યું કિ સોચનેવલી બાત : અમેરિકી સિટકૉમ ટીવી કાર્યક્રમોથી લઈને દીર્ઘસૂત્રીશૈલી કથાવસ્તુ ધરાવતા કોરિયન ટીવી કાર્યક્રમો સુધીની મારી સફર

આરતી નાયર

હું ‘૯૦ના દાયકામાં જન્મેલી પેઢીની પ્રતિનિધિ છું. અમે બાળપણમાં કાર્ટુન નેટવર્ક જોઈને મોટાં થયાં છીએ. અને પછી જ્યારે કાર્ટુન્સ જોવા માટે મોટાં થઈ ગયાં ત્યારે કુટુંબ સાથે બેસીને ‘ટીવી સીરીયલો’ જોતાં હતાં. ટીવી સીરીયલો વિશેની મારી સમજ ‘કોરા કાગઝ’ કે ‘કસૌટી ઝિંદગી કી’ જેવી સીરીયલોએ ઘડી. દરરોજ એ સિરીયલો જોવાનો અડધો કલાક નક્કી જ હોય. એ સીરીયલોના દરરોજના હપ્તાઓમાં કંઈ નવું ન બને. ક્યારેક તો આખું વર્ષ કંઈ જ નવું બન્યા વગર સીરીયલ ચાલતી રહે. પણ તેમ છતાં તે જોવાની આદત પડી ગઈ હતી. વાર્તાનો પ્રવાહ સાવ ગોકળગાયની ગતિએ આગળ વધતો હોવા છતાં હવે શું થશે તે જાણવાની ઉત્સુકતા બની રહેતી. ટીવી સીરીયલો જોવાનો એ સમય આખાં કુટુંબને એકસાથે હળવા મળવાનો પણ સમય બની રહેતો. મારા દાદા દિવસની કમસે કમ ત્રણ સીરીયલ જોતા. તેમની સાથે થોડો સમય વિતાવવાનો મળશે એમ કરીને હું પણ તેમની સાથે એકાદી સીરીયલ જોવામાં જોડાતી. 

હું જ્યારે હાઈસ્કૂલમાં પહોંચી, ત્યારે અમેરિકા રહેતાં મારાં પિતરાઈઓએ મારો પરિચય અમેરિકી સીટ્કૉમ  F.R.I.E.N.D.S (હા, એ રીતે જ લખાતું) સાથે કરાવ્યો, જે હજુ આજે પણ લોકપ્રિય છે.  F.R.I.E.N.D.S એક એવી નમૂનારૂપ સીરીયલ છે જેમાં બધું જ એક ઘર અને અમુક રૂમમાં જ બન્યા કરતું બતાવાતું હોય. કથાવસ્તુનો મુખ્ય સુર કૉમેડીનો હોય. એ સમયનાં ઘરની મર્યાદામાં અસભ્ય ગણાય તેવી ભાષા અને ચુંબન દૃશ્યો મને અભિભૂત કરી દેતાં. આવું બધું જોવાનો એ મારો પહેલવહેલો અનુભવ હતો. એ કહેવાની જરૂર નહીં કે તે મારે મારાં કમ્પ્યુટર પર, થોડે ઘણે અંશે ખાનગીમાં કહી શકાય તેમ, જોઈ લેવી પડતી, કારણકે ‘એડલ્ટ’ કથાવસ્તુવાળી સીરીયલો જોવી તે ક્ષોભજનક લાગતું. અમેરિકી ટીવી સીરીયલો આપણી વાસ્તવિકતાથી દૂર હતી, પણ નવી પેઢીની આકાંક્ષાઓની તે નજદીક જરૂર હતી.

૨૦૧૨માં કૉલેજ પુરી કર્યા પછી, મેં ભારતીય કે અમેરિકી ટીવી કાર્યક્રમો જોવાનું જ લગભગ બંધ કરી નાખ્યું હતું. ૨૦૧૬માં અમેરિકી સ્ટ્રિમીંગ કાર્યક્રમ નેટફ્લિક્ષ ભારતમાં પ્રવેશ્યો. એ પછી બહુ બદલાવ આવવા લાગ્યા. જો તમારી પાસે સારૂં ઇન્ટરનેટ જોડાણ હોય તો હવે તમારી સમક્ષ અમર્યાદિત ફિલ્મો અને કાર્યક્રમોની પસંદગીઓ હતી. વળી, જાહેરાતોના વિક્ષેપ વગર , તમારી સગવડે, તે જોઈ શકવું શક્ય બન્યું. લગભગ એ જ સમયે જિયોની ૪જી ઇન્ટરનેટ પ્રણાલિ પણ ભારતનાં ઇન્ટરનેટ તરંગ વિશ્વ પર દાખલ થઈ. ટીવીનાં દર્શકોનાં બજારમાં આ બન્ને પરિબળોએ આમુલ પરિવર્તન કરી મુક્યાં.

અહીં એક ચોખવટ કરી લઉં કે આ મુદ્દે હું મારી પેઢીનીનું પ્રતિનિધિત્વ નથી કરતી. હું હજુ પણ ઘણા ટીવી કાર્યક્રમો નહોતી જોતી. મારાં મિત્રો, સહકાર્યકરો, કે વીસીની ઉમરમાં અવેલાં અન્ય યુવાનયુવતીઓ તો કંઈ કેટલાય કાર્યક્રમો, આડેધડ, ઉપરાછાપરી જોઈ પાડતાં હોય છે. એમાંય શનિરવિના સપ્તાહાંતમાં તો એ લોકો ઓનલાઈન શ્રેણીના  દસબાર હપ્તાઓ એકસાથે જોવા જોવામાં રાતના ઉજાગરાની મામુલી કિંમત પણ બેધડક ચુકવી કાઢે.

માર્ચ, ૨૦૨૦માં આખો દેશ કોવિડ-૧૯ પ્રેરિત લોકડાઉન આવી ગયો. એ સમયે મારી પાસે પણ ફાજલ સમય હતો, એટલે હું પણ થોડા ટીવી કાર્યક્રમોની શોધમાં હતી.

ભારતીય ઓનલાઈન શ્રેણીઓ સાથે મને અંગતપણે ફાવટ એટલે નહોતી બેસતી કે મોટા ભાગની લોકપ્રિય શ્રેણીઓ રાજસ્થાન, મુંબઈ, પંજાબ, દિલ્હી કે હરિયાણાની પૃષ્ઠભૂ પર જ આધારિત રહેતી હોય છે. જાણે એ સિવાય ભારત બીજે ક્યાં કેમ વસતું જ ન હોય ! બીજી કેટલીક સીરીયલોમાં વધારે પડતી ગાળાગાળી કે હિંસા હોય. એમેઝોન પ્રાઈમ પરની એક અતિલોકપ્રિય સીરીયલમાં તો આપણી નજર સમક્ષ જ દુષ્કર્મ આચરાતું હોય એટલી વિગતે બતાવાયું છે !  આ બધાં સિવાય કોઈ કાર્યક્રમ બનાવી કેમ ન શકાય તે જ મને સમજાતું નથી. મને વિચાર થયો કે આ બધું કોણ જોતું હશે? જવાબ છે ભારતીય પુરુષ વર્ગ. આ પ્રકારના કાર્યક્રમોના લેખક કોણ હોય? જવાબ મળ્યો ચાર પુરુષો. હું જો તેમણે ધ્યાન કેન્દ્રિત કરેલ દર્શક વર્ગમાં ન પડતી હૌઉં, કે તેમની  ટીમમાં વૈવિધ્ય ન હોય, તો સ્વાભાવિક છે કે અંતે જે નિપજ નીવડે તે મારી પસંદને અનુકૂળ ન હોય.

અમે અરબી કે સ્પેનિશ શ્રેણીઓ જોવાનું તો શરૂ કરેલ. નેટફ્લિક્ષમાં તો એ બધું બહુ સહેલું છે. અંગ્રેજી સબટાઈટલ્સ વાંચવાથી સંવાદો સમજાઈ જાય. જમૈકા રહેતા મારાં એક નજદીકી મિત્રએ એ સમયમાં  મારો પરિચય કોરિયન કથાવસ્તુ પરા આધારિત કાર્યક્રમો સાથે કરાવ્યો. હું તો કંઈક નવીન વસ્તુ માટે તરસતી હતી.  નેટફ્લિક્ષ પણ કોરિયન કાર્યક્રમોની વધતી જતી લોકપ્રિયતા અને સિધ્ધ થઈ ચુકેલ ક્ષમતાને કારણે એ કાર્યક્રમોને વધારે આગળ કરે છે. મારા જીવનસાથી સાથે મેં નેટફ્લિક્ષ પર ‘સ્કાય કૅસલ’ જોવાનું શરૂ  કર્યું. પોતાનાં સંતાનોને પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોમાં જ મોકલવાની કોરિયાના ભદ્ર વર્ગની ઘેલછાનાં કથાવસ્તુ પર આ શ્રેણી આધારિત છે. અમારામાં દિલોદિમાગ પર આ કાર્યક્ર્મ છવાઈ ગયો, બસ, તે પછી અમે પાછું વાળીને જોયું નથી.

બીજે જે કંઈ જોવા મળે છે તેના કરતાં આ કોરિયન કાર્યક્રમો, કમસે કમ, આટલી દૃષ્ટિએ અલગ તરી આવે છે:

૧. લંબાઈ : મોટા ભાગના કોરિયન શૉ સરેરાશ ૧૬થી ૨૨ વૃતાંતના હોય છે. દરેક વૃતાંત લગભગ દોઢેક કલાકનો હોય. આમ દરેક વૃતાંત લાંબો હોવા છતાં પણ, અમેરિકી કે ભારતીય સીરીયલો જેમ છ સાત વર્ષો સુધી ચાલ્યા જ કરે તેવું નથી હોતું. 

૨. રોમેન્ટિક સમીકરણો : કોરિયન શૉમાં પ્રેમપ્રસંગયુક્ત શૃંગાર રસ આગળ પડતો હોય છે. વાર્તાની શરૂઆત જ મુખ્ય હીરો કે હીરોઈનનાં પાત્રથી થાય અને વાર્તાના વળાંકો પછી અંતે બન્ને ભેગાં થાય, સિવાય કે એકાદાં પાત્રને મૃત્યુ પામતું બતાવાયું હોય. અમેરિકી સીરીયલોમાં એકથી બીજાં ભાગીદારો પર કુદાકુદી વાર્તાને ગતિ આપતી જોવા મળશે. કોરિયન સીરીયલો એ જ જોડી(ઓ) પર કથાવસ્તુનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

3. કામુક દૃશ્યો : કોરિયન સીરીયલોમાં કામુક દૃશ્યો નહીંવત જ હોય છે. આખી સીરીયલમાં માડ બેએક ચુંબન દૃશ્યો હોય તો હોય. જ્યારે અમેરિકી સીરીયલોમાં આવાં દૃશ્યોને વધારે પડતાં વિગતે દર્શાવવામાં આવે છે. કોરિયન સીરીયલનાં સશકત કથાવસ્તુમાં જ એટલો રસ હોય છે કે તે જોતી વખતે કામુક દૃશ્યોની ખોટ ભાગ્યેજ વર્તાય.

૪. દિલધડક ઘટનાઓ: મેં એક બાબત ખાસ નોંધી છે કે ભારતીય કે અમેરિકી, કોઈ પણ સીરીયલોમાં વાર્તા સ્વાભાવિકપણે દેખાય તેવો વળાંક ભાગ્યે જ લે. રોજબરોજમાં સામાન્ય મણસ જે રીતે નિર્ણયો લે કે વર્તે, તેમ આ સીરીયલોનાં પાત્રો ભાગ્યેજ કરતાં દેખાડાય. દર્શક તરીકે, આપણને એમ જ લાગે કે, બસ, હવે તો આણે આમ જ કરવું જોઈએ. એટલું કરે તો આખી સમસ્યાનો હલ આવી જ ગયો સમજો ! કોરિયન સીરીયલોનાં પાત્રો એ રીતે (જ) વર્તતાં દેખાશે. દર્શક તરીકે તમને જક્ડી રાખે, તમારૂં કાળજું મોં સુધી લાવી રાખે,પણ છેલ્લે આપણને સંતોષ થાય કે પાત્ર સહજ તર્ક અનુસાર વર્તે છે.

૫. કોરિયન સીરીયલોમાં નારી પાત્રો : કોરિયન સીરીયલોમાં સ્ત્રી પાત્રો બહુ ઓછાં કામુક ચીતરવામાં આવે છે. જોકે, તેમનો દેખાવ અમુક ઓક્કસ ઢાળમાં જોવા મળશે. જેમકે, વિલન સ્ત્રી પાત્રોના વાળ ટુંકા હશે, આંખો તિક્ષ્ણ હશે અને તેની લુચ્ચાઈઓ બિલાડી જેવી ચપળ અને ચાલાક હશે.

૬ કેમેરા કસબ : કોરિયન કથારૂપકોની ખાસ રસપ્રદ બાબત એ છે કે તેમાં ચહેરા સિવાયના હાવભાવને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમકે, કોઈ દૃશ્યમાં એકાદ સેકંડ માટે પાત્રની મુઠ્ઠીનાં હલનચલન પર જ કેમેરા કેન્દ્રિત થાય.  

આ બધી સીરીયલો અલગ જ દર્શક વર્ગને ધ્યાનમાં રાખીને વિચારાયેલ હોય છે.

અહીં વાત આ કે પેલું સારૂં કે ખરાબ છે તે વિશે નથી. પરંતુ મારૂં માનવું છે કે જુદા જુદા દેશોના, અલગ અલગ પ્રકારના, કાર્યક્રમો જોવાથી મનોરંજન ઉપરાંત પણ આપણને ઘણું જોવા જાણવાનું મળી શકે છે. પાશ્ચાત્ય કથાવસ્તુ ઉપરાંતનાં અન્ય દેશોનાં સાહિત્ય અને કળામાં પણ ખુબ રસપ્રદ, માહિતીવર્ધક અને દૃષ્ટિકોણને વિશાળ બનાવારાં સર્જનોનો તોટો નથી. 


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે

Author: admin

1 thought on “યું કિ સોચનેવલી બાત : અમેરિકી સિટકૉમ ટીવી કાર્યક્રમોથી લઈને દીર્ઘસૂત્રીશૈલી કથાવસ્તુ ધરાવતા કોરિયન ટીવી કાર્યક્રમો સુધીની મારી સફર

  1. કોરિયન સિરિયલમાં 리치맨; RR: Richimaen- Rich Man પણ એક સુંદર સીરિઝ છે. ફેમિલી સાથે જોઈ શકાય તેવી સ્વચ્છ અને સુંદર .

Leave a Reply

Your email address will not be published.