ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨: કોંગ્રેસનું ૪૯મું અધિવેશન

દીપક ધોળકિયા

૧૦મી-૧૧મી ઍપ્રિલે મુસ્લિમ લીગનું ૨૪મું અધિવેશન મળ્યું તે જ ટાંકણે, ૧૨મી, ૧૩મી અને ૧૪મીએ લખનઉમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું. બધાના મનમાં ૧૯૩૫ના બંધારણીય કાયદા પછી ચૂંટણી સૌથી અગત્યનું સ્થાન લઈ ચૂકી હતી. ૧૨મીએ ૫૦ હજાર ડેલીગેટોની હાજરીમાં અધિવેશનનું ઉદ્‍ઘાટન થયું. સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીપ્રકાશે ડેલીગેટોનું સ્વાગત કરતાં કહ્યું કે કોંગ્રેસ સ્વરાજ માટે કૃતસંકલ્પ છે અને એમણે બંધારણનો આડકતરો જ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આપણે દેશના સામાન્ય માણસને લાભ થાય એવું બંધારણ બનાવશું. એમણે ચૂંટણી, અનામત વગેરે કોઈ મુદ્દાની ચર્ચા ન કરી.

તે પછી કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુએ પોતાના ભાષણમાં અનેક વિષયોની વિગતવાર છણાવટ કરી. એમણે ૧૯૨૦ના અસહકાર આંદોલનનો સંકેત આપતાં કહ્યું કે આપણા નેતાએ ૧૬ વર્ષ પહેલાં કોંગ્રેસને ઉચ્ચ વર્ગ માટે કામ કરનારી બિનઅસરકારક સંસ્થામાંથી શક્તિશાળી લોકશાહી સંસ્થામાં ફેરવી નાખી. તે વખતે આપણા ઘણા સાથીઓ લોકશાહીનો આ જુવાળ જોઈને આપણી સાથે રહેવાને બદલે સામ્રાજ્યવાદીઓને શરણે ચાલ્યા ગયા.

અહીં નહેરુનો આંતરરાષ્ટ્રીય દૄષ્ટિકોણ પણ પ્રગટ થાય છે. એમણે કહ્યું કે આપણે આપણા સંઘર્ષમાં પડ્યા હતા, અને એમાં જે ઘટનાઓ બની તેમાં આપણા મહાન નેતાની અને આપણી આંતરિક પ્રતિભાની છાપ હતી. પરંતુ એ જ સાથે આપણા દેશની બહાર શું થાય છે તેના તરફ આપણું ધ્યાન પણ ન ગયું. આજે ભૂમધ્યથી દૂર પૂર્વ અને પશ્ચિમ એશિયામાં લોકો સંઘર્ષ કરે છે, આફ્રિકા ખંડ આખો બેઠો થઈ ગયો છે, અને સોવિયેત સંઘમાં નવી જીવનશૈલી વિકસાવવાનો ભગીરથ પ્રયાસ ચાલે છે. ખરેખર તો આપણો સંઘર્ષ દુનિયામાં ચાલતા એક મહા સંઘર્ષનો જ એક ભાગ છે.

પહેલા વિશ્વયુદ્ધની ચર્ચા કરતાં એમણે કહ્યું કે એના પછી દુનિયામાં બહુ મોટાં પરિવર્તન આવ્યાં પણ મૂડીવાદ ફરી સંકટમાં આવી પડતાં હવે એણે ફાસીવાદનું રૂપ ધારણ કર્યું છે. આમ તો પશ્ચિમી જગત પોતાને જે મૂલ્યોનું રક્ષક ગણાવે છે તેનાથી ફાસીવાદે ઉલ્ટો જ રસ્તો લીધો છે અને આ પશ્ચિમી દેશો પોતાની વસાહતના દેશોમાં લોકો સાથે જે કરે છે તેવું જ ફાસીવાદીઓ પોતાના જ દેશમાં કરે છે. આજે આપણે મુક્ત ભારત માટે સંઘર્ષ કરનારા ક્યાં ઊભા છીએ? દેખીતું છે કે આપણે દુનિયામાં મુક્તિ માટે ઝંખતાં પ્રગતિવાદી અને ફાસીવાદ વિરોધી પરિબળો સાથે છીએ.

નહેરુએ કહ્યું કે હિન્દુસ્તાનમાં બ્રિટિશ સામ્રાજ્યવાદ હવે મરવા પડ્યો છે અને એ આપણા સવાલો હલ કરી શકે તેમ નથી. એટલે એણે હવે દબાવવાનો માર્ગ લીધો છે અને આપણી નાગરિક સ્વતંત્રતાઓ પર તરાપ મારી છે. હવે ત્રાસવાદને કચડી નાખવાને નામે એણે જુલમો શરૂ કર્યા છે. દેશમાં ઊભી થયેલી મધ્યમ વર્ગીય નેતાગીરીને એમણે વખાણી પણ ઉમેર્યું કે હવે મધ્યમ વર્ગે આમ જનતા તરફ જોવું જોઈશે. આ જ સંદર્ભમાં એમણે કોંગ્રેસનું બંધારણ સુધારીને વિશાળ જન સમુઉદાયને સમાવી લેવાની જરૂર દર્શાવી. જવાહરલાલ નહેરુએ ખુલ્લા શબ્દોમાં કહ્યું કે દેશની સમસ્યાઓનો ઉકેલ માત્ર સમાજવાદને માર્ગે જ આવી શકશે.

તે પછી બંધારણના કાયદા પર બોલતાં એમણે કહ્યું કે આપણે આ ઍક્ટની ફગાવી દીધો છે. વર્કિંગ કમિટીમાં બધા એનાથી વિરુદ્ધ છે પણ એને કેમ રદ બાતલ ઠરાવવો તે વિશે એકમતી નથી. આમ છતાં આપણી સામે વિકલ્પ નથી અને આપણે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી લડવી પડશે. આપણે નવું બંધારણ બનાવવા માગતા હોઈએ તો પણ એ માત્ર ધારાસભાના રસ્તે જ થઈ શકશે. આ ચૂંટણીઓ લડવાનો આપણો ઉદ્દેશ લાખોકરોડો મતદારો સુધી કોંગ્રેસનો સંદેશ પહોંચાડવાનો હોવો જોઈએ.

કોમી મતદારમંડળોનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે હું એ નથી વિચારતો કે કયા જૂથને કેટલી સીટો મળે છે. આ વ્યવસ્થા પાછળનો વિચાર દેશના ટુકડા કરવાનો છે. આપણે લોકશાહી ઢબે કામ કરવા માગતા જોઈએ તો આ કોમી ગોઠવણ તો રદ થવી જ જોઈએ. તે પછી એમણે કોંગ્રેસનો ફેલાવો કરવા માટે ‘માસ કૉન્ટેક્ટ’નો કાર્યક્રમ  જાહેર કર્યો.

બીજા દિવસે, ૧૩મીએ, જલિયાંવાલા બાગાનો સ્મૃતિ દિન હતો. કોંગ્રેસે શહીદોને અંજલી આપી અને કેટલાક ઠરાવો પસાર કર્યા, જેમાં એક ઠરાવ ચાર આનામાં સભ્ય બનાવવાનો ઠરાવ પણ હતો.

એ દિવસે સભા મંડપની બહાર શોરબકોર થતો હતો. ખબર પડી કે સનાતનીઓની ભીડ ત્યાં એકઠી થઈ હતી. નહેરુએ કહ્યું

કે મને કાલે જ સમાચાર મળ્યા હતા કે  જેમ ફાસીવાદીઓએ માર્ચ કરીને રોમ કબજે કરી લીધું તેમ સનાતનીઓ પણ માર્ચ કરતા અંદર આવશે અને કોંગ્રેસનો કબજો લઈ લેશે. જવાહરલાલ ઊઠીને ગેટ પર ગયા પણ સ્વયંસેવકોએ સનાતનીઓને અંદર ઘૂસતાં રોકી લીધા હતા.

કોંગ્રેસે સત્તા સંભાળવી કે નહીં?

કોમી મતદાર મંડળના મુદા પર, અને ચૂંટણી પછી કોંગ્રેસે સત્તા સંભાળવી કે કેમ તે વિશે કોંગ્રેસમાં સમાજવાદીઓ અને બીજાઓ વચ્ચેના મતભેદો બહાર આવ્યા.

બધા ઠરાવો સબ્જેક્ટ કમિટીમાં મંજૂર થયા પછી આવ્યા હતા. કોમી મતદાર મંડળનો સ્વીકાર કરવાના ઠરાવ પર દિનેશ ચંદ્ર ચક્રવર્તીએ વાંધો લીધો કે આ સામ્રાજ્યવાદીઓની ચાલ છે, અને જવાહરલાલે પોતે પણ એનો વિરોધ કર્યો છે તો હવે એનો સ્વીકાર કરવાનો ઠરાવ શા માટે આવ્યો છે? ગોવિંદ વલ્લભ પંતે આના જવાબમાં કહ્યું કે ૩૦ સભ્યો સબ્જેક્ટ કમિટીમાં આ વિશ પર બોલ્યા છે અને તે પછી ભારે બહુમતીથી ઠરાવનો મુસદ્દો મંજૂર થયો છે. જ્યારે ઠરાવ તૈયાર થયો ત્યારે અનિશ્ચિતતા હતી અને કોઈ જાણી ન શકે કે આગળ શું થવાનું છે.

સત્યમૂર્તિ અને ટી. પ્રકાશમ ઠરાવને ટેકો આપતા હતા. મીનૂ મસાણીએ કહ્યું કે બ્રિટિશરો દેશ છોડીને જાય તો જ સત્તા સંભાળવાનું વાજબી ગણાશે. યૂસુફ મહેર અલીએ કહ્યું કે સરકાર મધ્યમ વર્ગને જોરે ચાલે છે અને હજી પણ એને ખુશ કરવા માગે છે. મધ્યમ વર્ગમાંથી એમને શાસન ચલાવવા માટે નોકરો મળે છે. એમને ખુશ રાખવા માટે જ મોટા પગારો અપાય છે. વર્કિંગ કમિટી પોતાના સંકલ્પમાં ઢીલી પડી ગઈ છે. એમણે ચેતવણી આપી કે કોંગ્રેસ સત્તા સંહાલશે તો લિબરલ-ડેમોક્રેટિક પાર્ટી બની રહેશે.

આચાર્ય કૃપલાનીએ કહ્યું કે સમાજવાદીઓ ક્રાન્તિકારી માનસિકતાના ચોકીદાર બની બેઠા છે. એ લોકો શું એમ કહેવા માગે છે કે ગાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ કે સરદાર પટેલ નોકરશાહીના સાથી છે? નહેરુએ પોતે જ આનો જવાઅબ આપ્યો કે આવું કોઈએ કહ્યું નથી. કૃપલાનીએ કહ્યું કે સત્તા સંભાળ્યા પછી પણ ક્રાન્તિકારી જુસ્સો ટકાવી શકાય છે.

સત્યમૂર્તિએ કહ્યું કે ક્રાન્તિકારી માનસની વાતો બહુ થાય છે પણ એક માત્ર ક્રાન્તિ જોવા મળી હોય તો તે ગાંધીજીની દોરવણી હેઠળ થઈ અને વર્કિંગ કમિટીના સભ્યોએ એ પાર પાડી છે. એમણે કહ્યું કે પચાસ મંત્રીઓ કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસની તાકાત વધશે. ગોપિકા સેને સરદાર શાર્દુલ સિંઘના સુધારાનેટેકો આપતાં કહ્યું કે સત્તા હાથમાં આવ્યા પછી કોંગ્રેસ સરકાર  કોઈ અટકાયતીને છોડી શકશે? એમણે કહ્યું કે છોડવાની સત્તા ન હોય તો એવી સત્તા લેવી જ શા માટે?

અચ્યુત પટવર્ધને કહ્યું કે આજે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, એક જૂથ સામ્રાજ્યવાદીઓ સાથે બેસવા માગે છે અને બીજું એમની સાથે કોઈ જાતનું સમાધાન કરવા તૈયાર નથી.

પંડિત મદન મોહન માલવિયાએ કહ્યું કે સત્તા સંભાળવાની હિમાયત કરતો ઠરાવ બહુ ચર્ચાવિચારણા પછી આવ્યો છે, પણ તમે બંધારણને નકારી કાઢો અને સત્તા પણ સંભાળો, એ બે વાતો ન ચાલે. એમણે કહ્યું કે અત્યારે જરૂર તો દૃઢ એકતાની છે કે જેથી સરકારને એક્ટ સુધારવાની ફરજ પડે.

સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે આ મુદ્દા પર પંડિત માલવિયાજીનો વિરોધ કરતાં દુઃખ થાય છે પરંતુ બે જ રસ્તા છે, કાં તો બ્રિટિશરોને કાઢી મૂકો અને કાં તો સમતિથી થયેલી વ્યવસ્થાનો સ્વીકાર કરો.  સરદારે કહ્યું કે સમાજવાદીઓએ આ બાબતમાં તટસ્થ રહેવાનું નક્કી કર્યું છે. આનો લાભ આપણા ઉદ્દેશ્ય માટે શો છે? કે આ માત્ર મત મેળવવાની રીત છે?

વલ્લભભાઈએ કહ્યું કે સરકાર કોંગ્રેસ શું કરશે તે વિચારીને જ કામ  કરે છે. પંડિત માલવિયાજીએ કોંગ્રેસને સત્તા ન લેવાની અને સંઘર્ષ ચાલુ રાખવાની સલાહ આપી તેનો જવાબ આપતાં, હસતાં હસતાં કહ્યું કે ગાંધીજીએ તો વ્યક્તિગત સત્યાગ્રહનો કાર્યક્રમ આપ્યો હતો, એ વખતે માલવિયાજી તો સત્યાગ્રહ માટે ન આવ્યા!

તે પછી બાબુ રાજેન્દ્ર પ્રસાદે સમાપન કર્યું અને સરદાર શાર્દુલ સિંઘે સૂચવેલા પર મત લીધા. સુધારાની તરફેણમાં ૨૫૦ અને વિરોધમાં ૪૫૦ મત મળતાં ચૂંટણી પછી સત્તા સંભાળવાનો ઠરાવ મંજૂર રહ્યો. આના પરના બીજા બે સુધારા પણ ઊડી ગયા.

૧૪મીએ છેલ્લા દિવસે પણ આર્થિક સ્થિતિ અંગેના અને ખેડૂતોની હાલત સુધારવાને લગતા ઠરાવો પસાર થયા.

000

અહીં મુસ્લિમ લીગ અને કોંગ્રેસનાં અધિવેશનો વિશે વિગતે એટલા માટે લખ્યું છે કે બન્ને સંગઠનોનાં દૃષ્ટિબિંદુ સમજી શકાય અને એમની આંતરિક લોકશાહીની ઝલક મળે.

૦૦૦

સંદર્ભઃ The Indian Annual Register- Jan-June, 1936 Vol. 1

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published.