ફિર દેખો યારોં : પૈર અનાડી, ઢૂંઢે કુલ્હાડી

– બીરેન કોઠારી

કોઈ અકસ્માત યા દુર્ઘટના ગમે તે કારણસર થઈ શકે, પણ એ પછી તેમાંથી આપણે શો ધડો લઈએ છીએ એ મહત્ત્વનું છે. કહેવાતા વિકાસને પગલે પર્યાવરણને થઈ ચૂકેલા ગંભીર નુકસાનની જાણકારી હવે છાની રહી નથી. એ બાબતે જાગૃતિ પણ ઠીક ઠીક આવતી જણાઈ છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આ બધું જાણવા છતાં આપણો અભિગમ શો રહ્યો છે!

વિકાસ દ્વારા પર્યાવરણને થતા નુકસાન અને એ અંગેની સાવચેતીઓને ધ્યાનમાં રાખીને સમયાંતરે વિવિધ કાયદા આપણા દેશમાં ઘડવામાં આવતા રહ્યા છે, જેમાં છેલ્લે 2006માં મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા હતા. ‘ઈ.આર.એમ.’ નામની પર્યાવરણ ક્ષેત્રે વ્યવસ્થાપન કરતી કંપનીએ કોઈ એક જ તંત્રને સત્તા આપવાને બદલે વિકેન્દ્રીકરણ સૂચવ્યું, જેમાં જે તે ઉદ્યોગના પ્રતિનિધિ અને સરકાર ઉપરાંત સ્થાનિક સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવે. અભ્યાસુ અને વરિષ્ઠ પત્રકાર એમ. રાજશેખરે પોતાના એક લેખમાં ઉલ્લેખ્યા મુજબ, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અને પર્યાવરણ મંત્રાલયના ક્ષેત્રીય કાર્યાલયો વચ્ચે આખો મામલો વિભાજીત થઈ ગયો, જેમાં જે તે વિભાગની સ્પષ્ટ ભૂમિકા અને જવાબદારીનો અભાવ હતો. આમ છતાં, જે તે અરજીઓ અંગે જરૂરી નિર્ણય લેવા માટેનો સમયગાળો ઘટીને એકસો દસ દિવસ જેટલો થયો હતો. અલબત્ત, 2006માં જાહેર કરાયેલા અંતિમ મુસદ્દામાં ‘ઈ.આર.એમ.’ દ્વારા કરવામાં આવેલી ઘણી ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

લોકસુનવણી દરમિયાન કંપનીઓ અમુક વિગતો ‘ખાનગી’ રાખી શકે એવી જોગવાઈ અમલી બનાવાઈ. લોકસુનવણી માટે જરૂરી લઘુત્તમ કાર્યસાધક સંખ્યા(કોરમ)ની જોગવાઈને નાબૂદ કરવામાં આવી. અગાઉના કાયદામાં ‘પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત’ લોકો લોકસુનવણીમાં ભાગ લઈ શકે એવી જોગવાઈ હતી, જ્યારે આ કાયદામાં ‘પ્રકલ્પના પર્યાવરણને લગતા પાસા કે પ્રવૃત્તિમાં નોંધપાત્ર હિસ્સો હોય એવા સંબંધિત લોકો’ પાસેથી લેખિત પ્રતિભાવ મંગાવી શકવાની જોગવાઈનો સમાવેશ કરાયો, જેમાં ‘નોંધપાત્ર’ને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. દરમિયાન 2006થી 2011 દરમિયાન વિવિધ પ્રકલ્પો સામે વિરોધ તેમ જ જાહેર હિતની અરજીઓનું પ્રમાણ વધતું ચાલ્યું. વનવિનાશનો દર બેવડાતો ગયો. આવી ગતિવિધિઓ વચ્ચે ભારતના પર્યાવરણલક્ષી વ્યવસ્થાપનને આધુનિક બનાવવાના ભાગ લેખે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.)ની રચના 2010માં કરવામાં આવી. એ પછી પર્યાવરણના નિયામક તરીકે કોઈ સ્વાયત્ત માળખું ઉભું કરવાનું વિચારણા હેઠળ હતું, જે 2014ની ચૂંટણીઓને લઈને અપૂર્ણ રહ્યું.

આ વાતને છ વર્ષ વીત્યાં. હાલ તેની પર્યાવરણના નિયમન ક્ષેત્રે શી સ્થિતિ છે? સૌથી મોટો ફેરફાર એ થયો છે કે ઘણા બધા પ્રકલ્પો કોઈ પણ પ્રકારની પર્યાવરણલક્ષી અસરોના અભ્યાસ વિના મંજૂર થઈ રહ્યા છે. દરમિયાન જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ ઉત્તરોત્તર વધતાં રહ્યાં છે. આ પરિસ્થિતિમાં ‘એ‍ન્‍વાયર્ન્મેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્‍ટ (ઈ.આઈ.એ.)નો નવો સૂચિત મુસદ્દો શો દિશાનિર્દેશ કરે છે?

આ નવા મુસદ્દામાં લોકસુનવણીને વૈકલ્પિક રાખવાનું સૂચન છે. વધુ ને વધુ પ્રકલ્પોને ‘ઈ.સી.’ (એન્‍વાયર્નમેન્‍ટલ ક્લીયરન્‍સ) મેળવવામાંથી મુક્તિ આપવાની વાત છે, વૈજ્ઞાનિક તપાસ કે પરીક્ષણ નામ પૂરતું રહેશે, મંજૂરીની માન્યતાનો સમયગાળો વધારવામાં આવશે, પર્યાવરણલક્ષી જોગવાઈઓનો ભંગ કરનાર પર પગલાં લેવાને બદલે તે ‘પોસ્ટ ફેક્ટો’ મંજૂરી આપશે, એટલે કે મંજૂરીની મુદત પૂરી થયા પછી પણ કામ ચાલુ રાખવાનું, અને પશ્ચાતવર્તી અસરથી મંજૂરી અપાશે.

આ સૂચિત મુસદ્દો છે. લૉકડાઉન ઘોષિત કરાયાના આગલા દિવસે પર્યાવરણ મંત્રાલયે આ મુસદ્દાને જાહેર કર્યો હતો. તેના અંગે પર્યાવરણ મંત્રાલય દ્વારા જનપ્રતિભાવ મંગાવવામાં આવ્યા હતા, જેની છેલ્લી તારીખ 11 ઑગષ્ટ હતી. આ મુદ્દે માત્ર સત્તર લાખ પ્રતિભાવ આવ્યા હતા. આમાં, સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો દ્વારા ઉપાડાયેલી જાગૃતિ ઝુંબેશનો ફાળો મહત્ત્વનો રહ્યો. પર્યાવરણના મુદ્દાઓ બાબતે કાર્યરત ‘ફ્રાઈડે ફૉર ફ્યુચર ઈન્ડિયા’ (એફ.એફ.આઈ.) દ્વારા પર્યાવરણ મંત્રાલયને આ બાબતે ઈ-મેલ મોકલવાની ચળવળ ચલાવવામાં આવી, જેને પગલે મંત્રાલયની વેબસાઈટને બ્લૉક કરવામાં આવી. તેને પગલે ‘એફ.એફ.આઈ.’ પર ‘યુ.એ.પી.એ.’ અંતર્ગત નોટિસ મોકલવામાં આવી. એ પછી આઈ.ટી. વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી. જો કે, છેવટે બન્ને નોટિસને પરત ખેંચી લેવામાં આવી.

‘વ્યવસાય કરવાની સરળતા’ને સમર્થન આપવાની નીતિ અંતર્ગત પર્યાવરણલક્ષી જોગવાઈઓને શિથિલ કરી દેવામાં આવે અને તેનાથી અસરગ્રસ્ત થનારા વર્ગના પક્ષને સદંતર અવગણવામાં આવે એ પર્યાવરણની કાયમ માટે ઘોર ખોદી કાઢવાનું પગલું છે. અત્યાર સુધી કાગળ પરની જોગવાઈઓ ભલે શિથિલ રહી હોય, કે લોકસુનવણી ભલે ફારસ સમાન રહી હોય, તેને લઈને નિયમભંગ કરનાર પર ઓછું તો ઓછું, દબાણ ઊભું થતું હતું. પર્યાવરણ ક્ષેત્રે આવતી રહેલી જાગૃતિ અને કાર્યરત સંસ્થાઓ આ મુદ્દે કાનૂની લડાઈ લડી શકે એમ હતું. હવે નવા સૂચિત મુદ્દામાં હથિયારને બુઠ્ઠાં કરવાંની વાત નથી, બલ્કે હથિયાર હાથમાં જ રહેવા ન દેવાની વાત છે. કોવિડ-19ની મહામારી દરમિયાન લૉકડાઉનના ગાળામાં આ મુસદ્દાને ઘોષિત કરવાની ગતિવિધિ સ્વસ્થ ચર્ચાને બદલે એકતરફી નિર્ણય લેવાના ઈરાદાને વધુ સ્પષ્ટ કરે છે. આ વિરોધ પરથી ધ્યાન હટાવવા માટે અન્ય મુદ્દાઓ ઉછાળવામાં આવે કે દેશપ્રેમ અને દેશદ્રોહની જૂની, જાણીતી રમત રમવામાં આવે એ શક્ય છે. ચાણક્યો અને ગોબેલ્સો કામે લાગે તો શક્ય છે કે વર્તમાન સૂચિત સ્વરૂપે પણ ઈ.આઈ.એ; 2020 પસાર થઈ જાય. એમ થાય તો એ કુહાડા પર પગ મારવા જેવું પગલું હશે, જેનાં વિપરીત પરિણામ આપણે તેમ જ આપણી ભાવિ પેઢીઓએ ભોગવવાનાં આવશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭-૮-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.