાતિ સોપારકર

અમદાવાદ

૦૧/૦૭/૨૦૨૦


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com


સંપાદકીય નોંધઃ હવેથી આ પ્રવાસ વર્ણન દર બુધવારે અને શુક્ર્વારે પ્રકાશિત થશે. સંપાદક મંડળ – વેબ ગુર્જરી

Author: admin

27 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર :: યહ કોન ચિત્રકાર હૈ….. – ભૂમિકા

 1. ખૂબ સરસ વર્ણન કર્યું છે. ફરી એ દિવસો ની યાદ આવી ગઈ. આગલા હપ્તા ની રાહ જોવી જ પડશે.

  1. પ્રસ્તાવના એટલી રસપ્રદ અને ઝીણવટ સભર છે કે પ્રવાસ વર્ણન વાંચવાની ઇંતેજારી વધી ગઈ.
   ‘રાત હૈ ઐસી મતવાલી તો સુબહ કા આલમ ક્યા હોગા!’

   1. વાહ દર્શાબેન .. “યે કૌન ચિત્રકાર હૈ” .. આપની સાથે લાંબા પ્રવાસો માણવા નું થયું હોવાથી ખુદ ને ભાગ્યશાળી માનું છું.
    Swiss પ્રવાસ ના વિવિધ પહેલુઓ ને ખૂબ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવા બદલ અભિનંદન.. જાણે લેખ પર નજર કરતા ફરી Swis પ્રવાસ થઈ ગયો..

  2. આભાર! બહુ રાહ નહીં જોવી પડે! બુધવાર નજીક જ છે!

 2. Very nicely described….I felt I am on the Golden Jubilee tour. You all have enjoyed and i, alongwith those who could not make it, I will be on virtual tour while reading….
  👌👍👍

 3. ખૂબ સુંદર વર્ણન! ખાસ તો પ્રવાસની અવધિ, સહપ્રવાસીઓની સંખ્યા અને સમાન વિચારસરણીની બાબતે જે સૂચન કરવામાં આવ્યું, તે લેખિકાની કોઠાસૂઝ દર્શાવે છે.
  ખૂબ ખૂબ અભિનંદન.

 4. Very nice description of our tour! We felt as if we are on the tour again with you all. It was really fun trip and knowing you all.from C.N. group. You all made us part of your group. You all are very friendly! Thank you.
  Surekha and Hasmukh

  1. Thanks, Surekha! We too enjoyed your company and hence the tour!
   This tour description will continue every Wednesday and Friday for a few more weeks.
   Do read and enjoy!

 5. વાહ, સુંદર વર્ણન છે યે કૌન ચિત્રકાર હૈ એકદમ બંધ બેસતું શિર્ષક છે.પ્રવાસ ના વર્ણન પહેલાંની પ્રસ્તાવના અતિસુંદર છે સ્વાતિબહેને ખાસ અભિનંદન આપજો.
  સાચે જ બુધવાર સુધી રાહ જોવી પડશે.

 6. સરસ પૂર્વ ભૂમિકા લખી છે. જોવા લાયક દેશો વિષેની માહિતી અગાઉથી જાણી લેવાનું સૂચન ઉત્તમ છે. બીજા હપતાની ઇનતેજારી… આભાર

  1. ખૂબખૂબ આભાર, તોરલ!
   પ્રવાસમાં ખરેખર બહુ મજા આવી ગઈ!

 7. ખૂબ સુંદર વર્ણન અને નિખાલસ સૂચનો અને વાચક ને જાણે રિમોટ લોગીન થી ટૂર કર્યા ની અનુભૂતિ કરવા બદલ આભાર.

 8. ખૂબખૂબ આભાર, ઉજ્જવલ! હમણાં બહાર તો જવાતું નથી એટલે પ્રવાસ વર્ણનથી સંતોષ માનવો રહ્યો! વાંચતા રહેશો!

 9. પૂર્વ ભૂમિકા અને પ્રસ્તાવના જ એટલી રસપ્રદ છે કે મારી ઉત્કંઠા શનિવાર જ બુધવાર થઇ જાય તેમ ઇચ્છે છે…

 10. બહુ જ સુંદર વર્ણન. મેં કરેલા યુરોપ પ્રવાસ ની યાદ આવી ગઈ

  1. સાચે જ! અત્યારના સંજોગોમાં પ્રવાસ તો શક્ય નથી, પ્રવાસ વર્ણનથી સંતોષ માનવો પડે! આભાર!

 11. પ્રસ્તાવના ખુબ સરસ લખી છે. હવે પહેલો અંક વાંચવાની તત્પરતા જાગી છે

  પુલિન

Leave a Reply

Your email address will not be published.