ટાઈટલ મ્યુઝીક (૪૧) – મહાચોર (૧૯૭૬)

બીરેન કોઠારી

‘દૃશ્યમ’ ફિલ્મ જોઈ હશે તેમને તેનું એક દૃશ્ય યાદ હશે. હીરો અજય દેવગણ પોતાના પરિવારને લઈને શહેરમાં જાય છે, જ્યાં તેઓ એક હોટેલમાં જમે છે, અને ફિલ્મ જોવા થિયેટરમાં જાય છે. અજય દેવગણ પોતાની દીકરીને થિયેટરના પ્રોજેક્શન રૂમમાં લઈ જાય છે, અને તેના ઓપરેટર સાથે પરિચય કરાવે છે અને એ મશીન શી રીતે કામ કરે છે તે દેખાડે છે. અલબત્ત, તેનો હેતુ આખા પરિવારની ‘એલીબી’ (કે એલાઈબાઈ) ઉભી કરવાનો હતો. પણ એ પ્રોજેક્શન રૂમવાળું દૃશ્ય મારાથી કેમે કરીને ભૂલાતું નથી. 

મારા મનના પડદા પર એક ચિત્ર ફ્રીઝ થઈ ગયેલું છે. સ્થળ આ જ છે, પણ પાત્રો બદલાઈ ગયાં છે. મારા મામા અરવિંદ દેસાઈ અને મામી ગીતા દેસાઈ તેમનાં માતા (એટલે કે મારાં નાની) જડાવબેન અને ભાણેજ બીરેન (એટલે કે મને)ને લઈને ગોકુળ-મથુરા-વૃંદાવન-આગ્રા-દિલ્હી-હરદ્વાર-ઋષિકેશની જાત્રાએ નીકળેલા. બૅન્કમાં મામાની નવીનવી નોકરી, તાજો શરૂ કરેલો ઘરસંસાર. ધાર્યું હોત તો તેઓ બન્ને, અથવા વધુમાં વધુ પોતાની માતાને લઈને જઈ શક્યા હોત. તેમનો ઈરાદો તો ‘મોટીબહેન’ (મારાં મમ્મી સ્મિતાબેન)ને પણ લઈ જવાનો હતો, જે એટલે શક્ય ન બન્યું કે મોટીબહેને પોતાનાં સાસુ કપિલાબેનની સંભાળ રાખવાની હતી. હું ત્યારે આઠમા ધોરણમાં ભણતો હતો. 1976 ના દિવાળી વેકેશનમાં અમે ઊપડ્યા. ટ્રેન, બસ વગેરેમાં મામા-મામીએ પ્રવાસનું આયોજન કરેલું. અમસ્તો પણ તેમનો સ્વભાવ ભયાનક હદે કાળજી લેવાનો. એમાં આ રીતે પોતાની જવાબદારીએ સ્વજનોને લઈને નીકળે ત્યારે કંઈ બાકી રાખે? મામા-મામી બન્ને મારી સાથે એકદમ મારી ઉંમરના બનીને રહેતા. 
આ પ્રવાસમાં અમારો એક મુકામ દિલ્હીનો હતો, જ્યાં અમારે ત્રણ-ચાર દિવસ રહેવાનું હતું. દિલ્હીદર્શન ઉપરાંત હરિદ્વાર-ઋષિકેશ-આગ્રા પણ અહીંથી જ જવાનું હતું. ગુજરાતી સમાજમાં અમે ઉતરેલા. દિલ્હીદર્શન માટે અમે એક ટેક્સી કરેલી, જેના સરદારજી ડ્રાઈવર માધોસિંહ હતા. તેમણે બહુ પ્રેમથી બધાં સ્થળો દેખાડ્યાં.

મામા ફિલ્મોના બહુ શોખીન. તેમનો એ શોખ આજેય બરકરાર છે. અને મેં કિશોરાવસ્થામાં જોયેલી ઘણી ફિલ્મો માટે તેઓ કારણભૂત છે. એક રાતે તેઓ કહે કે ચાલો, પિક્ચર જોવા જઈએ. દિલ્હીથી અમે ખાસ પરિચીત નહીં, પણ નજીકમાં ‘મેજેસ્ટિક’  થિયેટર હતું ત્યાં ઊપડ્યા. આ શબ્દ મારા માટે સાવ નવો હતો એટલે મામાને તેનો અર્થ પૂછ્યો. તેમણે સમજાવ્યો અને મેં મનોમન એ નામ ગોખી લીધું. અહીં ‘મહાચોર’ ફિલ્મ ચાલી રહી હતી, જેમાં રાજેશ ખન્ના અને નીતુ સિંઘની મુખ્ય ભૂમિકા હતી. મને આજે સમજાય છે કે મામાને કલાકારો માટે નહીં, ફિલ્મના માધ્યમ માટે આસક્તિ હતી અને છે. અમે ટિકિટ ખરીદી. મારાં નાની રૂમ પર રહેલાં. તેઓ વહેલાં સૂઈ જતાં. 

ટિકિટ લીધા પછી અંદર ગયા. હજી આગલો શો ચાલી રહ્યો હતો. મામા મને લઈને ફરતા ફરતા પ્રોજેક્શન રૂમ આગળ આવી પહોંચ્યા. (‘દૃશ્યમ’માં લગભગ આને મળતું જ દૃશ્ય છે) અંદર બે ઓપરેટર હતા. મેં જીવનમાં પહેલવહેલી વાર પિક્ચર કેવી રીતે ‘પડે છે’ એ જોયું. પેલા ઓપરેટરોએ અમારી હાજરીનો વાંધો ન લીધો, એટલે મામાએ મને પ્રોજેક્શન મશીન શી રીતે ચાલે એ સમજાવ્યું. એક મશીન પર એક રીલ પૂરી થાય કે તરત બીજા મશીન પર રીલ ચડાવેલી હોય એ પેલો ઓપરેટર શરૂ કરી દે એ જોવા મળ્યું. લાલઘૂમ થઈ ગયેલો કાર્બન રૉડ પણ દેખાડ્યો. મામાએ કરાવેલું આ દર્શન મારા મનમાં એ હદે છપાઈ ગયેલું કે આગળ જતાં મારાં સંતાનોને પણ મૌખિક રીતે આ કાર્યપદ્ધતિ સમજાવી શકતો. 

(દિગ્દર્શક નરીન્દર બેદી સાથે રાજેશ ખન્ના)

થોડી વારમાં શો પૂરો થયો અને અમે ઓડિટોરીયમમાં પ્રવેશ્યા. એ વખતે પણ મને સમજાયું કે ફિલ્મ વધુ ખરાબ છે કે થિયેટર એ નક્કી કરવું અઘરું છે. કોણ જાણે કેમ, તેનાં ગીતોમાંના ઘણા મને યાદ રહી ગયેલાં. ફિલ્મની કથા તો ભૂલાઈ ગઈ છે, પણ એ જોઈ હતી એ કેમ ભૂલાય? જેટલી વાર ‘દૃશ્યમ’ જોઉં અને પેલો સીન આવે કે મને આ ફિલ્મ યાદ આવી જાય. 

**** **** ****

દાચી ફિલ્મ્સ નિર્મિત, નરીન્‍દર બેદી દિગ્દર્શીત, 1976માં રજૂઆત પામેલી ‘મહા ચોર’માં રાજેશ ખન્ના, નીતુસિંઘ, પ્રેમ ચોપડા, કામિની કૌશલ, અરુણા ઈરાની જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આનંદ બક્ષીએ લખેલાં ગીતોને આર.ડી. બર્મને સ્વરબદ્ધ કર્યાં હતાં.

[ગીત માટેની બેઠક દરમિયાન આનંદ બક્ષી (સિગારેટ પીતા) અને રાહુલ દેવ બર્મન]

આ ફિલ્મમાં છ ગીતો છે. ‘મેરા નામ યારોં મહાચોર હૈ‘ (કિશોરકુમાર), ‘હિન્દુ હૂં મૈં ના મુસલમાન હૂં‘ (કિશોરકુમાર), ‘મૈં તુમસે પ્યાર કરતી હૂં‘ (લતા, કિશોર), ‘તૂ ક્યા મુઝે બરબાદ કરેગા‘ (લતા), ‘મીઠી મીઠી અખિયોં સે મન ભર દે’ (કિશોર, આશા) અને ‘સુન બન્તો બાત મેરી‘ (આનંદ બક્ષી, આશા). ગીતો આનંદ બક્ષીએ લખેલાં છે. 

(‘મહા ચોર’ની એલ.પી. રેકર્ડનું કવર)

અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 1.56 થી ટાઈટલ મ્યુઝીક શરૂ થાય છે. આર.ડી.બર્મનના સંગીતમાં સાવ ઓછો સાંભળવા મળે એવા ટાયશોકોટો પર ‘મેરા નામ યારોં મહાચોર હૈ’ની ધૂન શરૂ થાય છે. આગળ જતાં તેમાં તંતુવાદ્યસમૂહ અને અન્ય વાદ્યો ઉમેરાય છે. 3.14 થી આ જ ધૂન એકોર્ડિયન પર વાગે છે. આર.ડી.ના સંગીતમાં આ વાદ્ય પણ ઓછું સાંભળવા મળે છે. છેલ્લે તંતુવાદ્યસમૂહ વડે આ ટ્રેકનું સમાપન 3.59 પર થાય છે.

(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.