મુક્તક- ગીત – ગ઼ઝલ

કવિ શ્રી કરસનદાસ લુહાર (જન્મ: ૧૨-૮-૧૯૪૨, રાણીવાડા, જિ. ભાવનગર) પોતાના વિશે પ્રમાણમાં ઓછું બોલનારા, પરંતુ કવિતાના પંડમાં રહીને મર્મીલું બોલનારા કવિ છે. ઉપનામ એમનું ‘નિરંકુશ’, પરંતુ કાવ્યકલાના અંકુશ બહાર જવાનું પસંદ ન કરે એવી અદબવાળા કવિ. તેમણે કેટલાંક સુંદર કાવ્યો આપ્યાં છે – મોટેરાં માણે એવાં ને બાળકો ય માણી શકે એવાં. ‘જય જવાન’ (૧૯૬૮), ‘લીલો અભાવ’ (૧૯૭૪), ‘જળકફન’ (૨૦૦૦) જેવા કાવ્યગ્રંથો તેમણે આપ્યા છે. સુંદર ગઝલ, કાવ્યો અને મુક્તકો એમના ભાથામાં છે. તેમની રચનાઓ અત્રે પ્રકાશિત કરવાની અનુમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ આનંદ અને અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.   

– રક્ષા શુક્લ અને દેવિકા ધ્રુવ. – વે.ગુ. સંપાદન સમિતિ વતી—-

સંપર્ક સૂત્રોઃ

ફોન નઃ +91 70484 32165


              (૧) મુક્તકઃ

‘મારાં સ્મરણ પ્રદેશની લિલાશ છો તમે,

ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે.

માળાની ઝંખના નથી મારા વિહંગને,
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે…’

 

રાસબિહારીભાઈના સ્વરમાં સ્વરાંકન થયેલ નીચેનું કાવ્ય પણ એટલું જ સુંદર છે.

             (૨) ગીતઃ ગીત ભરેલું ગાલ્લું દોડે

ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ રામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે.

પાનેતરમાં પાન ફફડતું, ઢોલ ઢબુકતો ઢીલો
ટોળે વળતાં વિદાયગીતો ચહેરો ઓઢી વીલો
ગીત ભરેલું ગાલ્લું દોડે.

પાદર જાતાં સૂનું બચપણ પ્રેત બનીને વળગ્યું
તળાવડીને તીરે કોઈ ધ્રુસકે ધ્રુસકે સળગ્યું
ગીત ભરેલું ગાલ્લું દોડે.

ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ રામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે.

કરસનદાસે ગઝલના સ્વરૂપની અદબ સાચવીને અહીં પોતાની વાત પ્રભાવક રીતે રજૂ કરી છે.

          (૩) ગઝલઃ થયો

જાતથી ના વેંત પણ અધ્ધર થયો,
એ રીતે હું વેંતિયો સધ્ધર થયો.

પગ ગુમાવ્યા બાદ હું પગભર થયો,
ખોઈને માણસપણું ઈશ્વર થયો.

ઝંખના એવી અમરતાની હતી,
કે પળેપળ હું સતત નશ્વર થયો.

શૌર્ય મારું હું પચાવી ના શક્યો,
હાથમાં લૈ બૉમ્બ ને શાયર થયો.

સંસ્મરણ પૂર્વજનું તાજું રાખવા,
નર મહીંથી હું કદી વા-નર થયો.

                                      – કરસનદાસ લુહાર

Author: admin

Leave a Reply

Your email address will not be published.