પ્રકૃતિરાગી કવિ વાલ્મીકિ

દર્શના ધોળકિયા.

જગતસાહિત્યના તમામ મહાકવિઓએ પ્રકૃતિને મનભરીને ચાહી છે ને ગાઈ પણ છે. હોમર જેવા ગ્રીક મહાકવિએ પણ પ્રકૃતિની વચાળે રહીને પ્રકૃતિ ને પ્રકૃતિની નિશ્રામાં પાંગરેલા માનવજીવનને વાચા આપી છે. ભારતીય સાહિત્યના મહકવિઓનાં પ્રકૃતિદર્શનમાં જીવનની અખિલાઈનો સંસ્પર્શ અનુભવાય છે. આદિ કવિ વાલ્મીકિની કવિતામાં પ્રકૃતિ જાણે પરમેશ્વર બનીને અભિવ્યક્ત થઈ છે.

‘રામાયણ’નો આરંભ જ તમસા નદીને કાંઠે સ્નાન નિમિત્તે ગયેલા કવિના વર્ણનથી થાય છે. નદીકિનારે કામક્રીડામાં રત થયેલા ક્રૌંચયુગલમાંના કોઈ એકને પારધીએ તીરેથી મારી નાખેલું જોઈને ઋષિ વાલ્મીકિ તીવ્ર માત્રામાં શોકનો અનુભવ કરે છે ને તેમના મુખમાંથી શ્ર્લોક સરકી પડે છે. જીવનનો આદર કરતા ઋષિના મુખમાંથી, જીવનના દર્શનને વ્યક્ત કરતું આ કાવ્ય પ્રકૃતિ વચ્ચે જ પ્રગટ થયું છે.

વાલ્મીકિનો પ્રકૃતિપ્રેમ આમ તો આખાય કાવ્યમાં ઠેર ઠેર-ઉપમાઓ, કલ્પનાઓ, પ્રતીકરૂપે પ્રગટતો જ રહે છે પણ કવિ ખીલે તો છે રામવનવાસ દરમ્યાન. કવિ જેટલા કવિના નાયકો પણ પ્રકૃતિના આરાધકો છે. રાજ્યથી ચ્યુત થયેલા, વનવાસની વેદના વેઠતા રામ ને લક્ષ્મણ કુદરતને ખોળે પોતાના ઘાવ વિસરી જઈને પ્રકૃતિની લીલાનું દર્શન કરીને જાણે આત્મસ્થ થયા છે.

પંચવટીમાં પર્ણકુટિ બાંધીને સ્થિર થયેલા રામ અને લક્ષ્મણ એક સમયે ગોદાવરીતટે સ્નાન કરવા ગયા છે ત્યારે નદીકિનારે પથરાયેલી હેમંત ઋતુને આવકારતાં વીતરીઈ લક્ષ્મણ પણ રોમાંચિત થયો છે. હેમંત ઋતુને વધાવતાં લક્ષ્મણ રામને જણાવે છેઃ

“આ એ હેમંતકાળ આવ્યો છે જે આપને વધારે પ્રિય છે અને જેનાથી આ શુભ વર્ષ અલંકૃત બન્યું છે.

“આ ઋતુમાં વિશેષ ઠંડી પડવાથી લોકોની ચામડી રુક્ષ બની જાય છે; પાણી ઠંડું પડવાથી પીવા યોગ્ય રહેતું નથી ને અગ્નિ વધારે પ્રિય જણાય છે.

“આ ઋતુમાં લોકોની અન્નપ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થાય છે. દૂધ વગેરે વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે તથા વિજયની ઇચ્છાવાળા રાજાઓ સમૂહ યુદ્ધયાત્રા માટે વિહાર કરે છે.

“સૂર્યદેવ આ દિવસોમાં યમસેવિત દક્ષિણદિશામાં રહેતા હોઈ ઉત્તર દિશા સિંદૂર બિંદુથી વંચિત થયેલી નારીની જેમ ઝાંખી પડે છે.

આ દિવસોમાં સૂર્યદેવ સેવન કરવા યોગ્ય હોઈ સૌભાગ્યશાળી જણાય છે અને છાંયડો તથા જળ સેવન કરવા યોગ્ય ન હોઈ, અભાગી જેવાં લાગે છે.’

‘હેમંતમાં ચંદ્રનું સૌભાગ્ય સૂર્યમાં ભળી જાય છે. ચંદ્રમંડળ હિમકિરણોથી ઘેરાઈને ધુમ્મસિયું થઈ જાય છે. આથી ચંદ્રદેવ નિઃશ્વાસથી મલિન થયેલાં દર્પણની જેમ પ્રકાશિત જનાતા નથી.

“આ દિવસોમાં પૂર્ણિમાની રાત્રિ પણ ઝાકળ બિંદુઓથી એવી મલિન દેખાય છે. જેવી રીતે વધારે તાપ લાગવાથી સીતા શ્યામ પડેલી દેખાય છે.

“ઝાકળના સ્પર્શથી જ્યાં ઘાસ થોડું થોડું ભીનું થયું છે, એવી આ વનભૂમિ નવોદિત સૂર્યના તાપનો પ્રવેશ થવાથી ભારે શોભા પામી રહી છે.

“આ જંગલી હાથી અત્યંત તરસ્યો થવાથી ઠંડા જળનો સ્પર્શ તો કરે છે પણ તેની ઠંડક અસહ્ય હોવાથી પોતાની સૂંઢને તરત સંકોડી લે છે.

“રાત્રે ઝાકળબિંદુ ને અંધકારથી ઢંકાયેલી તથા સવારે ધુમ્મસથી આચ્છાદિત થવાને લીધે આ પુષ્પહીન લતાઓ સૂતેલી જેવી જણાય છે.

“આ સમયે નદીઓ પર પણ ધુમ્મસ છવાઈ જતાં એમાં વિહરતાં સારસો માત્ર કલરવથી ઓળખાય છે.”

લક્ષ્મણે કરેલા આ હેમંતવર્ણનમાં ઋતુજ્ઞાન છે, ચિત્રાત્મકતા છે, કલ્પનાનું પ્રાચુર્ય છે ને જીવન પ્રત્યેની રતિ છે.

શબરીને મળીને પંપા સરોવરને કાંઠે આવતા રામ સીતાવિરહથી તપ્ત છે ત્યારે ચોપાસ ફેલાયેલી પ્રકૃતિ તેમને શાતા પણ આપે છે ને તેમના વિષાદને ઉદ્દીપ્ત પણ કરે છે. દુઃખથી ઘેરાયેલા રામ આસપાસનાં જીવનથી ઊખડી ગયા નથી એનું પ્રમાણ પંપાના દર્શનથી પરિપ્લાવિત થયેલા રામના લક્ષ્મણ સાથેના સંવાદથી થાય છે. લક્ષ્મણ પ્રતિ પોતાનો મનોભાવ વ્યક્ત કરતા રામ કહે છે: “જોકે હું શોકથી પીડિત છું તો પણ આ પંપા મને બહુ જ સુંદર જણાઈ રહ્યું છે…નવીન ઘાસથી ઢંકાયેલું આ સ્થળ પોતાની નીલી-પીળી આભાથી અધિક શોભા પામી રહ્યું છે. અહીં વૃક્ષોનાં અનેક પ્રકારનાં પુષ્પો ચારે બાજુ વિખરાયાં હોવાથી જાણે ગાલીચા પાથર્યાં હોય એવું લાગે છે.

“ચારે બાજુ વૃક્ષોના અગ્રભાગ ફૂલોના ભારથી લદાયેલા હોવાથી વૃક્ષો સમૃદ્ધશાળી જણાય છે. ખીલેલી લતાઓ એને ચારેબાજુથી વીંટળાઈ વળી છે.

“લક્ષ્મણ! ફૂલોથી સુશોભિત થનાર આ વનમાં રૂપને તો જો! એ(વૃક્ષો) એવી રીતે ફૂલોની વર્ષા કરી રહ્યાં છે જેવી રીતે મેઘ જળની વૃષ્ટિ કરે છે.

“વનનાં આ વિવિધ વૃક્ષો વાયુના વેગથી ઝૂમી-ઝૂમીને રમણીય શિલાઓ પર ફૂલોની વર્ષા કરી રહ્યાં છે અને અહીંની ભૂમિને ઢાંકી રહ્યા છે.

“લક્ષ્મણ! ત્યાં તો જો! જે વૃક્ષ ઉપરથી ખરી રહ્યાં છે તથા હજુ જે ડાળીઓ પર જ લાગેલાં છે એ બધાં જ ફૂલોની સાથે પવન રમત રમી રહ્યો છે.

“ફૂલોથી ભરેલી વૃક્ષોની વિભિન્ન શાખાઓને હલાવતો પવન જ્યારે આગળ વધે છે, ત્યારે પોતપોતાનાં સ્થાનથી ચલિત થયેલા ભમરાઓ જાણે તેનું યશોગાન કરતા તેની પાછળ ચાલી રહ્યા છે.

“પર્વતની ગુફાઓમાંથી ખાસ પ્રકારના ઘોષથી સૂસવતો પવન જાણે ઊંચે અવાજે ગીત ગાઈ રહ્યો છે. મદમત્ત કોકિલોનો કલનાદ વાદ્યનું કામ કરી રહ્યો છે તથા એ વાદ્યોના ધ્વનિ સાથે આ પવન ઝૂમતાં વૃક્ષોને જાણે નૃત્યોનું શિક્ષણ દઈ રહ્યો છે.

“વાયુના વેગથી હાલતાં વૃક્ષોનો અગ્રભાગ બધી બાજુથી પરસ્પર ચોંટી ગયો છે તેથી વૃક્ષો જાણે એકબીજામાં ગૂંથાઈ ગયાં હોય તેવાં જણાય છે.

“મલયચંદનનો સ્પર્શ કરીને વહેતો આ શીતળ વાયુ શરીરને સ્પર્શવાથી કેટલો સુખદ જણાય છે! તેનાથી થાક દૂર થાય છે અને સર્વત્ર પવિત્ર સુગંધ ફેલાઈ ગઈ છે.

“લક્ષ્મણ, જો! ચારે બાજુથી સુંદર ફૂલોથી ઢંકાયેલાં આ કણેર સોનાનાં આભૂષણોથી સજ્જ પીતાંબરધારી મનુષ્ય જેવાં શોભી રહ્યાં છે.

“”સુમિત્રાકુમાર! ચારે બાજુથી ખીલેલાં તથા સુંદર જણાતાં પાંદડાંરહિત પલાશ વૃક્ષોથી આ પર્વતનો અગ્રભાગ આગમાં ચાલતો હોય તેવો સુંદર જણાય છે.

“હવાના ઝોકાથી જેની ડાળીઓ હલી રહી છે, એવાં આ વૃક્ષો એટલાં નજીક આવી ગયાં છે કે હાથથી તેની ડાળીઓનો સ્પર્શ થઈ શકે. સલૂણી લતાઓ મદમત્ત સુંદરીની જેમ તેનું અનુસરણ કરી રહી છે.

“એક વૃક્ષથી બીજા વૃક્ષ પર, એક પર્વતથી બીજા પર્વત પર તથા એક વનથી બીજા વનમાં જરી આ હવા અનેક રસોના અસ્વાદથી આનંદિત થઈને વહી રહી છે.

“આ ભમરાઓ રાગથી રંગાયેલા છે અને ‘આ મધુર છે, આ સ્વાદિષ્ટ છે તથા આ વધારે ખીલેલું છે’ એવું વિચારતા ફૂલોમાં લીન થઈ ગયા છે.

“સુમુત્રાકુમાર! વસંતઋતુનાં ફૂલોનો આ વૈભવ તો જો! આ ચૈત્ર માસમાં વૃક્ષો જાણે પરસ્પર શરત લગાવીને ખીલ્યાં છે.

“લક્ષ્મણ! વૃક્ષો પોતાની ઉપરની ડાળીઓ પર ફૂલોનો મુકુટ ધારણ કરીને ભારે શોભી રહ્યાં છે તથા ભમરાઓના ગુંજારવથી એવી રીતે કલશોરસભર બન્યાં છે જાણે એકબીજાનું આહવાન કરી રહ્યાં હોય!

“ગંગા જેવું લાગતું આ પંપા સરોવર એના ગુણે કરીને સંસારમાં વિખ્યાત થયું છે એ ઉચિત જ છે.”

વનવાસના અંતિમ વર્ષમાં, સીતાના વિરહથી તપ્ત થયેલા રામ સુગ્રીવને રાજ્ય અપાવીને વર્ષાકાળ વીતાવાની રાહ જોતા માલ્યાવાન પર્વત પર લક્ષ્મણ સાથે નિવાસ કરી રહ્યા છે ત્યારે વર્ષાકાળ ને તેની વચ્ચે ખીલેલી કુદરતને વિષાદથી વચ્ચે પણ પ્રસન્નતાપૂર્વક રામે વધાવી છે.

મેઘથી સભર આકાશને જોઈને હર્ષોત્ફુલ્લ બનતા રામ લક્ષ્મણને કહે છે.

“આ આકાશરૂપી તરુણી સૂર્યના કિરણો દ્વારા સમુદ્રોનો રસ પીને કાર્તિક વગેરે નવ માસ સુધી ધારણ કરેલા ગર્ભના રૂપમાં જળરૂપી રસાયણને જન્મ આપી રહી છે.

“ આ સમયે વાદળાંરૂપી સીડી દ્વારા આકાશમાં ચડીને પર્વતમાણા અને અર્જુનપષ્પની માળાથી સૂર્યદેવને શણગારવા સરળ બને છે.

“સંધ્યાકાળની લીલી પ્રગટ થવાની વચ્ચે વચ્ચે લાલ તથા કિનારાના ભાગોમાં સફેદ દેખાતા વાદળખંડોથી આચ્છાદિત થયેલું આકાશ એવું લાગે છે જાણે તેણે પોતાના ઘાવ પર લોહીથી ખરડાયેલી સફેદ કપડાંની પટ્ટી બાંધી હોય!

મંદ-મંદ હવા નિઃશ્વાસ સમી ભાસે છે; સંધ્યાકાળની લાલી લાલ ચંદન બનીને લલાટ આદિ અંગોની અર્ચના કરી રહી છે તથા વાદળરૂપી ગાલ આછા પીળા રંગના દેખાઈ રહ્યા છે. આ રીતે આ આકાશ કામાતુર પુરુષ જેવું દેખાઈ રહ્યું છે.

“ઉનાળામાં તીવ્ર તાપથી ગયેલી આ પૃથ્વી વર્ષાકાશમાં નવીન જળથી ભીંજાઈને શોકસંતપ્ત સીતાની જેમ વરાળ છોડી રહી છે. (અશ્રુ સારી રહી છે.)

“વાદળાંના ઉદરમાંથી નીકળેલી, કપૂરની દાંડી જેવી ઠંડી તથા કેવડાની સુગંધવાળી આ હવાને જાણે અંજલિમાં ભરીને પી શકીએ તેવી એ સ્પર્શાક્ષમ જણાય છે.

“વાદળારૂપી કાળું મૃગચર્મ તથા વર્ષાની ધારારૂપી યજ્ઞોપવિત ધારણ કરેલા વાયુથી યુક્ત ગુફાવાળા આ પર્વતો બ્રહ્મચારીઓની જેમ જાણે વેદાધ્યાન કરી રહ્યા છે.

“આ વીજળી સોનાના સોટાની બનેલી જણાય છે. એની માર ખાઈને જાણે વ્યથિત થયેલું આકાશ પોતાની અંદર વ્યક્ત થયેલી મેઘગર્જનાના રૂપમાં આર્તનાદ કરી રહ્યું છે.

“વાદળાંનો લેપ લાગવાથી જેના ગ્રહ, નક્ષત્ર અને ચંદ્રમા અદ્રશ્ય થઈ ગયાં છે, જે નષ્ટપ્રાય થઈ ગઈ છે, જેના પૂર્વ-પશ્ચિમ જેવા ભેદો લુપ્ત થઈ ગયા છે એ દિશાઓ જેને પ્રેયસીનું સુખ સુલભ છે એવા કામીજનો મટી હિતકર સિદ્ધ થઈ છે.

“જેવી રીતે યુદ્ધસ્થળમાં ઊભેલા મત્ત હાથીઓ ઊંચા અવાજથી ગાજે છે તેવી રીત પર્વતરાજનાં શિખરો જેવી આકૃતિવાળાં વાદળાંઓ જોરથી ગર્જના કરી રહ્યાં છે. ચમકતી વીજળી આ વાદળાંરૂપી હાથીઓ પર પતાકાની જેમ લહેરાઈ રહી છે અને બગલાની હારમાળાની જેમ શોભી રહી છે.

“ગર્ભ ધારણ કરવા માટે વાદળાંની ઇચ્છા રાખતા આકાશમાં ઊડતી આનંદમગ્ન પક્ષીઓની હારમાળા જાણે આકાશના ગળામાં લટકતી શ્વેત કમળોની માળા જેવી લાગી રહી છે.

“નાના-નાના ઇન્દ્રગોપથી વચ્ચે-વચ્ચે ચીતરાયેલી, નવીન ઘાસથી આચ્છાદિત પૃથ્વી પોતાનાં અંગ પર પોપટી રંગવાળી ચાદ ઓઢીને સૂતેલી નારી જેવી શોભા પામી રહી છે.

“કોયલ સમાન કાળી તથા મોટાં-મોટાં રસ ભરપૂર ફળોથી લદાયેલી જાંબુના વૃક્ષની શાખાઓ એવી લાગી રહી છે જાણે ભ્રમરોનો સમુદાય એને વળગીને એનો રસ પી રહ્યો હોય!

“પર્વતીય વનોમાં વિચરતા ને પોતાના હરીફ સાથે યુદ્ધની ઇચ્છાવાળા મદમત્ત હાથીઓ રસ્તામાં ચાલતાં ચાલતાં પાછળથી મેઘગર્જના સાંભળીને હરીફ હાથીને ગર્જતો માનીને એકદમ પાછળ ફરી બેસે છે!

“કદમ્બ, અર્જુન, કમળ આદિથી સભર આ વનની ભૂમિ મીઠાં જળથી પરિપૂર્ણ થઈને મોરોના કામુક કલરવ અને નૃત્યથી જાણે મધુશાળા સમી ભાસી રહી છે.

“ભ્રમરરૂપી વીણાનો મધુર ઝંકાર થઈ રહ્યો છે; દેડકાંનો અવાજ એમાં તાલ આપી રહ્યો છે; મેઘગર્જનારૂપી મૃદંગ વાગી રહ્યું છે. આ રીતે વનમાં જાણે સંગીતોત્સવનો આરંભ થઈ રહ્યો છે.

“ગર્વીલી નદીઓ સારસોને પોતાનાં વક્ષ:સ્થળ પર બેસાડી રહી છે અને એને મર્યાદામાં રાખનાર તટને તોડી-ફોડીને નવીન પુષ્પનો ઉપહાર લઈને પોતાના સ્વામીને સમુદ્રને એ ધરાવવા માટે વેગપૂર્વક તેના પ્રત્યે ધસી રહી છે.

“ગજેન્દ્ર(હાથી) મદમત્ત બન્યા છે, ગવેન્દ્ર (બળદ) આનંદમગ્ન છે, મુગેન્દ્ર(સિંહ) પરાક્રમ પ્રગટ કરી રહ્યા છે, નગેન્દ્ર(પર્વત) રમણીય દેખાઈ રહ્યા છે, નરેન્દ્ર(રાજા) મૌન છે – યુદ્ધનો ઉત્સાદ છોડીને બેઠા છે અને સુરેન્દ્ર(ઇન્દ્ર) વાદળાં સાથે ક્રીડા કરી રહ્યા છે.

“આકાશમાં લટકેલાં આ વાદળાં પોતાની ગર્જનાથી જાણે સમુદ્રની ઉપેક્ષા કરી રહ્યાં છે.

“રતિક્રીડા દરમ્યાન અંગોના મિલનથી તૂટેલી દેવાંગનાઓની મોતીની માળા જેવી દેખતી આ જળની અનુપમ ધારાઓ બધી દિશાઓને ઘેરી વળી છે.

“પક્ષીઓ પોતાના માળામાં છૂપાઈ ગયાં છે; કમળો બિડાઈ ગયાં છે ને માલતી ખીલી ઊઠી છે તેથી જણાય છે કે સૂર્યદેવ અસ્ત થઈ ગયા છે.

“રાજાઓની યુદ્ધ-યાત્રા રોકાઈ ગઈ છે. લડવા માટે ઉપડેલી સેના પણ રસ્તાઓમાં પડાવ નાખીને પડી છે. વર્ષાના જળે રાજાઓનાં વેર ને શાન્ત કરી દીધાં છે અને માર્ગ રોકી રોકી દીધો છે. આ રીતે વેર ને માર્ગની સરખી દશા થઈ છે.”

વનવાસના દુઃખો વચ્ચે પણ રામનો જીવનપ્રેમ કેવો તો અખંડિત રહ્યો છે એની આ પ્રકૃતિવર્ણન શાખ પૂરે છે. વિરાટ ખેલાતા રાસમાં એક મનુષ્ય તરીકે રામ પોતાની વેદનાને જાણે ગૌણ માનીને ચાલ્યા છે. પમ્પા સરોવરને તટે ચૈત્રમાસની ખીલેલી વસંતને જોઈને રામ જરૂરથી ક્ષુબ્ધ થયા છે પણ પ્રકૃતિએ રામની પીડાને જેટલી ઉત્તેજી છે તેટલી જ શાંત પણ કરી દે છે. આથી જ તો, આવા માહોલની વચ્ચે જો સીતા સાથે હોય તો રામને અયોધ્યા પાછા ફરવાને બદલે વનસ્થ થવું વધારે ઉચિત જણાય છે.

રામ ને લક્ષ્મણના બહાને વાલ્મીકિએ આ પ્રકૃતિ વર્ણનમાં શૃંગાર રસનું પ્રાચુર્ય હોવા છતાં એ નાના-મોટા તમામ પ્રકારના સહૃદય ભાવકો માટે દર્શનીય બની રહ્યું છે કારણ કે એમાં ઉપભોગની આસક્ત દ્રષ્ટિ નહીં પણ નરી સૌંદર્યનિષ્ઠા છે. જીવનની ક્ષણે ક્ષણમાં સૌંદર્ય જોતાં ઋષિનું દર્શન એમાં ભરેલું છે ને એના ઉદાત્ત નાયકની પાત્રતાનો આધાર એમાં સાંપડ્યો છે. જોઈ શકાય છે કે આ આખુંય સૌંદર્ય એક પુરુષને જ સૂઝે એવી કલ્પનાઓથી મંડિત હોવા છતાં કૃતિની પ્રશિષ્ટતાને સહેજ પણ આંચ આવતી નથી.

વિશ્વનાં મહાકાવ્યોની સરખામણીમાં પણ વાલ્મીકિની પ્રકૃતિને આલેખવાની શક્તિ શ્રેષ્ઠતમ ગણાવાઈ છે એના મૂળમાં કૌંચવધથી ઝંકૃત થયીલી એમની જગત પ્રત્યેની સમસંવેદબા પડેલી છે. પ્રકૃતિ વાલ્મીકિ માટે આલેખ્ય વિષય ન રહેતાં જીવનના વિશાળ સ્વરૂપને સમજવાનું એક તત્વ પણ છે. ને તેમાં ભળી છે એમ મહાકવિની હેસિયત. આથી વાલ્મીકિએ જોયેલી પ્રકૃતિનું રૂપ જ બદલાઈ જાય છે.

મહાન ગ્રીક ચિંતક પ્લેટોએ કવિને નગરબહાર રહેવાનું ફરમાન કરેલું, કેમ કે પ્લેટોને મતે કવિ જીવનની નકલ કરતી કવિતાનો રચયિતા હતો. પણ પ્લેટોના જ શિષ્ય એરિસ્ટોટલે ગુરુનાં વિધાનને નકારીને આગળ ડગલું માંડતાં જણાવ્યું તેમ, કવિતા એ જીવનની નકલ નહીં પણ વાસ્તવના તથ્યનું કાવ્યના સત્વમાં થતું રૂપાંતરણ હોઈ, એ કવિનું અનુસર્જન બનતી હોય છે. આથી જ તો ભારતીય આચાર્યોએ પણ કવિને “બ્રહ્મા” કહીને તેની અનોખી સર્જનશક્તિને દાદ આપી છે.

આખીય કૃતિમાં વાલ્મીકિએ કરેલું પ્રકૃતિનું મહિમાગાન તેમનાં ઋષિત્વની છડી પોકારતું, તેમની કવિતાને અનોખી ઠેરવતું ને તેના નાયકને જીવન સમગ્રની સ્વીકૃતિ કરતા સાંગોપાંગ નાયક ઠેરવતું બનીને આજે પણ કવિના મહિમાની વૃદ્ધિ કરતું રહ્યું છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.