નિરુપમ છાયા
શબ્દની અભિવ્યક્તિનાં અનેકવિધ માધ્યમોમાં નાટ્યકલા-રંગમંચ પણ સમાવિષ્ટ છે. સાહિત્યમાં અવનવા રૂપમાં યોગ્ય રીતે ગૂંથાયેલા શબ્દને નાટ્યદેહ મળે ત્યારે સાહિત્ય વિશેષ સુગંધિત બને છે.પણ વર્તમાન સમયને કોરોનાની મહામારીએ ઘેરી લીધો છે. આખુયે વિશ્વ સ્તંભિત અને બેબાકળું છે મનુષ્ય ધીરજ ખોઈ બેસે તેવી પરિસ્થિતિ સરજાઈ છે. ૨૧મી સદીની કયારેય ન ભૂલાય એવી કોવીડ એવી -૧૯ની વ્યાપક અસર કલા અને સાહિત્યથી લઈને દરેક ક્ષેત્રએ તીવ્રતાથી અનુભવી છે. કલા અને સાહિત્યની કોઈપણ પ્રવૃત્તિ પ્રત્યક્ષપણે ન થઇ શકતી હોવાથી છવાયેલ મંદતા, જડતા ક્ષણભર તો અકળાવી પણ દે. જો કે ભલે આશ્વાસનરૂપ, પણ સામૂહિક વીજાણું માધ્યમો-ડીજીટલ પ્લેટફોર્મ- દ્વારા વિવિધ રીતે પ્રસ્તુતિનો એક માર્ગ અપનાવાયો છે અને વિવિધ કલાઓ માટે હવે પ્રચલિત પણ થયો છે.
ભારતીય વિદ્યા ભવન કલાકેન્દ્ર મુંબઈનો, લોકડાઉનમાં મુક્તિની હળવાશ અને અભિનયકલાને ગતિ આપતો એક સ્તુત્ય પ્રકલ્પ ‘ડીજીટલ ઇન્ટરનેશનલ ગુજરાતી નાટ્ય સ્પર્ધા લોકડાઉન ૨૦૨૦’ ગઈ ૧૪,૧૫ ,૧૬ ઓગસ્ટના રોજ પૂરો થયો. આ અભિનવ કલ્પનાશીલ અભિનય સ્પર્ધાની જાહેરાત એપ્રિલ-મે માસમાં વિવિધ સોસીઅલ મીડિયા પર કરવામાં આવી હતી.
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સર્જકોની પ્રશિષ્ટ અને લોકપ્રિય કૃતિઓ તથા એનાં ગુજરાતીઓને હૈયે વસી ગયેલાં પાત્રોથી નવી પેઢી પણ પરિચિત થાય એવા હેતુથી , આયોજકોએ ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જકોની એક વિસ્તૃત યાદી પણ આપેલી, જેમની પ્રશિષ્ટ કૃતિઓમાંથી જ રૂપાંતર કરી તેને આધારે જ સ્પર્ધામાં ભજવણી થાય એવો ખાસ આગ્રહ રાખેલો. આમ આધુનિક વીજાણું ઉપકરણો અને સમૂહ માધ્યમોને કારણે આજે વિસરાતાં જતાં ગુજરાતી સાહિત્ય ભણી નવી પેઢી વળે અને સાહિત્યાભિમુખ થાય એવો એક સ્પષ્ટ અનન્ય ઉદ્દેશ પણ આયોજકોએ રાખેલો. આ એક ઉમદા પ્રયોગશીલ દૃષ્ટિ ગણી શકાય. આ સ્પર્ધાને જે શીર્ષક આપેલું છે તેમાં ‘લોકડાઉન ૨૦૨૦’ પાછળ પણ ચોક્કસ દૃષ્ટિ છે. કારણ કે સ્વાભાવિક છે કે રંગમંચ અને નાટક સાથે વેશભૂષા, નાટ્યકૃતિને અનુરૂપ મંચસજ્જા અને સાધનસામગ્રી, સંગીત, વગેરે કેટકેટલું જરૂરી બની જાય જે વર્તમાન પરિસ્થિતિમાં ગોઠવવું કલાકારો માટે મૂંઝવનારો પ્રશ્ન બની રહે. અહીં પણ આયોજકોની સુઝભરી દીર્ઘદૃષ્ટિ, કલ્પનાશીલતા અને પ્રયોગશીલતા જણાઈ આવે છે. એક તો એક જ કેમેરાથી, સળંગ દૃશ્યમુદ્રણ અપેક્ષિત હતું જેથી સંપાદન પ્રક્રિયા માટેની કોઈ મૂંઝવણ જ ન રહે. અગત્યની બાબત તો હવે આવે છે. આયોજકોએ

સ્પષ્ટપણે જણાવેલું કે જે દૃશ્યમુદ્રણ મોકલવામાં આવે તેમાં લેખન, અભિનય, અવાજમાં સ્પષ્ટતા અને આરોહઅવરોહ, સમગ્ર પ્રસ્તુતિ જેવી બાબતોને જ ગુણાંકન માટે લક્ષમાં લેવામાં આવશે, તે સિવાયની બાબતોની અનુકૂળતાઓ હોય અને પ્રસ્તુતિમાં સમાવી હોય, તો પણ એના કોઈ જ ગુણ આપવામાં નહીં આવે. દિગ્દર્શન સહિતનાં અભિનયનાં મૂળભૂત તત્વો જ વિશેષપણે કેન્દ્રમાં રહે એવી કલાત્મક ગુણવત્તા અને ગુણવત્તાસભર કલાનો અનોખો અભિગમ આની પાછળ સ્પષ્ટ થાય છે.

આ અભિનય સ્પર્ધા માટે, બહુપાત્રીય લઘુનાટિકા (SKIT), દ્વિપાત્રીય લઘુનાટિકા(DUOLOG) , અને એકપાત્રીય (MONOLOG) એવી ત્રણ શ્રેણી રાખવામાં આવી હતી. દરેક શ્રેણી માટે ૭ થી ૧૫ મીનીટની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ રીતે આ થંભી ગયેલા સમયને ગતિમાન બનાવવા, ચેતના સંચરિત રહે ને જડતા નજીક પણ ન ફરકે એ માટે અવરોધો કે શ્રમથી મુક્ત અભિનય કલાને જ મોકળાશથી વ્યક્ત કરવાનો નૂતન અભિગમ ધરાવતો અવસર પૂરો પાડવામાં આવ્યો. આ આયોજનને મળેલા બહોળા પ્રતિસાદનો ખ્યાલ એ પરથી આવી શકે છે કે ગુજરાતનાં વિવિધ શહેરો અને તે બહારનાં મુંબઈ, પૂણે, કોલકતા જેવાં શહેરોમાંથી, અરે, અમેરિકા, આફ્રિકામાંથી પણ આશ્ચર્ય અને આનંદ પમાડે તેટલી પ્રવિષ્ટિ(ENTRIES)ઓ મળી. પ્રાથમિક ચયનમાં ૫૦% કૃતિઓ પસંદગી બાદ યુ ટ્યુબના માધ્યમથી પ્રસારીત અંતિમ નિર્ણાયક સ્તરની સ્પર્ધાઓમાં પ્રસ્તુત થઇ. એકપાત્રીય અભિનય સ્પર્ધાને તો પ્રાપ્ત પ્રવિષ્ટિઓ પરથી ઉંમરને આધારે ૯થી ૧૫ વર્ષ, ૧૬ થી ૨૫ અને ૨૬ થી ૪૦વર્ષ અને ૪૧ થી ૬૫ એવા ચાર વિભાગોમાં વહેંચવી પડી.

જેમ આયોજનમાની દૃષ્ટિની જેમ સ્પર્ધકોની પ્રસ્તુતિમાં પણ વૈવિધ્યસભર પ્રયોગશીલતા નજરે ચઢી. ધૂમકેતુ અને મડિયાની દીકરીના વિરહના ઝૂરાપાનું વિષયવસ્તુ ધરાવતી ‘પોસ્ટ ઓફિસ’ અને ‘શરણાઈના સૂર’ ને એકરૂપ કરી ‘સાહિત્ય સૂરપત્ર’ નાટિકા એક સુત્રધારના માધ્યમથી બંને પાત્રો પોતાના વિરહની વેદના વ્યક્ત કરે એવી યોજના સાથેની નાટિકા, તો જયંત ખત્રીની નવલકથા ‘ડેડ એન્ડ’માંનાં ભિન્ન વ્યક્તિત્વ અને મનોવલણો ધરાવતી નગરવધૂ-વેશ્યા-નો વ્યવસાય કરતી નવલિકાનાં પાત્રોને એક જ પાત્રમાં બન્નેનાં વ્યક્તિત્વ અને મનોવલણો સમાવી પ્રસ્તુત નાટક તો પ્રસ્તુતિમાં પણ પાટણની પ્રભુતાનાં એક પ્રકરણનું અગાસી પર દૃશ્યમુદ્રણ, ક્યાંક વળી ઘરમાં દોરી બાંધી, તે પર કપડાં ગોઠવી વીંગ તૈયાર કરવી તો કોઈક નાટકમાં ઘરના બધા જ ખંડોનો દૃશ્યોમાં સૂઝપૂર્વકનો વિવિધ દૃશ્યોમાં ઉપયોગ આ બધું પ્રસ્તુતિની વિશેષતા બની રહે છે.

પારિતોષિક પ્રાપ્ત બધી જ કૃતિઓની વાત શક્ય નથી એટલે અંગત રીતે પ્રસ્તુતિનાં સર્વ પાસાં વડે સ્પર્શી ગઈ એવી કૃતિની પ્રતિનિધિરૂપે વાત કરવાનું મન થાય. આધુનિક નવલિકાના પરોઢ સમા સર્જક જયંત ખત્રીની વાર્તા ‘ડેડએન્ડ’ નગરવધુ જેવા દેહવ્યાપાર(વેશ્યા)ના વ્યવસાયમાં જોડાયેલી સ્ત્રીઓની આસપાસ ગૂંથાયેલી છે. પહેલા પુરષ એક વચનનાં કથન કેન્દ્રમાં આગળ વધતી આ વાર્તામાં, વાર્તાકથક પોતાના મિત્ર સાથે ફ્રેંચ શીખવવાની આવેલી જાહેરાતના અનુસંધાનમાં મેડમ લીલીને મળવા આવે છે.પણ મળે છે ત્યારે એમને લીલીના વ્યવસાયનો ખ્યાલ આવે છે. પોતાની કમાણીમાંથી પૈસા બચાવી લગ્ન કરી પોતાનું ઘર વસાવી, માનપુર્વકનું સુખી જીવન જીવવાનાં પોતાનાં એક સુંદર સ્વપ્ન વિષે પણ લીલી વાતમાં ને વાતમાં કહે છે. ત્યાંથી બહાર નીકળી, બન્ને મિત્રો છુટ્ટા પડે છે પણ વરસાદને કારણે વાર્તા કથક એક ભીંતને અઢેલીને ઊભો રહે છે. પછી વરસાદ વધતાં એ મકાનમાં જાય છે જ્યાં ફીફી નામની સ્ત્રીની મુલાકાત થાય છે. એ પણ લીલી જેવા જ વ્યવસાયમાં જોડાયેલી છે પણ એને ભવિષ્યની કોઈ જ ચિંતા નથી, કોઈ સ્વપ્ન નથી. ફીફીને લગ્નજીવન કે કુટુંબજીવન પર વિશ્વાસ નથી. કોઈ નિર્ધારિત અંત ન મૂકતી હોવા છતાં એક જ અનૈતિક વ્યવસાયમાં સંકળાયેલી બે સ્ત્રીઓનાં મનોસંચલનો, કલ્પના, તેમની વ્યથા, બેપરવાઈ આ બધું વાર્તાકલાનું નૂતન સ્વરુપ ઘડે છે. વાર્તાની કલાત્મક પ્રસ્તુતિ પણ ભાવકના ચિત્તને સ્પર્શી જાય છે.
નિયમો પ્રમાણે પ્રસ્તુતિ માટેના મર્યાદિત સમયને સાચવવા નાટયરુપાન્તરકાર શ્રી અશોક ઉપાધ્યાયે વાર્તામાંનાં, એક બિન્દાસ્ત, ભવિષ્યની ચિંતા વિના , ગ્રાહકોને આકર્ષતી અને બીજી કુટુંબજીવનનાં સ્વપ્નાં જોતી એવી બંને અલગ અલગ સ્ત્રીનાં વ્યક્તિત્વને સમન્વિત કરી એક ફીફીરૂપે જ નાટકમાં મૂકીને પણ કેન્દ્રીય વસ્તુ યથોચિત સ્ફુટ કર્યું છે. નાટકના દિગ્દર્શક અને કથકના પાત્રમાં જયેશ બારભાયાના સહજ અભિનયને કારણે કૃત્રિમતા પણ નથી જણાતી. ફીફીના પાત્રમાં આર્યા રાવલનો આંગિક અને વાચિક અભિનય આવા વ્યવસાયમાં પડેલી સ્ત્રીઓનું આબેહુબ ચિત્ર કંડારીને વાર્તાનાં હાર્દ સમાં અત:સ્થ મનોવલણો ઉપસાવે છે. વાર્તામાં ન હોય તેવા અને લાઘવપૂર્ણ સંવાદો પણ વિષયવસ્તુને સઘનપણે સ્પષ્ટ કરે છે. એક વાર્તા પર આધારિત છે એવા ભાર વિનાની સરળ ગતિ અર્પતું દિગ્દર્શન નાટકને એક સ્વતંત્ર કૃતિ પણ બનાવે છે.
યુટ્યુબ પર પારિતોષિકની ઘોષણા સાથે ભજવાતી એટલી કૃતિઓ પણ માણવા જેવી છે. સાહિત્ય અને રંગમંચના અનુપમ સાયુજ્યનાં દર્શનને કારણે આ સ્પર્ધા ધ્યાન્યાર્હ બને જ છે, પણ આજે નિર્માણ પાછળના અકલ્પ્ય ખર્ચ ( મુંબઈનું ‘કોડમંત્ર’ આનુ એક ઉદાહરણ છે) અને પ્રભાવિત કરી દેતાં પ્રકાશ આયોજન, ઘોંઘાટ જ કહી શકાય તેવા ધ્વનિ સાથેનાં નાટકો વચ્ચે ‘અપ્રદુષિત’ કહેવું અનુચિત ન લાગે એવા પ્રકારની પ્રસ્તુતિનાં દિશા અને દૃષ્ટિ આપતી, નૂતન મૂલ્યોની દ્યોતક પણ છે. પરિસ્થિતિ જ્યારે પણ સામાન્ય થાય, આ મૂલ્યોનાં સંવર્ધન કરતાં આયોજનો થાય તો ભાવકો રંગભૂમિ તરફ આપમેળે ખેંચાઈને આવશે એની સાથે સાહિત્ય માટે પણ પ્રેમ જગાડશે એવું ચોક્કસપણે કહી શકાય.
પારિતોષિક પ્રાપ્ત નાટ્ય કૃતિ
બહુપાત્રીય લઘુ નાટક દ્વિપાત્રીય લઘુનાટક
પ્રથમ શરણાઈના સૂરપત્ર ડેડ એન્ડ
દિગ્દ.: વનરાજસિંહ ગોહિલ દિગ્દ.: જયેશ બારભાયા
દ્વિતીય મંદોદરી (વર્ષા અડાલજા) આપણું તો એવું (મધુ રાય)
દિગ્દ.: આસિફ અજમેરી દિગ્દ.: શકુંત જોષીપુરા
તૃતીય પ્રેમનાં આંસુ (કુન્દનિકા કાપડિયા) ૧. દીકરાનો મારનાર (મેઘાણી)
દિગ્દ.: ગૌરવ પંડ્યા દિગ્દ.: મમતા બુચ
૨. પાટણની પ્રભુતા (મુનશી)
દિગ્દ.: ભરત યાજ્ઞિક *આ ઉપરાંત આ શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ પ્રસ્તુતિનાંપારિતોષિક પણ અપાયાં.
એકપાત્રીય અભિનયનાં પરિણામોની યાદી બહુ વિસ્તૃત હોવાથી અહી સમાવવાનું ટાળ્યું છે. રસજ્ઞ ભાવકો યુટ્યુબ પરથી જાણી શકશે.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com